બ્રુન્ડેજ એવરી (જ. 28 સપ્ટેમ્બર 1887, ડેટ્રૉઇટ, અમેરિકા; અ. 5 મે 1975, જર્મની) : અમેરિકાના રમતવીર અને ઓલિમ્પિક રમતોત્સવના ભૂતપૂર્વ પ્રમુખ. ખેલકૂદની ડેકૅથ્લોન અને પેન્ટાથ્લોન સ્પર્ધાના આ કુશળ ખેલાડીએ 1912માં સ્વીડનના સ્ટૉકહૉમ ખાતે ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો; ખેલકૂદ-જગતમાં એવરી બ્રુન્ડેજ વ્યવસ્થાપક, સંચાલક અને રમતગમત વિશેના એમના ખ્યાલોથી વધુ જાણીતા બન્યા. તેઓ માનતા હતા કે આ રમતોત્સવમાં માત્ર બિનધંધાદારી ખેલાડીઓએ જ ભાગ લેવો જોઈએ. જો વ્યવસાયી ખેલાડીઓને આમાં ભાગ લેવા દેવામાં આવે તો આ સ્પર્ધામાંથી ખેલદિલી વિદાય પામશે અને ઓલિમ્પિકના આદર્શોનો ભંગ થશે. 1946થી 1952 સુધી ઇન્ટરનૅશનલ ઓલિમ્પિક કમિટીના ઉપપ્રમુખ તરીકે અને 1952થી 1972 સુધી પ્રમુખ તરીકે તેમણે કામગીરી બજાવી. 1972માં મ્યૂનિક ઓલિમ્પિકમાં અગિયાર ઇઝરાયલી ખેલાડીઓની હત્યાનો અતિ કરુણ બનાવ બન્યો ત્યારે એમણે ઓલિમ્પિક સમિતિના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું.
પ્રભુદયાલ શર્મા