બ્રુક, રુપર્ટ (જ. 3 ઑગસ્ટ 1887, વૉર્વિકશાયર, ઇંગ્લંડ; અ. 23 એપ્રિલ 1915, સ્કાયરોસગ્રીસ) : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડના કવિ-દેશભક્ત. વીસમી સદીના આરંભમાં અંગ્રેજી સાહિત્યમાં અલ્પજીવી નીવડેલી જ્યૉર્જિયન કવિતાના પ્રતિનિધિ કવિ. રગ્બીની એક શાળાના શિક્ષકનો પુત્ર. ઉચ્ચ અભ્યાસ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં. અભ્યાસકાળ દરમિયાન વિદ્વાન તરીકેની ખ્યાતિ પામનાર આ કવિ અત્યંત સોહામણો અને રોમૅન્ટિક સ્વભાવનો હતો. તેમનું આ વ્યક્તિત્વ તેમની કિશોરાવસ્થા દરમિયાનનાં કાવ્યોમાં જોવા મળે છે. આ કાવ્યોમાં અત્યંત શૃંગારાત્મકતાથી માંડીને કટુતા સુધી પહોંચતી રચનાઓ છે. એ યુગના અન્ય યુવાન કવિઓની જેમ તેમણે વિક્ટોરિયનવાદ સામે જાણે જેહાદ પોકારી હતી. સૌંદર્યને વરેલા અને વિક્ટોરિયન લાગણીવેડા તરફ શંકાની નજરે જોતા આ કવિઓ ‘જીવનના સત્ય’ને કે ‘વાસ્તવિકતા’ને પામવા મથતા હતા. આ જેહાદનો હેતુ સાદી પણ જુસ્સાદાર કવિતા સર્જવાનો હતો, જેમાં શબ્દાડંબર વગરની અને કૃતિમાં નિરૂપિત થતી ઘટનાઓને યોગ્ય શૈલી હોય.
તેમનાં, 1911માં પ્રસિદ્ધ થયેલાં કાવ્યો ‘પોએમ્સ’ વિવેચકોને અત્યંત ‘રુક્ષ’ લાગેલાં. બ્રુક અને તેમના મિત્ર એડ્વર્ડ માર્શ – બંનેએ નવા કવિઓની કવિતાનો સંગ્રહ પ્રસિદ્ધ કરવાનું વિચાર્યું, જેથી આવી કવિતાનો નવો વાચકવર્ગ ઊભો થાય. આ સંગ્રહ માટે વૉલ્ટર દ લા મૅર, જૉન મૅસફિલ્ડ, ડી. એચ. લૉરેન્સ જેવા કવિઓએ પોતાની કૃતિઓ મોકલી અને ‘જ્યૉર્જિયન પોએટ્રી’ નામનો ગ્રંથ 1922માં પ્રકાશિત થયો. બ્રુકના નેતૃત્વ નીચે ‘જ્યૉર્જિયન પોએટ્રી’ કાવ્યજગતમાં જાણે એક વાદ બની ગઈ; પણ 1915માં ‘જ્યૉર્જિયન પોએટ્રી’ના બીજા ગ્રંથનું પ્રકાશન થાય તે પહેલાં બ્રુકનું નિધન થઈ ગયું. તેમના અવસાને આગલે દિવસે યુદ્ધભૂમિમાં લખાયેલું ‘ધ સોલ્જર’ સોનેટ દેશાભિમાનનું અપૂર્વ કાવ્ય છે.
તેમને થોડાંક વર્ષોની રઝળપાટને અંતે જીવન નીરસ, જર્જરિત, ઉષ્માહીન અને કંટાળાજનક ભાસતું હતું. 1914ના બીજા વિશ્વયુદ્ધની ઘોષણાને અન્ય યુવાન આદર્શવાદી સમકાલીનોની જેમ ઉત્સાહપૂર્ણ રીતે તેમણે આવકારી હતી. અવસાન-સમયે તે સક્રિય સેવામાં નહોતા. 23 એપ્રિલ 1915ના દિવસે ઍજિયન સમુદ્રમાં સ્કાયરૉસ ખાતે બ્લડ પૉઇઝનિંગથી તેમનું અવસાન થયેલું મનાય છે. તે સમયે કવિ તરીકેની અનેક રાજકારણીઓ, આમજનતા અને સમકાલીન કવિઓએ બ્રુકને આર્દ્ર અંજલિઓ અર્પી હતી.
તેમનાં કાવ્યો ક્રાંતિકારી હોવાની ખ્યાતિ તેમના જમાનામાં ભલે પામ્યાં હોય, પણ ઝીણવટથી જોતાં આરંભના રોમૅન્ટિક કવિઓની શૈલીનો ઉદ્રેક તેમાં દેખાય છે. ઊર્મિની ચોટદાર, સરળ અભિવ્યક્તિ એ તેનાં કાવ્યોની વિશેષતા છે. ક્યારેક તેમના ‘ધ ગ્રેટ લવર’માં દેખાય છે તેમ, સામાન્ય બનાવનું આલંકારિક અને અતિશયોક્તિભર્યું વર્ણન પણ તેમની કાવ્યશૈલીની લાક્ષણિકતા છે. બહુધા જ્યૉર્જિયન કવિતાની જેમ તેમની કવિતામાં અંગ્રેજ ગ્રામીણ પ્રદેશ પ્રત્યેનો તેમનો અનુરાગ નજરે પડે છે; સાથે જ ચિંતનનો ભાવ પણ પ્રગટે છે તથા તીવ્ર સંવેદનાથી માણેલા ભૌતિક સુખ પ્રત્યેની નિર્ભ્રાન્તિનું તત્વ પણ એમાં ભળેલું જોવા મળે છે. તેમણે બચપણમાં જોયેલ રમતનાં મેદાન અને બગીચાઓ કરતાં દેખીતી રીતે જ ઓછા સુઘડ અને અવ્યવસ્થિત જગતમાં સ્થિરતા, શાંતિ અને સપ્રમાણતાની ઝંખના તેમનાં કાવ્યોમાં વ્યક્ત થાય છે. સમકાલીન ચાહકોએ તેમના જીવન અને કવન ઉપર, તેમની શક્તિઓને અનુલક્ષીને અંજલિ આપતાં લખાણો પ્રસિદ્ધ કર્યાં હતાં. તેમાંયે તેમના મિત્ર એડ્વર્ડ માર્શનું ‘રુપર્ટ બ્રુક : અ મેમોઇર’ (1918) નોંધપાત્ર છે. ‘ધ સ્ટ્રેન્જ ડેસ્ટિની ઑવ્ રુપર્ટ બ્રુક’ (1981) જ્હૉન લ્હેમેને લખેલું કવિનું જીવનચરિત્ર છે.
પંકજ જ. સોની