બ્રુક્સ પર્વતમાળા : યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં આવેલી રૉકીઝ પર્વતમાળાનું ઉત્તર અલાસ્કામાં ઉત્તરતરફી વિસ્તરણ. તે દક્ષિણ તરફની અલાસ્કા હારમાળા તથા અગ્નિ તરફની મેકેન્ઝી પર્વતોને યુકોન અને પોર્ક્યુપાઇન નદીરચનાઓના નીચાણવાળા ભૂમિભાગ દ્વારા અલગ પાડે છે. બ્રુક્સ હારમાળા અલાસ્કાની આરપાર ચુકચી સમુદ્રથી કૅનેડાની યુકોન સરહદ સુધીની 965 કિમી. જેટલી લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ તરફ વિસ્તરેલી છે તથા વધુમાં વધુ 128 કિમી.ની પહોળાઈ ધરાવે છે. તેનાં શિખરો પશ્ચિમ ભાગમાં 900 મીટરની ઊંચાઈથી માંડીને મધ્યમાં તેમજ પૂર્વ તરફ આશરે 2,700 મીટરની ઊંચાઈવાળાં છે. કૅનેડાની સરહદ નજીકનું માઉન્ટ ઇત્સો 2,816 મીટરની ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ શિખર છે. આ હારમાળા યુકોન નદીના જળપરિવાહ-થાળા અને આર્ક્ટિક મહાસાગર વચ્ચે જળવિભાજક રચે છે. પર્વતમાળાની મધ્યમાં આવેલો 660 મીટરની ઊંચાઈ પર આવેલો અનાકતુવુક (Anaktuvuk) ઘાટ યુકોનના નીચાણવાળા ભાગોમાંથી બીજી બાજુ જવા માટેનો મુખ્ય પ્રવેશમાર્ગ બની રહેલો છે. કૅનેડાની પીલ નદીથી અગ્નિ તરફ 400 કિમી. અંતરે આવેલા અહીંના ‘બ્રિટિશ’ તેમજ રિચાર્ડસન પર્વતોને પણ કેટલાક ભૂપૃષ્ઠશાસ્ત્રીઓ બ્રુક્સ પર્વતમાળાના ભાગ ગણે છે.
આ પર્વતમાળાનું નામ ‘બ્રુક્સ પર્વતમાળા’ ભૂસ્તરશાસ્ત્રી આલ્ફ્રેડ એચ. બ્રુક્સના નામ પરથી પડેલું છે. ભૌગોલિક સ્થાનના સંદર્ભમાં તે ઉત્તર ધ્રુવવૃત્તની અંદર તરફ આવી જાય છે. આ કારણે અહીં વૃક્ષોનો અભાવ છે. આ પર્વતમાળાની ઉત્તર તરફ પ્રુધો ઉપસાગર ખાતે ખનિજતેલનો વિશાળ ભંડાર શોધી કાઢવામાં આવેલો છે. વળી ઍટિગન (Atigun) ઘાટ ખાતે આ પર્વતમાળામાંથી ટ્રાન્સ અલાસ્કન પાઇપ-લાઇન પસાર થાય છે, જે દક્ષિણ અલાસ્કાના વૅલ્ડીઝ (valdez)ના અંતિમ સ્થળ સુધી આરપાર જાય છે. અહીં નુનામીટ ઍસ્કિમોની જૂજ વસ્તી જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા