બ્રિસ્બેન : પૂર્વ ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યનું પાટનગર તથા મહત્વનું વ્યાપારી મથક. તે ઑસ્ટ્રેલિયા ખંડનું ત્રીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર છે. ભૌગોલિક સ્થાન : 27° 28´ દ. અ. અને 153° 02´ પૂ. રે. શહેર તથા અહીંથી વહેતી નદીનું નામ એક જ છે, જે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય(ક્વીન્સલૅન્ડ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સનો એક ભાગ હતું.)ના તત્કાલીન ગવર્નર સર ટૉમસ બ્રિસ્બેનના નામ પરથી પડેલું છે.

બ્રિસ્બેન નગરનો ગગનચુંબી ઇમારતો અને વ્યાપારી ભવનોથી વિકસિત હાર્દભાગ

આબોહવા : બ્રિસ્બેન મકરવૃત્તની દક્ષિણે દરિયાકિનારે આવેલું હોવાથી તે ભેજવાળી, ઉપઅયનવૃત્તીય ખુશનુમા આબોહવા ધરાવે છે. અહીં તાપમાનના કોઈ વિષમ સંજોગો ઉદભવતા નથી, તાપમાનની વાર્ષિક સરેરાશ 20° સે. જેટલી રહે છે. જાન્યુઆરી (ઉનાળા)નું તાપમાન 25° સે. અને જુલાઈ(શિયાળા)નું 16° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 1,100 મિમી. પડે છે. ઉનાળામાં ભારે વરસાદ પડે છે. ફેબ્રુઆરીમાં વધુમાં વધુ વરસાદ પડી જાય છે, ઑગસ્ટ સૂકો રહે છે.

ખેતી અને પ્રાણીઓ : બ્રિસ્બેન નદી-વિસ્તારની આજુબાજુના વિભાગોમાં અમુક પ્રમાણમાં ઘઉં, મકાઈ,  શાકભાજી, પાઇનેપલ, સ્ટ્રૉબરી તથા પપૈયાંનું વાવેતર થાય છે. અહીં ઢોર, ઘેટાં,  ઘોડા અને ભુંડ જેવાં પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે. તેમાંથી મળતી ડેરીની પેદાશો તથા ઊનનો નિકાસ કરવામાં આવે છે.

શહેર : ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિકોણમાં દક્ષિણ પૅસિફિક મહાસાગરને કિનારે આવેલું આ શહેર બ્રિસ્બેન નદીને બંને કાંઠે ઓછી ઊંચાઈવાળી શ્રેણીબંધ ટેકરીઓ પર તથા તેમના ઢોળાવ-સોપાનો પર વસેલું છે. સર્પાકાર વળાંકોવાળી બ્રિસ્બેન નદી શહેરના મધ્યભાગમાંથી પસાર થઈ પૂર્વ તરફ મોરેટન ઉપસાગરને મળે છે. નદીમુખથી તે 24 કિમી.ને અંતરે આવેલું છે. કિનારાથી દૂર મોરેટન ટાપુઓ મોરેટન ઉપસાગરને પૅસિફિકથી અલગ પાડે છે. ઑસ્ટ્રેલિયાના અગ્નિ કિનારે આવેલું સિડની અહીંથી દક્ષિણ તરફ 804 કિમી.ને અંતરે છે.

શહેરનો કુલ વિસ્તાર 975 ચોકિમી. જેટલો છે અને વસ્તી 14,21,600 જેટલી છે (1993). મહાનગરની આ વસ્તીમાં ઈશાન તરફ તથા નૈર્ઋત્ય તરફ આવેલાં રેડક્લિફ અને ઇપ્સવીચ નગરોનો પણ સમાવેશ થઈ જાય છે. આમ બ્રિસ્બેન તેના શહેરી વ્યાપ માટે જાણીતું બન્યું છે. શહેરી બાંધકામનો વિસ્તાર ઉત્તરના પેટ્રી અને રેડક્લિફથી માંડીને દક્ષિણના બીનલે સુધીના 60 કિમી. જેટલા અંતરમાં પથરાયેલો છે. પૂર્વમાં તેનો પરાવિસ્તાર મોરેટન ઉપસાગરના કાંઠા સુધી લંબાયેલો છે, જ્યારે પશ્ચિમ તરફ તે ટેલર હારમાળાના પર્વતીય અવરોધને કારણે સીમિત બની રહ્યું છે. નૈર્ઋત્યમાં આવેલું ઇપ્સવીચ નગર, જે અગાઉ તેનાથી 30 કિમી. અંતરે અલગ હતું, તે પણ આ મહાનગરમાં હવે ભળી ગયું છે.

બ્રિસ્બેન ઑસ્ટ્રેલિયાનું ખૂબ જ વ્યસ્ત રહેતું નદી-બંદર ગણાય છે. તે ઉત્પાદકીય ચીજવસ્તુઓનું વ્યાપારી મથક પણ છે. અહીંના વિવિધ ઉદ્યોગોમાં ખાદ્યપ્રક્રમણથી માંડીને કાપડ-ઉત્પાદન સુધીનો સમાવેશ થઈ જાય છે. બ્રિસ્બેનનો વ્યાપારી ગણાતો મધ્યવર્તી વિસ્તાર બે વિભાગોમાં વહેંચાયેલો છે : મોટો વિભાગ જે વાસ્તવમાં ‘શહેર’ નામથી ઓળખાય છે તે બ્રિસ્બેન નદીનો વિશાળ વળાંકવાળો દ્વીપકલ્પીય વિસ્તાર રચે છે. તેમાં કાર્યાલયો માટેની બહુમાળી ઇમારતો, મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, વિશિષ્ટ સામગ્રીની દુકાનો, બકો, વીમાકંપનીની કચેરીઓ, થિયેટરો અને મનોરંજન-કેન્દ્રો આવેલાં છે. બીજો પ્રમાણમાં નાનો વિભાગ ફૉર્ટિટ્યુડ વેલી નામથી જાણીતો બનેલો છે, તે જથ્થાબંધ વ્યાપારી વિભાગ ગણાય છે. 1980–90 દરમિયાન બંધાયેલું ચાઇનાટાઉન આ વિભાગનું મુખ્ય ભૂમિલક્ષણ બની રહેલું છે. આ બે વ્યાપારી વિભાગોની આજુબાજુ જૂનાં પરાં આવેલાં છે. શાળાઓ અને કૉલેજો, દુકાનો અને વ્યાપારી સંકુલો સહિત મુખ્ય નિવાસી વિસ્તાર અહીં આવેલો છે. 1960 પછી વિસ્તરેલાં બાહ્ય પરાં તેમજ મોટા ઉદ્યોગોનો વિકાસ થયો છે. નવા આવાસો પણ બંધાતા જાય છે.

ઇમારતો : આધુનિક ઢબની ગગનચુંબી ઇમારતો પ્રમાણમાં વધુ હોવા છતાં લાકડાં કે ઈંટોથી બાંધેલાં, નળિયાં કે પતરાનાં છાપરાંવાળાં જૂના નિવાસી મકાનો પણ હજી જોવા મળે છે. આ શહેરમાં ‘વિકહૅમ ટેરેસ’ પરની પવનચક્કી ઉપરાંત ન્યૂસ્ટેડ હાઉસ, વૉલસ્ટન હાઉસ, ઑર્મિસ્ટન હાઉસ જેવાં પથ્થરનાં જૂનાં મકાનો પણ જાળવી રખાયાં છે. દક્ષિણ બ્રિસ્બેનમાં નદીના દક્ષિણ કાંઠે સંસ્કૃતિ-કેન્દ્ર, સંગ્રહસ્થાન અને કલા ગૅલરીઓ ધરાવતી સુંદર અર્વાચીન ઇમારતો છે.

શિક્ષણ-સંસ્કૃતિ : અહીં 15 વર્ષની વયનાં બાળકો માટે રોમન કેથલિક તથા અન્ય ધર્મપંથી દેવળો તરફથી ચલાવાતું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક તથા ફરજિયાત છે. કેટલીક ખાનગી તકનીકી શાળાઓ પણ છે. બ્રિસ્બેનમાં 1909માં સેન્ટ લુસિયા ખાતે સ્થપાયેલી ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટી તથા 1972માં નાથાન ખાતે સ્થપાયેલી ગ્રિફિથ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ પૂરું પાડે છે. ક્વીન્સલૅન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી તેમજ અન્ય સાત કૉલેજો તકનીકી શિક્ષણ આપે છે. આ ઉપરાંત બ્રિસ્બેન કૉલેજ ઑવ્ એડ્વાન્સ્ડ એજ્યુકેશનની શાખાઓ પણ કેલ્વિન ગ્રોવ, માઉન્ટ ગ્રેવટ, કાર્સેલર્ડિન અને કેડ્રોન ખાતે આવેલી છે.

બ્રિસ્બેન ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મનોરંજન માટેનાં પણ ઘણાં સ્થળો છે. મનોરંજન માટે અહીં ક્વીન્સલૅન્ડ સિમ્ફની, ક્વીન્સલૅન્ડ થિયેટર, ક્વીન્સલૅન્ડ ઑપેરા તથા ક્વીન્સલૅન્ડ બૅલે નામની કંપનીઓ આવેલી છે. મહોત્સવો અને મહેફિલો એન્ટરટેઇન્મેન્ટ સેન્ટર અને ફેસ્ટિવલ હૉલ ખાતે યોજાય છે. દર વર્ષે શહેરમાં કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં આયોજનો પણ થાય છે. ક્વીન્સલૅન્ડનું સંગ્રહસ્થાન બ્રિસ્બેનનું મુખ્ય સંગ્રહાલય છે, જ્યારે કલાદર્શક નમૂનાઓ માટે સ્ટેટ આર્ટ ગૅલેરી પણ છે. આ ઉપરાંત નાનાં સંગ્રહસ્થાનોમાં ન્યૂસ્ટેડ હાઉસ ખાતેનો, ઐતિહાસિક સંગ્રહનો રેડબૅંક ખાતેના રેલ-સંગ્રહાલયનો અને ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટી ખાતેના નૃવંશશાસ્ત્રીય સંગ્રહાલયનો સમાવેશ કરી શકાય. વિલિયમ સ્ટ્રીટ ખાતે આવેલી ‘સ્ટેટ પબ્લિક લાઇબ્રેરી’ બ્રિસ્બેનનું સંદર્ભ-પુસ્તકાલય ગણાય છે. તેની સાથે ઑસ્ટ્રેલિયાની માહિતી ધરાવતી જ્હૉન ઑક્સલે મેમૉરિયલ લાઇબ્રેરી પણ છે.

બ્રિસ્બેનમાં 4,700 હેક્ટરથી વધુ ભૂમિ આવરી લેતો ઉદ્યાન પણ છે, તેમાં ઓલ્ડ બૉટાનિકલ ગાર્ડન, આલ્બર્ટ પાર્ક, ન્યૂ ફાર્મ પાર્ક અને બ્રિસ્બેન ફૉરેસ્ટ પાર્કનો સમાવેશ થાય છે. અહીં રમતગમતના આયોજન માટે ક્રિકેટનાં, ટેનિસનાં અને ફૂટબૉલનાં મેદાનો, સ્વિમિંગ પુલો તથા બે રેસકોર્સની સુવિધા પણ છે.

લોકો : બ્રિસ્બેનની કુલ વસ્તીના 85 % લોકો મૂળ ઑસ્ટ્રેલિયાના નિવાસીઓ છે, જોકે વાસ્તવમાં તો તેઓ બ્રિટિશ કે આયરિશ વંશના છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સ્થળાંતર કરીને પરદેશી લોકો આવીને વસ્યા છે. અન્ય જાતિસમૂહોમાં જર્મનો, ઇટાલિયનો, ડચ અને ગ્રીકો છે. એશિયા અને પાપુઆ ન્યૂ ગીનીમાંથી દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પણ આવે છે.

અર્થતંત્ર : શ્રમકાર્યમાં રોકાયેલા કુલ 5 લાખ લોકો પૈકી આશરે 80,000 જથ્થાબંધ–છૂટક વેપારમાં; આશરે 72,000 ઉત્પાદકીય એકમોમાં; આશરે 30,000 બાંધકામમાં; આશરે 25,000 જાહેર વહીવટ તથા સંરક્ષણખાતામાં; આશરે 6,000 ખેતીમાં; આશરે 1,000 ખાણોમાં તેમજ અન્ય પરિવહનમાં, નાણાખાતામાં, મનોરંજનમાં અને સમાજસેવામાં છે.

ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિકોણી વિસ્તારમાં ઉત્પન્ન થતા કાચા માલ પર અહીં પ્રક્રિયા થાય છે. નદીકિનારા નજીક આવેલા મુખ્ય ઉદ્યોગોમાં ખાંડ, માંસપ્રક્રમણ, કૃત્રિમ ખાતરનાં કારખાનાં તથા ખનિજ તેલનાં બે કારખાનાં (રિફાઇનરી) આવેલાં છે. આ ઉપરાંત અન્ય ઉદ્યોગોમાં કાગળની મિલ, છૂટક ભાગો બેસાડી તૈયાર કરાતી મોટરગાડીના, ફળોના ડબા તૈયાર કરવાના, ખાદ્યપ્રક્રમણના, સિરેમિક પાઇપોના, પોશાકના અને પોલાદ-માળખાંના એકમો, સાદા અને ભારે ઇજનેરીના એકમો તથા વર્કશૉપ, પ્લાયવુડ–વિનિયરની મિલો અને ઈંટોના ભઠ્ઠાઓનો સમાવેશ થાય છે.

જળ અને વીજળી-પુરવઠો : શહેર નજીકની ટેકરીઓ પર જળપુરવઠા માટે સિમેન્ટ-કૉંક્રિટના જળભંડારો બનાવેલા છે. 50 કિમી. દૂર બ્રિસ્બેન નદીમાંથી પણ જરૂરિયાત મુજબ પાણી મેળવાય છે. એસ્ક નજીક બ્રિસ્બેન નદી પર જળ-ઉપલબ્ધિ માટે 1.15 અબજ ઘનમીટર જળસંગ્રહ-ક્ષમતા ધરાવતો વિવેનહો બંધ આવેલો છે. વધારાનો જળપુરવઠો સમરસેટ અને નૉર્થપાઇન બંધોમાંથી પણ મેળવાય છે. માન્ચેસ્ટર સરોવર, ગોલ્ડ ક્રીક જળસંચય અને એનોગેરા જળસંચય પણ વધારાના સ્રોત છે.

સાઉથ ઈસ્ટ ક્વીન્સલૅન્ડ ઇલેક્ટ્રિસિટી બૉર્ડ બ્રિસ્બેન ઉપરાંત ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિકોણી વિસ્તારને પણ વીજપુરવઠો આપે છે. અહીં મોટાભાગનું વીજઉત્પાદન કોલસા-આધારિત તાપવિદ્યુતમથકો દ્વારા થાય છે.

પરિવહન-સંદેશાવ્યવહાર : મહાનગરના લોકોની અવરજવર માટે ડીઝલ બસસેવા તથા નદીમાં ફેરીસેવાની સગવડ છે. પરાંઓને જોડતી વિદ્યુતવાહી સ્થાનિક રેલસેવા પણ છે. બ્રિસ્બેનથી અન્યત્ર જવા માટે બે મુખ્ય રેલમાર્ગોની સુવિધા છે. આંતરરાજ્ય રાત્રિ રેલસેવા દ્વારા સિડની સુધી જઈ શકાય છે. બ્રિસ્બેનમાં હવાઈ મથક છે. દક્ષિણનાં રાજ્યોનાં પાટનગરોને જોડતી જેટ  હવાઈ સેવા તથા ન્યૂઝીલૅન્ડ અને એશિયાઈ શહેરોને જોડતી ડાર્વિન થઈને જતી હવાઈ સેવાની સુવિધા પણ છે. 1970–80ના દસકા દરમિયાન અહીં ફિશરમૅન ટાપુઓ પર નવું બંદર બાંધ્યું છે, તે મોટાં માલવાહક જહાજોની હેરફેર માટે સગવડ પૂરી પાડે છે.

બ્રિસ્બેનમાં ત્રણ દૈનિક સમાચારપત્રો અને બે રવિવારીય પત્રો બહાર પડે છે. શહેરમાં સાત AM અને બે FM રેડિયો-મથકો તથા પાંચ ટેલિવિઝન-ચૅનલોની સુવિધા છે.

વહીવટ : ઑસ્ટ્રેલિયાનાં અન્ય રાજ્યોનાં પાટનગરોથી તદ્દન જુદી પડતી વહીવટી વ્યવસ્થા બ્રિસ્બેનમાં અસ્તિત્વ ધરાવે છે. દુનિયાભરમાં મ્યુનિસિપલ-શાસિત એવું આ એકમાત્ર શહેર છે. બ્રિસ્બેનનો મધ્યસ્થ વિભાગ બ્રિસ્બેન સિટી કાઉન્સિલના વહીવટ હેઠળ છે. 1925માં 20 સ્થાનિક સત્તાધારી વિભાગોનું વિલીનીકરણ કરીને એક વહીવટી એકમ રચ્યો છે. શહેરને જુદા જુદા મતવિસ્તારો(wards)માં વહેંચી દીધેલું છે. દરેક વિસ્તાર એક પ્રતિનિધિ ચૂંટી મોકલે છે. દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે. મેયરની પણ ચૂંટણી થાય છે.

ઇતિહાસ : ક્વીન્સલૅન્ડ રાજ્ય 1859 અગાઉ ન્યૂ સાઉથ વેલ્સનો એક ભાગ હતું. 1821માં સર ટૉમસ બ્રિસ્બેન ન્યૂ સાઉથ વેલ્સનો ગવર્નર હતો. 1823માં તેણે સર્વેયર જનરલ જૉન ઑક્સલેને મોરેટન ઉપસાગરના સર્વેક્ષણની કામગીરી સોંપેલી. તેણે અહીં રીઢા ગુનેગારોને સજા કરવાના હેતુથી વસાવવાયોગ્ય સ્થળ શોધી કાઢ્યું અને 1824માં આજના રેડક્લિફ ખાતે ગુનેગારો માટેની એક વસાહત સ્થાપી, પરંતુ માત્ર બે જ મહિનામાં તેને આજના બ્રિસ્બેન ખાતે ખસેડવામાં આવી. ત્યારે અહીંના 80 કિમી. આજુબાજુના વિસ્તારમાં અન્ય કોઈ મુક્ત વસાહતીઓને વસવાટ માટે મંજૂરી અપાતી ન હતી. 1827–28માં કૅપ્ટન કમાન્ડન્ટ લોગન અને વનસ્પતિવિદ્ એલન કનિંગહામ અહીંનો બધો જ વિસ્તાર ખૂંદી વળેલા, ત્યારે ઇપ્સવીચ ખાતે આવેલા ‘લાઇમસ્ટોન હિલ્સ’ ખાતેથી ચૂનાખડકો અને કોલસો શોધી કાઢવામાં આવેલા. 1824 પછીના 15 વર્ષના ગાળા બાદ 1839માં અહીંથી ગુનેગારોને લઈ જવાયા અને મુક્ત વસવાટ માટે આ વિસ્તાર ખુલ્લો મુકાયો. વસાહતીઓ આવતા ગયા. 1840માં અહીં નગરરચના માટે મોજણી થઈ, શેરીમાર્ગોની યોજના પણ વિચારાઈ. 1850 સુધીમાં તો આજનાં ક્લીવલૅન્ડ અને ઇપ્સવીચ મુખ્ય નગરો બની રહ્યાં. 1859માં ક્વીન્સલૅન્ડનું અલગ રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સથી જુદું પડ્યું અને બ્રિસ્બેનને પાટનગર બનાવાયું. સર જ્યૉર્જ બૉવેન અહીંનો પ્રથમ ગવર્નર બન્યો. 1864માં બ્રિસ્બેનનો મોટોભાગ આગથી તારાજ થઈ ગયેલો. 1865માં અહીંથી ગ્રાન્ડ ચેસ્ટર સુધીનો રેલમાર્ગ નંખાયો, 1876માં બ્રિસ્બેનઇપ્સવીચ વચ્ચે રેલમાર્ગ ખુલ્લો મુકાયો. બ્રિસ્બેન નદી પર રેલ-પુલ બંધાયો. 1880 સુધીમાં બ્રિસ્બેનની વસ્તી 40,000 જેટલી થઈ ગઈ હતી. 1893માં અહીં ઘોડાઓથી ચાલતી ટ્રામોની જગાએ વિદ્યુતવાહી ટ્રામોએ સ્થાન લીધું. એ જ વર્ષે રેલપુલ તથા બીજો વિક્ટોરિયા પુલ પૂરને કારણે તારાજ થયા, તેથી ઇપ્સવીચ જતી રેલસેવાઓ 1895 સુધી બંધ રહેલી. 1940માં બ્રિસ્બેનનો આજે ભવ્ય ગણાતો ‘સ્ટોરી બ્રિજ’ બંધાયો. બીજા વિશ્વયુદ્ધના થોડાક ગાળા માટે બ્રિસ્બેનને પૅસિફિક પ્રદેશ પૂરતું લશ્કરી દળોનું મથક બનાવેલું ત્યારે અહીંનાં કેટલાંક સ્થળો લશ્કરી બૅરેક તથા તાલીમી-કેન્દ્રો માટે ઉપયોગમાં લેવાયેલાં. 1974ના જાન્યુઆરીમાં નદીમાં ભયંકર પૂર આવેલું, પૉર્ટઑફિસ-નોંધણીમથક ખાતે 6.6 મીટર ઊંચાઈ સુધી પાણી ચઢેલાં અને નજીકનાં લગભગ 14,000 જેટલાં મકાનો પર પૂરનાં પાણી ફરી વળેલાં. 1982માં બ્રિસ્બેન કૉમનવેલ્થ રમતગમત ઉત્સવનું યજમાન બનેલું. 1988માં તે વિશ્વમેળા(વર્લ્ડ ઍક્સ્પો)ના યજમાન મથક તરીકે, પસંદગી પામેલું. 1980 –90ના દસકા દરમિયાન અહીંની પરિવહન-સેવાઓમાં મોટા પાયા પર સુધારો કરવામાં આવ્યો, સ્થાનિક રેલસેવાઓને વિદ્યુતવાહી કરવામાં આવી. 1986માં ગેટવે બ્રિજ ખુલ્લો મુકાયો તથા નવું હવાઈ મથક પણ બાંધવામાં આવ્યું.

ગિરીશભાઈ પંડ્યા