બ્રિટિશ કોલંબિયા : કૅનેડાનો ત્રીજા ક્રમે આવતો પ્રાંત. તે કૅનેડાના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગરને કિનારે આવેલો છે. તેમાં વાનકુંવર ટાપુઓ તથા ક્વીન શાર્લોટ ટાપુઓનો સમાવેશ થાય છે. આખોય પ્રાંત રૉકીઝ હારમાળા તથા કોસ્ટ રેઇન્જના ભવ્ય પર્વતો અને ખાંચાખૂંચીવાળા દરિયાઈ કંઠાર પ્રદેશથી રમણીય બની રહેલો છે. ગરમ પાણીના ઝરા આ પ્રદેશને વધુ આકર્ષક બનાવે છે. અહીંના મોટાભાગના ઝરાઓ પર વિહારધામો આવેલાં છે. કોલંબિયા અને ડ્રેસર અહીંની મુખ્ય નદીઓ છે. અહીં 80 જેટલાં નાનાંમોટાં સરોવરો છે. પ્રાંતનો 50 % ભૂમિભાગ જંગલોથી આચ્છાદિત છે.
પ્રાંતનો કુલ વિસ્તાર 9,47,800 ચોકિમી. જેટલો છે તથા કુલ વસ્તી 31,85,900 (1991) જેટલી છે. વાનકુંવર અહીંનું સૌથી મોટું શહેર, વેપારી મથક તથા મુખ્ય બંદર છે. વાનકુંવર ટાપુ પરનું વિક્ટોરિયા તેનું પાટનગર છે. પ્રિન્સ જ્યૉર્જ, સરે, કામલુપ્સ અને કેલોના અન્ય નગરો છે. પ્રાંતની 50 % જેટલી વસ્તી નૈર્ઋત્ય ખૂણે આવેલ વાનકુંવર અને વિક્ટોરિયામાં વસે છે. પ્રાંતની વસ્તીના 50 %થી વધુ નિવાસીઓ મૂળ બ્રિટિશવંશી છે.
બ્રિટિશ કોલંબિયાનું અર્થતંત્ર ઇમારતી લાકડાનો ઉદ્યોગ; લાકડાંની પેદાશો; તાંબું, કોલસા, લોખંડ અને સીસું, ખનિજ તેલ અને વાયુ વગેરેના લગતા ઉદ્યોગો; જળવિદ્યુત; બૅંકિંગ; નાણાકીય અને પ્રવાસન જેવા સેવા-ઉદ્યોગો પર નભે છે. કેટલીક અનુકૂળ ભૂમિ ખેતી માટે પણ ઉપયોગમાં લેવાય છે.
1871માં આ પ્રાંત કૅનેડિયન ડોમિનિયનમાં જોડાઈ ગયેલો છે. અહીંની પ્રાંતીય સરકારના વહીવટી વડા પ્રિમિયર કહેવાય છે.
1778માં કૅપ્ટન કૂકે અહીંના કિનારાની ખોજ કરેલી. 1849માં વાનકુંવર ટાપુ પર બ્રિટિશ વસાહત સ્થાપવામાં આવેલી. 1858માં અહીં થયેલા સુવર્ણધસારા(Gold rush)ને કારણે અંદરના ભૂમિભાગ તરફ વસ્તી વધતી ગઈ. 1871માં તેને પ્રાંતનો દરજ્જો અપાયો. 1885માં બ્રિટિશ કોલંબિયાને કૅનેડાના પૂર્વ કિનારા સુધી જોડતો કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગ પૂરો કરવામાં આવેલો.
ગિરીશભાઈ પંડ્યા