બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન : ભારતીયોનાં હિતોનું રક્ષણ કરવા અને બ્રિટિશ પાર્લમેન્ટ સમક્ષ ભારતીયોની માગણીઓ રજૂ કરવા સ્થપાયેલી સંસ્થા. કલકત્તામાં બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના જમીનદાર સંઘ (1837) અને બંગાળ–બ્રિટિશ ઇન્ડિયા ઍસોસિયેશન (1843) – એ બંને સંગઠનોએ ભેગાં મળી 1851માં કરી. તેના સ્થાપકો પ્રસન્નકુમાર ઠાકુર, ડૉ. રાજેન્દ્રલાલ મિત્ર, હરિશ્ચન્દ્ર મુકરજી, દેવેન્દ્રનાથ ટાગોર અને રામગોપાલ ઘોષ જેવા નેતાઓ હતા. તેમાં બંગાળના આગેવાન જમીનદારો પણ જોડાયા હતા. સંસ્થાનો હેતુ બંધારણીય રીતે સરકારને અરજીઓ મોકલવા પૂરતો હતો. દેવેન્દ્રનાથ ટાગોરની પ્રેરણા અને તેમના પ્રયત્નોથી મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં પણ 1852માં તેની શાખાઓ શરૂ કરાઈ હતી. પછીથી બંને નગરોમાં સ્વતંત્ર સંગઠનો સ્થપાયાં. એ સંગઠનોના નેતાઓએ બંધારણીય માર્ગે સુધારા કરાય એ માટે બ્રિટિશ લોકોની ઉદાર નીતિમાં શ્રદ્ધા રાખવાનું યોગ્ય માન્યું; એટલું જ નહિ, પણ બ્રિટિશરો દ્વારા બંધારણીય સરકાર રચાશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ સંસ્થાએ નીચેની માગણીઓ કરી હતી : રાજકારણમાં હિન્દીઓનો હિસ્સો વધારવામાં આવે. સ્થાનિક ધારાસભાઓમાં કાયદાઘડતરમાં અને કાર્યપદ્ધતિ નક્કી કરવા માટે બુદ્ધિશાળી અને પ્રતિષ્ઠિત હિન્દીઓને બોલાવવામાં આવે. ધારાસમિતિને કારોબારીથી અલગ કરવામાં આવે. ઉચ્ચાધિકારીઓના પગાર ઘટાડવામાં આવે. મીઠાવેરો નાબૂદ કરવામાં આવે. ન્યાયમાં સમાનતા લાવવામાં આવે અને હિન્દના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે. પાશ્ચાત્ય શિક્ષણમાં વૃદ્ધિ કરવામાં આવે અને જૂની ધાર્મિક સંસ્થાઓનાં અનુદાન બંધ કરીને નવી શિક્ષણસંસ્થાઓને તે આપવામાં આવે. તદુપરાંત યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવે.
ઉપરની માગણીઓને ભારતના અંગ્રેજ મિત્રો જૉન બ્રાઇટે અને જૉસેફ હ્યુમે બ્રિટિશ પાર્લમેન્ટમાં ટેકો આપ્યો. બંગાળના પિયરીચંદ મિત્રે પત્રિકા બહાર પાડીને ધારાસમિતિમાં હિન્દીઓનાં સ્થાન અને યોગ્ય પ્રતિનિધિત્વની રજૂઆત કરી; પરંતુ સરકારે ઠરાવોને ધ્યાનમાં લીધા નહિ, ઊલટાનું હિન્દુ અને મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ આપવાની વાત કરીને ભાગલા પાડવાનું રાજકારણ ચલાવ્યું. બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશને તેના વર્તમાનપત્ર ‘હિન્દુ પેટ્રિયટ’ દ્વારા બંધારણીય રજૂઆતો કરી. લૉર્ડ ડર્બીએ બ્રિટિશ પાર્લમેન્ટમાં હિન્દીઓને વહીવટ સોંપવાની રજૂઆત કરી, છતાં 1853માં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નવી સનદ અપાઈ ત્યારે ધારાસમિતિ અલગ કરી, પણ તેમાં હિન્દીઓને કે બિનસરકારી સભ્યોને લીધા નહિ. પરિણામે સંસ્થાનો બ્રિટિશ મુત્સદ્દીઓ પ્રત્યેનો વિશ્વાસ ઊઠી ગયો. આમ છતાં સંગઠને હિન્દીઓને પ્રતિનિધિત્વ, સમાન હક અને ન્યાય આપવા માટેની માગણીઓ ચાલુ જ રાખી. ‘હિન્દુ પેટ્રિયટ’માં તે અંગેના લેખો લખાતા રહ્યા. આમ સંસ્થાનું બંધારણીય આંદોલન ચાલુ રહ્યું.
1861માં બંધારણીય ધારો પસાર થયો ત્યારે ધારાસમિતિમાં અર્ધા ઉપરાંત બિનસરકારી સભ્યો લેવાયા તેને ‘બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ અને અન્ય સંસ્થાઓની સફળતા ગણી શકાય. તેથી સંસ્થાની પ્રતિષ્ઠા પણ વધવા પામી. સરકારે પણ જાહેર હિત માટે આ સંસ્થાઓનો અભિપ્રાય જાણવાની નીતિ અપનાવી. આ માત્ર ઉપલા વર્ગનું સંગઠન હતું અને તેની રજૂઆતોનો માર્ગ કેવળ બંધારણીય હતો, તેથી વધારે ઉદ્દામ કાર્યક્રમવાળી રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. આ સંસ્થાનું સ્વરૂપ રાષ્ટ્રીય હતું, પરંતુ આ સંસ્થાના આગેવાનો સક્રિય આંદોલન કરી શકવા સક્ષમ નહોતા. તે જ રીતે મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)ની સંસ્થાઓ પણ નિષ્ક્રિય બની ગઈ અને તેમના સ્થાને બૉમ્બે પ્રેસિડેન્સી ઍસોસિયેશન (1885) અને મદ્રાસ મહાજન સભા (1884) સ્થપાયાં.
1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બાદ આ સંસ્થા રાજકીય ક્ષેત્રે ગૌણ બની; પરંતુ તેણે મહાસભાની પ્રાથમિક કામગીરીની ભૂમિકા સારી રીતે તૈયાર કરી આપી હતી.
મોહન વ. મેઘાણી