બ્રિજટાઉન : ઉત્તર આટલાન્ટિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા બાર્બાડોસ ટાપુનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 13° 06´ ઉ. અ. અને 59° 37´ પ. રે. તે બાર્બાડોસના નૈર્ઋત્ય ભાગમાં આવેલા કાર્લિસલ ઉપસાગર પરનું મુખ્ય બંદર પણ છે. બ્રિજટાઉનની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં પ્રવાસન, માછીમારી, જથ્થાબંધ તથા છૂટક વેપાર, નાના પાયા પરના ઉત્પાદકીય એકમો અને પ્રક્રમણ કરવાના એકમોનો સમાવેશ થાય છે. વીજાણુ પુરજાઓ, પોશાકો, સુતરાઉ કાપડ, ખાંડ, ખાંડસરી તથા રમ (દારૂ) અહીંની મુખ્ય પેદાશો છે. વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીની શાખા પણ બ્રિજટાઉન ખાતે આવેલી છે.

બ્રિજટાઉન નગરનો હાર્દભાગ

1628માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ વૉલ્વરસ્ટને આ સ્થળ વસાવેલું. એ વખતે અહીં ઇન્ડિયનોએ બાંધેલો એક પુલ હતો. તે ઇન્ડિયન બ્રિજ તરીકે ઓળખાતો હતો. ત્યારે આ સ્થળનું નામ ઇન્ડિયન બ્રિજટાઉન હતું અને હવે તે બ્રિજટાઉન તરીકે ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા