બ્રાયન્ટ વિલિયમ કલન (જ. 1794, કમિંગ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1878) : પ્રથમ અમેરિકન મહાકવિ. 13 વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય પ્રસિદ્ધ થયું. તે ‘એમ્બાર્ગો’ કાવ્યમાં પ્રમુખ થૉમસ જેફરસનની નીતિની હાંસી ઉડાડવામાં આવી છે.
વર્તમાનપત્રના પ્રભાવશાળી તંત્રી તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા. 50 વર્ષ સુધી પત્રકાર તરીકે જાહેર બાબતોમાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો.
તેમની કાવ્યકૃતિઓ ગૌરવવંતી શૈલી અને નૈસર્ગિક વર્ણનથી વાચકના ઊર્મિતંત્રને જાગ્રત કરવા માટે જાણીતી છે. તેમની શૈલી તથા વિચાર પર વર્ડ્ઝવર્થની રંગદર્શિતાની ઘણી મોટી અસર હતી. વર્ડ્ઝવર્થ અને એવા અન્ય રંગદર્શી કવિઓની માફક તેમણે ધરતીનાં અવનવાં સૌંદર્યવર્ણનો કરીને એમાંથી પ્રકૃતિનો નૈતિક અને આધ્યાત્મિક મર્મ શોધવા પ્રયાસ કર્યો છે. કવિતા પર તેમણે નિબંધો પણ લખ્યા છે અને અમેરિકન સાહિત્યિક વિવેચનનાં એ પ્રાથમિક ર્દષ્ટાંતો છે.
તેમનું સૌથી વિશેષ પ્રખ્યાત કાવ્ય ‘થાનાટૉપ્સિસ’ મહદંશે તેમણે 1811માં લખ્યું હતું. આ કૃતિમાં મોત પર મનન છે. બૉસ્ટનના એક સામયિક ‘નૉર્થ અમેરિકન રિવ્યૂ’ના તંત્રીને બ્રાયનના પિતાએ તેમના ‘થાનાટૉપ્સિસ’ અને અન્ય કાવ્યો સુપરત કર્યાં. શરૂઆતમાં તો કોઈ અમેરિકન આવી તેજસ્વી પંક્તિઓ લખી શકે એ માનવાનો જ તંત્રીએ ઇનકાર કર્યો. એ સામયિકે 1817માં ‘થાનાટૉપ્સિસ’ કાવ્ય પ્રસિદ્ધ કર્યું અને એનાથી એકદમ જ બ્રાયન્ટ કવિ તરીકે અગ્રિમ સ્થાને સ્થપાઈ ગયા. 1821માં તેમણે એની પ્રસ્તાવના અને એની અંતિમ કડી એમાં સામેલ કરી.
તેમનાં શ્રેષ્ઠ કાવ્યોનો મોટોભાગ 1840 પહેલાં લખાયો છે. ‘વૉટરફાઉલ’ (1818) કાવ્યમાં એ ઊડતા પક્ષીને નિહાળે છે અને એમને સ્મરણ થાય છે કે એ પોતે અને એ પક્ષી બંને ઈશ્વરની સંભાળ તળે છે. ‘એ ફૉરેસ્ટ હીમ’ના પ્રારંભમાં એ લખે છે કે ઉપવનો તો ઈશ્વરનાં મંદિરો હતાં. ‘પ્રાઇરીઝ’(1833)માં યુનાઇટેડ સ્ટેટ્સના મિસિસિપી નદી અને એની પારના પ્રદેશો સુધીના પશ્ચિમ બાજુના વિસ્તારનું વર્ણન છે.
1825 સુધીમાં તો તેઓ અમેરિકાના ઉચ્ચતમ કક્ષાના કવિ તરીકે ખ્યાતિ પામી ચૂક્યા હતા. એ વર્ષે એ મૅસેચૂસેટ્સ છોડીને ન્યૂયૉર્ક તંત્રીપદે ગયા. 1826માં તેઓ ‘ઇવનિંગ પોસ્ટ’માં જોડાયા. 1829થી અવસાનપર્યન્ત એમણે તેમાં તંત્રી તરીકે સેવા આપી. તેથી કાવ્યરચના માટે એમને ઘણો ઓછો સમય મળતો. એક કૃતિમાં તો એમણે એ માટેનો રંજ પણ દર્શાવ્યો છે.
ન્યૂયૉર્કમાં તેઓ સ્થાનિક તથા રાષ્ટ્રીય પ્રશ્નો સાથે સંલગ્ન રહ્યા. ‘ઇવનિંગ પોસ્ટ’ ડેમૉક્રૅટિક પક્ષનું અગ્રગણ્ય મુખપત્ર બની રહ્યું. એમણે મુક્ત અભિવ્યક્તિ અને સંયોજિત શ્રમકાર્યની હિમાયત કરી. ગુલામી પ્રથા સામે એમણે ચળવળ ચલાવી હતી અને 1840 બાદ એ ગુલામી પ્રથાના ભયંકર વિરોધી બની રહ્યા. એટલે ગુલામી પ્રથાનો વિરોધ કરતા રિપબ્લિકન પક્ષમાં 1850ના દાયકા દરમિયાન તેઓ જોડાયા હતા.
જયા જયમલ ઠાકોર