બ્રામાન્તે, દૉનેતો

January, 2001

બ્રામાન્તે, દૉનેતો (જ. 1444, મોન્તે આસ્દ્રુવૅલ્ડો, ઇટાલી; અ. 1514) :  રેનેસાં કાળનો ઇટાલીનો સૌથી અગત્યનો સ્થપતિ. રેનેસાં કાળના સ્થાપત્યમાં ભવ્ય સ્મારકો સર્જવાનું શ્રેય બ્રામાન્તેને મળે છે. તેના સ્થાપત્યની અસરમાંથી વીસમી સદીનું આધુનિક સ્થાપત્ય પણ બાકાત રહી શક્યું નથી.

ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાયુક્ત તેમ્પિયેત્તો

સ્થાપત્યનું શિક્ષણ તેણે 1462થી 1470 દરમિયાન ઉર્બિનો નગરમાં લુચિયાનો લૉરેનો તથા ફ્રાન્ચ્યેસ્કો દિ જ્યૉર્જિયો પાસે લીધું. આ દરમિયાન આ બે ગુરુ-સ્થપતિઓ દ્વારા ડિઝાઇન પામી રહેલ ‘ડ્યૂક્લ પૅલેસ’માં તેણે ‘કાર્ય-સ્થળ પર તાલીમ’ (work on the site) પ્રકારે કેળવણી પ્રાપ્ત કરી.

1477માં મિલાન નગરના નવા ડ્યૂકે સાન્તા મારિયા પ્રૅસો સાન સાતીરો ચર્ચના પુનરુદ્ધારની જવાબદારી બ્રામાન્તેને સોંપી. આ પછી 1492થી 1499 સુધી મિલાનના સાન્તા મારિયા દેલ્લ ગ્રૅઝી ચર્ચનો પુનરુદ્ધાર કર્યો. 1488માં પાવિયાના કૅથીડ્રલ માટે નાનો ત્રિઆયામી નમૂનો બનાવ્યો. 1499માં તે રોમ ગયો. ત્યાં સાન પિયેત્રો ઇન મૉન્તોરિયો ચર્ચના પ્રાંગણમાં તેમ્પિયેત્તોની તેણે રચના કરી, જે તેના સમગ્ર સર્જનમાં ઉત્તમ લેખાય છે. વર્તુળાકાર સ્તંભાવલી (colonnade) સાથેના રોમના પ્રાચીન વર્તુળાકાર પ્રાર્થનાસ્થળની અનુકૃતિ કરી તેણે રેનેસાંકાળના સ્થાપત્યમાં નવો ચીલો પાડ્યો.

1500માં તેણે સાન્તા મારિયા દેલ્લ પેસ માટે મંડપવાળો માર્ગ બાંધ્યો. આ પછી 1508માં સાન્તા મારિયા દેલ પોપોલો ચર્ચ માટે ગાયકવૃંદનો ખંડ બાંધ્યો. 1510માં પાલાત્ઝો કૅપ્રિની મહેલ બાંધ્યો.

1503માં નવા પોપ જુલિયસ (બીજા) સેન્ટ પીટરની ગાદીએ આવ્યા. તેમના વિશાળ સ્થાપત્ય-કાર્યક્રમનો દિગ્દર્શક બ્રામાન્તે હતો. 1505માં તેણે વૅટિકનમાં બૅલ્વેડર કૉર્ટનું બાંધકામ શરૂ કર્યું.

1506માં પોપ જુલિયસ બીજાએ સેન્ટ પીટર્સ ચર્ચના પુનરુદ્ધારનું કામ બ્રામાન્તેને સોંપ્યું. આ માટે જૂના બાંધકામને ઉતારી લેવામાં આવ્યું અને બ્રામાન્તેની નવી યોજના મુજબ બાંધકામ શરૂ કરવામાં આવ્યું. બ્રામાન્તેની યોજના ‘ગ્રીક ક્રૉસ’ (+) આકારની હતી. ચોકડીના કેન્દ્રસ્થાને મુખ્ય ઘુમ્મટની રચના કરવાની હતી; પરંતુ કમનસીબે 1513માં જુલિયસ બીજાનું અને 1514માં બ્રામાન્તેનું અવસાન થતાં આ મોટી યોજના પડતી મુકાઈ.

રેનેસાં કાળના સ્થપતિઓ લિયોં બાત્તિસ્તા આલ્બેર્તી અને ફિલિપ્પો બ્રૂનેલૅસ્કીની શૈલી સાથે પ્રાચીન રોમની ભવ્ય શૈલીનો સમન્વય સાધી બ્રામાન્તેએ આવનારી બે સદીઓના સ્થપતિઓ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.

અમિતાભ મડિયા