બ્રાન્ડો, માર્લોન (જ. 3 એપ્રિલ 1924, ઓહાયા) : અમેરિકી ચલચિત્રોના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. અપરાધ-ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની ગયેલા ‘ધ ગૉડફાધર’માં માફિયા ડૉનની ભૂમિકા ભજવીને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મેળવનાર માર્લોન બ્રાન્ડો તેમની સહજ અભિનયશૈલીને કારણે પંકાયેલા છે. અભિનયકારકિર્દીનો પ્રારંભ તેમણે બ્રૉડવેનાં નાટકોથી કર્યો. 1947માં ટેનેસી વિલિયમ્સની નવલકથા પર આધારિત નાટક ‘એ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં યુવાન સૈનિકની ભૂમિકા તેમણે પ્રભાવક રીતે ભજવી. આ જ નાટક પરથી 1951માં ચિત્ર બન્યું. તેમાં શ્રેષ્ઠ અભિનેતા માટેના ઑસ્કાર ઍવૉર્ડનું તેમને નામાંકન મળ્યું હતું. આમ તો એ પછીનાં બીજાં ત્રણ વર્ષો લાગલગાટ તેમને ઑસ્કર માટેનાં નામાંકનો મળ્યાં હતાં. એ ચિત્રો હતાં : 1952માં ‘વિવા ઝપાટા’, 1953માં ‘જુલિયસ સીઝર’ અને 1954માં ‘ઑન ધ વૉટરફ્રન્ટ’. 1954માં એ નિમિત્તે તેમને પ્રથમ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો અને એ સાથે જ તેમને ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ ઍવૉર્ડ અને કાન(Cannes) ફિલ્મ ફેસ્ટિવલ પ્રાઇઝ પણ મળ્યાં.
1950માં દિગ્દર્શક સ્ટેનલી ક્રેમરના ‘ધ મૅન’ ચિત્રમાં પ્રથમ વાર અભિનય કરનાર માર્લોન બ્રાન્ડો 1950ના દાયકામાં હોલિવુડમાં છવાઈ ગયા. 1959માં પોતાની નિર્માણસંસ્થા પેન્નબૅકર (pennebacker) પ્રોડક્શન્સ શરૂ કરી. માર્લોન બ્રાન્ડોએ 1961માં ‘વન-આઇડ જૅક’નું નિર્માણ-દિગ્દર્શન કરવા ઉપરાંત તેમાં અભિનય પણ કર્યો હતો.
1960માં યોગ્ય ભૂમિકાઓના અભાવે તથા દિગ્દર્શકોને પૂરતો સહકાર ન આપવાના મામલે ખાસ્સા વગોવાઈ જવાને કારણે તેમની કારકિર્દીને અસર થઈ. જોકે 1970ના દાયકાના પ્રારંભે ‘ધ ગૉડફાધર’ ચિત્રમાં કામ કરીને તેમણે ફરી લોકપ્રિયતા મેળવી લીધી. ઇટાલિયન સર્જક બર્નાર્ન્દો બર્તોલુસીનું વિવાદાસ્પદ ચિત્ર ‘લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ’ માર્લોન બ્રાન્ડોનું આખરી નોંધપાત્ર ચિત્ર હતું. એ પછી લાંબા સમય બાદ, 1989માં ‘એ ડ્રાઇ વ્હાઇટ સિઝન’ ચિત્રમાં તેમણે નોંધપાત્ર અભિનય કર્યો અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટેના ઑસ્કાર ઍવૉર્ડનું નામાંકન મેળવ્યું.
નોંધપાત્ર ચિત્રો : ‘ધ મૅન’ (1950), ‘એ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝયર’ (’51), ‘વિવા ઝપાટા’ (’52), ‘જુલિયસ સીઝર’ (’53), ‘ધ વાઇલ્ડ વન ઑન ધ વૉટરફ્રન્ટ’ (’54), ‘ગાયસ ઍન્ડ ડૉલ્સ’ (’55), ‘સાયોનારા’ (’57), ‘ધ યંગ લાયન્સ’ (’58), ‘વન-આઇડ જૅક’ (’61), ‘મયૂટિની ઑન ધ બાઉન્ટી’ (’62), ‘ધ અગલી અમેરિકન’ (’63), ‘ધ એઝ’ (’66), ‘ધ ગોડફાધર’, ‘લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ’ (’72), ‘એ ડ્રાઈ વ્હાઇટ સિઝન’ (’89), ‘ધ આઇલૅન્ડ ઑવ્ ડૉ. મોરિયુ’ (’96).
હરસુખ થાનકી