બોલોના : ઉત્તર ઇટાલીમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 29´ ઉ. અ. અને 11° 20´ પૂ. રે. તે ખુશનુમા આબોહવા ધરાવે છે અને ફળદ્રૂપ જમીન-વિસ્તારમાં વસેલું છે. ઉત્તર ઇટાલીનું તે મહત્વનું ઔદ્યોગિક મથક છે. તેની ઉત્પાદકીય પેદાશોમાં કૃષિયંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેશમ, મખમલ અને ચટણી(Bologna sausage)નો સમાવેશ થાય છે.
બોલોના ઇટાલીના રાજકીય મહત્વના વિભાગો પૈકીના એક એવા એમિલિયાનું પાટનગર છે. મધ્યયુગની યાદ અપાવતા આ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાંકડી અને વાંકીચૂકી શેરીઓ આવેલી છે. શહેરના બજારમાર્ગો ભવ્ય કમાનોથી બાંધેલા તથા સુંદર છતવાળા છે, જેથી ખરીદી માટે દુકાને દુકાને જતા-આવતા લોકોને છાંયો મળી રહે છે. આ શહેરમાં તેરમી સદીથી આજ સુધીમાં બંધાયેલાં 130 જેટલાં દેવળો છે. મધ્યકાલીન યુગના 180 જેટલા મિનારા (towers) અહીં હતા. તે પૈકી 1110ના અરસામાં બંધાયેલા માત્ર બે જ મિનારા આજે હયાત છે. અહીંની કલા-કારીગરીનો ભંડાર જગપ્રસિદ્ધ છે. 1100માં સ્થપાયેલી બોલોના યુનિવર્સિટી દુનિયાની જૂની ગણાતી યુનિવર્સિટીઓ પૈકીની એક ગણાય છે. આ યુનિવર્સિટી તત્કાલીન કાયદાના પંડિતો તથા તેમના વિદ્યાર્થીઓના મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી. તે વિશેષે કરીને કાયદો અને કલાના શિક્ષણ માટે યુરોપમાં ખ્યાતિ પામી છે. દાન્તે અને પૅટ્રાર્કે અહીં શિક્ષણ લીધેલું. આજે તે રાજ્ય-આધારિત છે અને તેમાં સહશિક્ષણની સગવડો છે. આશરે 59,000 વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે. તેને સંલગ્ન શિક્ષણસંસ્થાઓમાં વિનયન, વિજ્ઞાન, કૃષિ, ઇજનેરી, કાયદો, ગણિત, ઔષધશાસ્ત્ર (મેડિસિન-ફાર્મસી), શૈક્ષણિક તાલીમ તથા પશુચિકિત્સાના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. બોલોનાની વસ્તી 4,01,308 (1992) છે.
ગિરીશભાઈ પંડ્યા