બોલી અને ગુજરાતી બોલીઓ
બોલી એટલે એક જ ભાષા-પ્રદેશમાં બોલાતી જ્ઞાતિ, વ્યવસાય કે વિશિષ્ટ હેતુની છાપ ધરાવતી ખાસ પ્રકારની ભાષા. તદનુસાર ગુજરાતમાં વિવિધ બોલીઓ છે. ભાષા-વપરાશની વિવિધતાનો અભ્યાસ ભાષાની પ્રકૃતિ (સ્વરૂપ) અને કામગીરીને સમજવામાં તો ઉપયોગી થાય જ, પરંતુ ભાષા શીખવા-શીખવવાની પ્રક્રિયામાં તથા ભાષા-આયોજનમાં પણ તે ઉપયોગી થઈ શકે. ભાષાનું કયું સ્વરૂપ સમાજમાં વધુ વપરાય છે, આદર્શ અથવા માન્ય સ્વરૂપ તરીકે સ્વીકારાય છે, જૂથોની ઓળખ માટે અને વ્યક્તિની અસ્મિતા માટે ઉપયોગમાં લેવાય છે એની માહિતી ભાષાશિક્ષણ માટે, સમાજશાસ્ત્રના અભ્યાસ માટે અને જૂથભાવનાને સમજવા માટે ઉપયોગી થઈ શકે.
ભાષાની સામાજિક વિવિધતાને જ્ઞાતિ-બોલીઓ તરીકે પ્રાથમિક રીતે ઓળખાવી શકાય. ભારતમાં વર્ણવ્યવસ્થાને કારણે અનેક જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે. આ જ્ઞાતિઓ પોતાની ઓળખ માટે ભાષાના ચોક્કસ વપરાશનો આગ્રહ રાખે છે. ગુજરાતમાં પારસીઓ અને નાગરો ભાષાના એવા ચોક્કસ વપરાશના આગ્રહો રાખતા જોવા મળે છે. આવા ખાસ આગ્રહ વિના પણ વાઘરી, વોરા, આહીર તથા મેર અને ખારવાઓની એવી જુદી જુદી લાક્ષણિકતાઓ ધરાવતી જ્ઞાતિ-બોલીઓ ગુજરાતમાં જોવા મળે છે. જોકે અભ્યાસ કરતાં જણાયું છે કે આ બોલીઓનાં લક્ષણો કોઈ ને કોઈ ભૌગોલિક બોલીનાં લક્ષણો સાથે સરખાપણું ધરાવે છે. આનું એક કારણ એ પણ હોઈ શકે કે જે તે પ્રદેશમાં અમુક જ્ઞાતિ અન્ય જ્ઞાતિઓની સરખામણીમાં સામાજિક રીતે ઊંચો દરજ્જો ધરાવતી હોય. આ ઊંચા દરજ્જાને કારણે મોભાવાળી જ્ઞાતિ-બોલીનાં લક્ષણો અપનાવવાનું અન્ય ભાષકોનું વલણ હોય તે સ્વાભાવિક છે; દા.ત., સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતાઓ અને નાગર જ્ઞાતિની બોલીનાં લક્ષણો વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. નાગરજ્ઞાતિ સૌરાષ્ટ્રમાં રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક રીતે અગ્રેસર અથવા મોભાવાળી જ્ઞાતિ ગણાય છે. જૂનાં રજવાડાંના અનેક દીવાનો અને રાજકીય આગેવાનો-વહીવટકર્તાઓ નાગર જ્ઞાતિના હતા. આ બધાં કારણોસર નાગર જ્ઞાતિની બોલી મોભાની બોલી થઈ ગઈ હોવાનું સહજ લાગે છે.
સામાન્ય રીતે ભાષાનો વપરાશ વ્યક્તિના વિદ્યાકીય, સામાજિક-સાંસ્કૃતિક મોભાની સાથે સંકળાયેલો છે. માણસના ભાષા-વપરાશ ઉપરથી તે ભણેલો છે કે અભણ, ઉચ્ચ જ્ઞાતિનો છે કે નિમ્ન જ્ઞાતિનો, શહેરનો છે કે ગામડાનો –એની ખબર પડતી હોય છે. પોશાક માણસની અડધી ઓળખાણ આપે છે, જ્યારે ભાષા માણસની ઘણી ઓળખાણ આપે છે એમ માનવામાં આવ્યું છે. વાસ્તવમાં એમ બનતું જોવામાં આવે છે. અદ્યતન ઢબનો પોશાક પહેરેલો માણસ બોલવા માંડે એટલે તેની વાતચીત ઉપરથી (ભાષાના વપરાશ ઉપરથી) તેની સંસ્કારિતા, તેનો સામાજિક મોભો વગેરેનો ખ્યાલ આવે છે. આ ઉપરથી એવું માની શકાય કે જે ભાષા માનવ-માનવ વચ્ચે અવગમન-વ્યવહારની સરળતા કરીને સહકાર અને એકતા સાધવામાં મદદ કરે છે તે જ ભાષાના વિવિધ વપરાશો તેમને એકબીજાથી અલગ સમૂહો તરીકે અથવા જૂથો તરીકે ટકાવી રાખવામાં પણ મદદ કરે છે. માણસ-માણસ વચ્ચે સમજ પેદા કરવામાં અથવા તો ગેરસમજ ફેલાવવામાં ભાષાની ભૂમિકા બહુ અગત્યની હોય છે.
સામાન્ય રીતે ભાષાની આવી સામાજિક વિવિધતાના અભ્યાસમાં જ્ઞાતિ-બોલીઓ, ધંધાની બોલીઓ, ભાષાના વિશેષ એવા ચબરાકિયા પ્રયોગો, છૂપી બોલીઓ વગેરેને આવરી લેવાય છે.
દરેક સમાજમાં ધંધાદારી માણસોના પોતાના ધંધા પ્રમાણે આગવાં જૂથો અસ્તિત્વમાં આવતાં હોય છે. અંદરોઅંદર હરીફાઈ હોવા છતાં એક જ ધંધાને કારણે હિતોની સમાનતા હોવાથી તેમનાં જૂથ-સંગઠનો અસ્તિત્વમાં આવે છે. આ જૂથો પોતાના ધંધા પૂરતી ખાસ પરિભાષાઓ ઊભી કરે છે, એ ઉપરાંત ખાસ શબ્દપ્રયોગો પણ ચલણી બનાવે છે; દા.ત., अ મક્કમ હતો અને ब છ રૂપિયા ઊછળ્યો છતાં ખેલાડીઓએ કડાકો બોલાવતાં રોકડામાં ઢીલાશ હતી’ — આ વાક્યમાં વપરાયેલા બધા શબ્દો ગુજરાતી ભાષામાં ચલણી છે. છતાં આ વાક્યમાં તેમના જુદા જ અર્થ થાય એ રીતે તેમનો વપરાશ થાય છે. આ શબ્દોને જાણે કે પારિભાષિક શબ્દોનો દરજ્જો આપવામાં આવ્યો છે. ‘મક્કમ’ એ વિશેષણ છે અને સામાન્ય રીતે વ્યક્તિ માટે વાપરવામાં આવે છે. અહીં ‘શેર’ની સાથે તેને વાપરવામાં આવ્યું છે. શેર મક્કમ હોય એનો અર્થ એ થયો કે તેનામાં ભાવની વધઘટની સંભાવના ન હતી. વળી ‘ઊછળવું’ એ ક્રિયાપદ સામાન્ય રીતે જીવંત માટે અને ક્યારેક ‘સ્પ્રિંગ’ જેવા પદાર્થના સંદર્ભમાં વપરાય છે. અહીં તે શબ્દ ‘શેર’ માટે વપરાયો છે. આ શબ્દ પણ ‘મક્કમ’ની જેમ ‘શેર’ના સંદર્ભમાં પારિભાષિક બની ગયો છે. ‘કડાકો’, ‘રોકડા’ અને ‘ઢીલાશ’ એ શબ્દો પણ શેરબજારની પરિભાષા બની ચૂક્યા છે. આમ, શેરબજારમાં વપરાતી ભાષા એક ધંધામાં જોડાયેલા સભ્યો વડે વપરાતી ખાસ પ્રકારની ભાષા બની ગઈ છે.
અંગ્રેજીમાં ધંધાદારી ભાષાને ‘જાર્ગન’ કહેવામાં આવે છે. ડૉક્ટરોની, વકીલોની, દરજીની, રેલવેની કે કાપડબજારની ભાષા એમ જુદા જુદા ધંધાઓની વિવિધતાભરી ભાષાઓને ધંધાદારી બોલીઓ તરીકે ઓળખવામાં આવે છે. એક રીતે એમ પણ કહી શકાય કે આ બધા ધંધાઓમાં કેટલીક વિશેષ અથવા ખાસ પ્રકારની પરિભાષા સ્થપાઈ હોય છે અને એ પરિભાષાનો અર્થ સમજવો અન્ય ભાષકો માટે મુશ્કેલ હોય છે.
ચબરાકિયા પ્રયોગો (slang) યુવાનો અને યુવતીઓમાં વિશેષ વપરાય છે. એક પ્રકારની ગમ્મત-રમૂજ-ટીખળની અને ક્યારેક બળવાની અને જાહેરમાં વડીલોની હાજરીમાં કશું છુપાવવાની વૃત્તિમાંથી આ પ્રકારના ભાષાપ્રયોગો કિશોરો-યુવાનો, કિશોરીઓ-યુવતીઓનાં જૂથમાં થતા હોય છે.
આવા પ્રયોગોમાં એમની ઉંમરને સહજ એવી મુગ્ધતા, ચમત્કૃતિ, કાવ્યમયતા, રંગીનતા અને ધાર જોવા મળે છે. આમ તો રોજબરોજની ભાષામાં વપરાતા શબ્દોનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમને નવા સંદર્ભમાં –નવા અર્થમાં વાપરવામાં આવે છે. આ કારણે ભાષામાં જે પરંપરાગત સ્થિરતા છે, રૂઢિગતતા કે ચીલાચાલુપણું અને તેનો કંટાળો છે, એકધારાપણું છે તેમાંથી મુક્તિ મળે છે. ક્યારેક બૌદ્ધિક ગુરુતાગ્રંથિ પણ આવા ભાષાપ્રયોગો પાછળ કારણભૂત હોય છે. મોટેભાગે આવા પ્રયોગો ભાષા સાથેની રમત અથવા છેડછાડમાંથી જન્મેલા જોવા મળે છે. જૂની પેઢીથી જુદા પડવાનું અને ભાષામાં નાવીન્ય–તાજગી લાવવાનું પ્રયોજન પણ આવા પ્રયોગોના વપરાશની પાછળ જોઈ શકાય.
ગુજરાતી ભાષામાં એક જમાનામાં ‘ચા પીવી’, ‘ટ્યૂબલાઇટ થવી’, ‘સવા નવ ને પાંચ હોવું’, ‘પાંચસો પંચાવન હોવું’, ‘માખણ લગાડવું’, ‘મફતલાલ હોવું’ જેવા પ્રયોગો ચબરાકિયા પ્રયોગો તરીકે ચલણી બન્યા હતા. હવે એ રૂઢિપ્રયોગો થઈ જતાં, ભાષાના સામાન્ય પ્રવાહનો ભાગ થઈ જતાં તેમાંનું નાવીન્ય જતું રહ્યું છે. ‘ઍસ્પ્રો’, ‘ઍનેસિન’, ‘ખપત’, ‘બામ’ – એ બધા હવે ચબરાકિયા પ્રયોગો રહ્યા નથી, કારણ કે આવા પ્રયોગો વધુ ચલણી બનતાં એક જૂથની માલિકીના મટી ગયા છે અને તેની અંગતતા, આગવાપણું, ખાનગીપણું ચાલ્યાં ગયાં છે.
ઘણી વાર જાતીયતા, અશ્લીલતા અથવા અશિષ્ટતાને વ્યક્ત કરવા કેટલાક રંગીન શબ્દપ્રયોગોનો વપરાશ થાય છે. એ પ્રયોગો જૂથ પૂરતા જ મર્યાદિત હોવાથી એનું ખાનગીપણું અને ઔચિત્ય જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. ‘સુ-વાવડ છે’, ‘પર-ધાન છે’, ‘ખા-દી છે’, ‘કર-સંદાસ’, ‘મુ-તરવા જા’ જેવા તોડફોડ કરેલા શબ્દો ચબરાકિયા પ્રયોગો તરીકે ગુજરાતીમાં વપરાય છે. યુવાન ભાષકજૂથોના મનોજગતને અને તેમની કલ્પના–સર્જનશક્તિને સમજવામાં ભાષાની આવી વિવિધતા ઉપકારક થઈ શકે છે.
વળી, કોઈ વાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના નાના ગામડાની મુલાકાત લેતાં અને ત્યાં જુદી જુદી જ્ઞાતિ કે કોમના માણસોને મળતાં આ વાત તુરત ધ્યાન પર આવે છે. એક જ ગામના ઠાકરડાવાસમાં જે પ્રકારની ભાષા વપરાય છે તેવી જ ભાષા હરિજનવાસમાં વપરાતી નથી. વળી, માછીવાડાની ભાષા તો સારી એવી જુદી જ લાગે. ગામના બ્રાહ્મણ-વાણિયા કદાચ શિષ્ટમાન્ય ભાષાની બહુ નજીકની ભાષાનો ઉપયોગ કરતા લાગે, પણ વહોરવાડમાં કે ઈદગાહ વિસ્તારની ભાષા જુદી જ હોય. એક જ ગામમાં ભાષા-વપરાશમાંનું આટલું વૈવિધ્ય હોવા છતાં બજારમાં કે બસ-સ્ટૅન્ડ પર બધાં ભેગાં થાય ત્યાં ઠાકરડા કે માછી, બ્રાહ્મણ કે વાણિયા, હરિજન કે મુસલમાન – બધાં એકબીજાં સાથે નિરાંતે વાતચીત કરતા સાંભળવા મળે છે. જોકે એમની વાતચીતમાં શાળામાં ભણ્યા હોય એવી ગુજરાતી ભાષા ભાગ્યે જ વપરાય છે.
જુદા જુદા પ્રાદેશિક અને તેમાંયે ગ્રામવિસ્તારમાં વાતચીત સાંભળતાં જણાય છે કે સૌરાષ્ટ્રનાં ગામડાંમાં સૌરાષ્ટ્રી, ઉત્તર ગુજરાતનાં ગામડામાં ઉત્તર ગુજરાતી, મધ્ય ગુજરાતનાં ગામડાંમાં ચરોતરી અને દક્ષિણ ગુજરાતમાં સૂરતી બોલી બોલાય છે. એ કારણે આમ બને છે. સૌરાષ્ટ્ર કે સૂરત જિલ્લાના કોઈ ગામડામાં ઊછરેલો માણસ એન્જિનિયર થાય કે ડૉક્ટર, વેપારી થાય કે પ્રધાન પણ એ બોલવા માંડે એટલે ખબર પડી જાય કે એમનું મૂળ વતન ક્યાં આવ્યું. ગુજરાતમાં ગામડે ગામડે, જ્ઞાતિએ જ્ઞાતિએ અને એક જ ગામડાના જુદા જુદા વાસ(વિસ્તાર)માં જુદાં જુદાં ભાષા-લક્ષણો સાંભળવા મળે એવું બને, છતાં વ્યાપક રીતે જોઈએ તો ભૌગોલિક વિસ્તારોને અલગ પાડીને તેમાં બોલાતી બોલીઓનો અભ્યાસ થઈ શકે.
માન્ય ગણાતી અને તેથી શિક્ષણના માધ્યમ તરીકે વપરાતી અને પાઠ્યપુસ્તકોમાં છપાતી, વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં સમૂહ-માધ્યમોમાં ઉપયોગમાં લેવાતી ભાષાથી ઉચ્ચારણોમાં, શબ્દપ્રયોગમાં અને વાક્યપ્રયોગોમાં જુદી પડતી ભાષાને સામાન્ય રીતે બોલી તરીકે ઓળખવામાં આવે છે. બોલીના અભ્યાસ માટે એટલે કે કોઈ પણ બોલીનાં લક્ષણોને અલગ તારવવા માટે તે વિશેની આ માન્યતા મદદરૂપ થાય છે; કારણ કે માન્ય ભાષાને આધારે મોટેભાગે બોલીઓના અભ્યાસો કરવાનું વલણ વધારે જોવા મળે છે.
કોઈ પણ અભણ ગામડિયો અથવા ખેતરમાં હળ ચલાવતો ખેડૂત જાણે છે કે તે જે ભાષાનો ઉપયોગ કરે છે તે તેના ગામના શિક્ષકની અથવા કર્મકાંડ કરાવનાર બ્રાહ્મણની ભાષા જેટલી ‘શુદ્ધ’ નથી. સમાજમાં વપરાતી શુદ્ધ અથવા માન્ય (આદર્શ) ભાષાની તુલનાએ ઘણાબધા ભાષકો ‘અશુદ્ધ’ અથવા ‘હલકી’ મનાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય જનસમુદાય શુદ્ધ અથવા આદર્શ ભાષાને ‘ભાષા’ તરીકે અને અશુદ્ધ કે હલકી મનાતી ભાષાને ‘બોલી’ તરીકે ઓળખે છે. એ રીતે જ જ્ઞાતિબોલી, ધંધાની બોલી અને ભૌગોલિક બોલી પ્રમાણમાં અશુદ્ધ કે હલકી મનાય છે.
વળી, જનસમુદાયમાં એવી એક માન્યતા પણ છે કે જે પુસ્તકોમાં, સામયિકોમાં, વર્તમાનપત્રોમાં છપાય છે, (અને હવે રેડિયો-ટી.વી. પર બોલાય છે) તે ભાષા હોય છે અને ગામડાંના અભણ માણસો દ્વારા બોલાય છે તે બોલી હોય છે.
વાસ્તવમાં ઝીણવટથી સાંભળવામાં આવે તો એક જ ભાષા બોલનાર અલગ અલગ વ્યક્તિઓ એ ભાષાને જુદી જુદી લાક્ષણિકતાઓ સાથે બોલતા જણાશે. આમ થવું સ્વાભાવિક પણ છે; કારણ કે ભાષા શીખવાની (એટલે કે નાનપણમાં સમાજમાંથી ભાષાને આત્મસાત્ કરવાની) પ્રક્રિયા જ એવી છે કે દરેક વ્યક્તિની ભાષામાં ભિન્નપણું હોય. કુટુંબ અને સમાજમાંથી વ્યક્તિ જ્યારે ભાષા શીખે છે ત્યારે તે ભાષા વપરાશના અનેક પ્રયોગો સાંભળતાં સાંભળતાં, એ પ્રયોગોના વપરાશ પાછળના નિયમો તારવે છે. આ તારવેલા નિયમોની મદદથી ભાષાને નામે ઓળખાતી ઉચ્ચારણો, શબ્દપ્રયોગો અને વાક્યપ્રયોગો વગેરેની સામગ્રીને પોતાની રીતે ઉપયોગમાં લે છે. દરેક વ્યક્તિએ તારવેલા નિયમો સમાન હોવા છતાં એ નિયમોનો વિનિયોગ દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. આ કારણે તાત્વિક રીતે વ્યક્તિબોલી (idiolect) અસ્તિત્વમાં આવે છે.
આમ, બધી વ્યક્તિઓ-વ્યક્તિબોલીનો ઉપયોગ કરતી હોવા છતાં જૂથ-ઓળખની સભાનતાને કારણે જે તે વ્યક્તિઓ જ્ઞાતિ-ધંધો-પ્રદેશ અનુસાર જ્ઞાતિબોલીનો, ધંધાની બોલીનો અને પ્રાદેશિક બોલીનો – એમ ત્રણેય બોલીનો યથાવશ્યક ઉપયોગ કરે છે.
ભલે જનસમુદાયમાં એવી માન્યતા હોય કે પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોમાં છપાય છે અને રેડિયો, ટી.વી. ઉપર જે વપરાય છે તે ભાષા અને સામાન્ય જનસમુદાય દ્વારા જે બોલાય તે બોલી; પરંતુ વૈજ્ઞાનિક રીતે સમજીએ તો ભાષા અને બોલી વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી.
માણસની ભાષાને આત્મસાત્ કરવાની પ્રક્રિયા જ એવા પ્રકારની છે કે અનેક ભાષકોને સાંભળીને તેમની ભાષાસામગ્રીના આધારે તેમની ભાષાની રચના અને કામગીરીના નિયમો તે તારવે છે. એક જ ભાષાસમાજ તરીકે ઓળખાતા સમૂહના બધા ભાષકોએ એ સામગ્રીની રચના અને કામગીરીના નિયમોને સમાન રીતે તારવ્યા હોય છે અને તેથી એ નિયમો લગભગ સમાન હોય છે. એ નિયમો ‘લગભગ સમાન’ હોય છે એમ જણાવવાનું કારણ કેટલાક અપવાદરૂપ નિયમોની બાબત સર્વસ્વીકૃતિ ન પામી હોય એવું પણ એમાં જોવા મળે છે તે છે; દા.ત., ગુજરાતી ભાષામાં દરેક શબ્દની સાથે લિંગની ઓળખ જોડાયેલી છે. હવે જડ પદાર્થોને સૂચવતા શબ્દોના લિંગની ઓળખ બાબતમાં એકવાક્યતા અથવા સર્વસંમતિ જોવા મળતી નથી. ‘ચંપલ’ શબ્દને કેટલાક સ્ત્રીલિંગ માને છે, તો કેટલાક પુંલિંગ તો વળી કેટલાંક નપુંસકલિંગ માનનાર પણ છે. એ રીતે માન્ય ભાષા બોલનાર તરીકે ઓળખાતા વિસ્તારમાં તે શબ્દ પુંલિંગમાં વપરાતો હોય અને બોલી તરીકે ઓળખાતા વિસ્તારમાં તે શબ્દ સ્ત્રીલિંગમાં વપરાતો હોય તો જે તે વિસ્તારનો ભાષક તેને અનુક્રમે પુંલિંગમાં અને સ્ત્રીલિંગમાં વાપરશે. ‘ચંપલ’ શબ્દની બાબતે એવું નથી થયું. ‘ચા’ શબ્દમાં એવું થયું છે. માન્ય ભાષા બોલતા વિસ્તારમાં તે શબ્દ સ્ત્રીલિંગમાં વપરાય છે અને સૌરાષ્ટ્રી બોલી બોલતા વિસ્તારમાં તે પુંલિંગમાં વપરાય છે. આના આધારે ‘ચા’ શબ્દને પુંલિંગ ગણવો એ સૌરાષ્ટ્રી બોલીનું એક લક્ષણ મનાય છે. હવે ‘ચંપલ’ શબ્દ ગમે તે લિંગમાં વપરાય તોપણ માન્ય ભાષાનો વપરાશ જ ગણાય છે અને ‘ચા’ પુંલિંગ કે સ્ત્રીલિંગમાં વપરાય તો અનુક્રમે બોલી અને માન્ય ભાષાનો વપરાશ ગણાય છે.
આમ, ‘ચંપલ’ શબ્દ કોઈ પણ લિંગમાં વપરાતો હોય પણ તે માન્ય ભાષાનો વપરાશ જ ગણાશે અને ‘ચા’ સ્ત્રીલિંગમાં વપરાતાં માન્ય ભાષાનો અને પુંલિંગમાં વપરાતાં બોલીનો વપરાશ ગણાશે. આ પ્રકારના વલણ-નિયમ પાછળ કોઈ તર્ક નથી, પરંતુ ભાષા-સમાજની વ્યાપક માન્યતાનો આધાર છે. આમ, માન્ય ભાષા અને બોલીના ભેદો પાછળ કોઈ ભાષાકીય આધાર નથી, પણ સામાજિક માન્યતા છે.
ભાષા-પ્રદેશના વિસ્તારમાં આવી વૈકલ્પિક વપરાશની વિવિધતાઓને ભૌગોલિક બોલી તરીકે અથવા માત્ર બોલી તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે જુદા પડતા હોવા ઉપરાંત સામાજિક, રાજકીય, ધાર્મિક કારણોસર પણ જુદા પડી શકે. ક્યારેક તો એવું બને કે દરેક ગામડાની જુદી પડતી હોય તેવી બોલીઓ સાંભળવા મળે; પરંતુ વહીવટી કે રાજકીય કારણોસર કેટલાંક ગામોનો સમૂહ તાલુકા, જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યો હોય તો એ પ્રમાણે તે તાલુકા-જિલ્લાની બોલી ગણાવા માંડે; દા.ત., એક સમયે નંદરબાર અને પીંપલનેરમાં બોલાતી બોલીને ડૉ. ટી. એન. દવે સૂરતી ગુજરાતીના જ એક સ્વરૂપ તરીકે ઓળખાવે છે (જર્નલ ઑવ્ ગુજરાત રિસર્ચ સોસાયટી, વૉ. 1, પૃ. 8). પણ રાજકીય વહીવટી કારણોસર તે ખાનદેશી (મરાઠીની) બોલી તરીકે હવે ઓળખાય છે.
બોલીસ્વરૂપ જેમ વહીવટી-રાજકીય કારણોસર આકાર લે છે, એવું જ માન્ય ભાષાનું પણ છે. એક જ પ્રદેશમાં અનેક બોલીઓ બોલાતી હોય, તેમાંથી અમુક વિસ્તાર વહીવટી, રાજકીય કારણોસર અથવા વિદ્યાકીય –ઔદ્યોગિક, ધાર્મિક, સામાજિક ગમે તે કારણોસર કેન્દ્રવર્તી બની જાય તો તે વિસ્તારના પ્રજાજનો પણ સામાજિક મોભાને કારણે અને વહીવટી સરળતાને માટે પેલા કેન્દ્રવર્તી વિસ્તારમાં બોલાતી બોલી વાપરવા લલચાય. પછી ધીમે ધીમે એ બોલીને આખા પ્રદેશના ભાષકોની સ્વીકૃતિ – માન્યતા મળતાં તે માન્ય ભાષા તરીકે આકાર લે, તેમાં સાહિત્ય રચાવા માંડે, વર્તમાનપત્રો છપાવા માંડે, રેડિયો-ટી.વી.ના કાર્યક્રમો આવવા માંડે, તેનું વ્યાકરણ રચાય અને પછી તો એ જ ‘શુદ્ધ ભાષાવ્યવહાર’ એવો આગ્રહ સેવાવા માંડે. એટલે કે શાળામાં જે ભાષામાં ભણાવાય છે, જેમાં સાહિત્ય-સામયિકો-છાપાં છપાય છે, જેનો ટી.વી.–રેડિયો પર ઉપયોગ થાય છે એ માન્ય ભાષા એમ નહિ; પરંતુ પહેલાં એ માન્ય ભાષા તરીકે સ્વીકારાઈ પછી એમાં સાહિત્ય, છાપાં વગેરે છપાવાનું શરૂ થાય ને શાળામાં એ ભાષાસ્વરૂપ ભણાવાતુંયે થાય.
માન્ય ભાષા સ્વીકૃત ભાષા છે અને બોલી એ ભાષાનું રોજ-બ-રોજના વ્યવહારમાં વપરાતું વ્યાપક સ્વરૂપ છે. આ બાબત સ્પષ્ટતા થવાથી ભાષાના ઇતિહાસના અને ભાષામાં રચાતા સાહિત્યના અભ્યાસમાં તથા ભાષા-શિક્ષણમાં વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ કેળવાય અને સમજવામાં સરળતા થાય.
ગુજરાતી ભાષાના ઉદભવ અને વિકાસ વિશે વિચાર કરતાં તેમાં સમયના પરિમાણમાં ગુજરાતી ભાષા કેવાં કેવાં પરિવર્તનોમાંથી પસાર થઈ તેનું ચિત્ર મળે છે. ભાષાના આવા પરિવર્તનમાં સ્થળના પરિમાણનો પ્રભાવ પણ છતો થાય છે. ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કે એમાં મર્મર (murmur) સ્વરો ઉચ્ચરાતા ન હતા. એ ભૂમિકાની ભાષામાં વિવૃત ‘ઍ’ અને ‘ઑ’નો ઉપયોગ થતો નહોતો. બોલીનો આવો અભ્યાસ ગુજરાતી ભાષાની પ્રારંભિક ભૂમિકાની લાક્ષણિકતા દર્શાવી આપે છે. સૌરાષ્ટ્રી બોલીમાં હજુ એ સમયની ભાષાભૂમિકાનાં લક્ષણો સચવાઈ રહ્યાં છે. તે ભૂમિકામાં અનુનાસિક વ્યંજનો અનુનાસિક સ્વરોમાં પરિવર્તિત થવાની ભૂમિકાની હજુ શરૂઆત હતી અને ત્યારે મોટા પાયે અનુનાસિક વ્યંજનો ઉચ્ચારાતા હતા. આજે સૌરાષ્ટ્રી બોલીમાં અનુનાસિક સ્વરોને બદલે અનુનાસિક વ્યંજનો (દા.ત., ‘પેંડો’ ને બદલે ‘પેન્ડો’ અને ‘ગાંડો’ ને બદલે ‘ગાન્ડો’) સાંભળવા મળે છે.
આમ, સમયના પરિમાણમાં પરિવર્તન પામતી ભાષાનાં એ પરિવર્તનોનાં મૂળ, સ્થળના પરિમાણમાં અસ્તિત્વ ધરાવતી ભાષા(બોલી)નાં લક્ષણોમાં જડવાથી એ પરિવર્તનોનો તાળો મળે છે. વધુમાં એક જ ભાષાની મનાતી વિવિધ બોલીઓના તુલનાત્મક અભ્યાસની મદદથી એ ભાષાના પૂર્વરૂપ વિશે વૈજ્ઞાનિક ચોકસાઈથી કેટલીક અટકળો પણ કરી શકાય છે.
બોલીના અભ્યાસથી ભાષા અને બોલી વિશેના શુદ્ધિ-અશુદ્ધિનાં ઘણા ભ્રમમૂલક ખ્યાલો ભૂંસી શકાય છે. વળી એવી સમજ પેદા થતાં વર્ગમાં ભાષા ભણાવતી વખતે કેટલાક શિક્ષકો માન્ય અથવા શુદ્ધ ભાષાના અતિ આગ્રહને લીધે બાળકોને ભાષાશિક્ષણથી વિમુખ કરી દે એવો જે ભય હોય છે તેમાંથી બચે છે. મોટાભાગના ભાષાશિક્ષકો ભાષાશુદ્ધિના એટલા આગ્રહી હોય છે કે બાળકો જે બોલી બોલે છે તેને તદ્દન હલકી, અશિષ્ટ અને અસંસ્કારી લેખે છે. પરિણામે બોલીમાં બોલતાં બાળકોને લઘુતાગ્રંથિથી પીડાતાં કરી મૂકે છે.
બોલીનો ખરો અભ્યાસી શિક્ષક તો સમજે છે કે કોઈ પણ બોલીમાં બોલતાં બાળકો એમની સ્વાભાવિક માતૃભાષા જ બોલે છે. એમને માન્ય ભાષાના નિયમો ગોખાવડાવીને નહિ, પણ ધીરજપૂર્વકના અભ્યાસથી માન્ય ભાષા શીખવવી ઘટે. માન્ય ભાષા શીખવવા પાછળનો આશય ભાષાની એકવાક્યતાથી વિદ્યાર્થીને પરિચિત કરવાનો હોય છે. શિક્ષક આ ન જાણતો હોવાને કારણે માન્ય ભાષાના શિક્ષણને લક્ષ્ય માની લે છે. માત્ર માન્ય ભાષાના નિયમો યાદ રાખી લેવાથી, તે આવડી જતી નથી; પરંતુ એની ખબર હોવાથી બોલીનો અભ્યાસી કુનેહપૂર્વક ધીરજથી બોલી બોલતા વિદ્યાર્થીઓને માન્ય ભાષાનો વપરાશ શીખવી શકે છે. બોલીનો અભ્યાસી જાણે છે કે કોઈ પણ ભાષામાં સો ટકા અથવા સંપૂર્ણ એકવાક્યતા શક્ય જ નથી, તેથી તે વ્યવહારુ રીતે ભાષાની એકવાક્યતા સિદ્ધ કરવા માટેના માર્ગોથી વિદ્યાર્થીને પરિચિત કરે છે. એ સાથે ભાષાવપરાશના જુદા જુદા સ્તર પર અભિવ્યક્તિનું સામર્થ્ય કેળવવા માટે પણ એ પ્રયત્નશીલ રહે છે; જેથી તેનો વિદ્યાર્થી ભાષા-વપરાશની અનેક તરેહો અને ખૂબીઓથી માહિતગાર થાય છે.
જો આમ ન થાય તો અત્યારે ભાષા-શિક્ષણને કારણે જે ચિંતાજનક સ્થિતિ છે તે ચાલુ રહે. ઓછામાં ઓછું ગુજરાતમાં તો હજુ પણ પ્રાથમિક કક્ષાએ પણ પ્રથમ ભાષાના અથવા માતૃભાષાના વ્યાકરણને વધુ પડતું મહત્વ આપવામાં આવે છે. આ કારણે ભાષાશિક્ષણ કંટાળાજનક વેઠ બની જાય છે અને એક સર્જનાત્મક પ્રવૃત્તિ બનવાને બદલે ગોખણિયા પ્રવૃત્તિ બની જાય છે. કેટલીક વાર તો આ કારણે જરૂરી વિષયો ઉપર વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન અને પૂરતો સમય આપી શકતાં નથી અને તેથી માનસિક વિકાસની તક પણ ક્યારેક ખોઈ બેસે છે.
સામાન્ય ખ્યાલ એવો છે કે સાહિત્યમાં તો હંમેશાં માન્ય ભાષાનો વપરાશ થાય છે. વાસ્તવમાં તો સાહિત્યકૃતિઓમાં અને ખાસ કરીને નાટક, નવલકથા, વાર્તા જેવાં સાહિત્યસ્વરૂપોમાં તો વિવિધ બોલીઓનો એક સાહિત્યિક પ્રયુક્તિ તરીકે પણ વપરાશ થતો હોય છે. સૌ જાણે છે કે ‘સોરઠ તારાં વહેતાં પાણી’ (મેઘાણી) અને ‘મળેલા જીવ’ (પન્નાલાલ) જેવી જાનપદી નવલકથાઓમાં જ નહિ, પરંતુ ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથામાં પણ ગોવર્ધનરામ જેવા પંડિત સાહિત્યકારે પણ યોગ્ય રીતે જ મૂર્ખદત્ત કે જમાલ જેવા પાત્રને મોંએથી જે ભાષા બોલાવી છે તે કોઈ ને કોઈ બોલીનાં લક્ષણોવાળી છે.
બોલીનો અભ્યાસી સાહિત્યમાં વપરાતી આવી વિવિધ બોલીઓની વપરાશના વાજબીપણાની ચર્ચા કરી શકે છે. સાહિત્યકૃતિનું સમગ્ર ચિત્ર અને વાસ્તવિકતાને સમજવા માટે આવી ચર્ચા ઘણી જરૂરી ગણાય. આનું મુખ્ય કારણ એ છે કે સાહિત્યકૃતિમાંનાં પાત્રો પણ જુદી જુદી મન:સ્થિતિમાં જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા પ્રસંગોએ જુદાં જુદાં પાત્રો સમક્ષ હંમેશાં એક જ પ્રકારની ભાષા બોલે એવું બનતું નથી.
ઉપર આપેલા નકશામાં ગુજરાતની પશ્ચિમે આવેલ સૌરાષ્ટ્રનો પ્રદેશ એ સૌરાષ્ટ્રી બોલીનો વિસ્તાર છે. એના પર નજર કરતાં જણાશે કે સૌરાષ્ટ્ર ગુજરાતનો દ્વિકલ્પીય વિસ્તાર છે. પોતાની 3 બાજુ અરબી સમુદ્ર ધરાવતો આ વિસ્તાર ગુજરાતની તળભૂમિ સાથે પ્રમાણમાં ઘણા સાંકડા ભૂભાગથી સંકળાયેલો છે. વર્તમાન સમયમાં આ સમગ્ર વિસ્તાર માટે ‘સૌરાષ્ટ્ર’ કે ‘કાઠિયાવાડ’ એવા શબ્દપ્રયોગ થાય છે; અર્થાત્ એ શબ્દોથી એ સમગ્ર પ્રદેશ સૂચવાય છે; પણ ભૂતકાળમાં એ શબ્દો સમગ્ર પ્રદેશ માટે નહિ પણ આખા પ્રદેશના અમુક વિભાગ માટે પ્રયોજાતા હતા. અઢારમી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તક (ઈ. સ. 1756)ના લેખકે આ સમગ્ર પ્રદેશ માટે ‘સોરઠ’ શબ્દ પ્રયોજી નોંધ્યું છે કે સોરઠ 5 જિલ્લા(હાલાર, કાઠિયાવાડ, ગોહિલવાડ, બાબરિયાવાડ અને જેતવાડ)માં વહેંચાયેલો હતો. અઢારમી સદીના અંત પછી આ સમગ્ર પ્રદેશ કાઠી કોમના લોકોનું પ્રભુત્વ સ્થપાતાં મુખ્યત્વે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ‘કાઠિયાવાડ’ તરીકે ઓળખાવા માંડ્યો. સ્વાતંત્ર્ય પછી કાઠિયાવાડનાં નાનાં નાનાં રાજ્યોનું વિલીનીકરણ થયા બાદ તેનું અલગ રાજ્ય સ્થપાયું અને તેને ‘સૌરાષ્ટ્ર’ નામ અપાયું. હાલ આ પ્રદેશ 6 જિલ્લા(જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર)માં વહેંચાયેલો છે અને તેમાં નીચે મુજબની મુખ્ય 4 ઉપબોલીઓ બોલાય છે :
1. હાલારી (જિલ્લો : જામનગર, રાજકોટ)
2. સોરઠી (જિલ્લો : જૂનાગઢ)
3. ગોહિલવાડી (જિલ્લો : ભાવનગર, અમરેલી)
4. ઝાલાવાડી (જિલ્લો : સુરેન્દ્રનગર)
ગુજરાતી ભાષા ભારત-યુરોપીય ભાષાકુળની ભારતીય-આર્ય શાખામાંથી ઉદભવેલી હિન્દી, પંજાબી, બંગાળી વગેરે જેવી ભાષાઓમાંની એક છે. આ ગુજરાતી ભાષા આજથી લગભગ હજારેક વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી. ઈ. સ. 1000ના અરસામાં પ્રાકૃત તથા અપભ્રંશ તરીકે ઓળખાવાયેલી ભાષાઓ બોલાતી બંધ થઈ ગઈ ને સ્થાનિક બોલીઓ ઉદય પામીને વિકસવા લાગી. એથી કાળાંતરે જે જુદી જુદી ભાષાઓ અસ્તિત્વમાં આવી, એમાંની એક તે ગુજરાતી. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષા એટલે ગુજરાત પ્રદેશમાં વસતા મોટાભાગના જનસમુદાય વડે ઉપયોગમાં લેવાતી ભાષા. કોઈ પણ શિષ્ટમાન્ય ભાષાના વિસ્તારમાં એકાધિક બોલીઓ અસ્તિત્વ ધરાવતી હોય છે. એ રીતે ગુજરાતી ભાષાના વિસ્તારમાં પણ ઐતિહાસિક કારણોસર તેમ ભૌગોલિક ર્દષ્ટિએ મુખ્ય 4 બોલીઓ ગણાવી શકાય : (1) સૌરાષ્ટ્રી (કાઠિયાવાડી), (2) ઉત્તર ગુજરાતી અથવા પટ્ટણી, (3) મધ્ય ગુજરાતી અથવા ચરોતરી અને (4) દક્ષિણ ગુજરાતી અથવા સૂરતી. આમાંની પહેલી સૌરાષ્ટ્રી બોલી સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી છે. સૌરાષ્ટ્રી (કાઠિયાવાડી) : સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદા જુદા સમયે જુદી જુદી પ્રજાઓ આવીને વસી છે. તેમાંની કેટલીક ત્યાંની પ્રજામાં ભળી પણ ગઈ. એ પ્રજાની બોલીઓની અસર સૌરાષ્ટ્રની બોલીઓ પર થઈ જ હોય. વળી સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ નેગ્રિટો કે નેગ્રૉઇડ, પછી ઑસ્ટ્રિક, પછી દ્રવિડો અને છેલ્લે આર્યો આવીને વસ્યા છે. આર્યો ઘણા લાંબા સમયથી ત્યાં વસ્યા હોવાને કારણે સૌરાષ્ટ્રી બોલીએ આર્ય બોલીનું રૂપ ધારણ કર્યું. આમ છતાં એમાં અગાઉ વસેલી પ્રજાની બોલીઓનાં લક્ષણો ક્યાંક ક્યાંક અવશેષ રૂપે સચવાયાં હોય એ સમજાય એવું છે. ઝાલાવાડ (જિલ્લો : સુરેન્દ્રનગર) વિસ્તારમાં બહારથી આવેલાને ભારતીય આર્યની કોઈ એક બોલી બોલતા ઝાલાઓની બોલીની વ્યાપક અસર થઈ હોય અને હાલાર(જિલ્લો : જામનગર, રાજકોટ)માં કચ્છમાંથી આવેલા જાડેજાઓના રાજ્ય-અમલ દરમિયાન અને એ પછી પણ તેમની બોલીની અસર થઈ હોય એ શક્ય છે.
આ બધું છતાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, ગુજરાતની તળભૂમિમાં પ્રજાઓની જે મોટી આવનજાવન થઈ તેવી કોઈ મોટી આવનજાવન થઈ નથી અને પ્રમાણમાં શિક્ષણનો પ્રચાર પણ વધુ થયો નથી; તેથી સૌરાષ્ટ્રની બોલીની આગવી લાક્ષણિકતાઓ મોટેભાગે જૂના સમયથી જળવાઈ રહી છે.
આમ તો સૌરાષ્ટ્રમાં એકાધિક બોલીઓ બોલાય છે; પણ પરંપરાગત રીતે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશની બોલીને સૌરાષ્ટ્રી (કે કાઠીયાવાડી) બોલી કહે છે. એ બોલીમાં વિશેષે સોરઠી બોલીમાં વિવિધ પ્રજાઓની વ્યાપક આવનજાવનને રોકી દે એવી સૌરાષ્ટ્રની ભૂરચના, પરસ્પર એકબીજાના પ્રદેશમાં પ્રજાના મોટા પાયા પરનાં સ્થળાંતરોનો અભાવ, શિક્ષણનો અલ્પ પ્રસાર જેવાં અનેક કારણોને લીધે જૂની ગુજરાતીનાં કેટલાંક રૂપ આજે પણ વપરાશમાં જળવાઈ રહેલાં જોવા મળે છે. આવી સૌરાષ્ટ્રી બોલીનાં માન્ય ભાષાથી જુદાં પડતાં કેટલાંક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે :
(અ) ઉચ્ચારણ-વિષયક લક્ષણો : (ક) માન્ય ગુજરાતીમાં 8 ભેદક સ્વર (ઈ, ઉ, એ, અ, ઓ, ઍ, આ, ઑ) છે. તો સૌરાષ્ટ્રની હાલારીમાં 6 ભેદક સ્વર (ઈ, ઉ, એ, અ, ઓ, આ) છે. એટલે કે ત્યાં વિવૃત ‘ઍ’ તથા ‘ઑ’ પણ સંવૃત ‘એ’ અને ‘ઓ’ મુજબ ઉચ્ચારાય છે : એથી ‘ગોળ’ (આકાર) અને ‘ગૉળ’ (ખાદ્ય પદાર્થ), ‘મેલ’ (= મૂક) અને ‘મૅલ’- (મલિનતા)નું ઉચ્ચારણ એકસરખું જ (‘ગોળ’ અને ‘મેલ’ રૂપે) સંભળાય છે. વળી, અંગ્રેજીમાંથી લીધા હોય તેવા સ્વીકૃત શબ્દોમાં પણ ‘ઑ’ને સ્થાને ‘ઓ’ બોલાય છે; ઉદા., કૉલેજ > કોલેજ, ડૉક્ટર > ડોક્ટર વગેરે.
(ખ) શબ્દના અંતે આવતા ‘આઈ’ તથા ‘આઉ’ – વિશેષે ઝાલાવાડીમાં અનુક્રમે ‘અઈ’ તથા ‘અઉ’ રૂપે ઉચ્ચારાય છે ; ઉદા., ખાઈપીને > ખઈપીને, ખાઉં છું > ખઉં છું, ગાઉ > ગઉ (ગૌ), ભાઈ > ભઈ (ભૈ), મકાઈ > મકઈ, વેવાઈ > વેવઈ વગેરે.
(ગ) મુખ્યત્વે ઝાલાવાડીમાં સંભવત: ઉત્તર-મધ્ય ગુજરાતના પ્રભાવે કેટલાક શબ્દમાં ‘ક’, ‘ખ’, ‘ગ’, ‘ઘ’ અનુક્રમે ‘ચ’, ‘છ’, ‘જ’, ‘ઝ’ રૂપે બોલાય છે; ઉદા., ક્યાં > ચ્યાં, કેટલા > ચેટલા, કેમ > ચ્યમ, ખેતર > છેતર, ગયો > જ્યો, ઘી > ઝી વગેરે.
(ઘ) સ્પર્શસંઘર્ષી ‘ચ’ તથા ‘છ’નું સંઘર્ષી ‘સ’ લેખે ઉચ્ચારણ; ઉદા., ચાલાક > સાલાક, ચિઠ્ઠી > સિઠ્ઠી, ચોર > સોર, છબી > સબી, છતરી > સતરી, છીબું > સીબું, છે > સે, છોકરો > સોકરો વગેરે.
(ઙ) ‘ડ’ અને ‘ઙ’નું ભેદકત્વ : માન્ય ગુજરાતીમાં ‘ઙ’ના બે ઉપધ્વનિઘટક છે. એક સ્પર્શઘોષ ‘ડ’ અને બીજો થડકારવાળો ઘોષ ‘ઙ’. સૌરાષ્ટ્રમાં બે સ્વરની વચ્ચે આ બંને ધ્વનિભેદક છે અને અર્થભેદ કરે છે; ઉદા., ‘પાડી’ (ભેંસની પાડી), ‘પાડી’ (પાડી નાખી).
(ચ) વિશેષે સોરઠી બોલીમાં ઘણા શબ્દોમાં – ખાસ કરીને શબ્દાંતે ‘ય’ ઉચ્ચારાય છે; ઉદા., આંખ > આંખ્ય, કર > કર્ય, કરશું > કરસ્ય, કાલ > કાલ્ય, ગાંઠ > ગાંઠ્ય, ઘેરે (ઘરે) > ઘેર્ય, નથી > નથ્ય, લાંઘણ > લાંઘણ્ય, વાત > વાત્ય, હાલ (ચાલ) > હાલ્ય વગેરે.
આવો ‘ય’ ઘણી વાર શબ્દાંતે ઉચ્ચારાવાને બદલે શબ્દના છેલ્લા અક્ષરમાં રહેલા વ્યંજનની આગળ પણ બોલાય છે; ઉદા., એટલે > એટ્યલે, કર્યું > કય્રું, ચાલી > ચાય્લી, ધોડ (દોડ) > ધોય્ડ, નથ્ય (નથી) > નય્થ, વાત્ય (વાત) > વાય્ત, હાલ (ચાલ) > હાય્લ વગેરે.
(છ) હાલારીમાં ‘શ’નો ‘સ’ બોલાય છે; ઉદા., આવીશ > આવીસ, કોશ > કોસ, ખાશું શું > ખાસું સું, વેશ > વેસ, શિવરાત્રી > સવરાત્ય વગેરે.
(જ) કેટલેક સ્થળે દંત્ય સંઘર્ષી ‘સ’ અને મૂર્ધન્ય સંઘર્ષી ‘શ’ને અઘોષ કંઠ્ય સંઘર્ષી ‘હ’ તરીકે ઉચ્ચારાય છે; ઉદા., થાશે > થાહે, માણસ > માણહ, સમજુ > હમજુ, સવારે > હવારે, વાંસોવાંસ > વાંહોવાંહ, સાચું > હાસું, સાસુ > હાહુ વગેરે.
(ઝ) ‘હ’ શ્રુતિનો લોપ : અર્થાત્ માન્ય ગુજરાતીના મર્મર સ્વર સૌરાષ્ટ્રીમાં સાદા સ્વર તરીકે ઉચ્ચારાય છે; ઉદા., પ્હેલવ્હેલું > પેલુંવેલું, બહેન > બેન, મ્હારું > મારું, રહેવું > રેવું.
(ઞ) સામાન્ય ગુજરાતીનો ‘ળ’ હાલારીમાં ‘ર’ તરીકે બોલાય છે; ઉદા., કળતર > કરતર, નિશાળ > નિસાર, ગાળ > ગાર (ગાય્ર), વાલોળ > વાલોર વગેરે.
(ટ) કેટલાક વિસ્તારમાં નાસિક્ય સ્વરનું ઉચ્ચારણ પ્રબળપણે થાય છે; ઉદા., અમે > અમેં, કરીએ છીએ > કરિયેં સૈયેં, જોઈએ > જોયેં, ત્યારે > તયેં, પછી > પછેં વગેરે. તો કેટલાક વિસ્તારમાં નાસિક્ય સ્વરને સ્થાને અનુનાસિક વ્યંજન પણ ઉચ્ચારાય છે; ઉદા., ગાંડો > ગાન્ડો, ચાંદો > ચાન્દો, પેંડો > પેન્ડો વગેરે.
(આ) વ્યાકરણ-વિષયક લક્ષણો : (ક) બહુવચનમાં તેના ‘ઓ’ પ્રત્યયને સ્થાને ‘ઉં’ : ઉદા., ગાયો > ગાયું, છોકરીઓ > સોકરીઉં, માણસો > માણહું વગેરે. કેટલીક વાર વાક્યનાં બધાં પદમાં ‘ઉં’ પ્રત્યય લાગે છે; જેમ કે, ‘રાંડું સોકરીઉં આવીઉં ત્યું.’
(ખ) ‘આ’કારાન્ત ધાતુઓના ‘આ’કારની જાળવણી; ઉદા., ખઈશું > ખાસું, જઉં > જાઉં, જશે > જાશે, થવું > થાવું વગેરે.
(ગ) નકારદર્શક તરીકે ‘મા’નો વ્યાપક ઉપયોગ; ઉદા., તમે જાશો મા, મને કવરાવ મા વગેરે.
(ઘ) દર્શક સર્વનામ ‘એ’ને બદલે ‘ઈ’; ઉદા., એમ ન ચાલે > ઈમ નો હાલે.
એ ક્યાં ગયો > ઈ ક્યાં ગયો ? તેમ > તિમ વગેરે.
આ ઉપરાંત ‘કોણ’ > ‘કુણ’, કોનો > ‘કુનો’, ‘કયો > ‘કિયો’ જેવાં પ્રશ્નાર્થક સર્વનામ અને એના પરથી બનેલાં વિશેષણો પણ મળે છે.
(ઙ) સહાયકારક ‘છ્’ ધાતુનું જુદા જુદા વિસ્તારમાં ‘છ’, ‘હ’ અને ‘સ’ તરીકે ઉચ્ચારણ થાય છે.
(ચ) કર્મણિમાં ‘ય’ને સ્થાને ‘ણ’ ઉદા., કરાયો > કરાણો,
ભરાયો > ભરાણો, લૂંટાયો > લૂંટાણો, ખોવાયો > ખોવાણો, ગવાયો > ગવાણો વગેરે.
(છ) વર્તમાનકાળ પ્રથમ પુરુષ બહુવચનનાં રૂપોમાં ‘ઈએ’ને સ્થાને ‘ઈ’ કે ‘ઈં’; ઉદા., કરીએ > કરી/કરીં, બોલીએ > બોલી/બોલીં વગેરે.
(જ) સંભાવના અને વર્તમાનકાળનાં બીજો પુરુષ, એકવચનનાં રૂપોમાં અંત્ય ‘એ’ પ્રત્યયનો લોપ :
ઉદા., જો તું કરે > જો તું કર, તું જુએ > તું જો,
તું કરે છે > તું કરસ, તું ખાય > તું ખા વગેરે.
(ઝ) ભવિષ્યકાળમાં પ્રત્યયમાં ‘ઈશું’ને બદલે ‘અસું’, ‘શું’ને બદલે ‘સું’; ઉદા., કરીશું > કરસું, જઈશું > જાસું, બોલીશું > બોલસું, માગીશું > માગસું, લઈશું > લેસું વગેરે.
આ રીતે સૌરાષ્ટ્રની બોલી ઉચ્ચારણ તેમજ વ્યાકરણવિષયક કેટલાંક આગવાં લક્ષણ ધરાવે છે.
(ઈ) શબ્દભંડોળ : સૌરાષ્ટ્રી બોલીનું શબ્દભંડોળ બહોળું છે. તેમાં સમયાનુસાર નવા નવા શબ્દો ઉમેરાતા ગયા છે, તેમ કોઈ કોઈ જૂના–રૂઢ શબ્દો વપરાતા બંધ પણ થતા ગયા છે; આમ છતાં એ શબ્દભંડોળ ધ્યાનાકર્ષક રહ્યું છે. આ શબ્દભંડોળ જોતાં એકના એક અર્થ માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં જુદો જુદો શબ્દ પ્રચલિત હોવાનું પણ તારવી શકાય છે. આવા શબ્દભંડોળમાંના કેટલાક નમૂનારૂપ શબ્દો આ પ્રમાણે છે :
અટાણે (અત્યારે), અડવાણું (ઉઘાડું), ઓધાન (ગર્ભ), અથરા (ઉતાવળા), ઓલું (પેલું), અસૂરું (કસમયનું), ઓશિંગણ (આભારી), આંબવું (પહોંચવું), કવરાવવું (હેરાન કરવું), કાલર (ઘાસની ગંજી), કે મણા કે કેની કોર ? (કઈ તરફ ?), કાવડિયું કે ફદિયું (પૈસો), ગગો (પુત્ર), ઘોડે (ની જેમ), ઝાલવું (પકડવું), ઠાલું (વ્યર્થ), તાકડો (ત્રેવડ), દાખડો (દેખાવ), દેન (અગ્નિદાહ), ધડકી (ગોદડી), ધોડવું (દોડવું), ધોરીડા (બળદ), નરવો (તંદુરસ્ત), પધાર કે પટાટ (ઘેટાંના વાળની દોરી), પણે, ન્યાં, વાં કે ઉવાં (ત્યાં), પરબારું (સીધેસીધું), બરકવું (બોલાવવું), મર (ભલે), ભંભલી (પાણી ભરવાનું માટીનું ગોળાકાર વાસણ), ભૂંગરી, ધતૂરી કે ચલમ (હોકલી), મલક (જગત), માલીપા (ભીતર), મોર (આગળ), રાસ (દોરડું), રૂંગું (રુદન), રોંઢો (ત્રીજા પહોરનો નાસ્તો), રોગું (નકરું), વયા જાવ (ચાલ્યા જાવ), વસામણ (વિચાર), વાવડ (સમાચાર), વાહર (પવન), શિરામણ (સવારનો નાસ્તો), સનકારો (ઇશારો), સંજવારી (સાવરણી), સુવાણ્ય (આરામ), સેંતક (ઘણું), હડી કાઢવી (દોડવું), હમેલ (ગર્ભ), હરપ કે એરુ (સાપ), હંધું (સઘળું), હાડેતી (તંદુરસ્ત), હારે (સાથે), હાલવું (ચાલવું), હુખડી કે ગોળપાપડી (સુખડી), હંજ્યા કે હીંજા (સંધ્યા) વગેરે.
ઉત્તર ગુજરાતી/મધ્ય ગુજરાતી : મહીસાગર નદીથી ઉત્તરના ગુજરાત પ્રદેશને ‘આનર્ત’ એવા નામથી એક જ ભૂભાગ ગણીએ છીએ ત્યારે અહીં એક વાત ધ્યાનમાં લેવાની છે કે આ સમગ્ર પ્રદેશમાં બોલીગત સામ્ય ઘણું છે, પણ પ્રાદેશિક અને સામાજિક બોલીઓના ભેદ પણ ઘણા છે; જેમ કે, ઉત્તર ગુજરાતી (પટ્ટણી) બોલીનો પ્રદેશ આજના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના હદ-વિસ્તારોનો ગણાય, પરંતુ બનાસકાંઠા તથા સાબરકાંઠાના ઉત્તરના પ્રદેશો રાજસ્થાન સાથે જોડાયેલા છે ને આ સરહદી પ્રદેશોમાં બોલાતી ઉત્તર ગુજરાતી બોલીનું રૂપ રાજસ્થાનીની કેટલીક લાક્ષણિકતાઓનું મિશ્રણ ધરાવે છે. એ જ રીતે સાબરકાંઠાનો અને મધ્ય ગુજરાતનો પૂર્વોત્તર પ્રદેશ પહાડી પ્રદેશ છે. ત્યાં વસતી આદિવાસી પ્રજા ભીલી બોલીઓની લાક્ષણિકતાઓ ધરાવે છે; પરંતુ આ બધી બોલીઓ ગુજરાતી ભાષાના તાત્વિક બંધારણ સાથે મેળ ધરાવે છે, એથી એને એક જ પ્રદેશની બોલી ગણી અભ્યાસનો વ્યવહારુ રસ્તો અપનાવાય છે.
આ પ્રદેશના પ્રાચીન ઇતિહાસની કેટલીક વિગતો આ પ્રમાણે છે :
ભૌગોલિક ર્દષ્ટિએ ઉત્તર ગુજરાતનો પ્રદેશ તે ઉત્તરે અરવલ્લી ગિરિમાળાનો આબુ પર્વત, દક્ષિણે દમણગંગા નદી, પશ્ચિમમાં કચ્છનું રણ અને પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડા પર્વતોની વચ્ચે આવેલો ભારતનો પશ્ચિમ કિનારાનો પ્રદેશ છે. આ પ્રદેશનું નામ ‘ગુજરાત’ પડતાં પહેલાં ઘણા પ્રાચીન સમયથી એની મધ્યમાં થઈને વહેતી મહીસાગર નદીથી ઉત્તરના ભાગનું નામ હતું ‘આનર્ત’, દક્ષિણ ભાગનું ‘લાટ’ અને પશ્ચિમ ભાગનું નામ હતું ‘સુરાષ્ટ્ર’ કે ‘સૌરાષ્ટ્ર’. આ ત્રણેય મળીને ‘ગુજરાત’ બન્યું છે. ઘણી સદીઓ પહેલાં વૈદિક સમયથી ગુજરાતની ભૂમિના દરિયાકિનારાનો ભાગ ઘણો જાણીતો રહ્યો છે; જેમ કે, દ્વારકા, પ્રભાસ, ભરૂચ, વલભી અને એ પછી સોપારા અને સ્કંભતીર્થ (ખંભાત) વગેરે. તે સૌ એ સમયનાં પ્રસિદ્ધ બંદરો હતાં. ઐતિહાસિક વિગતો મુજબ કહીએ તો પહેલી બે રાજધાનીઓ તે સુરાષ્ટ્રમાં ગિરિનગર (જૂનાગઢ) અને વલભી હતી. ત્યારપછી આબુ પર્વતની દિશામાં ભિલ્લમાલ–ભિન્નમાલ કે શ્રીમાલ રાજધાની તરીકે પ્રખ્યાત બન્યું. આનર્ત–સુરાષ્ટ્ર પ્રદેશના ગુર્જરત્રા–ગુજરાત બનાવવામાં આ નગરનો ફાળો મહત્વનો ગણાય છે. એ પછી આનર્ત દેશ અથવા ગુર્જર દેશની મુખ્ય રાજધાની બન્યું અણહિલપુર પટ્ટણ.
વૈદિક સમયમાં પણ આ પ્રદેશના માહાત્મ્યના પુરાવા મળે છે. વૈદિક પુરાવાઓ મુજબ ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ મનુવૈવસ્વતના પુત્ર શર્યાતિના સમયથી શરૂ થાય છે. શર્યાતિની પુત્રી સુકન્યાને ભૃગુકુલના ચ્યવન વેરે પરણાવી હતી. શર્યાતિ અને ચ્યવનનો ઉલ્લેખ વેદ-સાહિત્યમાં આવે છે. શર્યાતિ રાજાને આનર્ત નામે પુત્ર હતો અને એના નામ પરથી આ પ્રદેશ આનર્ત નામે ઓળખાયો એવી અનુશ્રુતિ છે. આનર્તનો પુત્ર તે રેવત. એના સમયમાં આનર્તદેશની રાજધાની કુશસ્થલી હતી. એ પરથી આનર્તમાં સુરાષ્ટ્રનો સમાવેશ થતો હોવાનું સ્પષ્ટ થાય છે. રેવતના વંશજ રેવના નામ પરથી ‘રેવા’ નામ પડ્યું. રેવત કે રૈવતના નામ પરથી રૈવતકગિરિ (ગિરનાર) નામ પડ્યું ગણાય છે. સમય જતાં ‘આનર્ત’ નામ સુરાષ્ટ્રથી અલગ એવા ઉત્તર ગુજરાતના સંદર્ભમાં પ્રયોજાયું. આનર્તની ઉત્તરે અર્બુદદેશ અને દક્ષિણે ભારુકચ્છ હોવાનું નિર્દેશાયું છે.
ચાલુક્યો કે સોલંકીઓના યુગમાં ગુજરાત બન્યું : गुरुओ गुज्जरदेसो. અણહિલવાડ પાટણ એની રાજધાની. કહેવાય છે કે સરસ્વતીને તીરે આવેલા લક્ખારામ (લક્ષારામ) નામના ગામની જગાએ ચાવડા વંશના વનરાજદેવે અણહિલ નામના ભરવાડના નામ ઉપરથી અણહિલવાડ પત્તન વસાવ્યું અને વનરાજે એ અણહિલપુરને પોતાની રાજધાની બનાવી. આ સ્થાન ઈ. સ. 720થી 1297 સુધી અને મુસ્લિમ અમલમાં પણ ઈ. સ. 1403 સુધી ગુજરાતની રાજધાની બની રહ્યું. ‘ગુજરાત’ નામ મળવાની શરૂઆત અહીંથી થઈ અને ગુજરાતી સમાજનો પાયો પણ અહીંથી રચાયો. મધ્યકાલીન ગુજરાતનો આ સુવર્ણયુગ હતો. સોલંકીઓએ પાટણ પ્રદેશને સમૃદ્ધ બનાવ્યો. તેનો પાયો નાખ્યો મૂળરાજ સોલંકીએ અને તેને વિકસાવી પૂર્ણતાએ પહોંચાડ્યું સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળે. ઈ. સ. 1411માં પાટણથી રાજધાની અમદાવાદ ખસેડાઈ. એ પછી સંસ્કારિતાનું કેન્દ્ર બને છે અમદાવાદ. આમ, આ પ્રદેશનો ઇતિહાસ ઉજ્જ્વળ છે.
બોલીની ર્દષ્ટિએ મહીસાગરથી ઉપરના ગુજરાત વિસ્તારના મુખ્ય બે વિભાગો જોવા મળે છે : ઉત્તર ગુજરાતી (પટ્ટણી) બોલી અને મધ્ય ગુજરાતી (ચરોતરી) બોલી. આ સમગ્ર પ્રદેશમાં બોલીગત ઘણું સામ્ય છે. અહીં પહેલાં એની સામ્ય ધરાવતી લાક્ષણિકતાઓ અને તે પછીથી તેની વિલક્ષણતાઓ જોવાનો ઉપક્રમ છે :
ઉત્તર ગુજરાતી (પટ્ટણી) અને મધ્ય ગુજરાતી (ચરોતરી) બોલીની ઉચ્ચારણ-વિષયક લાક્ષણિકતાઓ :
(1) સમગ્ર ઉત્તર ગુજરાતમાં એટલે કે મહીસાગર નદીથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રદેશમાં ‘આ’ અને ‘ઈ’ સાનુનાસિક અથવા નાસિક્ય વ્યંજનના સંપર્કવાળા હોય ત્યારે તેમનાં ઉચ્ચારણ-અનુક્રમે વિવૃત ‘ઑ’ અને ‘ઍ’ રૂપે ઉચ્ચારાય છે; જેમ કે –
ગામ > ગૉમ મીણ > મૅંણ
કામ > કૉમ વીંટી > વૅંટી
વાંચ > વાચ ભીંત > ભૅંત
પાણી > પૉંણી પીંપળો > પૅંપરો
ચાંદો > ચૉંદો લીમડો > લૅંમડો
માંડવું > મૉંડવું નીકળ્યો > નૅંકર્યો
(2) શબ્દમાં અંતે આવતા ‘આં’, ‘ઉં’ અને ‘ઈં’ના અનુનાસિકત્વનો લોપ એ પણ આ સમગ્ર પ્રદેશની આગવી લાક્ષણિકતા છે; જેમ કે –
દહીં > દઈ કરવું > કરવુ
બૈરાં > બૈરા નહીં > નઈ
કાપું > કાપુ છાપું > છાપુ
(3) શબ્દમાં અંતે આવતા ‘આઈ’ અને ‘આઉ’નું અનુક્રમે ‘અઈ’ અને ‘અઉ’ ઉચ્ચારણ એ પણ આ સમગ્ર પ્રદેશની ખાસિયત છે; જેમ કે –
ભાઈ > ભઈ ગાઉ > ગઉ
બાઈ > બઈ ખાઉં > ખઉ
સગાઈ > સગઈ જાઉં > જઉ
મકાઈ > મકઈ
(4) સામાન્ય રીતે આ પ્રદેશમાં ‘ળ’ને સ્થાને ‘ર’નું ઉચ્ચારણ વ્યાપક રીતે થાય છે; દા.ત., ‘મળવું’ શબ્દ અહીં ‘મરવું’ જેવો ઉચ્ચારાય છે; જેમ કે, ‘‘શાહેબ, હારુ થ્યુ જે તમે રસ્તામાં જ મરી જ્યા, નકર તમન હુ મરવા જ આવતો ’તો.’’ અન્ય ઉદાહરણો –
બાળકો > બારકો ધોળો > ધોરો
કાળિયો > કારિયો ઉતાવળ > ઉતાવર
(5) ક, ખ, ગ, ઘ – એ કંઠ્ય વર્ણો પછી જ્યારે ‘એ’, ‘ઈ’ કે ‘શ’ જેવા તાલવ્ય વર્ણો આવે ત્યારે આ કંઠ્ય વર્ણો તાલવ્ય તરીકે ઉચ્ચારાય છે; જેમ કે –
કાકી > કાચી ખેતર > સેતર માગ > માજ્ય
કેટલા > ચેટલા ખેડવું > સેડવું ગેરુ > જેરુ
કેમ > ચ્યમ ગયું > જ્યુ ઘી > ઝી
ઘેટુ > ઝેટુ
(6) શબ્દમાં ‘ડ’ અને ‘ણ’ની પહેલાં આવતો ‘ર’ ‘ય્’ શ્રુતિરૂપે ઉચ્ચારાય છે; જેમ કે –
શારડી > શાય્ડી પરણું > પયણુ
બારણું > બાયણુ ગરણુ > ગયણુ
બરણી > બયણી/બૈણી દરણું > દયણુ
પારણું > પાયણું નરણું > નયણુ
(7) માન્ય ગુજરાતીમાં ‘વ’નું ઉચ્ચારણ થાય છે ત્યારે નીચેના હોઠનો અંદરનો ભાગ ઉપરના દાંતને સ્પર્શે છે અને ‘વ’ ઉચ્ચારાય છે. પણ આ પ્રદેશની બોલીમાં ‘ય’, ‘એ’ અને ‘ઈ’ જો ‘વ’ પછી આવતા હોય તો પેલો સ્પર્શ થતો નથી; જેથી ‘વ’નો ઉચ્ચાર સંભળાતો નથી. જેમ કે –
લાવ્યો > લાયો પકવીએ > પકઈએ
આવ્યો > આયો વાવેતર > વાયતર
આવી > આઈ
(8) સ્વરાન્તર્ગત ‘ઢ’નું થડકારવાળા ‘’ જેવું ઉચ્ચારણ થઈ મહાપ્રાણત્વ તેની આગળ ‘હ’ રૂપે ઉચ્ચારાય છે; જેમ કે –
કાઢવું > ક્હાવું રૂઢિઓ > રહૂડ઼િયો
(9) જો પરભાષી શબ્દો ન હોય તો શબ્દોના આદિ સ્થાનમાં ‘ય’ને સ્થાને ‘જ’ ઉચ્ચારાય છે; જેમ કે –
યશ > જહ યશોદા > જસોદા
યમુના > જમના
આટલી સર્વસામાન્ય લાક્ષણિકતાઓ છે તો ફક્ત ઉત્તર ગુજરાતી બોલીની આગવી કહેવાય એવી પણ કેટલીક લાક્ષણિકતાઓ છે.
(અ) ઉચ્ચારણ-વિષયક :
(1) ઉત્તર ગુજરાતી બોલીની ધ્યાન ખેંચે તેવી આગવી લાક્ષણિકતા તે ‘સ’ને સ્થાને અઘોષ ‘હ’ બોલાય છે તે છે. ખાસ તો ‘મહેસાણા’ જેવા શબ્દમાંથી ‘એ’માં રહેલો મર્મર જતો રહે છે. ‘સ’નો અઘોષ ‘હ’ ઉચ્ચારાય છે અને ‘સા’માં રહેલો ‘આ’ પાછળ અનુનાસિક હોવાથી ‘ઑ’ તરીકે ઉચ્ચારાય છે ને એ રીતે ‘મૅહૉણા’ ઉચ્ચારણ થાય છે. અન્ય ઉદાહરણો –
માણસા > મૉણહા સમજુ > હમજુ
નિશાળ > નૅહાળ સાસુ > હાહુ
(2) સ્વરની સાથે ઉચ્ચારાતો મર્મર આ બોલીમાં નથી અને બે સ્વરની વચ્ચે આવતો ‘હ’ આ બોલીમાંથી અશ્ય થઈ ગયો છે; જેમ કે –
મહીં > મઈ સહુ > સૌ
વહુ > વઉ કહુ > કૌ
(3) ઉત્તર ગુજરાતીમાં માન્ય ગુજરાતીનો સ્પર્શસંઘર્ષી ‘ઝ’ માત્ર સંઘર્ષી ‘ઝ’ તરીકે ઉચ્ચારાય છે; ક્યારેક શબ્દારંભે આવતા ‘જ’નું ઉચ્ચારણ પણ ‘ઝ’ જેવું થાય છે; જેમ કે –
જમરૂખ > ઝમરૂખ
જમવું > ઝમવું
(4) સૌરાષ્ટ્રી બોલીની જેમ ઉત્તર ગુજરાતી બોલીમાં પણ ‘ચ’ અને ‘છ’ને સ્થાને ‘સ’ અને ‘શ’નું ઉચ્ચારણ થાય છે. આ લાક્ષણિકતા ખાસ કરીને સાબરકાંઠામાં વધુ જોવા મળે છે; જેમ કે –
ખરચી > ખરસી છાછ > શાશ
ચાર > સાર
(આ) વ્યાકરણ-વિષયક :
(1) દર્શક સર્વનામમાંના ‘એ’ને સ્થાને ‘ઈ’ ઉચ્ચારાય છે; જેમ કે –
એનો > ઈનો એની > ઈની
એનું > ઈનું
(2) ‘મેં’ અને ‘તેં’ – એ બે સર્વનામોને સ્થાને ‘મિ’ અને ‘તિ’ ઉચ્ચારવાનું વલણ વ્યાપક છે; જેમ કે –
તિ એવુ કીધુ એટલે મિ ખાધુ નઈ.
(3) નિષેધદર્શક કે નકારવાચક વાક્યમાં ‘નથી’ કે ‘નહીં’ ને સ્થાને ‘નઈ’ બોલાય છે; જેમ કે –
તુ ચ્યમ હવ આવતો નઈ ?
જોજે, જતો નઈ કદી.
(4) સામાન્ય રીતે ‘ઘર’, ‘માણસ’, ‘છછુંદર’, ‘કબૂતર’ જેવાં ‘અ’કારાન્ત નામોમાં બહુવચનમાં ‘આ’ (અને જો અનુસ્વાર સાથે હોય તો ‘ઑં’ પ્રત્યય) લગાડવામાં આવે છે. માન્ય ભાષામાં આ પ્રકારનાં નામોને બહુવચનનો ‘ઓ’ પ્રત્યય લગાડાતો નથી. જે આ બોલીમાં લગાડાય છે; જેમ કે – ઘરૉં, મોણહા, છછુંદરા, કબૂતરા વગેરે.
(5) ભવિષ્યકાળના ત્રીજા પુરુષનાં રૂપોમાં અંતે આવતા ‘એ’ને સ્થાને ‘ઇ’ ઉચ્ચારાય છે; જેમ કે –
જશે > જશિ દોડશે > દોડશિ
ખાશે > ખાશિ
(6) ક્રિયાપદના ચાલુ વર્તમાનકાળના ત્રીજા પુરુષ બહુવચનનાં રૂપોમાં ક્યારેક અનુસ્વારનો પ્રક્ષેપ થાય છે; જેમ કે –
ખાય છે > ખાય સિં
આવે છે > આવ સિં
(7) સામાન્ય વાતચીતમાં ‘બ્હેન’નું ‘બુન’, ‘હવે’નું ‘હવ’, ‘કોણ’નું ‘કુણ’ જેવાં ઉચ્ચારણ આ પ્રદેશની વિશિષ્ટ લાક્ષણિકતા છે. ‘એમ’નું ‘ઈમ’, ‘આંઈ-કણ’, ‘ચ્યાંકણ’ વગેરે અવ્યયો તથા ‘મારો દીયોર’ કે ‘મારું બેટું’ જેવી ઉક્તિઓની ખાસિયતોથી ઉત્તર ગુજરાતી બોલીનો ભાષક તુરત જ ઓળખાઈ જાય છે.
(ઇ) શાબ્દિક વિશેષતાઓ :
ચાલવું > હૅંડવું ત્યારે > તાણ
પવન > વાયરો પકડી રાખ > સઈ રાખ
કપડાં > લૂઘડાં છોકરી > છોડી
આપવું > આલવું
મધ્ય ગુજરાતીની વિશેષતા : ભૌગોલિક સ્થિતિ મુજબ ગુજરાતીની બોલીઓ વિશે વિચારીએ તો કચ્છ એના રણવિસ્તારી ભૂભાગને લીધે તો પશ્ચિમનો સુરાષ્ટ્રનો પ્રદેશ દ્વીપકલ્પની રીતે જુદો પડે છે. બાકી રહેલો તળ ગુજરાતનો પ્રદેશ ઘણુંખરું નદીઓના પટથી નાના વિભાગોમાં વહેંચાય છે; જેમ કે, ઉત્તર ગુજરાતમાં બનાસ અને સાબરમતી વચ્ચેનો પ્રદેશ, મધ્યમાં સાબરમતી અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, દક્ષિણે નર્મદા અને તાપીની દક્ષિણનો પ્રદેશ બોલીભેદની રેખાઓવાળો જોવા મળે છે.
સામાન્ય રીતે, મહીસાગર નદીની આસપાસના ખેડા જિલ્લાના પ્રદેશને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સાદી રીતે કહીએ તો ભરૂચ જિલ્લાનો કેટલોક પ્રદેશ, વડોદરાથી ઉત્તરે આવેલ (લગભગ અમદાવાદ સુધીનો) પ્રદેશ અને પંચમહાલ જિલ્લાનો કેટલોક પ્રદેશ તે મધ્ય ગુજરાત અને એ પ્રદેશની બોલી તે મધ્ય ગુજરાતી અથવા ચરોતરી બોલી.
(1) શબ્દના આદિસ્થાનમાં આવેલા ‘વ’ પછી તુરત જ ‘ઓ’ કે ‘ઑ’ આવે તો અથવા ‘આ’ કે ‘આં’ આવે તો તેનું ‘ઑ’ કે ‘ઑં’ ઉચ્ચારણ થાય છે; જેમ કે –
વાંદરો > આદરો
વાણિયો > ઑણિયો
વોરો > ઑરો
(2) સ્પર્શસંઘર્ષી ચ, છ, જ, ઝનાં ઉચ્ચારણો વધુ સંઘર્ષી કરવા તરફ આ બોલીના ભાષકોનું વલણ છે. ઉપરાંત, દાંતની વધુ નજીક જીભનું ટેરવું આણીને આ ઉચ્ચારણ થાય છે. એને કારણે ‘ચ’નો ઉચ્ચાર ‘ત્સ’ જેવો થાય છે; જેમ કે –
વેચી > વેત્સી છોકરી > ત્સોકરી
છે > ત્સે
(3) આ બોલીમાં ‘ય’ શ્રુતિનો વ્યાપક ઉપયોગ થાય છે; જેમ કે –
આંખ > આંખ્ય મેલ > મેલ્ય
લાવ > લાવ્ય કર > કર્ય
(4) ‘હ’ શ્રુતિ પણ વ્યાપક રીતે પ્રયોજાય છે; જેમ કે –
દાડમ > દ્હાડ્યમ મારો > મ્હારો
મગર > મ્હગર પાનો > પ્હાનો
(5) બે સ્વરની વચ્ચે આવતા ‘ઢ’ના ઉચ્ચારણમાં થડકારવાળો ‘ડ઼’ વાપરવાનું વલણ વિશેષ છે. જે કારણે મહાપ્રાણત્વ ‘ડ’થી છૂટું પડી જઈને આખા શબ્દ કે પદ ઉપર વ્યાપી રહે છે. આ કારણે પછી ‘’ અલ્પપ્રાણ બની જાય છે; જેમ કે –
કઢાવો > કાવોડ઼ા, કહડ઼ાવો
વાઢવું > વાડ઼વું, વ્હાડ઼વું
(અ) વ્યાકરણ-વિષયક :
(1) ‘ઈ’કારાન્તના જ્યાં માન્ય ભાષામાં બહુવચનનો પ્રત્યય લગાડાતો નથી ત્યાં પણ ‘ઓ’ પ્રત્યય લગાડાય છે; એટલું જ નહિ, વાક્યનાં લગભગ બધાં પદોને પણ એ પ્રત્યય લગાડવાનું વલણ જોવા મળે છે; જેમ કે,
ઘણીઓ સોડીઓ આવીઓ હતીઓ.
(2) પંચમી વિભક્તિમાં ‘થી’ને બદલે ‘હિ’ પ્રત્યય વાપરવાનું વલણ પણ વ્યાપક રીતે જોવા મળે છે; જેમ કે –
હાથથી ગયો > હાથહિ જ્યો
ક્યાંથી આવ્યા > ત્સ્યૉંહિ આયા
(3) સંભાવના તથા વર્તમાનકાળમાં પહેલા અને બીજા પુરુષ એકવચનનાં રૂપો સરખાં થાય છે; જેમ કે –
તું શું બોલે છે ? > તું શું બોલુ ત્સુ ?
તું શું લખે છે ? > તું શું લખુ ત્સુ ?
(4) સહાયકારક ‘છ્’નાં રૂપોમાં આવતા પુરુષ-વચનના પ્રત્યયો કેટલાંક રૂપાખ્યાનોમાં સંભળાતા નથી; જેમ કે –
તે બોલે છે. > તે બોલત્સ.
હું બોલું છું. > હું બોલુત્સ.
(5) ભવિષ્યકાળમાં પહેલા – બીજા પુરુષ એકવચનનાં રૂપોમાં ‘શ’ પહેલાં ‘ઈ’ને બદલે ‘એ’ ઉચ્ચારાય છે. અંત્ય ‘શ’નો પણ ઘણી વાર ઉચ્ચાર થતો નથી; જેમ કે –
હું મારીશ. > હું મારેશ કે હું મારે.
હું કરીશ. > હું કરેશ કે હું કરે.
(આ) શબ્દભંડોળ :
સ્ત્રી > બાયડી ઢેખાળો > ભાકો
ગોદડી > ધાગડી ખેતરનો ચાડિયો > ઝરડિયું
ધોકો > બૂહલું જિંગોડો > ગિંગોડો
છાણાં > જેમણાં જિંડવું > ગીંડવું
લડવું > વઢવું
ચરોતર પ્રદેશના ઘણા લોકોના આફ્રિકાના વસવાટને કારણે આફ્રિકાની સ્વાહિલી જેવી ભાષાના શબ્દોનો પ્રયોગ પણ એમાં જોવા મળે છે; જેમ કે –
પૂંજો > ફગિયો થાળો > સાની
તપેલી > સફુરિયું
દક્ષિણ ગુજરાતી : ગુજરાતનો નકશો જોતાં સમજાશે કે નર્મદા નદીની દક્ષિણે જે પ્રદેશ છે તે મુખ્યત્વે બે રીતે જુદો પડે છે : એક તો, ત્યાં અનેક નદીઓ છે અને ભરપૂર પાણીની સગવડ હોવાને કારણે પ્રદેશ ઘણો ફળદ્રૂપ છે; બીજું, એક બાજુ પૂર્વની સીમાએ ઊંચા ઊંચા ડુંગરો અને બીજી બાજુ પશ્ચિમે અફાટ સમુદ્રની વચ્ચેનો એ પ્રદેશ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સરખામણીએ આ પ્રદેશની આબોહવા સમશીતોષ્ણ છે. અહીં બહુ ઠંડી પણ નથી પડતી તેમ અહીં બહુ ગરમી પણ નથી પડતી. આ કારણે અહીં ખેતી, પશુપાલન, વેપાર-વણજ વગેરેને માટે ઘણી તકો છે. આ કારણે અહીં ઘણી પ્રજાઓએ આવીને વસવાટ કર્યો છે.
રાજકીય રીતે જોઈએ તો આજના ભરૂચ, સૂરત, નવસારી, વલસાડ અને ડાંગ – એ પાંચ જિલ્લાઓ મળીને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ બને છે. નર્મદા ઉપરાંત તાપી, કરજણ, દમણગંગા, અંબિકા જેવી મોટી નદીઓ આ પ્રદેશમાંથી વહે છે. ખનિજની ર્દષ્ટિએ સમૃદ્ધ ડુંગરમાળા અને અંકલેશ્વરનું તેલક્ષેત્ર (ગાંધારનું તેલક્ષેત્ર) આ પ્રદેશમાં આવેલાં છે. આખા ગુજરાતમાં સૌથી વધુ ગાઢ જંગલો પણ આ પ્રદેશમાં આવેલાં છે. ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લાનાં સાગનાં વનો આ પ્રદેશની સમૃદ્ધિમાં ઘણો વધારો કરે છે. એક રીતે એક અલગ સ્વાયત્ત પ્રદેશ તરીકે વિકસવા માટે આટલી બાબતો પૂરતી ગણાય.
વળી, ભૌગોલિક અને ઐતિહાસિક રીતે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ ખાનદેશ અને મહારાષ્ટ્રની વધુ નજીક રહ્યો છે. ગુજરાતના ઇતિહાસના પરિચિતો જાણે છે કે છેક શરૂથી જ લાટ (દક્ષિણ ગુજરાત) આનર્ત (ઉત્તર ગુજરાત) અને સુરાષ્ટ્રથી (સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડથી) અલગ પ્રદેશ રહ્યો છે. આજે પણ આ પ્રદેશનો મોટાભાગનો વ્યવહાર મુંબઈ સાથે છે. જૂના સમયથી જ સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક અને રાજકીય રીતે આ પ્રદેશનું અલગ એકમ અસ્તિત્વમાં રહ્યું છે. આ પ્રદેશનાં બે મુખ્ય શહેરો ભરૂચ અને સૂરત વેપારવણજને કારણે દરિયામાર્ગે દક્ષિણના અને દરિયાપારના દેશો સાથે સંપર્કમાં રહ્યાં અને આર્થિક રીતે ઘણાં સમૃદ્ધ રહ્યાં.
(1) પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયા અને ત્યાંની પ્રજામાં સાકરની જેમ ભળી જઈને ગુજરાતીઓ જ બની રહ્યા તેની અસર એ પ્રદેશની રહેણીકરણી અને ભાષામાં વ્યાપક પ્રમાણમાં દેખાય છે.
(2) શિવાજીએ સૂરત લૂંટ્યું તે પહેલાંથી મરાઠીભાષીઓ સાથે આ પ્રદેશના લોકો સંપર્કમાં હતા. મરાઠાઓ અહીં સ્થિર થયા અને અહીંની સ્ત્રીઓને પરણ્યા એ અસર હજુ દક્ષિણ ગુજરાતની સ્ત્રીઓના પહેરવેશમાં, તેમની ખાણીપીણીમાં અને કંઈક અંશે ભાષામાં દેખાય છે.
(3) વલંદા અને પછી અંગ્રેજોએ સૂરતમાં કોઠી નાખી અને ત્યાંના વેપારવણજ ઉપર અસર કરી. તેને કારણે ત્યાંની ભાષામાં પ્રમાણમાં અંગ્રેજી શબ્દો વધુ મળે છે.
મુખ્ય આ 3 કારણોસર દક્ષિણ ગુજરાતની કેટલીક આગવી લાક્ષણિકતાઓ માન્ય ગુજરાતીની સરખામણીએ અલગ જોવા મળે છે. જોકે આ પ્રદેશમાં લખાતી સાહિત્યકૃતિઓમાં, બહાર પડતાં સમાચાર-પત્રોમાં અને અન્ય પુસ્તકોમાં માન્ય ભાષાનો વપરાશ જોવા મળે છે; આમ છતાં આ પ્રદેશની શિક્ષિત વ્યક્તિઓ પણ વિના સંકોચે આ પ્રદેશની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથેની ભાષાનો વ્યવહાર બોલચાલમાં અને સંભાષણમાં કરે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં પણ આ બોલીનો ઉપયોગ થયેલો નોંધી શકાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીએ આ બધી બાબતોને નજર સામે રાખીને આ પ્રદેશની બોલીનો અભ્યાસ કરવા જેવો છે.
આ ઉપરાંત એક બીજી બાબત પણ નોંધવા જેવી છે. ગુજરાતના અન્ય પ્રદેશની સરખામણીએ અહીં આદિવાસી પ્રજાની સંખ્યા ઘણી વધારે છે. તેઓ ડાંગી ઉપરાંત ધોડિયો, ચૌધરી, ગામીત, કુકણા, વાલી, કોટવાલી વગેરે બોલીઓ બોલે છે. આ આદિવાસી બોલીઓના સંપર્કની પણ કેટલીક અસર અહીંની મુખ્ય બોલીમાં નોંધી શકાય.
વળી, આખા ગુજરાતમાં સૌથી વધુ મરાઠી ભાષકો પણ આ પ્રદેશમાં વસે છે. મરાઠી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓની અસર આ બોલીમાં જોવા મળે છે તેનું એક કારણ આ પ્રદેશ મહારાષ્ટ્રની સાવ નજીક છે અને આ પ્રદેશમાં ઘણાબધા મરાઠી-ભાષકો વસે છે – એ પણ ગણી શકાય.
(અ) ઉચ્ચારણવિષયક :
(1) બધા જ ‘શ’ અને ‘સ’ને સ્થાને અઘોષ સંઘર્ષી કંઠ્ય ‘હ’ ઉચ્ચારાય છે; દા.ત., ‘શેર શાક સમાર્યું.’ એ વાક્ય ‘હેર હાક હમાઇરું – એ રીતે અને ‘સૂરત સોનાની મૂરત’ એ વાક્ય ‘હૂરત હોનાની મૂરત’ – એ રીતે બોલાય છે.
(2) શબ્દની વચ્ચે ‘ન’, ‘દ’, ‘ડ’ એવા ઘોષ દંત્ય કે મૂર્ધન્ય વ્યંજનો આવે અને પછી ઘોષ પાર્શ્વિક ‘લ’ ઉચ્ચારાતો હોય અને ‘લ’ની પછી ‘અ’ સિવાયનો સ્વર હોય તો ‘ન’, ‘દ’ કે ‘ડ’નો ઉચ્ચાર ‘લ’ થાય છે; દા.ત., નાનલો > નાલ્લો, ગાડલું > ગાલ્લું, કડલું > કલ્લું.
આ વલણને કારણે કેટલાક ભાષકો ‘નાખ’ જેવા ક્રિયાપદને પણ ‘લાખ’ એ રીતે ઉચ્ચારે છે :
‘મારી નાખ્યો’ એવું વાક્ય ‘મારી લાઇખો’ એ રીતે ઉચ્ચારાતું સંભળાય છે.
(3) સ્વરોમાં મર્મરનો ઉચ્ચાર થતો ન હોઈ મર્મર સ્વરને બદલે સાદા સ્વરો ઉચ્ચારવાનું વલણ છે; દા.ત., ચા, સવાર, અમે વગેરેમાં માન્ય ગુજરાતી ભાષક શબ્દારંભે ઉચ્ચારાતા પહેલા અક્ષરમાં મર્મર સ્વર ઉચ્ચારે છે; જ્યારે આ બોલીમાં ‘ચાઇ’, ‘સવાર’ અને એમ પહેલા અક્ષરમાં સાદા સ્વરો ઉચ્ચારાય છે. એ જ રીતે માન્ય ભાષામાં ઉચ્ચારાતો ‘હ’ (કંઠ્ય સંઘર્ષી) પણ આ બોલીમાં ઉચ્ચારાતો નથી; દા.ત., ‘નાહી આવ્યો’ એ વાક્યનું ‘નાઈ આઇવો’, ‘હુ’ > ઉં/મું,
હશે > ઓહે જેવું ઉચ્ચારણ મળે છે.
(4) કેટલાક વિસ્તારોમાં કેટલાક શબ્દોમાં વ્યાપક રીતે ‘ળ’ને સ્થાને ‘લ’ ઉચ્ચારવાનું વલણ છે; દા.ત.,
મળવા > મલવા, ગળવા > ગલવા
ગાળ > ગાલ, વળવું > વલવું
(5) મોટાભાગના ભાષકો કેટલાક શબ્દો બોલતી વખતે દંત્યને બદલે મૂર્ધન્ય સ્પર્શ વાપરવાનું વલણ ધરાવે છે ; દા.ત., દાંડિયો > ડાંડિયો, તમારો > ટમારો, પંદર > પંડર, દીઠો > ડીઠો એવાં ઉચ્ચારણો સાંભળવા મળે છે. જોકે માન્ય ભાષા બોલનારા કેટલાક ભાષકો પણ શબ્દના આરંભમાં આવતા દંત્ય વ્યંજનોને સ્થાને મૂર્ધન્ય વ્યંજનો ઉચ્ચારવાનું વલણ ધરાવે છે; દા.ત., દોટ > ડોટ, દાખલ > ડાખલ, દૂંટી > ડૂંટી, દીંટું > ડીંટું જેવા શબ્દપ્રયોગો સાંભળવા મળે છે.
(6) ઉપરના વલણથી ઊલટું વલણ ધરાવતા હોય તેવા ભાષકો પણ મળે છે; તેઓ દંત્યને સ્થાને મૂર્ધન્ય ઉચ્ચારવા ઉપરાંત મૂર્ધન્ય વ્યંજનને સ્થાને દંત્ય વ્યંજન ઉચ્ચારતા હોય છે. પારસીઓમાં અને અન્ય કોઈ કોઈ જ્ઞાતિઓની બોલીઓમાં આ વલણ વિશેષ જોવા મળે છે; દા.ત., છાંટોપાણી > છાંતોપાની, કાંટાછાપ > કાંતાછાપ.
આ ઉપરાંત ‘અઢાર’ > અધાર, અઠ્યાવીસ > અથ્થાવીસ, સત્યાવીસ > હત્તાવી જેવાં ઉચ્ચારણો પણ મળે છે.
(7) કેટલાક શબ્દોમાં વચ્ચે આવતા વ્યંજનોને બેવડાવીને (સંયુક્ત વ્યંજન રૂપે) ઉચ્ચારવાનું વલણ જોવા મળે છે; દા.ત., છતાં > છત્તાં, કાચો > કાચ્ચો, સાચું > સાચ્ચું/હાચ્ચું, બધો > બધ્ધો/બઢ્ઢો, કઢી > કઢ્ઢી, દીઠો > ડીઠ્ઠો. ‘અભી’ ઉપરથી આવેલા ‘અબી’ને બદલે ‘અબ્બી’ જેવા શબ્દો પણ સાંભળવા મળે છે. વાતને ભારપૂર્વક અથવા આવેશપૂર્વક રજૂ કરવાના વલણને કારણે પણ આવા સંયુક્ત વ્યંજનોનું ઉચ્ચારણ થતું હોય એવું અનુમાન કરી શકાય; દા.ત., ‘હમ્મણાં ને હમ્મણાં ચાઇલો જા.’; ‘ઊભ્ભો ને ઊભ્ભો ચીરી લાઇખો’; ‘બેઠ્ઠો બેઠ્ઠો ખાય છે’; ‘સીઢ્ઢેસીઢ્ઢા જટા રો’ વગેરે.
(આ) વ્યાકરણવિષયક :
(1) માન્ય ગુજરાતીમાં ‘બોલવાનો છું’ એ વિધેય(હકારસૂચક)- વાક્યની સમાંતર ‘બોલવાનો નથી’ એવું નિષેધ(નકારસૂચક)-વાક્ય મળે છે. આવાં વાક્યોમાં ‘છું’, ‘છો’ કે ‘છે’ને સ્થાને ‘નથી’ની અદલાબદલી થતાં નિષેધ-વાક્ય બને છે; પરંતુ ‘બોલું છું’, ‘બોલો છો’ જેવાં વાક્યોમાંથી ‘બોલું નથી’, ‘બોલો નથી’ એ રીતનાં નિષેધવાક્યો મળતાં નથી. ત્યાં ‘બોલું’ કે ‘બોલો’ એ આખ્યાત ‘બોલતો’ કે ‘બોલતા’ના રૂપમાં પરિવર્તિત થાય છે; પછી ‘નથ’ લાગે છે. દક્ષિણ ગુજરાતની બોલીમાં તેથી ઊલટું છે. ત્યાં ‘મું બોલતો છું’, ‘તું બોલતો છે’, ‘તમે બોલતા છો’ એવાં વાક્યો વિધેય સૂચવતા મળે છે અને એવાં વાક્યોમાં ‘છું’, ‘છે’, ‘છો’ને સ્થાને ‘નથી’ મૂકી દેતાં નિષેધવાક્ય મળે છે; દા.ત., ‘મું બોલતો નીં/નથી.’, ‘તમે બોલતાં નથી/નીં.’ જોકે સામાન્ય રીતે ‘નથી’ એ નિષેધદર્શક રૂપને બદલે આ બોલીમાં ‘નીં’ વપરાતું સંભળાય છે અને એ આખ્યાતની પછી આવવાને બદલે આખ્યાતની પહેલાં આવે છે; દા.ત., ‘તમે બોલતાં નથી’ એ વાક્ય ‘તમે નીં બોલવાના’ એ રીતે સંભળાય છે. ‘નહીં’ને બદલે પણ આ બોલીમાં ‘નીં’ વપરાય છે; પરંતુ જ્યાં માન્ય ભાષામાં અવશ્યપણે ‘નથી’ જ વપરાય તેવાં ‘તું કંઈ બોલતો નથી યાર’ – જેવાં વાક્યોમાં પણ આ બોલીમાં ‘નીં’ વપરાય છે; દા.ત., ‘તું કંઈ બોલતો નીં યાર.’ સામાન્ય રીતે આ વપરાશ વ્યાપક છે.
(2) ‘નીં’ જેમ ‘નથી’ માટે વપરાય છે તેમ ‘ની’ (નાસિક્ય સ્વર વિનાનો ‘ની’) ‘ને’ એવા વાક્યમાં આવતા આગ્રહ કે વિનંતિસૂચક રૂપ માટે વપરાય છે; દા.ત., ‘તમે બેસોને’, ‘તમે ગમે તે કરોને હું નથી બોલવાનો’ જેવાં વાક્યો ‘તમે બેહોની’ અને ‘તમે ગમે તે કરોની હું નીં બોલવાનો’ રૂપે સંભળાય છે.
(3) માન્ય ભાષામાં આવતો ભૂતકૃદંતનો (પૂર્ણ અવસ્થા દર્શાવતો) ‘ય’ આ બોલીમાં ધાતુ પછી ઉચ્ચારાવાને બદલે ધાતુના રૂપની વચ્ચે ઉચ્ચારાતો સંભળાય છે; દા.ત., ‘ચાલ્યો’, ‘કાપ્યો’, ‘બોલ્યો’ જેવાં ક્રિયાપદોમાં ‘ય’ પ્રત્યય ‘ચાલ’, ‘કાપ’, ‘બોલ’ પછી, માન્ય ભાષામાં વપરાય છે; પણ આ બોલીમાં ‘કાયપો’, ‘ચાયલો’, ‘બોયલો’ – એમ ‘કાપ’, ‘ચાલ’, ‘બોલ’ની વચ્ચે ઉચ્ચારાય છે. આ ‘ય’નું ઉચ્ચારણ અર્ધસ્વર રૂપે થતું હોવાથી ભાષકો તેને ‘ઇ’ તરીકે લખવાનું વલણ ધરાવે છે; દા.ત., ‘કાઇપો’, ‘બોઇલો’, ‘ચાઇલો’ વગેરે. આવો અર્ધસ્વર ‘ય્’ ‘પોયરો’, ‘પોયરી’(‘પોઇરો’ – ‘પોઇરી’)નાં ઉચ્ચારણોમાં પણ મળે છે.
(4) ‘હું’ને સ્થાને સામાન્ય રીતે પ્રથમ પુ. એ. વ.નું સર્વનામ ‘મેં’ સાંભળવા મળે છે; દા.ત., ‘હું બોલ્યો’ને બદલે ‘મેં બોયલો’, ‘હું આવીશ’- ને સ્થાને ‘મેં આવીહ/મેં આવાં’, ‘હું ચાલ્યો’ > ‘મેં ચાઇલો.’
(5) સહાયકારક ‘છ’ ધાતુનું રૂપ બધા પુરુષ એકવચનમાં એક જ રૂપે વપરાય છે; દા.ત., ‘તમે હું કામ કરો છ ?’, ‘તું હું બોલ છ ?’ ‘અમે આવતા છ’ (‘અમે આવીએ છીએ’ ના અર્થમાં), ‘તે કામ કરે છ.’ માત્ર પહેલો પુ. એ. વ.માં ‘છ’ ઉપરાંત ‘છઉં’ કે ‘છું’ એવું સહાયકારક ક્રિયાપદ મળે છે; દા.ત., ‘હું એક કૅરેક્ટર છઉં.’, ‘મેં કામ કરતી છું.’
(6) શરતી વાક્યોમાં માન્ય ગુજરાતીમાં ‘ત’ પ્રત્યયવાળાં ક્રિયાપદ વપરાય છે. તેને બદલે આ બોલીમાં ‘તે’ પ્રત્યયવાળાં ક્રિયાપદો સંભળાય છે; દા.ત., ‘તું લખત તો હું આવત’ – એ વાક્ય ‘તું લખતે તો હું આવતે’ – એ રીતે વપરાય છે. ‘હતો’ માટે ‘ઉતો’ વપરાય છે.
(7) ‘શ’ માન્ય ભાષામાં ભવિષ્યકાળનો સૂચક પ્રત્યય છે, તે આ બોલીમાં ‘હ’ રૂપે સંભળાય છે; દા.ત., ‘મારીશ’ > મારીહ, કરીશ > કરીહ, બોલશે > બોલહે વગેરે ક્રિયાપદો મળે છે. કેટલાક વિસ્તારોમાં ભવિષ્યકાળ પહેલો પુ. એ. વ.નાં રૂપો ‘ઉં ઊંઠા’, ‘મેં લખા’, ‘‘મેં કે’વા’’, ‘મેં જવા’ (‘હું ઊઠીશ’, ‘હું લખીશ’, ‘હું કહીશ’, ‘હું જઈશ’) – એ રૂપે મળે છે.
(8) માન્ય ગુજરાતીમાં ભૂતકૃદંતનો ‘એલ’ પ્રત્યય લાગ્યા પછી ક્રિયાપદને લિંગવચનના – ઓ, આ, ઈ, ઉં પ્રત્યયો લાગે છે; દા.ત., ‘કામ કરાયેલું’, ‘ખૂબ ખાધેલું’ વગેરે; પણ આ બોલીમાં માત્ર ‘એલ’ પ્રત્યય જ વપરાય છે; દા.ત., ‘કામ કરાયેલ’, ‘ખૂબ ખાધેલ’ વગેરે.
(ઈ) શબ્દભંડોળ : આ બોલીમાં કેટલાક વિશેષ શબ્દપ્રયોગો સાંભળવા મળે છે : ‘છોકરો’/‘છોકરી’ માટે ‘પોયરો’/‘પોયરી’ શબ્દો વ્યાપક છે. ‘મા’/‘બાપ’ માટે ‘ડોહો’/‘ડોહી’ પણ વ્યાપક શબ્દો છે. જમાઈ માટે અનાવિલ દેસાઈઓમાં ‘નાયક’ અને એ સિવાયના અનાવિલો તથા બીજી જ્ઞાતિના ભાષકોમાં ‘પટેલ’ શબ્દ વપરાતો સંભળાય છે. કોઈ પણ જ્ઞાતિની કામવાળી માટે ‘દૂબળી’ શબ્દ કેટલાક વિસ્તારોમાં પ્રચલિત છે. ‘દાદા’ માટે ‘આજા’/‘આજાબાપા’, ‘દાદી’ માટે ‘આજી’/‘આજીબા’ સંભળાય છે. ‘નહીં તો’ માટે ‘નીકર’ વપરાય છે; દા.ત., ‘નહીં તો મારીશ’ > ‘નીકર મારાં’. ‘આ બાજુ’/‘તે બાજુ’ માટે ‘આફા’/‘તીફા’ જેવા શબ્દો મળે છે. ‘ત્યારે’ માટે ‘તિવારે’ અથવા ક્યાંક ‘તિયારે’ શબ્દ મળે છે. ‘આગળ’/‘પાછળ’ માટે ‘અગાડી’/‘પછાડી’ શબ્દો વપરાય છે. ‘દિવસ’ માટે ‘દહાડો’ અને ‘સરખું’ માટે ‘પાધરું’ શબ્દ પ્રચલિત છે; દા.ત., ‘સરખું કામ કરજો’ > ‘પાધરું કામ કરજો.’ ‘ક્યાંય નહિ’ માટે ‘કેથે ની’ શબ્દ વપરાશમાં છે. વળી ‘હા’ > ‘ઓવે’/‘હોવે’, ‘હશે’ > ‘ઓહે’ જેવા શબ્દપ્રયોગો થાય છે. ‘હઈશ’ > ‘ઓવા’; દા.ત., ‘ઓવે મેં ઘેરમાં જ ઓવા.’ (હા, હું ઘરમાં જ હઈશ.) ‘ડાંગર’ > ‘ભાત’, ‘હોડી’ > ‘પનાઈ’, ‘પલાખાં’ > ‘લેખાં’, ચિનાઈ માટીના વાડકા જેવા વાસણ માટે ‘ચલાણું’, ‘મોટો લોટો’ > ‘ઘડુ’, ‘પતરાળી’ > ‘બાજ’, ‘પડિયા’ > ‘દડિયા’, ‘કથરોટ’ > ‘ત્રાંસ’, સુતરાઉ સાડી/કપડાં > લૂગડું. ત્રાંબા કે પિત્તળના મોટા ઘડા માટે ‘દેગડો’ અને નાના માટે ‘તામડી’ અથવા ‘દેગડી’ (જોકે તેનો આકાર જુદો હોય) અને બંને માટે ‘બેઢું’ અથવા ‘બ્હેડું’ શબ્દો પ્રચલિત છે.
‘પણ’ એ સંયોજકને સ્થાને ‘બી’ અથવા ‘હો’/‘હોત’ સંયોજક વપરાતો સંભળાય છે; દા.ત., ‘તમે પણ આવજો’ એવું વાક્ય ‘ટમું બી આવજો’ અથવા ‘ટમે હોત આવજો’ એ રીતે સંભળાય છે. ‘હબધો’ એટલે ‘મજબૂત’. ‘ઊબડો’ એટલે ‘ઊંધો’. ‘કરબડી’ એટલે ‘ચણ નાખવા ટાંગેલું વાસણ’ વગેરે શબ્દો વપરાય છે. ‘ઓણીથી પોણી’ (આરંભથી અંત), ‘લીંબુ પકડાવવું’ (ખોટી આશા બંધાવવી – કોણીએ ગોળ વળગાડવો), ‘નસ ખેંચવી’ (કંટાળો આપવો) જેવા રૂઢિપ્રયોગો પણ આ વિસ્તારમાં વપરાતા નોંધાયા છે.
યોગેન્દ્ર વ્યાસ