બોલીવાર, સાયમન (જ. 24 જુલાઈ 1783, કેરેકાસ, વેનેઝુએલા; અ. 17 ડિસેમ્બર 1830, સાન્ટા માર્તા, કોલમ્બિયા) : દક્ષિણ અમેરિકાનો મહાન સેનાપતિ અને મુક્તિદાતા. સ્પેન સામેના એના વિજયોને કારણે દક્ષિણ અમેરિકામાં આવેલાં બોલિવિયા, કોલમ્બિયા, ઈક્વેડોર, પેરુ અને વેનેઝુએલા સ્વતંત્ર બન્યાં. તેથી તેને મુક્તિદાતા કહેવામાં આવે છે. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એને મોટી રકમ વારસામાં મળી હતી. યુવાન બન્યા પછી એણે યુરોપનો પ્રવાસ કર્યો. એ પ્રવાસ દરમિયાન એણે સ્પેનની યુવતી સાથે લગ્ન કર્યાં; પરંતુ કેરેકાસ પહોંચ્યા પછી થોડા મહિનામાં જ તેની પત્નીનું અવસાન થયું. એ પછી, સાયમન બૉલિવારે બીજી વાર યુરોપનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન રોમની મુલાકાત વખતે એણે વેનેઝુએલાને સ્વતંત્ર કરવાની પ્રતિજ્ઞા લીધી.
વેનેઝુએલા પાછા ફરીને એ દેશભક્તોના એક જૂથ સાથે જોડાયો. એ જૂથે 1810માં કેરેકાસ કબજે કર્યું અને 1811માં એને સ્વતંત્ર જાહેર કર્યું. એ મદદ મેળવવા ઇંગ્લૅન્ડ ગયો; પરંતુ તેને મદદ મળી નહિ. એણે વેનેઝુએલા આવીને દેશભક્ત સૈન્યની આગેવાની લીધી. 1813માં સ્પેન પાસેથી કેરેકાસ ફરીથી જીતી લીધું અને તે દેશનો સરમુખત્યાર બન્યો. 1814માં કોલમ્બિયાના લશ્કરની મદદથી બોગોટા કબજે કર્યું; પરંતુ એ પછી સૈનિકો અને પુરવઠાની તંગીને કારણે તેને પરાજય સહન કરવો પડ્યો તથા જમૈકા નાસી જવું પડ્યું. હૈતીમાં લશ્કર એકઠું કરીને 1816માં એણે વેનેઝુએલાનું અંગોસ્ટુરા કબજે કર્યું અને ત્યાંનો સરમુખત્યાર બન્યો.
1819માં બોલીવારે દક્ષિણ તરફની કૂચ શરૂ કરી, બોયાકા પાસે સ્પૅનિશ લોકોને હરાવી કોલમ્બિયાને સ્વતંત્ર કરી પોતાની સત્તા નીચે મૂક્યું. 17મી ડિસેમ્બર 1819ના રોજ એ વેનેઝુએલા અને કોલમ્બિયાના સંયુક્ત પ્રજાસત્તાકનો પ્રથમ પ્રમુખ બન્યો. સ્પૅનિશ લશ્કરને કચડી નાખીને 1821માં પનામા અને 1822માં ઇક્વેડોર જીતી લીધાં. 1824માં એ પેરુનો સરમુખત્યાર બન્યો. 1824માં અયાકુચો પાસે સ્પૅનિશોને હરાવીને એણે દક્ષિણ અમેરિકામાં સ્પૅનિશ સત્તાનો અંત આણ્યો. 1825માં ઉપલા પેરુ(upper Peru)નું અલગ રાજ્ય બનાવીને બૉલિવારના નામ પરથી એને ‘બૉલિવિયા’ નામ આપ્યું. એનું બંધારણ પણ એણે પોતે જ ઘડ્યું. બૉલિવારની ઇચ્છા દક્ષિણ અમેરિકાનાં સ્વતંત્ર થયેલાં રાજ્યોનો સંઘ બનાવીને એ રાજ્યો તથા યુ. એસ. વચ્ચે ઘનિષ્ઠ સંબંધો બાંધવાની હતી; પરંતુ તેની એ ઇચ્છા અપૂર્ણ રહી. 1830માં કોલમ્બિયાનું પ્રજાસત્તાક કોલમ્બિયા, ઇક્વેડોર અને વેનેઝુએલા નામનાં ત્રણ અલગ રાજ્યોમાં વહેંચાઈ ગયું. 1828ના સપ્ટેમ્બરમાં બોગોટામાં એના ખૂનનો પ્રયાસ થયો; પરંતુ તે બચી ગયો. એની સામેનો વિરોધ વધતો ગયો, તેથી 1830માં એણે કોલમ્બિયાના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. દક્ષિણ અમેરિકાને સ્પેનની પકડમાંથી મુક્ત કરનાર તરીકે એનું નામ જાણીતું છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી