બોડે, જોહાન એલર્ટ (જ. 19 જાન્યુઆરી 1747, હૅમ્બર્ગ, જર્મની; અ. 23 નવેમ્બર 1826, બર્લિન) : ખગોળશાસ્ત્રને લોકભોગ્ય કરનાર જર્મન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. ખગોળશાસ્ત્રનું જ્ઞાન એમણે સ્વયં મેળવ્યું હતું. તેવી જ રીતે સ્વપ્રયત્ને ગણિતમાં પણ પારંગત બન્યા હતા. 1766માં ઓગણીસ વર્ષની વયે એમણે ખગોળવિષયક પ્રબંધો અને ખગોળનાં પાઠ્યપુસ્તકો લખવા માંડેલાં. એમનાં પુસ્તકો ઘણાં લોકપ્રિય પણ થયાં હતાં. ખગોળપરિચય (Introduction to Astronomy) નામના એમના એક ગ્રંથની તો નવ આવૃત્તિઓ થઈ હતી ! જે લોકોએ વિજ્ઞાનની પદ્ધતિસર કોઈ તાલીમ લીધી ન હોય, તેવા સામાન્ય જનને પણ પોતાનાં લખાણો દ્વારા ખગોળમાં જ નહિ, વિજ્ઞાનની અન્ય શાખાઓમાં પણ રસ લેતા કરવામાં પહેલ કરનાર વૈજ્ઞાનિકોમાં તેઓ અગ્રેસર હતા.
1772માં તેઓ બર્લિન અકાદમીમાં ગણિતશાસ્ત્રી તરીકે જોડાયા. અકાદમીનાં વાર્ષિકોની દેખરેખ રાખવા ઉપરાંત, એમાં આવતી ગાણિતિક બાબતો ચકાસવાની કામગીરી પણ સંભાળતા. આ રીતે 1776થી તેમની હયાતી દરમિયાનનાં બધાં વાર્ષિકો એમની દેખરેખ નીચે જ તૈયાર થયાં. 1786માં એમની વરણી બર્લિન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરીના નિયામક તરીકે થઈ. 1784માં એમની વરણી શાહી ખગોળશાસ્ત્રી (royal astronomer) તરીકે થઈ અને બર્લિન એકૅડેમીમાં ચૂંટાયા. લગભગ 40 વર્ષ સુધી બર્લિન વેધશાળાના નિયામક તરીકે રહીને 1825માં આ પદેથી તેઓ નિવૃત્ત થયા.
આ ઉપરાંત તેમણે Vorstellung der Gestime અને Uranographia શીર્ષક હેઠળ બે આકાશી નકશાઓનું પણ ભારે જહેમતે સંકલન કર્યું. 1801માં તૈયાર કરેલા Uranographia નામના નકશામાં અથવા નકશાપોથીમાં વીસ તારા-નકશાઓ સમાવવામાં આવ્યા હતા અને લગભગ 17,240 જેટલા તારાઓનાં અને નિહારિકાઓનાં સૂચિપત્રો (catalogue) સંલગ્ન કરવામાં આવ્યાં હતાં. ઉત્તર તેમજ દક્ષિણ ગોળાર્ધમાંથી નરી આંખે દેખાતા પહેલા વર્ગના તથા નરી આંખે પરાણે દેખાતા છઠ્ઠા વર્ગના તમામ તારાઓ ઉપરાંત એમાં કેટલાક આઠમા વર્ગના અત્યંત નિસ્તેજ તારાઓને પણ સમાવી લેવામાં આવ્યા હતા. આ બધા તારાઓનાં સ્થાન આ પટ(નકશા)માં આપવાનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત એમાં 99 તારામંડળોને એકમેકથી અલગ તારવતી રેખાકૃતિઓ વર્ણન સાથે આપવામાં આવી હતી. આવી રીતે તારામંડળોનું પદ્ધતિસર નિરૂપણ આ અગાઉ કોઈએ કર્યું ન હતું. જોકે આ તારા-નકશાઓમાં એમણે આશરે નવેક જેટલાં નવાં તારામંડળો સૂચવેલાં, પરંતુ એમનાં નામો એવાં તો અટપટાં હતાં કે લાંબે ગાળે એ બધાં ભુલાઈ ગયાં. ખગોળશાસ્ત્રમાં ફોટોચિત્રણનો પ્રવેશ થવાને હજુ ઘણી વાર હતી તેવા સમયે આકાશી નકશાઓ તૈયાર કરવાનું તેમનું આ કામ ખાસ્સું અઘરું હોવા ઉપરાંત ઘણું વિરાટ હતું અને એમાં પહેલી જ વાર સર વિલિયમ હર્ષલ (1738–1822) દ્વારા શોધવામાં આવેલા કેટલાક અવકાશી પિંડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એ જ હર્ષલ હતો, જેણે 13 માર્ચ, 1781ના રોજ એક નવો ગ્રહ શોધેલો. પરંતુ હર્ષલ સહિત કેટલાક ખગોળજ્ઞો બરાબર નક્કી કરી શકતા ન હતા કે ખરેખર આ એક નવો ગ્રહ જ છે કે પછી કોઈ ધૂમકેતુ કે નિહારિકા. હર્ષલે શોધેલા જ્યોતિ-પુંજનું લાગલગાટ નિરીક્ષણ કર્યા પછી નવેમ્બર 1781માં બોડેએ તે પિંડ નવો ગ્રહ જ હોવાનું જાહેર કર્યું અને તેની ભ્રમણ-કક્ષા પણ ગણી કાઢી. આ ગ્રહ માટે જ્યારે નામ પાડવાનો વખત આવ્યો, ત્યારે હર્ષલે તેનું નામ Georgium Sidus એવું સૂચવ્યું. આ લૅટિન ભાષાના નામકરણનો અર્થ થાય જ્યૉર્જનો તારો, કારણ કે હર્ષલ ઇંગ્લૅન્ડના તે સમયના રાજા જ્યૉર્જ ત્રીજાનો આશ્રિત ખગોળવિદ હતો. બીજા દેશના ખગોળશાસ્ત્રીઓ આ નવા ગ્રહને હર્ષલ નામ આપવા તૈયાર હતા, પરંતુ ઇંગ્લૅન્ડના રાજાનું નામ આપવા સંમત ન હતા. બોડેએ આને યુરેનસ નામ આપવાનું સૂચવ્યું. પરંતુ, તાત્કાલિક કશો નિર્ણય લેવાયો નહિ. 1822માં હર્ષલનું અવસાન થયું. એ પછી થોડાં વર્ષો બાદ 1850માં જૉન કૂચ ઍડમ્સ (1819–1892) નામના અંગ્રેજ ખગોળવિદના સૂચનને માન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે, બોડેએ સૂચવેલું નામ સ્વીકારી લેવામાં આવ્યું, કારણ કે અગાઉના ગ્રહોનાં નામકરણ પણ દેવી-દેવતાઓ પર જ આધારિત હતાં. બોડેએ આ માટે રોમની એક પૌરાણિક કથાનો આધાર લીધો હતો.
ઈ. સ. 1774માં તેમણે સપ્તર્ષિ તારામંડળમાં આવેલું એક સર્પિલ તારાવિશ્વ (spiral galaxy) શોધી કાઢ્યું, જે બોડેની નિહારિકા (Bode’s nebula) તરીકે ઓળખાય છે. જોકે બહુધા તે મેસિયર 81 (M81) કે સપ્તર્ષિ-રેડિયોવિશ્વ તરીકે વધુ જાણીતું છે.
ઈ. સ. 1776માં બોડેએ સૌર બંધારણ કે રચના(Solar constitution)ને લગતો પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, તેવો જ સિદ્ધાંત પાછળથી 1795માં સર વિલિયમ હર્ષલે પણ રજૂ કરેલો. આ બંને સિદ્ધાંતમાં ઘણું સરખાપણું જોવા મળે છે.
બોડેનું નામ એક એવા નિયમ સાથે સંકળાયેલું છે કે જેની શોધ એમણે કરી ન હતી. વાત એમ હતી કે 1766માં લખાયેલા ખગોળના એક પુસ્તકનો જર્મન ભાષામાં અનુવાદ કરવાનો હતો. આ અનુવાદનું કામ જર્મનીના જ વિટનબર્ગ શહેરના રહીશ જોહાન ટિટિયસ (1729–1796) નામના ગણિતના એક પ્રાધ્યાપકને સોંપવામાં આવ્યું. ટિટિયસ વિટનબર્ગમાં 1756થી 1796 દરમિયાન ગણિત અને ભૌતિકશાસ્ત્ર ભણાવતો હતો. સામાન્ય રીતે કોઈ અનુવાદક મૂળ લખાણમાં ન કોઈ વિગત ઉમેરી શકે કે ન તો કોઈ વિગત કાઢી શકે, પરંતુ ટિટિયસે પોતાના અનુવાદમાં એક નોંધ ઉમેરી. ખરેખર તો આ નોંધ કોઈ નિયમ નહિ. પરંતુ આંકડાઓનો એક કોયડો હતો. એમાં સૂર્યમંડળના સૂર્યથી ગ્રહોનાં અંતરોને સાંકળતી એક શ્રેઢી (progression) દર્શાવવામાં આવી હતી. આ શ્રેઢીને કોઈ પણ જાતના સિદ્ધાંત પર આધારિત નહિ એવા એક આનુભવિક સૂત્ર (empirical formula) સાથે સાંકળવામાં આવેલી. આ સૂત્ર હતું : a = (n + 4) / 10.
સુશ્રુત પટેલ