બોડેલી : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : 22o 16´ ઉ. અ. અને 73o 43´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી આશરે 80 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઓરસંગ નદી આ ગામ પાસેથી પસાર થાય છે. અહીં ચોખા છડવાની મિલ, દાળની અને તેલની મિલ, તેમજ ટાઇલ્સ અને બરફ બનાવવાની ફૅક્ટરીઓ આવેલી છે. આ ઉપરાંત અહીં જિનિંગ મિલ, સૉ મિલ અને ખાંડની મિલ આવેલી છે. આ કારણે આ ગામ સંખેડા તાલુકાનું સૌથી મહત્વનું વેપારી મથક ગણાય છે. આ ગામની નજીકમાંથી અકીક પણ મળી આવે છે.
જંબુસર અને છોટાઉદેપુરને જોડતો નૅરોગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. સંખેડા, ગોધરા, વડોદરા અને ડભોઈ સાથે બોડેલી પાકા રસ્તાથી જોડાયેલું છે. આ ઉપરાંત તે મધ્યપ્રદેશના ઇંદોર અને અલીરાજપુર સાથે પણ પાકા રસ્તાઓથી સંકળાયેલું છે. અહીં પ્રાથમિક કક્ષાથી કૉલેજ કક્ષા સુધીના શિક્ષણની વ્યવસ્થા છે. આ ગામમાં હૉસ્પિટલ, બૅંક અને સરકારી આરામગૃહની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં રામમંદિર, કબીરમંદિર, સત્યનારાયણમંદિર, જૈન મંદિર અને મસ્જિદ પણ આવેલાં છે.
આ ગામ અગાઉના વખતમાં ગાયકવાડને હસ્તક હોવાથી તેનો વિકાસ વધુ થયો છે. 1947 પહેલાં તે જાંબુઘોડા, છોટાઉદેપુર અને વડોદરા રાજ્યની સીમા પર આવેલું હોવાથી તેનું મહત્ત્વ ઘણું હતું. અહીં રાજપૂતો અને કોળી લોકોની વસ્તી વિશેષ છે.
નીતિન કોઠારી