બોઝ, નીતીન (જ. 27 એપ્રિલ 1897, કૉલકાતા; અ. 1986, કૉલકાતા) : હિન્દી અને બંગાળી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાનની પદ્ધતિ શરૂ કરવાનો જશ નીતીન બોઝને ફાળે જાય છે. પિતાએ તેમને એક મૂવી કૅમેરા ભેટ આપ્યો હતો, જે તેમના માટે ભાગ્યશાળી પુરવાર થયો.
તેમની ‘રથયાત્રા’ (1921) ઉપર બનેલી ફિલ્મ 103 પાઉન્ડમાં વેચાઈ હતી. તેમણે સ્વતંત્ર કૅમેરામૅન તરીકે ‘ઇન્કાર્નેશન’(1925)માં કામ કર્યું. અવાક્ ફિલ્મ ‘દેવદાસ’ના પણ તેઓ કૅમેરામૅન હતા. આ ફિલ્મમાં તેમણે ક્રૉસ કટિંગનો પહેલી વાર પ્રયોગ કર્યો. 1930માં તેઓ ન્યૂ થિયેટર્સમાં આવ્યા અને જોતજોતામાં ઉચ્ચ કોટિના કૅમેરામૅન અને દિગ્દર્શક બની ગયા. ‘ધૂપછાંવ’માં તેમણે પાર્શ્વગીતનો પ્રયોગ કર્યો. ‘ડાકૂ મંસૂર’ ઉપર સાંપ્રદાયિકતાના આરોપ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અંગ્રેજ સરકારના આગ્રહને વશ થઈને તેમણે ક્ષયરોગ વિરુદ્ધ ચેતનાપ્રેરક ‘દુશ્મન’ ફિલ્મ બનાવી. ‘પૂરન ભક્ત’ના નિર્માણ દરમિયાન તેમના અને બી. એન. સરકારના મતભેદો આગળ આવ્યા. ‘કાશીનાથ’ના દિગ્દર્શન પછી તેઓ ન્યૂ થિયેટર્સ છોડીને મુંબઈ આવ્યા. મુંબઈમાં વિપરીત પરિસ્થિતિમાં પણ તેમણે સારી ફિલ્મો આપી. તેઓ પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અતિથિ અધ્યાપક પણ રહ્યા. 1978માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમનું સન્માન કરવામાં આવ્યું.
તેમની મુખ્ય ફિલ્મો : ‘ચંડીદાસ’ (1933), ‘ડાકૂ મંસૂર’ (1934), ‘ધૂપછાંવ’ (1935), ‘પ્રેસિડેન્ટ’ (1937), ‘દુશ્મન’ (1938), ‘લગન’ (1941), ‘કાશીનાથ’ (1943), ‘મિલન’ (1947), ‘મશાલ’ (1950), ‘દીદાર’ (1951), ‘વારિસ’ (1954), ‘કઠપુતલી’ (1957), ‘ગંગા-જમના’ (1961), ‘નર્તકી’ (1963), ‘દૂજ કા ચાંદ’ (1964).
પીયૂષ વ્યાસ