બૉલોન્યા, જિયોવાની દા

January, 2001

બૉલોન્યા, જિયોવાની દા (જ. 1524, દવૉઈ, ફ્રાંસ; અ. 1608, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંના કળાના સિદ્ધાંતોનો ભંગ કરી શિલ્પસર્જન કરનાર પ્રથમ ઇટાલિયન શિલ્પી.

તેમના મૂળ વતન ફ્લૅન્ડર્સમાં ઇટાલિયન પરંપરામાં સર્જન કરનાર શિલ્પી જાક દુબ્રો પાસે તેમણે તાલીમ લીધી હતી. 1554માં તેઓ રોમ આવીને ત્યાં બે વરસ રહ્યા. અહીં તેમણે સમકાલીન રેનેસાં શૈલીનાં તેમજ પ્રાચીન રોમન શૈલીનાં શિલ્પોનો ઊંડો અભ્યાસ કર્યો. 1556માં તેઓ ફ્લૉરેન્સ આવ્યા. અહીંના વિખ્યાત કલાપ્રેમી મેડીચી કુટુંબે તેમને શિલ્પસર્જન માટે નાણાકીય આશ્રય આપ્યો. તેમની મહત્વની કૃતિઓમાં ‘ફાઉન્ટન ઑવ્ નેપ્ચ્યૂન’, ‘ફ્લાઇંગ મર્ક્યુરી’ તથા વિરાટકાય, ‘ઍપેનાઇન’ અને ‘સૅમ્સન ઍન્ડ ફિલિસ્ટાઇન’નો સમાવેશ થાય છે.

શિલ્પમાં માનવ-આકૃતિના હાથ અને પગ જેવાં અંગોની રેનેસાં વિચારધારાથી તદ્દન ઊલટી ગોઠવણીને કારણે તેઓ તુરત જ ધ્યાનપાત્ર બન્યા.

અમિતાભ મડિયા