બૉમ્બે ટૉકિઝ : હિન્દી ચલચિત્રનું નિર્માણ કરનારી ભારતીય સંસ્થા. બંગાળના સમૃદ્ધ પરિવારમાં જન્મેલા હિમાંશુ રાય જ્યારે લંડનમાં શિક્ષણ અર્થે ગયા ત્યારે તેમની મુલાકાત નિરંજન પાલ સાથે થઈ. બંનેને રંગમંચમાં ખૂબ રસ હતો. ભેગા મળીને તેમણે લંડનમાં ‘ધ ગૉડેસ’ નામના નાટકનું આયોજન કર્યું. નાટકમાં રાયે નાયકની ભૂમિકા કરી. ત્યારબાદ બંનેએ જર્મન ફિલ્મ કંપની ‘ઇમેલ્કા’ની સાથે મળીને ‘લાઇટ ઑવ્ એશિયા’ નામની ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું. આ ફિલ્મ 1923માં પ્રદર્શિત થઈ. ત્યારબાદ ‘શિરાઝ’ (1926) અને પછી ‘એ થ્રો ઑવ્ ડાઇસ’ (1928–29) બની. ફિલ્મનાં નાયિકા દેવિકારાણી પાછળથી હિમાંશુ રાયનાં સહધર્મિણી બન્યાં. દેવિકારાણી પણ ફિલ્મનિર્માણનાં તમામ પાસાંઓમાં નિપુણ હતાં. બ્રિટનમાં જ હિમાંશુ રાયની મુલાકાત સર રિચાર્ડ ટેમ્પલ સાથે થઈ. સર ટેમ્પલની પ્રેરણાથી રાયે ‘ઇન્ડો- ઇન્ટરનૅશનલ ટૉકિઝ’ની શરૂઆત કરી અને ‘કર્મ’ ચિત્રપટ ઉતાર્યું. આ ફિલ્મ મુબઈમાં 27 જાન્યુઆરી 1934ના દિવસે પ્રદર્શિત થઈ. દેવિકારાણીનાં સૌંદર્ય અને અભિનયે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધાં. આ ફિલ્મની સફળતાથી પ્રોત્સાહિત થઈને 26 ફેબ્રુઆરી 1934ના દિવસે 25 લાખ રૂપિયાની મૂડીથી બૉમ્બે ટૉકિઝ નામે કંપનીનો પ્રારંભ કર્યો. ‘સર’નો ખિતાબ મેળવનાર પાંચ વિશિષ્ટ વ્યક્તિઓને સર ટેમ્પલના પ્રયત્નોથી સંચાલકમંડળમાં સામેલ કરવામાં આવી. સંચાલકમંડળના એક સભ્ય એફ. ઈ. દીનશા મલાડના જમીનદાર હતા. તેમણે પોતાનું ગ્રીષ્મઋતુનું નિવાસસ્થાન અને તેની જમીન સ્ટુડિયોના નિર્માણ માટે આપ્યાં. મલાડમાં અદ્યતન સુવિધાઓ ધરાવતો સ્ટુડિયો બાંધવામાં આવ્યો. પડઘામુક્ત મંચ, સજાવટકક્ષ, કૅમૅરા સહિત ઉત્તમ ચિત્રણ-સામગ્રી, ધ્વનિઅંકનનાં સાધનો આદિનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. 1935માં 400 કલાકારો અને ટેક્નિશિયનોની ટીમ સાથે આ સ્ટુડિયો કાર્યરત થયો. પ્રથમ ફિલ્મ ‘જવાની કી હવા’ 1935માં બની. 1936માં છ ફિલ્મો બની, જેમાં ‘મમતા’, ‘મિયાં-બીબી’, ‘જીવનનૈયા’, ‘અછૂત કન્યા’ તથા ‘જન્મભૂમિ’નો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મોનાં નાયિકા દેવિકારાણી હતાં અને સંગીત સરસ્વતીદેવીએ આપ્યું હતું. ‘જન્મભૂમિ’થી દેવિકારાણી અને અશોકકુમારની જોડી લોકપ્રિય બની. ‘અછૂત કન્યા’ અને ‘જીવનનૈયા’માં પણ અશોકકુમાર જ હતા. ત્યારબાદ 1937માં નિરંજન પાલ અને હિમાંશુ રાય વચ્ચે ગંભીર મતભેદો થતાં નિરંજન પાલે કંપની છોડી દીધી. જોકે બૉમ્બે ટૉકિઝની પ્રતિષ્ઠા વધતી રહી. મસ્તકની ગંભીર બીમારીના કારણે 48 વર્ષના અલ્પ આયુષ્યમાં હિમાંશુ રાયનું 19 મે 1940ના દિવસે અવસાન થયું.
હિમાંશુ રાયના મૃત્યુ પછી બૉમ્બે ટૉકિઝના શૅરધારકોએ દેવિકારાણીને નિયંત્રક અને રાયબહાદુર ચૂનીલાલને પ્રબંધક તરીકે નિયુક્ત કર્યાં. નિર્માતા તરીકે શશધર મુખરજી અને લેખક તરીકે જ્ઞાન મુખરજીને નિયુક્ત કરવામાં આવ્યા. ‘પુનર્મિલન’ (1940) તથા ‘ઝૂલા’ (1941) આ બંને ફિલ્મો લોકપ્રિય નીવડી. પછી દેવિકારાણી અને રાયબહાદુર ચૂનીલાલ વચ્ચે મતભેદ ઊભો થયો. 1943ની ફિલ્મ ‘હમારી બાત’ પછી દેવિકારાણીએ અભિનય ત્યજી દઈ પોતાનો તમામ સમય સ્ટુડિયોની વ્યવસ્થામાં આપ્યો. આ દરમિયાન રાયબહાદુર ચૂનીલાલ, અશોકકુમાર, જ્ઞાન મુખરજી, શશધર મુખરજી, કવિ પ્રદીપ, સાવક વાચ્છા આદિએ બૉમ્બે ટૉકિઝ છોડીને ફિલ્મિસ્તાન કંપની સ્થાપી. દેવિકારાણીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 1944માં તૈયાર થયેલી ‘ચાર આંખેં’ અને ‘જ્વારભાટા’ બંને ફિલ્મો નિષ્ફળ નીવડી. ‘જ્વારભાટા’ દિલીપકુમારની પહેલી ફિલ્મ હતી.
1945માં દેવિકારાણીએ રશિયન ચિત્રકાર રોરિક સાથે લગ્ન કર્યાં અને સ્ટુડિયો અમીય ચક્રવર્તીને સોંપી દીધો. પોતાના શૅરો ફેમસ સ્ટુડિયોના શિરાઝ અલી હકીમને વેચી દીધા. દેશના ભાગલા બાદ હકીમ પાકિસ્તાન ચાલ્યા જતાં રૂના વેપારી સેક્સરિયા સ્ટુડિયોના માલિક બન્યા. સેક્સરિયાએ બૉમ્બે ટૉકિઝની વ્યવસ્થા હિતેન ચૌધરીને સોંપી. હિતેન ચૌધરીના પ્રયત્નોથી અશોકકુમાર, સાવક વાચ્છા અને નિરંજન પાલ ફરીથી બૉમ્બે ટૉકિઝમાં જોડાયા. ‘મિલન’, ‘મજબૂર’, ‘નતીજા’ વગેરે ફિલ્મો બની. દેવ આનંદ અને કામિની કૌશલની ભૂમિકાવાળી ‘ઝિદ્દી’ (1948) ફિલ્મ સફળ થઈ. 1949માં અશોકકુમાર-મધુબાલાની ‘મહલ’ આવી. કમાલ અમરોહીની કથાવાળી આ ફિલ્મને અસાધારણ સફળતા મળી. 1950માં ‘સંગ્રામ’ બની, જેમાં અશોકકુમાર અને નલિની જયવંતની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ પછી અશોકકુમાર અને સાવક વાચ્છાએ બૉમ્બે ટૉકિઝ છોડી દીધી. દિવસે દિવસે બૉમ્બે ટૉકિઝની દશા બગડવા માંડી. માલિકોએ તેની વ્યવસ્થા કામદારોને સોંપી દીધી. આ પરિસ્થિતિમાં હિતેન ચૌધરીએ નીતિન બોઝ દિગ્દર્શિત ‘મશાલ’ અને બિમલ રૉય દિગ્દર્શિત ‘માં’નું નિર્માણ કર્યું. ફણી મજુમદાર દિગ્દર્શિત ‘તમાશા’ (1952) પછી પરિસ્થિતિ વધુ કથળી ગઈ. 1953માં તોલારામ જાલને ફિલ્મિસ્તાન અને બૉમ્બે ટૉકિઝ ખરીદી લીધાં. બૉમ્બે ટૉકિઝ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનું સુવર્ણપાનું હતી. આ સ્ટુડિયોની કેટલીક વિશેષતાઓ હતી. કર્મચારીઓનાં બાળકો માટે નિશાળ હતી. ચિત્રનિર્માણ સંબંધી ત્રણ હજાર પુસ્તકો ધરાવતું વિશાળ પુસ્તકાલય હતું. 1994માં દેવિકારાણીનું અવસાન થયું. બૉમ્બે ટૉકિઝ આજે માત્ર નામ પૂરતી રહી છે, પરંતુ તેની ફિલ્મો તેના ભવ્ય ભૂતકાળ અને ગૌરવનો પરિચય કરાવે છે.
બૉમ્બે ટૉકિઝની ચિત્રસૂચિ : 1935 : ‘જવાની કી હવા’; 1936 : ‘અછૂત કન્યા’, ‘જન્મભૂમિ’, ‘જીવનનૈયા’, મમતા; 1937 : ‘ઇજ્જત’, ‘જીવનપ્રભાત’, ‘પ્રેમકહાની’, ‘સાવિત્રી’; 1938 : ‘ભાભી’, ‘નિર્મલા’, ‘વચન’; 1939 : ‘દુર્ગા’, ‘કંગન’, ‘નવજીવન’; 1940 : ‘આઝાદ’, ‘બંધન’, ‘પુનર્મિલન’; 1941 : ‘અનજાન’, ‘ઝૂલા’, ‘નયા સંસાર’; 1942 : ‘બસંત’; 1943 : ‘હમારી બાત’, ‘કિસ્મત’ (આ ચિત્રે અનેક વિક્રમો સ્થાપ્યા હતા); 1944 : ‘ચાર આંખેં’, ‘જ્વારભાટા’; 1945 : ‘પ્રતિમા’; 1946 : ‘મિલન’; 1947 : ‘નતીજા’; 1948 : ‘મજબૂર’, ‘ઝિદ્દી’; 1949 : ‘મહલ’; 1950 : ‘મશાલ’, ‘મુકદ્દર’, ‘સંગ્રામ’; 1952 : ‘માં’, ‘તમાશા’.
પીયૂષ વ્યાસ