બૉટલબ્રશ : દ્વિદળી વર્ગમાં આવેલા મીર્ટેસી કુળની એક વનસ્પતિ. તે સુંદર, સદાહરિત ક્ષુપ કે નાના વૃક્ષસ્વરૂપે મળી આવતી Callistemon નામની પ્રજાતિ છે અને ઑસ્ટ્રેલિયા અને ન્યૂ કૅલેડોનિયાના ટાપુઓમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની સાત જેટલી જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. અત્યંત ઠંડા અને શુષ્ક પ્રદેશો સિવાય સમગ્ર દેશમાં આ જાતિઓને શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તે પુષ્પવિન્યાસ, આકાર અને કદમાં બૉટલબ્રશ સાથે સામ્ય દર્શાવે છે. પુષ્પમાં આવેલાં અસંખ્ય પુંકેસરો દલપત્રો કરતાં ઘણાં લાંબાં અને પીળાં, કિરમજી, સિંદૂરી કે લાલ રંગનાં હોય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા, પરિપક્વ શાખાના કટકારોપણ કે દાબ કલમ દ્વારા કરવામાં આવે છે. તેનું વાવેતર લગભગ બધા જ પ્રકારની ભૂમિમાં થઈ શકે છે. છતાં તેની વૃદ્ધિ ભારે ચીકણી માટીવાળી ભૂમિમાં ધીમી થાય છે. તેને 100 સેમી.થી 150 સેમી. જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. તેનું વાવેતર 2.0 મી.ના અંતરે કરવામાં આવે છે. મહત્તમ પુષ્પનિર્માણ માટે દર બેથી ત્રણ વર્ષે તેનું કૃંતન (pruning) કરવું જોઈએ. તે વાત-અવરોધ (wind-break) અને આશ્રયપટ્ટી (shelter-belts) તરીકે ઉપયોગી છે અને રાય અને ઘઉં જેવા પાકો માટે તે લાભદાયી છે. તેનાં પુષ્પો મધમાખીઓ માટે ઉનાળામાં મધ અને પરાગરજ માટેનો સારો સ્રોત ગણાય છે.

Callistemon citrinus (Curt.) Skeels. syn. C. lanceolatus (Sm.) Sweet. DC. (કિરમજી બૉટલબ્રશ) 7.5 મી. સુધીની ઊંચાઈ ધરાવતી સુંદર ક્ષુપ કે વૃક્ષ જાતિ છે અને ક્વીન્સલૅન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સની સ્થાનિક છે, અને ઉદ્યાનોમાં સમગ્ર દેશમાં ઉગાડવામાં આવે છે. પર્ણો 7.5 સેમી. જેટલાં લાંબાં અને ભાલાકાર હોય છે. તેની શિરાઓ, મધ્યશિરા અને તૈલી ગ્રંથિઓ મોટી અને સ્પષ્ટ હોય છે. પુષ્પો કિરમજી રંગનાં અને પરાગાશયો ઘેરા લાલ રંગનાં હોય છે. તેનો પુષ્પવિન્યાસ શૂકી (spike) પ્રકારનો અને 10 સેમી. જેટલો લાંબો હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું અને ચપટું ગોળ હોય છે.

Mycosphaerella bombycina બૉટલબ્રશનાં પર્ણોને અને Septoria sp. પુષ્પવિન્યાસ અક્ષને ચેપ લગાડે છે. તેના પર વાંદા (Dendrophthoe falcata [Linn. f.] Ettingsh) નામની આવૃતબીજધારીય પરોપજીવી વનસ્પતિ પણ થાય છે. તેનું નિયંત્રણ 2, 4–D અથવા 2, 4, 5–Tના છંટકાવ દ્વારા કરી શકાય છે. થર્મલ પાવરસ્ટેશન, વાહનો અને ઘરગથ્થુ બળતણના ઉપયોગથી થતા પ્રદૂષણ માટે તે સંવેદી હોય છે. શોભન-વનસ્પતિ ઉપરાંત મધમાખી-ચરાણ (bee-pasture) તરીકે પણ તેને ઉગાડવામાં આવે છે.

પર્ણોના બાષ્પ-નિસ્યંદન દ્વારા સુવાસિત બાષ્પશીલ તેલ (0.7 % થી 0.8 %) પ્રાપ્ત કરી શકાય છે. આ તેલમાં α–પિનિન, β–પિનિન, કેમ્ફિન, મિર્સિન, લિમોનિન, સિનિયોલ, સાઇમિન લિનેલૂલ, α–ટર્પિનિયોલ અને β–ટર્પિનિયોલ નામના ઘટકો આવેલા હોય છે; તે પૈકી સિનિયોલ અને α–પિનિન મુખ્ય ઘટકો છે અને તેમના વ્યાપારિક નિષ્કર્ષણ માટેનો તે સક્ષમ સ્રોત ગણાય છે.

બૉટલબ્રશ : (1) સપુષ્પ શાખા, (2) પુષ્પમુકુટ વિનાનું ફૂલ (3) પુષ્પનો ઊભો છેદ

વનસ્પતિનો જલીય નિષ્કર્ષ અડદ પર થતા વ્યાકુંચન વિષાણુ (crinkle virus) અને બટાટાના વિષાણુ –Yની વૃદ્ધિને અવરોધે છે. તેનાં પર્ણો અને પુષ્પોનો જલીય નિષ્કર્ષ પ્રતિ-ફૂગ સક્રિયતા અને ગ્રામ ધનાત્મક બૅક્ટેરિયા માટે પ્રતિ-જીવાણુક સક્રિયતા દાખવે છે. તેનાં પર્ણો અને બીજનો જલીય નિષ્કર્ષ કાકડીના વિષાણુ –Iને અવરોધે છે. વનસ્પતિનું બાષ્પશીલ તેલ ચોળા અને મગને લાગુ પડતા કિર્મીર (mosaic) વિષાણુઓની સામે મંદ વૃદ્ધિ-અવરોધક ક્રિયાશીલતા દર્શાવે છે.

પર્ણમાંથી પ્રાપ્ત કરેલું બાષ્પશીલ તેલ Microsporon gypseum (Bodin) Guiart & Grigorakis, Trichophyton mentagrophytes (Robin) Blanch. અને T. rubrum (Cast.) Sabour વગેરે ત્વચા પર થતી ફૂગનો નાશ કરે છે.

તેનું કાષ્ઠ (વજન 869 કિગ્રા./મી3) લાલ, સખત અને નિબિડ-ગઠિત (close-grained) હોય છે. ઑસ્ટ્રેલિયામાં તેનો ચક્રાકાર (wheel-wright) કામમાં અને લાકડાની હથોડીઓ બનાવવામાં ઉપયોગ થાય છે.

બૉટલબ્રશની બીજી કેટલીક જાતિઓ આ પ્રમાણે છે : C. coccineus, F. muell, C. linearis (Schard. & J. C. Wendl.) DC (સાંકડાં પર્ણોવાળું બૉટલબ્રશ), C. phoeniceus Lirdl. (ચળકતું બૉટલબ્રશ), C. rigidus R. Br. (કડક બૉટલબ્રશ), C. salignus (Smith) DC – સફેદ બૉટલબ્રશ અને C. vimanalis (Soland. ex Gaertn.) Checl (રડતું બૉટલબ્રશ).

મ. ઝ. શાહ