બૈજૂ બાવરા (1952) : ગીત-સંગીતપ્રધાન હિંદી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. સમયાવધિ 168 મિનિટ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ. કથા : રામચંદ્ર ઠાકુર. પટકથા : આર. એસ. ચૌધરી. સંવાદ : ઝિયા સરહદી. છબીકલા : વી. એન. રેડ્ડી. ગીતો : શકીલ બદાયૂની. સંગીત : નૌશાદ. કલાકારો : ભારતભૂષણ, મીનાકુમારી, સુરેન્દ્ર, કુલદીપ કૌર, બિપિન ગુપ્તા, મનમોહન કૃષ્ણ, બી. એમ. વ્યાસ, મિશ્રા, રાધાકિશન, કેસરી, રતનકુમાર, ભગવાનજી, બેબી તબસ્સુમ.

જેના શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ગીતો બહુ લોકપ્રિય થયાં એવા આ ચલચિત્રમાં મૂળ ગુજરાતના વૈદ્યનાથ કે બૈજનાથની પ્રણય અને સંગીતની સાધનાની કરુણાંત કથા છે. આ કથા મુઘલ સમ્રાટ અકબરના સમયની છે. તાનસેનના નિવાસસ્થાનની બહાર ભજન ગાવા બદલ અકબરના સૈનિકો એક ભજનિકની હત્યા કરે છે. તે ભજનિકનો પુત્ર બૈજૂ પિતાની હત્યાનો બદલો લેવાના સોગંદ લે છે. બૈજૂ યુવાન બને છે અને ગૌરીના પ્રેમમાં પડે છે; પરંતુ તાનસેનને મારવાની પ્રતિજ્ઞા પૂરી કરવા તે ગૌરીને તજીને મહાન સંગીતકારની શોધમાં નીકળે છે. સંગીતની સાધના દ્વારા તે સંગીત-સ્પર્ધામાં તાનસેનને હરાવે છે. ગૌરીના મિલન માટે તે ગામમાં પાછો ફરે છે અને નદીમાં ઝંપલાવે છે, પરંતુ પૂરના કારણે તે ડૂબી જાય છે. ગૌરી પણ મૃત્યુમાં બૈજૂને સાથ આપે છે. આમ કથાનકનો અંત કરુણ છે. ‘ઝૂલે મેં પવન કી આઈ બહાર,  નૈનોં મેં નયા રંગ લાઈ બહાર’, ‘તૂ ગંગા કી મૌજ મેં જમુના કી ધારા’, ‘દૂર કોઈ ગાયે ધુન યે સુનાયે, તેરે બિન છલિયા રે બાજે ન મુરલિયા રે’, ‘ઇન્સાન બનો, ઇન્સાન બનો, કર લો ભલાઈ કા કોઈ કામ’, ‘બચપન કી મુહબ્બત કો દિલ સે ન જુદા કરના’, ‘મોહે ભૂલ ગયે સાંવરિયા’, ‘મન તડપત હરિદર્શન કો આજ’ અને ‘ઓ દુનિયા કે રખવાલે’ જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી.

પીયૂષ વ્યાસ