બૈજૂ બાવરા (ઈ. સ. 1500થી 1600 વચ્ચે હયાત, જ. ચાંપાનેર, ગુજરાત) : પ્રસિદ્ધ ગાયક. મૂળ નામ બૈજનાથ મિશ્ર. બાળવયમાં જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયામાં ઊછર્યા.
થોડા સમય બાદ માતાએ વૃંદાવનમાં રહેવાનો નિર્ણય કરતાં બૈજૂ પણ તેમની સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમનો પરિચય સ્વામી હરિદાસ જોડે થયો. સ્વામીજીએ બૈજૂની આંતરિક પ્રતિભા પારખી તેમને પોતાના શિષ્ય બનાવ્યા. ગુરુની કૃપા અને અવિરત સાધનાને કારણે તેમણે અનેક રાગ-રાગિણીઓ ઉપર કાબૂ મેળવ્યો.
કહેવાય છે કે ગ્વાલિયરનરેશ માનસિંહ તોમર અને તેમની ગુર્જરવંશની રાણી મૃગનયની બંને બૈજૂના ગાયનથી ખૂબ જ પ્રભાવિત થયાં અને તેમણે આ મહાન ગાયકને ગ્વાલિયરમાં રાખ્યા. ત્યાંની સંગીતશાળામાં મહારાણી મૃગનયની પોતે સંગીત શીખતાં. ગ્વાલિયરમાં નિવાસ દરમિયાન બૈજૂએ હોરી-ગાયકીની એક સુંદર પ્રણાલીનું સર્જન કર્યું તથા ગુજરી તોડી, મૃગરંજની તોડી, મંગલ-ગુજરી જેવા અનેક નવા રાગો બનાવ્યા. પ્રચલિત ધમાર તાલનું નિર્માણ પણ બૈજૂએ કરેલું એમ કહેવાય છે. બૈજૂની પ્રતિભાને ચિરસ્થાયી બનાવવા માટે મહારાણી મૃગનયની તથા માનસિંહે ‘ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠ’ની સ્થાપના કરી હતી અને તેના અભ્યાસક્રમમાં હોરીગાયકી તથા ધમ્માર તાલ સમાવિષ્ટ કર્યાં હતાં.
બૈજૂએ ‘ગોપાલ’ નામના એક અનાથ બાળકને ઉછેરીને સંગીતની તાલીમ આપી હતી. સમય જતાં તે પણ મોટો ગાયક બન્યો; પણ પછીથી તે બૈજૂને છોડીને બીજા રાજ્યમાં ચાલ્યો જતાં તેના વિયોગથી બૈજૂ ગાંડા જેવા થઈ ગયેલા. એથી એ ‘બૈજૂ બાવરા’ કહેવાયા.
બૈજૂ બાવરાના જીવનની તાનસેન સાથેની પ્રતિસ્પર્ધાની વાત ખૂબ જાણીતી છે. કિંવદંતી મુજબ તાનસેન અકબરના દરબારનો શ્રેષ્ઠ ગાયક કહેવાતો હતો ત્યારે બૈજૂ બાવરાએ તેને પડકાર ફેંક્યો હતો. તાનસેને તોડી રાગ ગાઈને પાસેના વનમાંથી હરણોને બોલાવ્યાં અને તે પૈકી એક હરણને હાર પહેરાવ્યો. ગાયન પૂરું થયું અને હરણ ચાલ્યાં ગયાં. ત્યારબાદ બૈજૂ બાવરાએ મૃગરંજની રાગ ગાઈને જેના ગળામાં હાર હતો, તે એક જ હરણને બોલાવી બતાવ્યું. વળી બૈજૂએ માલકંસ રાગ ગાતાં પથ્થર પીગળવા માંડેલો. તાનસેનને પોતાના શ્રેષ્ઠ ગુરુબંધુની શ્રેષ્ઠતા માન્ય રાખવી પડી. તાનસેન બૈજૂને ભાવપૂર્વક ભેટી પડ્યો.
બૈજૂના સમગ્ર જીવન પર સ્વામી હરિદાસજીનો ખૂબ પ્રભાવ રહ્યો. તેઓ આજીવન કૃષ્ણભક્ત રહ્યા અને સંસારથી તેમનું મન વિમુખ જ રહ્યું. છેલ્લે તેમણે સંન્યાસ લીધો હતો અને કાશ્મીરની પહાડીઓ અને જંગલોમાં જીવનની અંતિમ ક્ષણો વિતાવી હતી એવી પણ એક માન્યતા છે.
નીના ઠાકોર