બેહેરા, રામચંદ્ર (જ. 2 નવેમ્બર 1945, બારહાટીપુરા, જિ. કેઓન્ઝાર, ઓરિસા) : ઊડિયા વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ગોપપુર’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.(1969)ની અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.(1986)ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ હિંદી તેમજ અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. 1969માં તેઓ કેન્દ્રપાડાની કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને રીડર તરીકે સેવાનિવૃત્ત થયા.

રામચંદ્ર બેહેરા

તેમણે 1971માં લેખનકાર્ય શરૂ કરીને 1976માં પહેલો વાર્તાસંગ્રહ ‘શેષ સૂર્યાર બાની’ પ્રગટ કર્યો. તેમણે ઊડિયામાં કુલ 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દ્વિત્યા સ્મશાન’ (1976), ‘અચિહ્ન પૃથિવી’ (1979), ‘અવશિષ્ટ આયુષ’ (1981), ‘ઑમકાર ધ્વનિ’ (1987), ‘બાંચી રાહિબા’ (1991), ‘ભગ્નાન્સરા સ્વપ્ન’ (1992) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે અને ‘અભિનયાર પરિધિ’ (1991), ‘મુક્તિરા રૂપરેખા’ (1993), ‘ધૂસરા સૂર્યાસ્ત’ (1996), ‘મૂ ફેરી અસિચી’ (1996) તેમની નવલકથાઓ છે. તેમની વાર્તાઓ બાંગ્લા, હિંદી, તેલુગુ અને અંગ્રેજીમાં અનૂદિત કરવામાં આવી છે. તેમની બે વાર્તાઓ – ‘શેષદૃષ્ટિ’ અને ‘માઁ’નું ફિલ્માંકન થયું છે. તેમનાં 20 રેડિયો-નાટકો પ્રસારિત કરવામાં આવ્યાં છે. તેમનાં 7 નાટકોની રંગમંચ પર પ્રસ્તુતિ કરવામાં આવી છે. તેમાંનાં 3 નાટકો પુરસ્કારપાત્ર ઠર્યાં છે. તેમને ઝંકાર પુરસ્કાર, સરલા પુરસ્કાર, ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર, વિસુવ પુરસ્કાર, કથા (નવી દિલ્હી) પુરસ્કાર, ઉત્કલ સાહિત્ય સમાજ પુરસ્કાર જેવાં અનેક પુરસ્કાર-સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ગોપપુર’માંની વાર્તાઓમાં જીવનના સંઘર્ષ અને તેના પરના વિજયની પ્રબળ ભાષામાં પ્રભાવક રીતે પ્રસ્તુત થઈ છે. તેમાંનાં રૂપવિધાન અને ટૅકનિક તેમાંના ભાવનાશીલ વિષયવસ્તુને અનુરૂપ છે. લેખકની સંવેદનશીલતા જીવનના ચઢાવ-ઉતારનો ભેદ પારખવામાં અને તેનું ચિત્રાંકન કરવામાં પ્રગટ થાય છે. આ કૃતિ ઊડિયામાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં ઉલ્લેખનીય છે.

બળદેવભાઈ કનીજિયા