બેલ્મોપાન : મધ્ય અમેરિકામાં આવેલા બેલિઝનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 17° 15´ ઉ. અ. અને 88° 46´ પૂ. રે. તે કૅરિબિયન સમુદ્રથી પશ્ચિમ તરફ આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. અગાઉ બેલિઝનું પાટનગર બેલિઝ શહેર હતું, પરંતુ તે દરિયાકિનારા પર આવેલું હોવાથી ત્યાં અવારનવાર હરિકેન (દરિયાઈ વાવાઝોડાં) ફૂંકાતાં હતાં, તેથી પાટનગરનું સ્થાન બેલિઝથી ખસેડીને 1970માં બંદરના ભૂમિભાગમાં આવેલા બેલ્મોપાન ખાતે રાખવામાં આવ્યું. 1980 સુધી બેલિઝ બ્રિટિશ આધિપત્ય હેઠળ હતું. 1981માં બેલિઝ સ્વતંત્ર રાષ્ટ્ર થયું. બેલ્મોપાન આજે પણ પાટનગરનો દરજ્જો ભોગવે છે. 1960–70ના ગાળામાં આ શહેર બાંધવાનું આયોજન કરવામાં આવેલું. અહીં દેશનાં મોટાભાગનાં સરકારી કાર્યાલયો તથા ઘણી જ અદ્યતન હૉસ્પિટલ આવેલાં છે.
આ સ્થળનું બેલ્મોપાન નામ બેલિઝ દેશ તથા અહીંની નદી મોપાન શબ્દો પરથી પાડવામાં આવેલું છે. ઈ. સ. 500–600 દરમિયાન બેલિઝના વિસ્તારમાં માયન સંસ્કૃતિ સમૃદ્ધ બની હતી. અહીં ઇન્ડિયન માયન જાતિનો વસવાટ હતો. અહીંની ઘણી સરકારી ઇમારતો માયન શૈલીથી બાંધવામાં આવેલી છે. વસ્તી : 3,558 (1991).
ગિરીશભાઈ પંડ્યા