બેલગ્રેડ : યુગોસ્લાવિયાનું પાટનગર તથા સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 52´ ઉ. અ. અને 20° 32´ પૂ. રે. સર્બો-ક્રોએશિયન ભાષામાં તે બિયોગ્રેડ (Beograd) કહેવાય છે. તે ડેન્યૂબ અને સાવા નદીઓના સંગમ પર આવેલું છે. બેલગ્રેડ અહીંના વિસ્તાર માટેનું મહત્વનું નદીબંદર તથા રેલમાર્ગોનું કેન્દ્રીય મથક પણ છે. તે મોકાના મથકે વસેલું હોવાથી સૈકાઓથી રાજકીય અને લશ્કરી સંઘર્ષોનું કેન્દ્ર બની રહેલું છે.
બેલગ્રેડ શહેરનો વિસ્તાર આશરે 184 ચોકિમી. જેટલો છે. ન્યૂ બેલગ્રેડ તરીકે ઓળખાતો શહેરનો અતિ આધુનિક વિભાગ સાવા નદીના પૂર્વકાંઠે વિસ્તરેલો છે, જ્યારે કૅલમેઝન તરીકે ઓળખાતો જૂનો વિભાગ નદી પાસેની ટેકરી પર આવેલો છે. શહેરમાં સંખ્યાબંધ સંગ્રહસ્થાનો છે, તે પૈકી ‘એથ્નૉગ્રાફિકલ મ્યુઝિયમ’ અને ‘ફ્રેસ્કો ગૅલરી’ ઉલ્લેખનીય છે. અહીંનાં થિયેટરોમાં નાટક, નૃત્ય અને સંગીતના જલસાઓ યોજાતા રહે છે. કૅલમેઝન, તાસ્મેજ્ડન તથા ટૉપચિદર જેવાં ઉદ્યાનો શહેરની શોભા વધારે છે. તેરાઝિજ ચૉક પરની ઇમારતોમાં હોટેલો, રેસ્ટોરાં, સિનેમાગૃહો અને દુકાનોનો સમાવેશ થયેલો છે. શહેરમાં બેલગ્રેડ યુનિવર્સિટીની ઇમારત પણ છે.
વસ્તી-લોકો : બેલગ્રેડની વસ્તી 14,55,046 (1991) જેટલી છે. શહેરની વસ્તીનો મોટો ભાગ સર્બ (serb) જાતિસમૂહનો બનેલો છે. તે ઉપરાંત આલ્બેનિયનો, હંગેરિયનો, મોન્ટેનેગ્રિનો તથા અન્ય જાતિસમૂહો પણ છે. મોટાભાગના લોકો સર્બો-ક્રોએશિયન ભાષા બોલે છે તથા સર્બ લોકો પૈકી ઘણાખરા ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે.
અર્થતંત્ર : બેલગ્રેડના ઘણાખરા લોકો સરકારી નોકરીઓ કરે છે, બીજા બૅંકિંગ કે વેપારમાં રોકાયેલા છે. અહીંની ઔદ્યોગિક પેદાશોમાં મોટરગાડીઓ, વીજસાધનો, કૃષિયંત્રસામગ્રી, આટો, કાગળ, પગરખાં, ખાંડ અને ઊની કાપડનો સમાવેશ થાય છે.
ઇતિહાસ : ઈ. પૂ. 300ના ગાળા દરમિયાન સેલ્ટિક જાતિના લોકો આજના બેલગ્રેડના સ્થળે આવીને વસેલા. ત્યારપછી રોમનોએ આ સ્થળનો અને વસાહતનો કબજો મેળવેલો અને તેને સિંગિડનમ (Singidunum) નામ આપેલું. ધીમે ધીમે ત્યાં વસ્તી વધતી ગઈ અને તે શહેરમાં ફેરવાતું ગયું. રોમન સામ્રાજ્યના પતન બાદ સ્લાવિક લોકોએ આ શહેરનો કબજો લઈ તેને ‘બેલગ્રેડ’ નામ આપ્યું.
1404માં બેલગ્રેડ સર્બિયન સામ્રાજ્યનું પાટનગર બન્યું. 1521માં તે તુર્કોના શાસન હેઠળ આવ્યું. અઢારમી સદી દરમિયાન તે તુર્કી અને ઑસ્ટ્રિયા વચ્ચે થયેલી લડાઈઓને પરિણામે વારાફરતી અનેક વાર તેમના શાસન હેઠળ રહેલું. ઓગણીસમી સદીમાં સર્બિયન દેશભક્તોએ સર્બિયાને સ્વતંત્ર બનાવવા માટે બેલગ્રેડને લડતનું મથક બનાવેલું. 1878માં તે સ્વતંત્ર બન્યું અને બેલગ્રેડ તેનું પાટનગર બન્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરી અને ઑસ્ટ્રિયાનાં દળોએ બેલગ્રેડનો કબજો લીધેલો. 1919માં સર્બ, ક્રોએટ અને સ્લોવેનોએ ભેગા મળીને રચેલા નવા સામ્રાજ્ય(હવે યુગોસ્લાવિયા)નું તે પાટનગર બન્યું. બીજા વિશ્વયુદ્ધના સમગ્ર ગાળા દરમિયાન જર્મનોએ બેલગ્રેડનો કબજો લીધેલો. બીજા વિશ્વયુદ્ધ બાદ બેલગ્રેડ ઝડપથી વિકસતું ગયું છે. આજે તો ત્યાં જૂના બાલ્કન દ્વીપકલ્પની પરંપરાઓની સાથે સાથે આધુનિક પશ્ચિમી ઢબની અસર પણ દેખાય છે.
ગિરીશભાઈ પંડ્યા