બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl)

January, 2000

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl) : બેરિલિયમતત્વધારક ખનિજ. રાસા. બં. : 3BeO·Al2O3·6SiO2. (BeO = 14 %, Be = 5 %). સિલિકેટના પ્રકારો પૈકી સાયક્લોસિલિકેટ. પ્રકારો : પન્નું, ઍક્વામરીન, મૉર્ગેનાઇટ, ગોશેનાઇટ અને હેલિયોડૉર. સ્ફ. વર્ગ : હેક્ઝાગૉનલ, સમમિતિ-બેરિલ પ્રકાર. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકાથી લાંબા, પ્રિઝમેટિક — અને (0001) ફલકોવાળા સર્વસામાન્ય; ક્યારેક છેડાઓ હેક્ઝાગૉનલ પિરામિડ કે ડાયહેક્ઝાગૉનલ પિરામિડવાળા હોય. ઊભા ફલકો રેખાંકિત કે વધુ પડતા નિરેખણ આકૃતિઓવાળા હોય. ક્વચિત્ 2 મીટરથી 6 મીટર લાંબા પણ મળે – એવા સ્ફટિકોનું (સ્ફટિકસમૂહોનું) વજન 100 ટન જેટલું પણ થઈ જાય. સામાન્ય આકાર સ્તંભ સ્વરૂપનો. સ્થૂળ અને ઘનિષ્ઠ, દળદાર પણ મળે. પારદર્શકથી પારભાસક, ક્યારેક અપારદર્શક પણ હોય. સંભેદ : (0001) અસ્પષ્ટ. ભંગસપાટી : વલયાકારથી ખરબચડી, બરડ. ચમક : કાચમય, ક્યારેક રાળમય. રંગ : રંગવિહીન, સફેદ, આછો લીલો, ભૂરો લીલો, લીલો, લીલાશ પડતો પીળો, પીળો, ગુલાબી, ગુલાબી-કેસરી, લાલ, આછો ભૂરો, ભૂરો. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 7.5થી 8. વિ. ઘ. : 2.6થી 2.9. પ્રકા. અચ. : ω = 1.566થી 1.602, ∈ = 1.562થી 1.594. પ્રકા. સંજ્ઞા. –Ve.

પ્રાપ્તિસ્થિતિ : મોટાભાગે અબરખ પેગ્મેટાઇટમાં, ગ્રૅનાઇટ પેગ્મેટાઇટમાં, ગ્રાઇસેનમાં, બાયોટાઇટ શિસ્ટમાં અને ઉષ્ણબાષ્પીય–ઉષ્ણજળજન્ય શિરાઓમાં મળે છે.

બેરિલ : (અ) કુદરતી સ્ફટિકો, (આ) સ્ફટિક સ્વરૂપો

બેરિલિયમ એ પેગ્મેટાઇટ સ્ફટિકીકરણના અંતિમ તબકકામાં સમૃદ્ધ બની રહેવાનું વલણ ધરાવતું તત્વ છે. તે ઉષ્ણજળજન્ય દ્રાવણોમાં પણ રહેલું હોય છે અને અંતિમ ઉષ્ણજળજન્ય ખનિજ તરીકે તૈયાર થતું હોય છે. પેગ્મેટાઇટ માતૃખડકમાંથી ખવાણક્રિયા દ્વારા છૂટા પડ્યા

ભારતમાંનાં બેરિલનાં મહત્વનાં પ્રાપ્તિસ્થાનો

રાજ્ય પ્રાપ્તિસ્થાનો      પ્રાપ્તિસ્થિતિ     નોંધ
આસામ મિકિર ટેકરીઓ નાઇસ ખડકોને ભેદતી પેગ્મેટાઇટ શિરાઓ આર્થિક મહત્વ નથી.
આંધ્રપ્રદેશ નેલોર, શ્રીકાકુલમ્, વિશાખાપટનમ્ જિલ્લો હૉર્નબ્લેન્ડ શિસ્ટ, ઍમ્ફિબોલાઇટ અને ટાલ્ક-ક્લોરાઇટ શિસ્ટ સાથે સંકળાયેલા અબરખ શિસ્ટ, નાઇસ, કેલ્ક ગ્રૅન્યુલાઇટ, ચાર્નોકાઇટ, ખોન્ડેલાઇટ અને ક્વાટ્ર્ઝાઇટ જેવા ખડક-પ્રકારોમાં ક્યાંક ક્યાંક બેરિલ મળે છે.
ઓરિસા કોરાપુટ, સંબલપુર અને ગંજમ શિસ્ટ, નાઇસ ખડકોને ભેદતા પેગ્મેટાઇટમાં. આર્થિક મહત્વ નથી
કર્ણાટક મૈસુર, હસન અને ચિકમગલુર ધારવાડ-શિસ્ટ અને નાઇસને ભેદતા પેગ્મેટાઇટમાં આર્થિક મહત્વ નથી.
કેરળ ત્રિવેન્દ્રમ, ક્વિલોન આર્કિયન નાઇસને ભેદતી વીક્ષાકાર અને ગૌણ પ્રમાણવાળી પેગ્મેટાઇટ શિરાઓનાં જૂથમાં ક્રાઇસોબેરિલ મળે છે. રત્ન-પ્રકાર ઍલેક્ઝા-ન્ડ્રાઇટ પણ મળેલું છે.
જમ્મુ-કાશ્મીર લડાખ લડાખ ગ્રૅનાઇટને ભેદતા પેગ્મેટાઇટ 2 મિમી.થી 3 સેમી. લાંબા, 1 મિમી.થી 1 સેમી. વ્યાસવાળા સ્ફટિકો મળે છે.
તામિલનાડુ સેલમ, કોઇમ્બતુર નિમ્ન પેલિયોઝોઇક કાળના ગ્રૅનાઇટ જૂથને ભેદતા પેગ્મેટાઇટમાં અબરખ સાથે બેરિલ મળે છે. આર્થિક મહત્ત્વ નથી.
પશ્ચિમ બંગાળ પુરુલિયા શિસ્ટ અને નાઇસને ભેદતા પેગ્મેટાઇટમાં ષટ્કોણીય બેરિલ સ્ફટિકો મળે છે. આર્થિક મહત્ત્વ નથી.
બિહાર હઝારીબાગ, ગિરિદિહ, મોંઘીર, ગયા, રાંચી હૉર્નબ્લેન્ડ શિસ્ટ અને ઍમ્ફિબોલાઇટના સાંનિધ્યમાં રહેલા મિગ્મેટાઇટ નાઇસમાંના પેગ્મેટાઇટ જથ્થામાં બેરિલનું ખનિજીકરણ થયેલું છે. 0.75થી 2 મીટરના આડછેદવાળા અને 2.5થી 6 મીટર લંબાઈવાળા બેરિલ મળે છે.
રાજસ્થાન અજમેર ભીલવાડા, અલ્વર, સિકાર ઉદેપુર અહીંથી પસાર થતો અબરખ પેગ્મેટાઇટ પટ્ટો પેગ્મેટાઇટધારક અબરખ શિસ્ટ, હૉર્નબ્લેન્ડ શિસ્ટ અને નાઇસમાં, ગ્રૅનાઇટનાં અંતર્ભેદકોમાં પણ મળે છે.
મધ્યપ્રદેશ બસ્તર હૉર્નબ્લેન્ડ શિસ્ટ, ઍમ્ફિબોલાઇટ અને બૅઝિક શિસ્ટના સાંનિધ્યમાં પેગ્મેટાઇટ સાથે મળે છે. બેરિલ કલાઈના ખનિજીકરણ સાથે સંકળાયેલું છે.

પછી કાંપમય ભૌતિક સંકેન્દ્રણ તરીકે મળે છે. અનુષંગી ખનિજ તરીકે તે ઍસિડ અગ્નિકૃત ખડકોમાં અને વિકૃત ખડકોમાં પણ મળી રહે છે. પેગ્મેટાઇટમાંનું આલ્બાઇટ અને લીલું અને/અથવા કાળા ડાઘવાળું અબરખ બેરિલને સંકેન્દ્રિત થઈ રહેવા માટે અનુકૂળતા કરી આપે છે. ટૂર્મેલિન, ક્લિવલેન્ડાઇટ, કોલંબાઇટ–ટેન્ટેલાઇટ, વુલ્ફ્રેમાઇટ, કેસિટરાઇટ વગેરે બેરિલનાં સહયોગી ખનિજો હોય છે. ભારતમાં મળતું બેરિલ સામાન્ય રીતે એક છેડે અણીવાળા સુવિકસિત ષટ્કોણીય સ્ફટિકોમાં મળે છે.

પ્રાપ્તિસ્થાનો : મુખ્ય ઉત્પાદક દેશો બ્રાઝિલ અને ઝિમ્બાબ્વે છે. આર્જેન્ટિના, ભારત, યુ.એસ., નૈર્ઋત્ય આફ્રિકા અને રશિયા બીજા ક્રમે આવતા દેશો છે. આ ઉપરાંત કૅનેડા, મેક્સિકો અને માડાગાસ્કરમાં ગૌણ જથ્થાઓ રહેલા છે.

ભારત : બિહાર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બેરિલ-ઉત્પાદન માટે આગળ પડતાં રાજ્યો છે. ગૌણ પ્રમાણમાં અન્ય રાજ્યોમાં પણ મળે છે. ભારતીય બેરિલમાં 10 %થી 13.5 % BeO રહેલું છે. ભારત સ્વતંત્ર થયા પછીથી બેરિલનો બધો જ વહીવટ એટમિક એનર્જી કમિશનના એટમિક મિનરલ ડિપાર્ટમેન્ટને હસ્તક છે. બેરિલ મંદ કિરણોત્સારી ખનિજ ગણાય છે. (જુઓ આકૃતિ).

પ્રકારો : પન્નું અને ઍક્વામરીન એ બેરિલના પારદર્શક રત્નપ્રકારો ગણાય છે. પન્નું આછા લીલા રંગમાં અને ઍક્વામરીન ક્રોમિયમ સંયોજિત હોવાથી આછા ભૂરા રંગમાં મળે છે. ‘બેરિલ’ સામાન્ય રીતે અપારદર્શક હોય અને જે ઝવેરાતમાં ન વાપરી શકાય એવા પ્રકાર માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય શબ્દ છે. સ્કૅન્ડિયમ [Sc2 (Be3Si3O18)] ધારક બેરિલ બેઝાઇટ કહેવાય છે, જે વિરલ છે. ગોશેનાઇટ રંગવિહીન અને મૉર્ગેનાઇટ ગુલાબી હોય છે. બેરિલ ખનિજ બેરિલિયમ માટેનો પ્રાપ્તિસ્રોત બની રહે છે. તે BeCO3 + Al2O3 + SiO2ના મિશ્રણમાંથી 600° સે. તાપમાને અને 400થી 1500 બાર દબાણ હેઠળ કૃત્રિમ રીતે તૈયાર થઈ શકે છે, જે સ્થાયી (stable) રહે છે. બેરિલના જુદા જુદા પ્રકારોનાં પ્રાપ્તિસ્થાનો આ પ્રમાણે છે : યુ.એસ. – કૅલિફૉર્નિયામાં મૉર્ગેનાઇટ; કોલોરાડોમાં ઍક્વામરીન; ઉત્તર કેરોલિનામાં પન્નું; અન્ય રાજ્યોમાં બેરિલ; કૅનેડા, મૅક્સિકો અને કોલંબિયામાં પન્નું; બ્રાઝિલમાં પન્નું, ઍક્વામરીન, મૉર્ગેનાઇટ અને હેલિયોડોર; આયર્લૅન્ડમાં ઍક્વામરીન; એલ્બામાં મૉર્ગેનાઇટ; ઑસ્ટ્રિયામાં પન્નું; રશિયામાં પન્નું, મૉર્ગેનાઇટ અને ઍક્વામરીન; માડાગાસ્કરમાં ઍક્વામરીન અને મૉર્ગેનાઇટ; ભારતમાં રાજસ્થાનમાંથી પન્નું મળે છે. આ ઉપરાંત આફ્રિકાનાં ઘણાં સ્થાનોમાં ખાસ કરીને રુઆન્ડામાં પણ તે મળે છે.

ગિરીશભાઈ પંડ્યા