બેભાન-અવસ્થા

બાહ્ય કે આંતરિક ઉત્તેજનાઓ છતાં દર્દી સચેતન ન થાય અને પ્રતિભાવ ન આપે તેવી સ્થિતિ. તેને અચેતનતા (unconsciousness) કહે છે. એવું મનાય છે કે જાહેર હૉસ્પિટલોના સંકટકાલીન સારવાર કક્ષ(intensive care unit)માં દાખલ થતા દર્દીઓમાંથી લગભગ 3 % દર્દીઓ બેભાનાવસ્થા(unconsciousness)માં હોય છે. મોટાભાગના કિસ્સામાં થતી બેભાનાવસ્થા શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાઓના વિકારોને કારણે હોય છે. તેને ચયાપચયી (metabolic) વિકારો કહે છે. જોકે કમ્પ્યૂટર-સંલગ્ન અક્ષીય આડછેદી ચિત્રણ (computed axial tomography, CAT scan) અને ચુંબકીય અનુનાદી ચિત્રણ(magnetic resonance imaging, MRI)ના વધુ ઉપયોગને કારણે હાલ તેમના દ્વારા દર્શાવી શકાય એવી વિકૃતિઓ અને વિકારો (જેવાં કે, મગજમાં લોહી વહેવું, મગજની નસોમાં લોહી ગંઠાઈ જવું, મગજની આસપાસ પ્રવાહી ભરાવું વગેરે) તરફ વધુ ધ્યાન દોરાયેલું રહે છે. દર્દીની તકલીફોની નોંધ અને શારીરિક તપાસ દ્વારા નિદાન અંગે નિર્ણયો લેવાય છે. તે બેભાનાવસ્થાના નિદાનોપચાર (management) માટે ઘણું જ મહત્વ ધરાવે છે. શારીરિક તપાસમાં જોવા મળેલાં ચિહ્નો નિદાનને વધુ સરળ બનાવે છે. કેન્દ્રીય ચેતાતંત્રના તીવ્ર વિકારોમાં ગાઢ બેભાનાવસ્થા અથવા ગાઢ અચેતના (coma) થાય છે. આ ઉપરાંત બેભાનાવસ્થા બીજા વિકારોમાં પણ જોવા મળે છે, દા.ત., આંચકી અથવા ખેંચ(convulsion)ના વિકાર પછી કે શરીરનું તાપમાન એકદમ ઘટી જાય ત્યારે વ્યક્તિ બેભાન બને છે. શરીરની રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે છે. જ્યારે તેમાં કોઈ વિકાર ઉદભવે ત્યારે તેને ચયાપચયી વિકાર (metabolic disorder) કહે છે. તે સમયે પણ બેભાનાવસ્થા થાય છે (દા.ત., લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવું, ગલગ્રંથિ અથવા thyroid glandનું કાર્ય ઘટવું, વગેરે). તેવી રીતે જ્યારે મગજના બંને અર્ધગોળ ભાગોને અસર કરતા તીવ્ર વિકારો થાય કે મગજના એક ભાગમાં મોટી ગાંઠ હોય અને તે બીજા ભાગોને દબાવે તોપણ બેભાનાવસ્થા થાય છે. કરોડરજ્જુ અને મોટા મગજ વચ્ચે આવેલા ભાગને મસ્તિષ્ક પ્રકાંડ (brain stem) કહે છે. તેમાં મગજને ‘જાગ્રત’ રાખતો વિસ્તાર આવેલો છે. તેનો વિકાર થાય ત્યારે પણ બેભાનાવસ્થા થાય છે.

તંદ્રા (drowsiness), ઘેન (stupor) અને ગાઢ બેભાનાવસ્થા (coma) એમ બેભાનાવસ્થાની જુદી જુદી કક્ષાઓ વચ્ચે કોઈ ચોક્કસ રચનાલક્ષી કે દેહધાર્મિક તફાવત નથી. પરંતુ તે પ્રતિભાવ ન આપી શકવાની ક્ષમતાનાં સ્તર સૂચવે છે. ઘેનમાં પડેલી વ્યક્તિ ખૂબ તીવ્ર ઉત્તેજનાઓ હોય તો જ પ્રતિભાવ આપે છે અને તે ધીમા બોલાયેલા શબ્દો રૂપે કે અણગમતી ઉત્તેજનાથી બચવા માટેની ક્રિયા રૂપે હોય છે. ગાઢ બેભાનાવસ્થાનો દર્દી આવા સંજોગોમાં કઈ પ્રતિભાવ આપતો નથી અને તે અણગમતી ઉત્તેજનાથી બચવા કશો પણ પ્રયત્ન પણ કરતો નથી. મચ્છર કરડે અને હાથ પાછો ખેંચાઈ જાય છે. તેના જેવી પ્રતિભાવાત્મક પ્રક્રિયાઓને ચેતાપરાવર્તી ક્રિયાઓ કહે છે. આ પ્રકારની તેની ચેતાપરાવર્તી ક્રિયાઓ અથવા પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (reflexes) જળવાઈ રહેલી હોય છે. બેભાનાવસ્થાની કક્ષાએ વચ્ચે કોઈ દેહધાર્મિક કે રચનાલક્ષી સંબંધ નથી પરંતુ તેમના સ્તર (level) અને દળ(content)નો સીધો સંબંધ દેહધાર્મિક ક્રિયાઓ સાથે છે. મોટા મગજ અને કરોડરજ્જુ વચ્ચે મસ્તિષ્કપ્રકાંડ (brain stem) આવેલું છે. તેમાં તનુતન્ત્વી સક્રિયક તંત્ર (reticular activating system, RAS) આવેલું છે. તેમાં તથા મોટા મગજના નીચલા ભાગમાં આવેલા ચેતક (thalamus) નામના ભાગમાં આવેલા ચેતાકોષો મોટા મગજના બંને અર્ધગોળાઓને સતેજ (alert) અને જાગ્રત (awake) રાખે છે. તેથી મસ્તિષ્કના બંને અર્ધગોળાઓનું કે RASનું અવદાબન થાય ત્યારે જાગરૂકતા ઘટે છે. જાગ્રતતાનો આધાર અંતર્ગુંફિત (intengrated) વિચારો એટલે કે એકબીજા સાથે સંકળાયેલા વ્યવસ્થિત વિચારો, વ્યક્તિગત અનુભવો, લાગણીઓ તથા માનસિક પ્રક્રિયાઓ પર હોય છે. તેમને માટે મગજમાં અલગ અલગ વિસ્તારો પણ આવેલા છે. વ્યવસ્થિત અને એકબીજા સાથે સંકળાયેલા વિચારો અને કાર્યો ન થતાં હોય તેવી સ્થિતિને માનસિક ગૂંચ (confusion) કહે છે. તે સભાન-અવસ્થાના દળ(content of consciousness)નો એક વિકાર છે. જ્યારે વ્યક્તિ ઓછી જાગ્રત હોય ત્યારે પણ તેની સભાનતાના દળ વિશે જાણી શકાતું નથી, તેથી ઘેનમાં હોય તેવી વ્યક્તિને ઘણી વખત ગૂંચવાયેલી વ્યક્તિ પણ કહે છે. પરંતુ સભાનતાનું દળ ઘટવા છતાં વ્યક્તિની જાગ્રતતા કે જાગ્રત થવાની ક્ષમતા ઘટેલી ન પણ હોય. માનસિક ગૂંચવણનો અર્થ થાય છે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં અને વિચારણામાં જરૂરી સ્પષ્ટતામાં થતો ઘટાડો. કેટલાક કિસ્સામાં વ્યક્તિ જોઈને, અડીને કે સાંભળીને મેળવેલી માહિતીનું ખોટું અર્થઘટન કરે છે. તેને ભ્રમણા (illusion) કહે છે. ક્યારેક વ્યક્તિને જે ન હોય તેને વિશે સંવેદના પ્રાપ્ત થતી હોય એવું લાગે છે. તેને મનોભ્રમ (hallucination) અથવા ભણકારા વાગવા કહે છે. માનસિક ગૂંચના કેટલાક વિશિષ્ટ કિસ્સામાં ભ્રમણા અને મનોભ્રમ પણ હોય છે. માનસિક ગૂંચવણને સનેપાત(delirium)થી અલગ પાડવી પડે છે. માનસિક ગૂંચનો દર્દી શાંત, ઓછું બોલતો અને ઓછો ક્રિયાશીલ હોય છે, જ્યારે સનેપાતમાં વ્યક્તિ અતિસક્રિય (hyperactive) અતિસંવેદીચેતાસજ્જ (hypersympathotonic) અને મનોભ્રમ ધરાવતી હોય છે. દારૂ કે કોઈ નશાકારક દવા બંધ કર્યા પછી ક્યારેક સનેપાત થતો જોવા મળે છે. બેભાનાવસ્થા સુધી લઈ જતા અનેક વિકારોમાં સૌપ્રથમ માનસિક ગૂંચવણ થતી જોવા મળે છે. સામાન્ય રીતે માનસિક ગૂંચવણનું કારણ કોઈ રાસાયણિક વિકાર હોય છે. પરંતુ ક્યારેક મગજમાં નાના નાના દોષવિસ્તારો (lesion) કરે એવા રોગો થયા હોય અને તે જો ભાષા, સ્મૃતિ કે દેશકાળનું ભાન જેવાં કાર્યોને અસર કરતા હોય તો તે સમયે પણ માનસિક ગૂંચવણ થતી જોવા મળે છે.

મગજની રચના અને સભાનાવસ્થા વચ્ચે સંબંધ : મસ્તિષ્ક પ્રકાંડમાંનું તનુતન્ત્વી સક્રિયતાકારક તંત્ર (RAS) અને મસ્તિષ્કના બંને અર્ધગોલકો(hemispheres)ની અખંડિતતા અને ક્રિયાશીલતાને કારણે વ્યક્તિ જાગ્રત અને સભાન રહે છે. તેથી બેભાનાવસ્થાનાં કારણોને 2 મુખ્ય વિભાગમાં વિભાજિત કરાય છે : (1) મસ્તિષ્કના બંને અર્ધગોલકોનું ઈજા, દવા અથવા ચેપને કારણે અવદાબન (inhibition) થાય, તથા (2) મસ્તિષ્કપ્રકાંડને ઈજા કે RASનું અવદાબન કરતા અથવા શરીરના રાસાયણિક (ચયાપચયી, metabolic) વિકારો થાય. તનુતન્ત્વી સક્રિયતાકારી તંત્ર એ એક દેહધાર્મિક સંકલ્પના (વિભાવના) છે અને તે કોઈ મગજનો એક અલગ રચનાલક્ષી ભાગ નથી. તે મસ્તિષ્ક પ્રકાંડમાં આવેલા તનુતન્ત્વી જાળ (reticular formation) નામના વિસ્તારમાં આવેલું છે. વિવિધ પ્રાણીઓ પરના પ્રયોગો અને માણસોના રોગોના અભ્યાસો પરથી એવું તારવવામાં આવેલું છે કે જાગ્રત અવસ્થા જાળવવા માટે મજ્જાસેતુ(pons)નો ઉપરનો ભાગ અને પુચ્છીય પારમસ્તિષ્ક (caudal diencephalon) તરીકે ઓળખાતા મગજના ચેતક સહિતના ભાગમાં આવેલા ચેતાકોષો મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તારના વિકારો બેભાનાવસ્થાની સાથે સાથે આંખની કીકીમાં આવેલા પ્રકાશને પ્રવેશવા માટે કનીનિકા (pupil) નામના દ્વારને અને આંખના હલનચલનને પણ અસરગ્રસ્ત કરે છે, કેમ કે તેમનું નિયંત્રણ કરતાં કેન્દ્રો પણ આ વિસ્તારની આસપાસ આવેલાં છે. મસ્તિષ્કના અર્ધગોલકોના વિકારોમાં RAS અસરગ્રસ્ત થતું નથી પરંતુ ક્યારેક મગજમાંની ગાંઠ તેને દબાવે છે.

આકૃતિ 1 : મગજની રચના અને તનુતન્ત્વી સક્રિયક તંત્ર (raticular activating syatem, RAS). (અ) માથાનો ઊભો છેદ, (આ) મગજની બહારની સપાટી, (ઈ) મસ્તિષ્ક, મેરુરજ્જુ પ્રવાહીનું વહન. (1) ગુરુમસ્તિષ્ક, (2) અનુમસ્તિષ્ક, (3) ચેતક, (4) અધશ્ચેતક, (5) પાર મસ્તિષ્ક (3 અને 4), (6) મધ્યમસ્તિષ્ક, (7) મજ્જાસેતુ, (8) લંબમજ્જા, (9) તંબુતાનિકા, (10) મસ્તિષ્ક પ્રકાંડ, (11) કરોડરજ્જુ (મેરુરજ્જુ), (12) મસ્તિષ્ક મેરુરજ્જુ પ્રવાહી (તીર તેના વહેણની દિશા દર્શાવે છે.), (13) તનુતન્ત્વી સક્રિયક તંત્ર

તનુતન્ત્વી સક્રિયતાકારી તંત્ર (RAS) : એ એક દેહધાર્મિક સંકલ્પના છે અને તે કોઈ ચોક્કસ વિસ્તાર નથી. તે મસ્તિષ્કપ્રકાંડમાં આવેલા તનુતન્ત્વી જાળ નામના વિસ્તારમાં હોય છે. કરોડરજ્જુની ઉપર અને મોટા મગજની નીચે આવેલા, તથા તે બંનેને જોડતા ભાગને મસ્તિષ્કપ્રકાંડ (brain stem) કહે છે. તેમાં મધ્યરેખાની બંને બાજુ પર તનુતન્ત્વી જાળ આવી છે, જે લંબમજ્જા(medulla oblongata)થી માંડીને પારમસ્તિષ્ક (diencephalon) નામના વિસ્તારના પાછલા ભાગ સુધી વિસ્તરે છે. તનુતન્ત્વી જાળમાં છૂટાછવાયા ચેતાકોષો આવેલા છે. મજ્જાસેતુ(pons)ના ઉપલા ભાગથી માંડીને પારમસ્તિષ્કના પુચ્છીય ભાગ (નીચલા ભાગ) સુધીમાં આવેલા ચેતાકોષો મગજને સતેજ અને જાગ્રત રાખે છે. લંબમજ્જા અને મજ્જાસેતુ એ બંને મસ્તિષ્કપ્રકાંડમાં આવેલા જુદા જુદા ભાગો છે. આ વિસ્તારમાં આંખના હલનચલનનું તથા આંખની કનીનિકા(pupil)નું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રો આવેલાં છે. તેથી આ વિસ્તારના વિકારોમાં બેભાનાવસ્થાની સાથે આંખના હલનચલન અને કનીનિકાના પહોળી કે સાંકડી થવા અંગેના વિકારો પણ સર્જાય છે. મોટા મગજના અર્ધગોલકોમાંના વિકારોમાં કનીનિકા સામાન્ય રહે છે. પરંતુ જો તેમાં ગાંઠ કે સોજાને લીધે મસ્તિષ્કપ્રકાંડ દબાય તો કનીનિકાના વિકારો જોવા મળે છે.

મસ્તિષ્કપ્રકાંડમાંના RASના ચેતાતંતુઓ પ્રથમ મોટા મગજના નીચલા ભાગમાં આવેલા ચેતક (thalamus) નામના વિસ્તારમાં વિરમે છે અને ત્યાંથી નવા ચેતાતંતુઓ નીકળીને (relay) મગજના સૌથી ઉપરના ચેતાકેન્દ્ર(બાહ્યક)ને સંદેશા પહોંચાડે છે. તેથી મસ્તિષ્કપ્રકાંડને જો વિદ્યુત વડે ઉત્તેજિત કરવામાં આવે (વીજોત્તેજન, electros-timulation) તો મગજના વીજ-આલેખમાં ફેરફારો થાય છે જે સભાનતા, જાગ્રતતા કે સતેજતા સૂચવે છે. મગજના વીજ-આલેખને મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) કહે છે. વાતાવરણમાંથી સ્પર્શ, ર્દષ્ટિ કે શ્રવણ દ્વારા મેળવાતી સંવેદનાઓ RAS દ્વારા મગજને સતેજ રાખે છે. RAS, ચેતક તથા ચેતાતંત્રના સૌથી ઉપરનાં ચેતાકેન્દ્રો જેવા મસ્તિષ્કી અર્ધગોલકો (cerebral hemispheres) તેમના કાર્યમાં એસિટાઇલ કોલિન અને નોરએપિનેફ્રિનનો સંદેશાઓની આપલે કરતાં રસાયણો તરીકે ઉપયોગ કરે છે. તેમને ચેતાસંદેશવાહકો (neurotransmitters) કહે છે. તેઓ ચેતા-આવેગ (nerve impulse) માટેના રાસાયણિક વાહકો તરીકે કામ કરે છે. સામાન્ય સંજોગોમાં જોવા મળતી સભાનાવસ્થામાં એસિટાઇલ કોલિન જૂથનાં રસાયણો અને એમ્ફેટેમાઇન જેવી દવાની અસરથી ઉદભવતી જાગ્રતતામાં નોરએપિનેફ્રિન જેવા કેટેકોલએમાઇનો સક્રિય હોય છે.

મસ્તિષ્કી અર્ધગોલકો (cerebral hemispheres) : મોટા મગજને ગુરુ મસ્તિષ્ક (cerebrum) કહે છે. તેના બે ભાગે છે. તેમને અર્ધગોલકો (hemispheres) કહે છે. મોટા મગજના અર્ધગોલકોમાં બે પ્રકારનું દ્રવ્ય આવેલું છે. ભૂખરું દ્રવ્ય (grey matter) અને શ્વેત દ્રવ્ય (white mater). ભૂખરા દ્રવ્યમાં ચેતાકોષો આવેલા છે અને તે વાણી, ર્દષ્ટિ, શ્રવણ, હલનચલન વગેરે વિવિધ ક્રિયાઓનાં સર્વોચ્ચ કેન્દ્રો બનાવે છે. આ કેન્દ્રો મોટા મગજના ભૂખરા દ્રવ્યના જુદા જુદા વિસ્તારોમાં આવેલાં હોય છે. સફેદ દ્રવ્યમાં ચેતાતંતુઓ આવેલા છે, જે મગજના ચેતાકોષોને એકબીજા સાથે જોડે છે. તેઓ આવેગ(impulse)ના રૂપે સંદેશાઓનું વહન કરે છે. મગજની ગડીઓવાળી સપાટી પરના ભૂખરા દ્રવ્યને બાહ્યક (cortex) કહે છે. મસ્તિષ્કી બાહ્યક(cerebral cortex)ની સમગ્ર ક્રિયાઓ તથા તેમના RAS સાથેનાં જોડાણોને એકંદરે લેવામાં આવે ત્યારે સભાનતાના દળની સંકલ્પના બને છે. સભાનતા મસ્તિષ્કના બાહ્યકના કોઈ ચોક્કસ વિસ્તારમાં કેન્દ્રિત થયેલી ક્રિયા નથી. મસ્તિષ્કના બાહ્યકના વિવિધ વિસ્તારોના વિકારો અને તેમની RAS પરની અસરો સંયુક્ત રીતે બેભાનાવસ્થા સર્જે છે. વિકાર જેટલો ઉગ્ર (ટૂંકા સયમનો અથવા acute) તેટલી બેભાનાવસ્થા વધુ તીવ્ર (વધુ ઊંડાણવાળી અથવા severe).

મસ્તિષ્કી બાહ્યકના વિકારો 3 જુદી જુદી પ્રવિધિઓ (mechanisms) દ્વારા બેભાનાવસ્થા સર્જે છે : (1) સૌથી વધુ જોવા મળતા વિકારોના જૂથમાં બંને અર્ધગોલકોમાં વ્યાપક રીતે ફેલાયેલા દોષવિસ્તારો(lesions)ના વિકારોનો અથવા શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ(ચયાપચય)ના વિકારોનો સમાવેશ થાય છે. દા.ત., વિષાણુજન્ય ચેપને કારણે મસ્તિષ્કશોથ (encephalitis) નામનો મગજનો સોજો કરતો રોગ થાય, આખા શરીરે આંચકી (ખેંચ) આવે તે પછી ઉદભવતી બેભાનાવસ્થાની પરિસ્થિતિ, ઘેન કે નશો કરતી દવાની ઝેરી અસરને કારણે થતી બેભાનાવસ્થા, સમગ્ર મગજને લોહીનો પુરવઠો પૂરતો ન મળે તેવો વિકાર જેને પૂર્ણગોલ મસ્તિષ્કી અલ્પરુધિરવાહિતા (global brain ischaemia) કહે છે તથા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી થતી અલ્પગ્લુકોઝરુધિરતા (hypoglycaemia) વગેરે. (2) મગજના એક અર્ધગોલકમાં ગાંઠ મોટી થઈને કે સોજો કરીને મગજના બીજા અર્ધગોલકને દબાવે અને બંને ગોલકોમાં વિકાર ઉત્પન્ન કરે ત્યારે વ્યક્તિ બેભાન થઈ જાય છે. (3) મગજના એક કે બંને અર્ધગોલકોમાંની ગાંઠ કે ગાંઠો મોટી થઈને કે સોજો કરીને મોટા મગજની નીચે આવેલા RASવાળા મસ્તિષ્કપ્રકાંડ નામના વિસ્તારને દબાવે ત્યારે પણ બેભાનાવસ્થા ઉદભવે છે.

આકૃતિ 2 : મસ્તિષ્કી વીજાલેખ (EEG)

મગજમાં સોજો આવે ત્યારે તેનું કદ વધે છે. ખોપરીનું પોલાણ હાડકાંની અક્કડ ડબ્બી જેવું છે માટે તેની અંદર દબાણ વધે છે. તેને અંત:કર્પરી દાબ (intracranial pressure) કહે છે. ખોપરીમાં વધતા દબાણને કારણે મગજનો ભાગ તેના મૂળ સ્થળથી ખસીને બીજી બાજુ કે તેના આવરણમાંના કોઈ છિદ્રમાંથી પસાર થઈને બીજી તરફ ધકેલાય છે. અવયવના તેના સ્થાનથી ખસીને કોઈ છિદ્ર દ્વારા અન્યત્ર ખસવાની ક્રિયાને અવયવી સરણ અથવા છિદ્રસરણ (herniation) કહે છે. પેટની દીવાલમાંથી આંતરડું ખસીને બહાર આવે ત્યારે બનતી સારણગાંઠ (hernia) જેવી જ આ સ્થિતિ છે, જે ખોપરીના પોલાણમાં બને છે. ખોપરીમાં 3 પ્રકારનાં છિદ્રપ્રસરણ બને છે : (1) મોટા મગજના બંને અર્ધગોલકોની વચ્ચે દાતરડાના પાનાના આકારનો દાત્રતાનિકા અથવા મસ્તિષ્કી દાત્રતાનિકા (falx cerebrae) નામનો પડદો આવેલો છે. જો મગજના એક અર્ધગોલકનું સોજા કે ગાંઠને કારણે કદ વધે તો તે દાત્રતાનિકા નામના પડદાની નીચલી કિનારીના આગળના ભાગ પાસેથી મધ્યરેખાને ઓળંગીને બીજી બાજુ ખસે છે. તેને પારદાત્રતાનિકી છિદ્રસરણ (transfalacial herniation) કહે છે. (2) તેવી જ રીતે મોટા અને નાના મગજની વચ્ચે તંબુતાનિકા (tentorium) નામનો પડદો આવેલો છે. તેમાંના કાણામાંથી મસ્તિષ્કપ્રકાંડ મોટા મગજ જોડે જોડાય છે. મોટા મગજના સોજા કે ગાંઠમાં ક્યારેક મગજની નીચલી સપાટીવાળો ભાગ તંબુતાનિકામાંના છિદ્રમાંથી નીચે તરફ સરે છે. તેને પારતંબુતાનિકી છિદ્રસરણ (transtentorial herniation) કહે છે. (3) ખોપરીના નીચલા ભાગમાં આવેલા કાણામાંથી મસ્તિષ્કપ્રકાંડ પસાર થઈને કરોડરજ્જુ તરીકે કરોડસ્તંભના પોલાણમાં લંબાય છે. આ છિદ્રને મહાછિદ્ર (foramen magnum) કહે છે. ખોપરીમાં દબાણ વધે ત્યારે ક્યારેક નાના મગજનો વચ્ચે આવેલો અને સૌથી નીચેના ભાગમાં રહેલા કાકડાસમ ભાગ મહાછિદ્રમાંથી નીચે તરફ ખસે છે. નાના મગજ(અનુમસ્તિષ્ક)ના કાકડાસમ ભાગને અનુમસ્તિષ્કી કાકડા વિસ્તાર (cerebellar tonsil) કહે છે. તેના છિદ્રસરણને અનુમસ્તિષ્કી કાકડાસરણ (cerebellar tonsillar herniation) કહે છે.

જ્યારે તંબુતાનિકા કાણામાંથી મોટા મગજનો કોઈ ભાગ સરીને નીચે આવે છે ત્યારે તે મસ્તિષ્કપ્રકાંડમાં આવેલાં ચેતાકેન્દ્રોને દબાવે છે. તેને કારણે ખોપરીમાંથી નીકળતી ચેતાઓની ત્રીજી જોડના ચેતાકેન્દ્રને અસર પહોંચે છે. તેને કારણે આંખની કનીનિકા (pupil) પહોળી થઈ જાય છે. ક્યારેક પારમસ્તિષ્કમાંનો ચેતક (thalamus) નામનો વિસ્તાર સીધેસીધો મધ્યરેખામાં નીચે ઊતરે તો કનીનિકા ઝીણી થઈ જાય છે. તે વખતે વ્યક્તિ ઘેનમાં પડે છે. જેમ જેમ મગજનો ભાગ નીચે ઊતરતો જાય તેમ તેમ બેભાનાવસ્થા વધુ ગાઢ બને છે અને મસ્તિષ્કપ્રકાંડના વધુ અને વધુ ચેતાકેન્દ્રો અસરગ્રસ્ત થાય છે. તેને કારણે વિવિધ નિદાનલક્ષી ચિહ્નો ઉદભવે છે. જો તંબુતાનિકાની નીચે મસ્તિષ્કપ્રકાંડ કે નાના મગજમાં કોઈ ગાંઠ કે સોજાના વિકારને કારણે બેહોશી આવે તો તે ઝડપથી તીવ્રતા પામે છે અને મસ્તિષ્કપ્રકાંડનાં લગભગ બધાં જ કાર્યો એકસામટાં અસરગ્રસ્ત થાય છે. થોડાક પ્રમાણમાંનો નીચે તરફનો સરકાવ હોય ત્યારે ઘેન કે બેભાનાવસ્થાની શરૂઆત થતી હોય છે. ત્યારબાદ મગજ વધુ પ્રમાણમાં નીચે તરફ ખસે ત્યારે સી.એ.ટી. સ્કૅન કે એમ.આર.આઇ. જેવાં ચિત્રણોની મદદથી પણ તેને દર્શાવી શકાય છે.

રુગ્ણદેહધાર્મિક ક્રિયા (pathophysiology) : ગાઢ બેભાનઅવસ્થા થવાની 2 મુખ્ય પ્રક્રિયાઓ છે : મોટા મગજના બાહ્ય વિસ્તારમાં કે મસ્તિષ્કપ્રકાંડના પ્રમુખ વિસ્તારમાં કોઈ ઈજા થઈ હોય તો તેનાથી થતી બેભાનાવસ્થાને સંરચનાલક્ષી બેભાનાવસ્થા (anatomic coma) કહે છે. સમગ્ર મગજની ક્રિયાઓ કોઈ રાસાયણિક કે ચયાપચયી વિક્રિયાઓને કારણે ખોરંભાઈ ગઈ હોય તો તેનાથી થતી બેભાનાવસ્થાને ચયાપચયી બેભાનાવસ્થા (metabolic coma) કહે છે. મગજને મળતો લોહી, ઑક્સિજન કે ગ્લુકોઝનો પુરવઠો અટકે, ક્યારેક ઈજા, આંચકી અથવા દવા કે દારૂની ઝેરી અસરથી ચેતાકોષોના પ્રતિભાવો બદલાય ત્યારે ચયાપચયીની બેભાનાવસ્થા થાય છે.

મગજને લોહી, ગ્લુકોઝ અને ઑક્સિજનનો પુરવઠો સતત મળવો જરૂરી છે. મગજની 100 ગ્રામ પેશીને દર મિનિટે 3.5 મિલી ઑક્સિજન તથા 5 મિગ્રા. ગ્લુકોઝ મળવાં જોઈએ. લોહીનો પુરવઠો બંધ થાય ત્યારપછી 2 મિનિટ ચાલે તેટલો ગ્લુકોઝનો જથ્થો મગજમાં હોય છે. પરંતુ સામાન્ય રીતે 8થી 10 સેકન્ડમાં બેભાનાવસ્થા થઈ આવે છે. લોહીનો પુરવઠો અટકે ત્યારે ઑક્સિજન મળતો બંધ થાય છે તેથી ગ્લુકોઝનું દહન તેના વગર શરૂ થાય છે. તેને ગ્લુકોઝનું અજારક (anaerobic) દહન કહે છે. ગ્લુકોઝના અજારક દહનમાં ગ્લુકોઝનો જથ્થો ઝડપથી વપરાઈ જાય છે. આરામ કરતા મગજની દર 100 ગ્રામ પેશીને દર મિનિટે સરેરાશ 55 મિલી લોહી મળે છે (ભૂખરા દ્રવ્યને 70 મિલી અને શ્વેતદ્રવ્યને 35 મિલી). જ્યારે તે ઘટીને 25 મિલી થાય ત્યારે મગજના વીજ-આલેખ(EEG)માં ફેરફારો થાય છે અને જ્યારે તે 15 મિલી થાય ત્યારે મગજમાંની વીજપ્રક્રિયાઓ બંધ થઈ જાય છે. જ્યારે તે 10 મિલીથી ઘટે ત્યારે મગજમાં મટાડી ન શકાય તેવી ઈજા થાય છે. જ્યારે લોહીનો પુરવઠો ઘટે ત્યારે તે સ્થિતિને અલ્પરુધિરવાહિતા (ischaemia) કહે છે તથા ગ્લુકોઝનું લોહીમાં પ્રમાણ ઘટે ત્યારે તેને અલ્પગ્લુકોઝરુધિરતા (hypoglycaemia) કહે છે. પેશીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને અલ્પઑક્સિતા (hypoxia) કહે છે. આ ત્રણે વિકારો ઉપરાંત બીજા પણ ચયાપચયી વિકારો છે જેમાં બેભાનાવસ્થા થાય છે. લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટે તો તેને અલ્પસોડિયમરુધિરતા (hyponatraemia) કહે છે, લોહીનો આસૃતિદાબ વધે ત્યારે તેને અતિ-આસૃતિદાબ (hyperosmolalitiy) કહે છે. લોહીમાં કાર્બનડાયોક્સાઇડ વધે ત્યારે તેને અતિકાર્બિતા (hyprecapnia) કહે છે. જ્યારે યકૃત કે મૂત્રપિંડમાં કોઈ વિકાર હોય ત્યારે પણ અનેક ચયાપચયી દ્રવ્યો વધે છે જે મગજનાં આવેલા બંને મુખ્ય પ્રકારના કોષોના, ચેતાકોષો (neurons) તથા તારકકોષો-(astrocytes)ના કાર્યમાં વિક્ષેપ કરે છે. આ બધી જ સ્થિતિઓમાં બેભાનાવસ્થા થાય છે. આ બધી ચયાપચયી વિક્રિયાઓ કેવી રીતે બેભાનાવસ્થા કરે છે તે સ્પષ્ટપણે જાણમાં આવતું નથી. પરંતુ તે ઊર્જાલક્ષી (energy related), ક્રિયાવિભવલક્ષી (action potential related), ચેતાઆવેગવાહકલક્ષી (neurotransmitter related) કે અન્ય કોઈ પ્રક્રિયાઓને ઘટાડીને બેભાનાવસ્થા કરે છે એવું મનાય છે. ક્યારેક ખોટા પ્રકારના ચેતાઆવેગવાહકો બને છે. ખાસ કરીને એમોનિયાના ચયાપચયના વિકારમાં આવું બને છે (દા.ત., યકૃતના વિકારો). મૂત્રપિંડના વિકારમાં સેંદ્રિય ઍસિડ અને કૅલ્શિયમના પ્રમાણમાં થતો વધારો બેભાનાવસ્થા કરે છે એવું મનાય છે.

મધુપ્રમેહના રોગમાં લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી લોહીની આસૃતિ (osmolality) વધે છે. તેવી રીતે બહુમજ્જાર્બુદ (myeloma) નામના કૅન્સરમાં લોહીમાં પ્રોટીનનું પ્રમાણ વધવાથી લોહીની શ્યાનતા (viscosity) વધે છે. તેને કારણે મગજમાં સોજો આવે છે. લોહીમાં જ્યારે સોડિયમનું પ્રમાણ ઘટે ત્યારે પણ લોહીનો આસૃતિદાબ ઘટે છે અને મગજમાં સોજો આવે છે. જ્યારે પણ સોડિયમનું પ્રમાણ દર એક લીટર લોહીમાં 115 મિલિમોલથી ઓછું થાય ત્યારે આંચકી અને બેભાનાવસ્થા થાય છે. શ્વાસોચ્છવાસના રોગોમાં લોહીમાંના અંગારવાયુનો પૂરતો નિકાલ ન થાય ત્યારે તેનું પ્રમાણ વધે છે, જે બેભાનાવસ્થા કરે છે. બેભાનાવસ્થાનાં અન્ય ચયાપચયી કારણોમાં લોહીના કદમાં ઘટાડો, વિટામિન B12ની ઊણપ તથા શરીરનું ઘટેલું તાપમાન ગણાય છે.

દારૂ તથા કેન્દ્રીય ચેતાતંત્રનું અવદાબન (inhibition) કરતી અન્ય દવાઓ (દા.ત., નિદ્રાપ્રેરકો – sedatives, પ્રશાંતકો – tranquillizers, આંચકીરોધકો – anticonvulsants વગેરે) પણ RAS તથા મગજના બાહ્યક પર અસર કરીને ઝેરી અસર રૂપે ક્યારેક બેભાનાવસ્થા કરે છે. આંચકી આવે ત્યારપછી અમુક સમય માટે કેન્દ્રીય ચેતાતંત્રમાંની વીજ-આવેગવાળી પ્રક્રિયાઓ અસરગ્રસ્ત થાય છે, જે બેભાનાવસ્થા આણે છે.

નિદાન અને સંકટકાલીન સારવાર : સારવાર અને નિદાનલક્ષી પ્રક્રિયાઓ સાથે સાથે કરાય છે. શ્વાસોચ્છવાસ, લોહીનું દબાણ તથા શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે તરત પગલાં લેવાય છે. તે માટે નાડી, લોહીનું દબાણ, તાપમાન તથા શ્વાસોચ્છવાસના દરની નોંધ રાખવામાં આવે છે. આ ઉપરાંત આંખના ગોળાની અંદર સાધન વડે તપાસ કરવામાં આવે છે. તેને ઘુમ્મટતલ નિરીક્ષા (fundoscopy) કહે છે. ડોકના સ્નાયુઓમાં અક્કડતા આવી છે કે નહિ તે પણ નક્કી કરાય છે. ઈજા, દવા કે અન્ય રસાયણોની ઝેરી અસર કે હૃદયના ધબકારા બંધ થવાથી જો બેભાનાવસ્થા થઈ હોય તેનું નિદાન સ્વયંસ્પષ્ટ હોય છે. પરંતુ અન્ય બધી જ પરિસ્થિતિઓમાં ચેતાલક્ષી તકલીફો અને લક્ષણોની યાદી, તેમનો ઘટનાક્રમ, તેમને અંગેની વિગતવાર માહિતી, શરૂઆતમાં થયેલી તકલીફો અને લક્ષણો (દા.ત., તાવ, કમજોરી, શિરદર્દ, આંચકી, અંધારાં આવવાં, બેવડું દેખાવું, ઊલટી થવી વગેરે), દવા કે દારૂનો પ્રયોગ થયો હોય તો તેની માહિતી તથા યકૃત, મૂત્રપિંડ, ફેફસું, હૃદય કે અન્ય અવયવોના રોગોની હાજરી આદિની નોંધ મેળવવાથી નિદાન કરવામાં દિશાસૂચન મળે છે. તાવ હોય તો શરીરના કોઈ ભાગમાં ચેપ લાગેલો છે કે નહિ તે જોવાય છે. મગજની આસપાસનાં આવરણો(તાનિકાઓ, meninges)માં લાગેલા ચેપને તાનિકાશોથ (meningitis) કહે છે. તેમાં પણ તાવ આવે છે. તાપમાનનું નિયંત્રણ કરતાં મગજનાં ચેતાકેન્દ્રોના વિકારો હોય ત્યારે પણ તાવ સાથે બેભાનાવસ્થા થવાની સંભાવના રહે છે. શરીરનું તાપમાન 42° સે.થી 44° સે. હોય (ઊંચો તાવ આવેલો હોય) અને પરસેવો થવાને બદલે ચામડી સૂકી હોય તો લૂ લાગી હોવાની અથવા એટ્રોપિન કે ધતૂરા જેવા પ્રતિકોલિનર્જિક દ્રવ્યોની ઝેરી અસર હોવાની સંભાવના રહે છે. જો તાપમાન 31° સે. કે તેથી ઓછું હોય તો શરીર ઠંડું પડી જવાને કારણે અલ્પઉષ્ણતાજન્ય (hypothermic) બેભાનાવસ્થા થાય છે.

શ્વાસોચ્છવાસની અનિયમતિતા કે હૃદયના ધબકારાની અનિયમિતતા મસ્તિષ્કપ્રકાંડનો વિકાર સૂચવે છે. તેમાં ક્યારેક આંખની કીકીમાંના કનીનિકા (pupil) નામના છિદ્રમાં પણ વિકૃતિ આવે છે. નાડીના ધબકારામાં ફેરફાર, લોહીનું વધતું દબાણ અને ઝડપી અને છીછરો શ્વાસોચ્છવાસ (અતિશ્વસનતા, hyperventilation) હોય તો તે ખોપરીના પોલાણમાં દબાણ વધ્યું છે એવું સૂચવે છે. તેને અંત:કર્પરી અતિદાબ (increased intracranial pressure) કહે છે. બેભાનાવસ્થામાં લોહીનું દબાણ વધેલું હોય તો તે કેટલાંક શક્ય કારણોની હાજરી સૂચવે છે, જેમ કે લોહીનું વધેલું દબાણ પોતે જ બેભાનાવસ્થા કરે છે. ક્યારેક મગજમાં લોહી વહી ગયું હોય તોપણ બેભાનાવસ્થા થાય છે અને તે સમયે અંત:કર્પરી દાબ વધવાને કારણે લોહીનું દબાણ વધે છે. લોહીનું દબાણ ખૂબ વધી જાય ત્યારે ક્યારેક તે મગજના કાર્યને અસર કરે છે. તેને અતિરુધિરદાબી મસ્તિષ્કરુગ્ણતા (hypertensive encephalopathy) કહે છે. મગજમાં લોહી વહે તો તેને મસ્તિષ્કી રુધિરસ્રાવ (cerebral hemorrhage અથવા brain hemorrhage) કહે છે. દારૂ કે બાર્બિચ્યુરેટને વધુ માત્રામાં લેવામાં આવે, શરીરમાં કે બહાર પુષ્કળ લોહી વહી જાય, હૃદયરોગનો હુમલો થઈ આવે, એડિસોનિયન સંકટ (Addisonian crisis) ઉદભવે કે ગ્રામ-અનભિરંજિત જીવાણુઓથી થયેલો ચેપ શરીરમાં વ્યાપક રૂપે ફેલાય (સપૂયરુધિરતા, septicemia) તો ક્યારેક લોહીનું દબાણ ઘટે છે અને વ્યક્તિ બેભાન થાય છે.

આંખના ગોળાના પોલાણમાં સાધન વડે જોવાની ક્રિયાને ઘુમ્મટતલ નિરીક્ષા (fundoscopy) કહે છે. તેની મદદથી મગજમાં લોહી વહેવાનો વિકાર થયો હોય, લોહીના ઊંચા દબાણથી થતો મસ્તિષ્કવિકાર થયો હોય, મગજમાં ગાંઠ કે ચેપ થયો હોય તો તેને લગતાં ચિહ્નો જોઈ શકાય છે. મગજમાં ગાંઠ કે ચેપને કારણે ખોપરીમાં દબાણ વધ્યું હોય તો તે દર્શાવતાં ચિહ્નોને ષ્ટિચકતીશોફ (papilloedema) કહે છે, જે ઘુમ્મટતલ નિરીક્ષા દ્વારા દર્શાવી શકાય છે. જો દર્દીની ચામડીમાં લોહી વહ્યાના ડાઘા (રુધિરછાંટ, purpura) હોય તો મગજમાં પણ લોહી વહ્યું હશે એવું તારણ કઢાય છે.

ચેતાતંત્રીય તપાસ : બહારથી પ્રેરિત કરાયેલા કે આપોઆપ થતાં હલનચલનોની નોંધ ઉપયોગી છે. પથારીમાં આળોટતો, મોઢા પાસે હાથ લાવતો, હાથ કે પગને મધ્યરેખાની બીજી બાજુ લઈ જતો, બગાસું ખાતો, કશુંક ગળતો, ખાંસી ખાતો કે કણસતો બેભાન દર્દી જાગ્રત અવસ્થાની નજીક હોવાની સંભાવના છે. ક્યારેક આખા શરીરને અસરગ્રસ્ત કરતી, તો ક્યારેક ફક્ત અંગૂઠા, આંગળીઓ કે ચહેરાના કોઈ ભાગને અસરગ્રસ્ત કરતી ખેંચ (આંચકી) આવી હોય તો તે બેભાનાવસ્થા વધારે છે. વળી તે મગજનો કયો ભાગ રોગગ્રસ્ત છે તે અંગે પણ સૂચન કરે છે. પગ બહાર તરફ વળી ગયેલો હોય કે શરીરના બીજા ભાગો હાલ્યા કરતા હોય ત્યારે જો કોઈ હાથપગ સ્થિર રહેતો હોય તો તે અંગોનો લકવો થયો છે એવું તે સૂચવે છે.

અંગોને વાળીને સીધાં કરતાં સસજ્જ (tonic) હલનચલનો થતાં હોય અને બાકીના સમયે પગ સીધા પડી રહેતા હોય તો તે ક્યારેક મગજનાં સૌથી ઉપરનાં કેન્દ્રો સાથેનો સંપર્ક તૂટી ગયો છે એવું સૂચવે છે. આવી દેહસ્થિતિ અથવા આવા અંગવિન્યાસ(posture)ને દુ:મસ્તિષ્કી અક્કડતા (decerebrate rigidity) અથવા દુ:બાહ્યકીય અક્કડતા (decorticate rigidity) કહે છે. હાથ, કોણી કે કાંડાથી આપોઆપ વળી જાય અને હાથ ચત્તો થઈ જાય (હસ્તતલાગ્ર સ્થિતિ, supination) તો તે મધ્યમસ્તિષ્કથી ઉપરની એટલે કે દુ:બાહ્યકીય ઈજાનું સૂચન કરે છે. તેને દુ:બાહ્યકન (decortication) પણ કહે છે. જો હાથ કોણી અને કાંડાથી સીધો હોય અને તે ઊંધો થઈ જાય (હસ્તપૃષ્ઠાગ્રસ્થિતિ, pronation) તો તે મધ્યમસ્તિષ્કના સ્તરની ઈજા ગણાય છે અને તેને દુ:મસ્તિષ્કી ઈજા કહે છે. આવી સ્થિતિને દુ:મસ્તિષ્કના (decerebration) પણ કહે છે. મજ્જાસેતુ(pons)ના નીચલા ભાગમાં ઈજા હોય તો હાથ સીધા રહે છે અને પગ થોડા વળેલા અને ઢીલા પડેલા હોય છે. જોકે કોઈ પણ સ્થળે તરતની થયેલી ઉગ્ર (acute) ઈજામાં અંગો સીધાં રહે છે અને સમય જતાં બધાં અંગો થોડાં વળે છે, માટે શરીર કેવી સ્થિતિમાં પડેલું છે ફક્ત તેને આધારે નિદાન કરવું મુશ્કેલ ગણાય છે. કોઈ ચોક્કસ પ્રકારનો અંગવિન્યાસ હોય અને વચ્ચે વચ્ચે આપોઆપ અનૈચ્છિક સંચલનો થતાં હોય તો તે પ્રેરક ચેતાતંત્ર(motor system)ની સંપૂર્ણ ઈજા સૂચવે છે. લોહીમાં ઑક્સિજન ઘટી જાય ત્યારે પણ દુ:મસ્તિષ્કી અક્કડતા જોવા મળે છે. જો જુદા જુદા સ્નાયુઓનાં સતત સંકોચનો થતાં રહે (myoclonus) તો તે મૂત્રપિંડની નિષ્ફળતા કે કોઈ દવાની ઝેરી અસર સૂચવે છે. પંખીની પાંખની માફક પણ ધીમે ધીમે વીંઝાતો હસ્ત (hand) જોવા મળે તો તે યકૃત કે મૂત્રપિંડની નિષ્ફળતા, શ્વાસોચ્છવાસની નિષ્ફળતા તથા ફેનિટોઇન નામની દવાની ઝેરી અસર સૂચવે છે. આવા અનૈચ્છિક સંચલનને હસ્તવિંઝણ (flapping tremors અથવા asterixis) કહે છે.

પ્રેરિત હલનચલનો (elicited movements) અને બેભાનાવસ્થા કે જાગ્રતતાના સ્તર વચ્ચે પણ સંબંધ છે. બેભાન વ્યક્તિમાં હાથપગ, ચહેરો કે માથાના પ્રતિભાવરૂપ હલનચલન કરાવવા માટે તીવ્ર ઉત્તેજનાની જરૂર પડે છે. જેટલી વધુ ગાઢ બેભાનાવસ્થા હોય તેટલી વધુ તીવ્રતાવાળી ઉત્તેજનાની જરૂર પડે છે. આ માટે કપાળ અને નાકના જોડાણ પાસે, આંખના ગોખલાની ઉપર કે છાતીના મધ્ય ભાગમાં હાડકાં ઉપર દબાણ આપીને અથવા તો હાથપગ પર ચૂંટલી ખણવા જેવી પીડાકારક ઉત્તેજના આપીને પછી બેભાન દર્દી તેનો કોઈ હલનચલનરૂપ પ્રતિભાવ આપે છે કે નહિ તે જોવાય છે. જેટલી જોરદાર ઉત્તેજનાની તરફ પડે તેટલી બેભાનાવસ્થા વધુ ગાઢ હોય છે. ઘેનમાં પડેલી વ્યક્તિને મોટેથી બોલાવવાથી તે પ્રતિભાવ આપે છે, તે આંખ ખોલે છે કે જીભ બહાર કાઢે છે. તેવી રીતે દર્દીને ઢંઢોળવાની કે ગાલ પર હળવી થપાટ મારવા જેવી ક્રિયા પણ કરાય તોપણ તે પ્રતિભાવ આપે છે. ચૂંટલી ખણવાથી ક્યારેક ત્યાં લોહીનું ચકામું થાય છે માટે તે ક્રિયા મોટેભાગે કરાતી નથી. જો પીડાકારક ઉત્તેજના પછી અંગને દૂર કરવાની ક્રિયા થાય તો તે હેતુપૂર્ણ ક્રિયા ગણાય છે અને તે ચેતાતંત્રનો પ્રેરક ચેતાપથ (motor tract) અકબંધ છે તેવું સૂચવે છે. આવી ક્રિયાને અપસારી (abduction) ક્રિયા કહે છે. પરંતુ જો પ્રતિભાવ રૂપે અંગને વાળવાની કે શરીરની મધ્યરેખા તરફ લઈ જવાની ક્રિયા થાય તો તે તીવ્ર ઈજા સૂચવે છે.

મસ્તિષ્કપ્રકાંડને સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ અથવા પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ની મદદથી ઈજાનું સ્થાન શોધવામાં આવે છે. જો આ પ્રકારની ચેતાપરાવર્તી ક્રિયાઓ જળવાઈ રહી હોય તો તે મોટા મગજના બાહ્યકમાં વ્યાપક ઈજા થયેલી છે એવું સૂચવે છે. મુખ્ય ચેતાપરાવર્તી ક્રિયા રૂપે આંખોનું હલનચલન અને આંખની કીકીમાં આવેલું છિદ્ર (કનીનિકા, pupil) પહેળું કે સાંકડું થતું જોવામાં આવે છે. ખોપરીમાંથી સીધેસીધી કર્પરી ચેતાઓ(cranial nerves)ની 12 જોડ નીકળે છે. તેમાંની બીજી જોડને ર્દષ્ટિચેતાઓ (optic nerves) કહે છે. તેના દ્વારા પ્રકાશની સંવેદના મગજના વિવિધ ભાગો સુધી પહોંચે છે તે આપણે જોઈ શકીએ છીએ. કર્પરીચેતાઓની ત્રીજી, ચોથી અને છઠ્ઠી જોડ દ્વારા વહન કરાતા પ્રેરક આવેગો આંખના હલનચલનનું નિયંત્રણ કરે છે અને કનીનિકાને સાંકડી કરે (કર્પરીચેતાની ફક્ત ત્રીજી જોડ) છે. કનીનિકાને પહોળી કરવાનો સંદેશો અને અનુકંપી ચેતાઓ (sympathetic nerves) દ્વારા આવે છે. મસ્તિષ્કપ્રકાંડમાં ત્રીજી, ચોથી અને છઠ્ઠી ચેતાઓનાં ચેતાકેન્દ્રો આવેલાં છે. તેથી તે સ્થાનની ઈજા, રોગ કે વિકારમાં કનીનિકાના વિસ્ફારણ (પહોળું થવું) અને સંકોચનના તથા આંખના હલનચલનના વિકારો થાય છે. કનીનિકાના સ્નાયુઓના કાર્યના પરીક્ષણ માટે આંખમાં પ્રકાશ નાંખીને જોવામાં આવે છે. તે સમયે સામાન્ય વ્યક્તિમાં કનીનિકા સંકોચાય છે. આ ચેતાપરાવર્તી ક્રિયાને પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા (light reflex) કહે છે. એક આંખમાં નાંખવામાં આવેલા પ્રકાશથી તે તરફની કનીનિકા સંકોચાય તેને સીધી (direct) પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા કહે છે અને બીજી આંખની કનીનિકા સંકોચાય તેને સહસંવેદી (consensual) પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા કહે છે. બેભાન દર્દી બંને કનીનિકાઓ સમાન કદની અને સામાન્ય પરાવર્તી ક્રિયાવાળી હોય તો મસ્તિષ્કપ્રકાંડનો વિકાર નથી તેવું નક્કી કરાય છે. જો મસ્તિષ્કપ્રકાંડની ડાબી કે જમણી એમ કોઈ એક બાજુ પર વિકાર હોય તો બંને પરાવર્તી ક્રિયાઓમાં પણ વિક્ષેપ પડે છે. મોટું મગજ કોઈ ગાંઠને કારણે કે અન્ય કારણે સૂજીને તંતુતાનિકા(tentorium)માંથી નીચે ઊતરે ત્યારે તે બાજુની કનીનિકાના કદમાં તફાવત પડે છે (પહોળી થાય છે.). અસમાન કદની કનીનિકાઓ હોય તો તે રોગ કે ઈજા દ્વારા મસ્તિષ્કપ્રકાંડ સીધી કે આડકતરી રીતે અસરગ્રસ્ત થયેલું છે તેવું સૂચવે છે. જો બંને બાજુની કનીનિકાઓ વિકારગ્રસ્ત હોય તો તે મસ્તિષ્કપ્રકાંડના તીવ્ર પ્રકારના વિકારનું સૂચન કરે છે. આવા સમયે કનીનિકા પહોળી થવાનાં અન્ય કારણોની ગેરહાજરી છે તેવું ખાસ જોઈ લેવાય છે.

આંખોના હલનચલન અને તેમના સામાન્ય સ્થિતિમાંના સ્થાન પરથી નિદાનલક્ષી ઘણી માહિતી મળે છે. સામાન્ય રીતે પોપચું ઊંચું કરીને આંખના સ્થાન અને હલનચલન વિશે માહિતી મેળવાય છે. ઘેનની સ્થિતિમાં ઘણી વખત બંને આંખો સહેજ જુદી જુદી દિશા તરફ તાકતી હોય એવું લાગે છે. પરંતુ બેભાનાવસ્થા ગાઢ બને ત્યારે ફરીથી બંને આંખોની અક્ષરેખાઓ (axes) સમાંતર બને છે. જો મજ્જાસેતુમાં ઈજા થયેલી હોય કે છઠ્ઠી કર્પરીચેતાનાં કેન્દ્રોને ઈજા થયેલી તે કારણે ઈજાવાળી બાજુની આંખ નાક તરફ વળેલી હોય છે. ક્યારેક બંને બાજુની છઠ્ઠી ચેતા અસરગ્રસ્ત હોય છે. સામાન્ય રીતે તે કોઈ ચોક્કસ સ્થાનમાં ઈજા થઈ જાય છે એવું સૂચન નથી. આવી સ્થિતિ અથવા ચિહ્નને છદ્મ-સ્થાનસૂચક ચિહ્ન (false localizing sign) કહે છે. જો ત્રીજી ચેતાના કેન્દ્રને ઈજા થયેલી હોય તો તે બાજુની આંખ બહારની બાજુ વળીને ત્રાંસી થયેલી હોય છે, પોપચું ઢળેલું રહે છે અને કનીનિકા પહોળી થયેલી હોય છે. આંખો સામાન્ય રીતે આડી દિશામાં ત્રાંસી થતી (ડાબી-જમણી દિશામાં) હોય છે. ઉપર-નીચેની દિશામાં આંખો ત્રાંસી થાય તો તેને તિર્યક્ વક્રન (skew deviation) કહે છે. તેવું મજ્જાસેતુ કે નાના મગજ(લઘુમસ્તિષ્ક)ના વિકારમાં જોવા મળે છે. ક્યારેક મગજનાં પોલાણો(નિલયો, ventricles)માં પ્રવાહી ભરાય અને તે મોટાં થયાં હોય તો તેને સજલશીર્ષ (hydrocephalim) કહે છે. તેવા વિકારમાં ત્રીજું નિલય પહોળું થયેલું હોય ત્યારે બંને આંખો નીચલા પોપચા તરફ ઢળેલી હોય છે. તેને ઊગતા સૂર્યનું ચિહ્ન (rising sun sign) કહે છે. બંને આંખો એક દિશામાં, એકબીજાને સમાંતર રહીને વાંકી થાય તો તેને સહગામી વક્રન (conjugate deviation) કહે છે. ઊગતા સૂર્યના ચિહ્નમાં બંને તરફ આંખો નીચેની સમાંતર રૂપે ઢળેલી રહે છે.

બેભાન વ્યક્તિની આંખો ઘણી વખત સમક્ષિતિજ રેખામાં એકબીજાને સમાંતર રહીને ડોલ્યા કરે છે. તેને સમક્ષિતિજી સહગામી વિચરન (horizontal conjugate roving) કહે છે. આવી જાતનું આંખોનું સ્વયંભૂ હલનચલન દર્શાવે છે કે મધ્યમસ્તિષ્ક અને મજ્જાસેતુમાં રોગ નથી અને તે ફક્ત સામાન્ય આંખોનું પરાવર્તી ક્રિયાજન્ય હલનચલન છે. ઉપરનીચે ચક્રીય રૂપે થતું આંખોનું વિચરન ચોક્કસ સ્થિતિઓમાં જોવા મળે છે. આંખો ઝડપથી નીચે જઈને ધીમેથી ઉપર આવે તેવું મજ્જાસેતુના વિકારોમાં જોવા મળે છે. આંખો ધીમેથી નીચે જઈને ઝડપથી ઉપર આવે એવું ઊભી રેખામાંનું થતું સહગામી વિચરન મોટા મગજના બાહ્યકના મોટા વિસ્તારમાં ઈજા કે રોગ છે એવું સૂચવે છે (દા.ત., મગજને લોહીનો પુરવઠો ન મળે તેવી સ્થિતિ). પ્રથમ પ્રકારના ઊભી રેખામાં થતા સહગામી વિચરનને ચક્ષુઉછાળ (occular bobbling) કહે છે. જ્યારે બીજા પ્રકારના વિચરનને ચક્ષુડુબાણ (occular dipping) કહે છે. ચેતક (thalamus) અને મધ્યમસ્તિષ્કના ઉપલા ભાગમાં ઈજા થયેલી હોય તો બંને આંખો નાક તરફ (મધ્યરેખા તરફ) તથા નીચેની બાજુએ વળેલી હોય છે. માથાને આમતેમ કે ઊંચું-નીચું કરતાં ઢીંગલીની આંખો(doll’s eye)ની જેમ આંખો પણ ઉપરનીચે કે ડાબી-જમણી બાજુ ફરતી જોવા મળે તો તે આંખોના તેવા હલનચલનને નેત્રશીર્ષી સંચલન (occulocephalic movement) કહે છે. શરૂઆતમાં તે ધીમે ધીમે ફરે છે. માથું જે દિશામાં ફેરવવામાં આવેલું હોય તેનાથી વિરુદ્ધ દિશામાં બંને આંખો એકબીજીને સમાંતર રહીને ફરે છે. આ એક ચેતાપરાવર્તી ક્રિયા છે. તેમાં અંદરના કાનમાં  રહેલું સંતુલનલક્ષી યંત્ર (vestibular apparatus), ડોકમાં આવેલા અંગવિન્યાસી સ્વીકારકો (proprioceptors) અને મસ્તિષ્કપ્રકાંડમાં આવેલાં સંતુલનલક્ષી ચેતાકેન્દ્રો (vestibular centres) ભાગ લે છે. સભાન વ્યક્તિના મોટા મગજના બાહ્યકમાંથી આવતા ર્દષ્ટિસ્થાપન(visual fixation)ના આવેગો ઢીંગલીની આંખોના જેવું હલનચલન કરવા દેતા નથી. તેથી ઢીંગલીની આંખો જેવું સંચલન જોવા મળે તો તે સૂચવે છે કે મગજના બંને અર્ધગોલકોમાં વ્યાપક એવી ઈજા થયેલી છે. ઘેનમાં પડેલી વ્યક્તિમાં તેના માથાનાં પ્રથમ 2 કે 3 ડોલનો વખતે આંખ પણ વિરુદ્ધ દિશામાં ડોલે છે પરંતુ તે સમયે તે જાગી જતી હોવાથી આંખોનું ઢીંગલી જેવું ડોલન બંધ થઈ ઈજા થાય છે. જો આ પ્રક્રિયા કરતી વખતે બંને આંખોનું વિરુદ્ધ દિશામાં પૂરેપુરું સમક્ષિતિજી સહગામી વિચરન થાય તો તે ત્રીજી અને છઠ્ઠી કર્પરીચેતાઓની જોડ પણ સામાન્ય છે એવું સૂચવે છે. પરંતુ જો તેમાંથી એક આંખનું અપસરણ (abduction) કે અભિસરણ (adduction) પૂરેપૂરું થતું ન હોય તો તે અનુક્રમે તે બાજુની છઠ્ઠી કે ત્રીજી કર્પરીચેતાના માર્ગમાં ઈજા થયેલી છે તેવું સૂચવે છે. આંખના ગોળાને મધ્યરેખા તરફ વાળવાની ક્રિયાને અભિસરણ અથવા મધ્યવર્તી સરણ અને બહારની બાજુ (કાન બાજુ) વાળવાની ક્રિયાને અપસરણ અથવા પાર્શ્વવર્તી સરણ કહે છે. જોકે આ પ્રક્રિયા વડે કોઈ નિશ્ચિત મત પર આવતાં પહેલાં સાવચેતી રાખવી જરૂરી ગણાય છે કેમ કે આંખોને મધ્યરેખા તરફ વાળવાની ક્રિયા આમેય સહેજ મુશ્કેલ હોય છે.

નેત્રીશીર્ષી સંચલનની કસોટી ઉપરાંત કાનમાં ઠંડા પાણીની પિચકારી નાંખીને કરાતી તપાસ પણ મહત્ત્વની માહિતી આપે છે. તેને સંતુલનનેત્રી પ્રતિભાવ(vestibulo-occular response)ની કસોટી કહે છે. બાહ્યકર્ણનળીમાં ઠંડા પાણીની પિચકારી નાંખવાથી અંત:કર્ણના સંતુલનયંત્રમાંના પ્રવાહીમાં ઉષ્ણતાનયનલક્ષી પ્રવાહ શરૂ થાય છે જે મસ્તિષ્કપ્રકાંડમાંના ચેતાકેન્દ્રને સંદેશા મોકલે છે. આ કસોટી માટે દર્દીને ચત્તો સુવાડીને તેનું માથું 30° સે.ના ખૂણે ઊંચું કરેલું રખાય છે. જો મસ્તિષ્કપ્રકાંડ સામાન્ય સ્થિતિમાં હોય તો જે કાનમાં ઠંડું પાણી નંખાતું હોય તે દિશામાં બંને આંખો એકબીજીને સમાંતર રહીને વાંકી વળે છે. જો મોટું મગજ બરાબર કામ કરતું હોય તો આ પ્રકારના સંચલનના પ્રતિભાવ રૂપે વિરુદ્ધ દિશામાં બંને આંખો ફરે છે. જો આવું સંચલન ન થાય તો તે મોટા મગજનો વિકાર સૂચવે છે.

સ્થિર સ્થિતિમાં બંને આંખો કઈ દિશામાં જોઈ રહી છે અથવા માથું હલાવવાથી જો તેમના સહગામી સંચલનમાં કોઈ એક બાજુ ક્ષતિ ઉદભવેલી હોય તો તેને આધારે મોટા મગજ કે મજ્જાસેતુમાં ઈજા થયેલી છે એવું જાણી શકાય છે. મોટા મગજના જે અર્ધગોલમાં વિકાર હોય તે દિશામાં આંખો વાંકી વળેલી હોય છે અને જો ઈજા મજ્જાસેતુમાં થયેલી હોય તો આંખો તેની વિરુદ્ધની દિશામાં વાંકી વળેલી હોય છે. ક્યારેક આંચકી પછી પણ આંખો ઈજાની તરફ વાંકી વળી જાય છે. ક્યારેક અપવાદ રૂપે મોટા મગજની ઈજાના કિસ્સામાં તે સામેની બાજુ પણ વળેલી જોવા મળે છે.

જો દર્દીને એવી દવાઓ આપવામાં કે જે આંખો તથા કનીનિકાનાં ચેતાપરાવર્તી સંચલનોને દબાવે તો નિદાન કરવામાં મુશ્કેલી પડે છે. આવા સમયે આંખો માથું જે દિશામાં ઘુમાવવામાં આવે તે દિશામાં જોયા કરે છે અને તેથી મસ્તિષ્કપ્રકાંડમાં ઈજા થઈ છે એવું ખોટું તારણ નીકળે છે. સામાન્ય રીતે ફેનિટોઇન ત્રિચક્રીય ખિન્નતારોધકો (tricyelic antidepressant) તથા બાર્બિચ્યુરેટ્સની વધુ પડતી માત્રા લેવાઈ હોય તો આવું થાય છે. દારૂ, ફિનોથાયેઝાઇન્સ, ડાયાઝેપામ કે પેન્ક્યુરોનિયમ જેવા ચેતાસ્નાયુરોધકો (neuromuscular blockers) વગેરે દવાઓના અતિસેવન પછી પણ ક્યારેક બેભાનાવસ્થા થાય ત્યારે પણ સંતુલનનેત્રી કસોટીઓ મસ્તિષ્કપ્રકાંડમાં થતી ઈજામાં જોવા મળે એવાં પરિણામો આપે છે. પરંતુ તેમાં કનીનિકાનું કદ અને તેની પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા સામાન્ય રહે છે. બાર્બિચ્યુરેટની ઝેરી અસર થાય ત્યારે કનીનિકા સોયટોચ (pinpoint) જેટલી સાંકડી થઈ જાય છે. આવું જ્યારે મજ્જાસેતુમાં લોહી વહે ત્યારે પણ બને છે.

સામાન્ય વ્યક્તિમાં આંખના ડોળાના સફેદ ભાગને રૂના પૂમડા વડે સ્પર્શવાથી કે આંખની કીકીના સ્વચ્છા નામના પારદર્શક ભાગના કે રૂના પૂમડા વડે સ્પર્શવાથી બંને આંખોનાં પોપચાં બંધ થઈ જાય છે. જ્યારે 5મી કે 7મી કર્પરીચેતાને કે મજ્જાસેતુને ઈજા થઈ હોય ત્યારે આ ચેતાપરાવર્તી ક્રિયાઓ જતી રહે છે. સ્વચ્છાને સ્પર્શ કરવાથી જે પ્રતિભાવ ઉદભવે છે તેને સ્વચ્છાલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા (corneal reflex) કહે છે.

શ્વાસોચ્છવાસમાં થતા વિકાર વડે બેભાનાવસ્થાના નિદાનમાં થોડી કે વધુ માહિતી મળે છે. પરંતુ તે હરહંમેશ એકસમાન અને ખાતરીબંધ હોતી નથી. ચયાપચયી વિકારો કે દવાની ઝેરી અસરમાં ધીમું અને છીછરું શ્વસન જોવા મળે છે. ઝડપી અને ઊંડું શ્વસન થતું હોય તો તેને કુસ્મોલનું (Kussmaul) શ્વસન કહે છે. તે મસ્તિષ્કપ્રકાંડની ઈજામાં કે ચયાપચયી અમ્લતાવિકાર (metabolic acidosis) હોય તો જોવા મળે છે. શ્વાસોચ્છવાસમાં વચ્ચે વચ્ચે જો શ્વાસ લેવાનું અટકી જાય તેને અશ્વસન (apnoea) કહે છે. આવા શ્વસનને ચાઇન-સ્ટોક્સ(Cheyne-Stokes)નું શ્વસન કહે છે. તે ચયાપચયી વિકારો અને બંને મસ્તિષ્કી અર્ધગોલકોના રોગોમાં થાય છે. તે સમયે મંદ પ્રકારની બેભાનાવસ્થા હોય છે. ક્યારેક તે મસ્તિષ્કપ્રકાંડના વિકારોના છેલ્લા તબક્કામાં જોવા મળે છે. અટકી અટકીને ઊંડો શ્વાસ ખેંચવા માટે વ્યક્તિ શ્રમ કરતી હોય તેવું લાગે. તેને હવામાં બાચકા ભરવા (gasping) કહે છે. મગજ મૃત્યુ પામેલું હોય તેવી વ્યક્તિ છીછરી તથા અનિયમિત શ્વસનક્રિયા કરતી હોય તેવાં સંચલનો જોવા મળે છે. આવી વ્યક્તિમાં ઑક્સિજનની ઊણપ થઈ હોય તથા લંબમજ્જા અને અને કરોડરજ્જુમાં હજુ ચેતન બાકી રહેલું હોય તો તે પાછળ તરફ વળી જાય છે. તેને પૃષ્ઠીય ધનુવક્રન (back arching) કહે છે.

બેભાનાવસ્થા જેવી અન્ય સ્થિતિઓ : વિવિધ શારીરિક અને માનસિક સ્થિતિઓમાં વ્યક્તિ પ્રતિભાવ ન આપી શકે તેવી સ્થિતિમાં હોય ત્યારે બેભાનાવસ્થા જેવી લાગતી સ્થિતિ ઉદભવે છે જેને બેભાનાવસ્થાથી અલગ પાડવી જરૂરી છે. તેમાંની કેટલીક મહત્વની સ્થિતિઓ આ પ્રમાણે છે : (અ) વાનસ્પતિક સ્થિતિ (vegetative state), (આ) અગતિક મૂંગાપણું (akinetic mutism) અથવા અગતિક અધ્વનિતા, (ઇ) અલ્પગતિક અલ્પધ્વનિતા (abulia), (ઈ) છદ્મ-બેભાનાવસ્થા અથવા છદ્મ-અચેતનાવસ્થા (pseudocoma) અથવા બંધિતાવસ્થા સંલક્ષણ (locked-in syndrome), (ઉ) અપસજ્જતા (catatonia), (ઊ) છદ્મ-બેભાનાવસ્થીય પરિવર્તન અથવા છદ્મ-અચેતનાવસ્થી પરિવર્તન (pseudo-coma conversion) અથવા તંદ્રા (trance) વગેરે. બેભાન વ્યક્તિએ ભાન પાછું ન મેળવ્યું હોય તેમ છતાં ખુલ્લી આંખ સાથે પડી રહી હોય તો તેને વાનસ્પતિક સ્થિતિ કહે છે. તે સમયે ક્યારેક બગાસાં આવવાં, દાંત કચકચાવવા, હાથપગ કે માથાનું અનિયમિત હલનચલન થવું વગેરે પ્રકારનાં સંચલનો જોવાં મળે છે. તેની સાથે મોટા મગજની ઈજાને કારણે ઉદભવતાં લક્ષણો, દા.ત, બેબિન્સ્કીનું ચિહ્ન, દુ:મસ્તિષ્કી (decerebrate) કે દુ:બાહ્યકી (decorticate) અક્કડતા તથા આંખ અને કનીનિકાના આગળ દર્શાવેલાં ચિહ્નો વગેરે જોવા મળે છે. તેને કારણે દુ:મસ્તિષ્કતા(dementia)નો તીવ્ર વિકાર થયેલો હોય છે. સભાન વ્યક્તિ હલનચલન ન કરી શકતી હોય અને બોલી ન શકતી હોય તો તેને અગતિક મૂંગાપણું કહે છે. મગજના પોલાણો અને તેની આસપાસના વિસ્તારમાં પ્રવાહી ભરાવાથી સજલશીર્ષ (hydrocephalus) નામનો વ્યાધિ થાય છે. તે સમયે અગતિ મૂંગાપણું થયેલું જોવા મળે છે. મોટા મગજના વિકારમાં તે તીવ્ર વિકાર રૂપે હોય છે. પારમસ્તિષ્ક(diencephalon)ના વિસ્તારના વિકારમાં તે મંદ સ્વરૂપે જોવા મળે છે. ત્યારે તેને અલ્પગતિક અલ્પધ્વનિતા કહે છે. જ્યારે હાથ, પગ અને વાણીને લગતા સ્નાયુઓનું નિયંત્રણ કરતો બાહ્યક–મેરુરજ્જુચેતાપથ (corticospinal tract) મજ્જાસેતુના આગળના ભાગમાં ઈજાગ્રસ્ત થાય પણ પાછળના ભાગમાં આવેલું RAS બચી જાય તો સભાન વ્યક્તિ સ્નાયુલક્ષી કે વાણીરૂપ પ્રતિભાવ આપી શકતી નથી. તેથી તે બોલી શકતી નથી તથા હાલીચાલી શકતી નથી. આમ તે એક પ્રકારની બંધનાવસ્થામાં આવી જાય છે. મજ્જાસેતુને તલસ્થાનીય ધમની(basilar artery)માંથી લોહી મળે છે માટે તે ધમનીના વિકારમાં મજ્જાસેતુ અસરગ્રસ્ત થવાથી બંધિતાવસ્થા થયેલી જોવા મળે છે. ક્યારેક આ પ્રકારનાં ચિહ્નો મહત્તમ સ્નાયુદુર્બળતા (myasthenia gravis) કે ઉગ્ર બહુચેતાશોથ (acute polyneuritis)ના રોગમાં પણ બને છે. પરંતુ તે સમયે આંખને ઉપર-નીચે ફેરવવી શક્ય હોય છે જે મજ્જાસેતુના વિકારમાં બનતું નથી. અપસજ્જતાનું ચિહ્ન મહત્તમ તીવ્ર મનોવિકાર(major psychosis)માં જોવા મળે છે. પારંતરણની સ્થિતિ ઇરાદાપૂર્વકની બેભાનાવસ્થાની નકલ કરાય ત્યારે સર્જાય છે. તેવી વ્યક્તિ આંખ ખોલવા દેતી નથી અને નજર સામે કોઈ જોખમ જેવું લાગે તો આંખ બંધ કરી દે છે. તેવી વ્યક્તિની આંખો જે બાજુ માથું ફેરવાય તે તરફ કરે છે. આમ તે દર્દી મગજને ઈજા પહોંચે ત્યારે જોવા મળતાં ચિહ્નોથી વિપરીત ચિહ્નો દર્શાવે છે.

નિદાન સહાયશાળા અથવા નિદાનસહાયિકા(diagnostic laboratory)લક્ષી તપાસણીઓ : મુખ્યત્વે 4 પ્રકારનાં નિદાનસહાયક પરીક્ષણો વડે બેભાનાવસ્થાના નિદાનમાં સુગમતા ઉદભવે છે : (અ) લોહી તથા પેશાબનું રાસાયણિક કે વિષાક્તતાલક્ષી (toxicological) પરીક્ષણ, (આ) સી.એ.ટી. સ્કૅન કે એમ.આર.આઇ., (ઇ) મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) તથા મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસના પ્રવાહીનું પરીક્ષણ. લોહી અને પેશાબના પરીક્ષણ વડે ચયાપચયી, વિષજન્ય કે દવાઓને કારણે મોટા મગજનો વિકાર થયો હોય તો તેનું નિદાન થઈ શકે છે. મુખ્ય તપાસોમાં લોહીમાંના વીજવિભાજ્યો (electrolytes), કૅલ્શિયમ, રુધિરી યુરિયાનાઇટ્રોજન, ગ્લુકોઝ વગેરેનું પ્રમાણ તથા મૂત્રપિંડ અને યકૃતની કાર્યક્ષમતાની કસોટીઓનો સમાવેશ થાય છે. કોઈ ચોક્કસ દવા કે દારૂની ઝેરી અસર અંગે શંકા હોય તો તેમની રુધિર સપાટી જાણી લેવાય છે. બેભાનાવસ્થાના નિદાનમાં EEG ભાગ્યે જ મદદરૂપ થાય છે. તેની મદદથી ક્યારેક આંચકીજન્ય બેભાનાવસ્થા કે વિષાણુજન્ય મસ્તિષ્કશોથનું નિદાન કરવામાં આવી રહ્યું હોય તો તેને સૂચકચિહ્નો મળી રહે છે. મજ્જાસેતુ કે મોટા મગજના રોગમાં ક્યારેક આલ્ફા તરંગોનું પ્રધાન્ય જોવા મળે છે. તેને આલ્ફા-બેભાનાવસ્થા કહે છે. તેની સારવાર મુશ્કેલ હોય છે.

મોજા મગજના બંને અર્ધગોળાના શરૂઆતના વિકારો, મસ્તિષ્કપ્રકાંડના નાના નાના દોષવિસ્તારો મસ્તિષ્કશોથ (encephalitis), માથાને થતી ઈજામાં ચેતાક્ષો (axons) કપાઈ જાય તેવી સ્થિતિ, મૃત્યુની સ્થિતિ, મધ્યરૈખિક શિરાવિવર(sagittal sinus)માં લોહીનું જામી જવું તથા મગજના ર્દઢ આવરણની નીચે લોહી જામવાથી અવર્દઢતાનિકી રુધિરાર્બુદ (subdural haematoma) થયું હોય તેવા કિસ્સાઓમાં ક્યારેક સી.એ.ટી.સ્કૅનમાં કોઈ વિકૃતિ પકડાતી નથી. તેથી જરૂર પડ્યે તેવા સંજોગોમાં તે તપાસ ફરીથી કરાય છે. બેભાન દર્દીમાં એમ.આર.ઇ.ની તપાસ કરવી મુશ્કેલ હોય છે, વળી તેના દ્વારા મગજમાં લોહી ઝમ્યું હોય તો તે સ્પષ્ટપણે દર્શાવી શકાતું નથી. તેથી સામાન્ય રીતે સી.એ.ટી.સ્કૅનની તપાસને પ્રાધાન્ય અપાય છે.

મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસના પ્રવાહીને મસ્તિષ્ક-મેરુરજ્જવી તરલ (મમેતરલ, cerebrospinal fluid, CSF) કહે છે. તે માટે કેડના વિસ્તાર(કટિવિસ્તાર)ના કરોડના મણકાની વચ્ચે સોય નાંખીને તપાસ કરાય છે, તેને કટિછિદ્રણ (lumbar puncture) કહે છે. તેના વડે મગજમાં કે તેનાં આવરણોની નીચે લોહી ઝમ્યું છે કે નહિ તથા મગજમાં કે તેનાં આવરણોમાં ચેપ ફેલાયેલો છે કે નહિ તે જાણી શકાય છે. ‘મમેતરલ’માં જો પીળો રંગ ઉમેરાયેલો હોય તો તેને પીતવર્ણકતા (xanthochromia) કહે છે. તે સૂચવે છે કે કટિછિદ્રણ કરતી વખતે થયેલી શક્ય ઈજાને કારણે નહિ પણ અગાઉથી ‘મમેતરલ’માં લોહી ઝમેલું છે. આ રીતે મગજ કે તેનાં આવરણોની નીચે ઝમેલા લોહીની ખાતરી કરાય છે.

બેભાનાવસ્થા કરતા વિવિધ વિકારો અને રોગો : તેમને નૈદાનિક પદ્ધતિએ 3 ભાગમાં વહેંચાય છે : (અ) મસ્તિષ્કપ્રકાંડ સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ (આંખ અને કનીનિકા સાથે સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ) સામાન્ય હોય અને ડાબી કે જમણી એવી કોઈ એક બાજુ પર દોષવિસ્તાર છે એવાં ચિહ્નો કે લક્ષણો ન હોય તેવા વિકારો. તેના બે ઉપપ્રકારો છે : (અ-1) સી.એ.ટી.સ્કૅન દ્વારા દર્શાવી શકાય તેવા દોષવિસ્તારો, દા.ત., પ્રવાહી ભરાવાથી થતો સજલશીર્ષ(hydrocephalus)નો રોગ, બંને મસ્તિષ્કી અર્ધગોલની બહારની ર્દઢતાનિકા(dura matter)ની નીચે લોહી ઝમે (અવર્દઢતાનિકી રુધિરાર્બુદ, subdural haematoma) તથા મગજને ઈજા. બીજા ઉપપ્રકાર (અ-2)માં સી.એ.ટી. સામાન્ય ચિત્રણો દર્શાવે છે. શરીરમાં ઉદભવેલા ચયાપચયી રોગો કે વિકારો, લોહીનું વધેલું કે અતિશય ઘટી ગયેલું દબાણ, મગજનાં આવરણોમાં તાનિકાશોથ(meningitis)ના નામે ઓળખાતો ફેલાયલા ચેપનો વિકાર, વિષાણુજન્ય ચેપને કારણે થતો મસ્તિષ્કશોથ(encephalitis)નો વિકાર, નાનાં બાળકોને એસ્પિરિન આપવાથી થતું રાય(Reye)નું સંલક્ષણ, આંચકી આવવાનો રોગ (અપસ્માર, epilepsy), મગજની નસમાં મેદ(ચરબી)નો ગઠ્ઠો જામી જાય તેવો મેદસ્થાનાંતરતા(fat embolism)નો વિકાર, આલ્ઝેમિરનો રોગ વગેરેનો સમાવેશ થાય છે.

(આ) કેટલાક વિકારો અને રોગોમાં મસ્તિષ્કપ્રકાંડ-સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ સામાન્ય હોય પણ દોષવિસ્તાર ડાબી કે જમણી બાજુ છે તેવું જાણી શકાય છે. તેના પણ 2 ઉપપ્રકારો છે : (આ-1) સી.એ.ટી. સ્કૅનમાં દોષવિસ્તાર દેખાય, (આ-2) સી.એ.ટી. સ્કૅનમાં સામાન્ય હોય. મગજ કે તેના તલીય ગીડકા (basal ganglia) કે ચેતક (thalamus) નામના ભાગોમાં લોહી ઝમ્યું હોય, મગજનો મોટો ભાગ લોહી ન મળવાથી મરી ગયો હોય (મસ્તિષ્કી પ્રણાશ, cerebral infarction), મગજના લમણાના ભાગમાં આવેલા ખંડમાં હર્પિસ જૂથના વિષાણુથી ચેપ ફેલાયેલો હોય, મગજનાં આવરણોની નીચે કે બહાર લોહી ઝમ્યું હોય, મગજમાં ગાંઠ થઈ હોય, મગજમાં ગૂમડું થયું હોય, મગજની નસોનો શોથકારી (inflammatory) વિકાર થયો હોય, પીયૂષિકાગ્રંથિમાં લોહી ઝમ્યું હોય વગેરે રોગો કે વિકારોમાં સી.એ.ટી. સ્કૅનમાં દોષવિસ્તાર દેખાય છે. પરંતુ મગજના ચયાપચયી વિકારોમાં સી.એ.ટી. સ્કૅન સામાન્ય હોય છે. ક્યારેક મગજનાં આવરણોની નીચે લોહી ઝમ્યું હોય, લોહીમાં ગંઠનકોષો (platelets) ઘટ્યા હોય અને લોહી વહેવાનો વિકાર થયો હોય કે આંચકી પછીની સ્થિતિ હોય તો ક્યારેક સી.એ.ટી.સ્કૅન સામાન્ય પણ રહે છે.

(ઈ) ત્રીજા મહત્વના જૂથના વિકારોમાં મસ્તિષ્કપ્રકાંડલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાઓ વિષમ બનેલી હોય છે. તેના પણ બે ઉપપ્રકારો છે : (ઈ-1) સી.એ.ટી. સ્કૅન સામાન્ય હોય કે (ઈ-2) સી.એ.ટી. સ્કૅન વિષમ હોય. મજ્જાસેતુમાં લોહી ઝમે, નાના મગજમાં લોહી ઝમે કે ગાંઠ કે ગૂમડું થાય, નાના મગજમાં પ્રણાશવિસ્તાર (infarcted area) થાય, મસ્તિષ્કપ્રકાંડ કોઈ કારણે દબાતું હોય, મસ્તિષ્કપ્રકાંડમાં ગાંઠ થાય, મસ્તિષ્કપ્રકાંડના શ્વેત દ્રવ્યમાં વિકાર ઉદભવે અથવા મસ્તિષ્કપ્રકાંડને ઈજા પહોંચે તો સી.એ.ટી. સ્કૅન વિષમતા દર્શાવે છે. તલસ્થાનીય ધમનીમાં અવરોધ થાય, દવાઓની ઝેરી અસર થાય, તલસ્થાની ધમનીજન્ય આધાશીશી (migraine) થાય, મસ્તિષ્કપ્રકાંડમાં વિષાણુજન્ય ચેપ પ્રસરે કે મગજ મૃત્યુ પામેલું હોય તો સિ.એ.ટી.સ્કેનમાં કોઈ ખાસ વિષમતા દેખાતી નથી. બેભાનાવસ્થાના કારણનું નિદાન કરવામાં ઉપર્યુક્ત વિવિધ વિકારો અને રોગો વચ્ચે નિદાનભેદ કરાય છે.

આકૃતિ 3 : વિવિધ કારણો. (અ) મગજમાં ગાંઠ, (આ) મગજ બહાર લોહીનો ગઠ્ઠો, (ઇ) મગજમાં ઈજા, (ઈ) મગજમાં અને આસપાસ વધુ પ્રવાહીનો ભરાવો (સજલ શીર્ષ, hydro cephalus)

બેભાનાવસ્થાની સંકટકાલીન સારવાર : મગજને થતું નુકસાન અટકાવવાનું પ્રાથમિક ધ્યેય રખાય છે. તેથી લોહીનું દબાણ, લોહીની ઑક્સિજનવહનક્ષમતા, ગ્લુકોઝ તથા અંગારવાયુનું પ્રમાણ, શરીરનું તાપમાન તથા યકૃત, મૂત્રપિંડ, હૃદય અને ફેફસાનું કાર્ય વગેરે પર્યાપ્ત રીતે સ્થિર અને સામાન્ય સ્થિતિમાં ઝડપથી આવી જાય અને તે સ્થિતિમાં રહે તેવા ઉપચારો કરાય છે. બેભાન દર્દીની જીભ ગળામાં પાછળ પડી જાય છે. તે કારણે તથા ક્યારેક તેના ગળા કે શ્વસનમાર્ગમાં પ્રવાહી ભરાવાથી શ્વાસોચ્છવાસની તકલીફ પડે છે. માટે શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે જોવાય છે. જરૂર પડ્યે ગળામાંથી શ્વાસનળીમાં છિદ્ર પાડીને નળી નંખાય છે તથા કૃત્રિમ શ્વસન પણ અપાય છે. નસ વાટે સતત પ્રવાહી આપીને એક નસને કાયમ ખુલ્લી રખાય છે. ગ્લુકોઝ અપાય ત્યારે (થાયામિન અથવા વિટામિન બી1 આપીને) વર્નિકની મસ્તિષ્કરુગ્ણતા (Wernicke’s encephalopathy) થતી અટકાવાય છે. જો તલસ્થાની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામેલો હોય તો હિપેરિન વડે ધમનીને ખુલ્લી રાખવા પ્રયત્ન કરાય છે. જો હૃદયના ધબકારાની અનિયમિતતા હોય અને તેની સારવારમાં ફાયઝોસ્ટિગ્મિન વપરાય તો કનીનિકાલક્ષી ચિહ્નો વડે મળતી મહત્વની અનિવાર્ય માહિતી અટકી જાય છે. મગજમાં સોજો આવેલો હોય તો રિંગર લેંક્ટેટ, અતિશ્વસન (hyperventilation) તથા મેનિટોલની મદદથી સોજો ઘટાડાય છે. કનીનિકાઓ અનિયમિત આકારની બને કે અસમાન કદની બને તે પહેલાં આવું કરાય તો મગજનું અવયવી સરણ (herniation) થતું અટકાવી શકાય છે. એક વખત મગજ, હૃદય, ફેફસાં, મૂત્રપિંડ અને યકૃતનાં કાર્યો સ્થિર થવા માંડે એટલે તરત મૂળ કારણરૂપ રોગની સારવાર શરૂ કરાય છે.

મસ્તિષ્કી મૃત્યુ (brain death) : કૃત્રિમ સાધનોની મદદથી હૃદય અને ફેફસાંને કાર્યરત રખાયેલાં હોય અને મોટા મગજ(ગુરુ મસ્તિષ્ક, cerebrum)ને લોહીનો પુરવઠો મળતો  સદંતર બંધ થઈ જવાથી તેનો સંપૂર્ણ પ્રણાશ (global infarction) થયો હોય ત્યારે તેને મસ્તિષ્કી મૃત્યુ કહે છે. લોહીનો પુરવઠો ન મળવાથી કોઈ અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને પ્રણાશ (infarction) કહે છે. ફક્ત આ રીતે જ્યારે સંપૂર્ણ મોટું મગજ (ગુરુ મસ્તિષ્ક) મૃત્યુ પામ્યું હોય અને તે ફરીથી સજીવન થઈ શકે એમ ન હોય ત્યારે તેને કાયદાકીય પરિભાષામાં મસ્તિષ્કી મૃત્યુ કહે છે. જે તે દેશમાં મસ્તિષ્કી મૃત્યુની જે કાયદાકીય વ્યાખ્યામાં કરવામાં આવેલી હોય તેનો તે દેશમાં અમલ કરવો જરૂરી ગણાય છે. મસ્તિષ્કી મૃત્યુની આદર્શ લાક્ષણિકતાઓ રૂપે ગણાતાં વિવિધ લક્ષણો હોવાં જરૂરી છે. દા.ત., પ્રતિભાવોની ગેરહાજરી, વિવિધ પરાવર્તી ક્રિયાઓ જેવી કે પ્રકાશલક્ષી, સ્વચ્છાલક્ષી, કનીનિકાલક્ષી, સંતુલનનેત્રીય પ્રતિભાવલક્ષી વગેરે ગેરહાજરી તથા અશ્વસન (apnoea). આ કસોટીઓને દર્દીની પથારી પાસે સામાન્ય નૈદાનિક કસોટીઓ કરીને દર્શાવી શકાય છે. સામાન્ય રીતે 6થી 12 કલાક માટે દર્દીનું ઘનિષ્ઠ નિરીક્ષણ કરાય છે. કનીનિકાઓ સાંકડી ન હોવી જોઈએ. કરોડરજ્જુમાં ચેતન ટકી રહેલું હોવાથી હાથપગ તથા અન્ય કરોડરજ્જુ સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ સામાન્ય પણ હોઈ શકે. કેટલાક દેશોમાં મસ્તિષ્કી વીજાલેખમાં સીધી લીટી આવે અને તરંગો ન જોવા મળે તેવી સ્થિતિને મોટા મગજના બાહ્યકના મૃત્યુની સાબિતી રૂપે લેવામાં આવે છે. તેમ છતાં કોઈ દવાની તીવ્ર ઝેરી અસરને કારણે કે શરીર અતિશય ઠંડું પડવાથી ચેતાતંત્રનું અવદાબન થયેલું નથી તેની ખાતરી કરાય છે. જો હૃદયના ધબકારાની ક્રિયા અટકી જવાથી આ સ્થિતિ ઉદભવી હોય તો 24 કલાક રાહ જોવાય છે. દર્દીના અવયવોને બીજા દર્દીમાં નિરોપવાના હોય કે જીવનસહાયક યંત્રોને બંધ કરવાનો નિર્ણય કરવાનો હોય ત્યારે મસ્તિષ્કી મૃત્યુનું નિદાન જરૂરી બને છે. જોકે તે માટે પણ સ્થાનિક કાયદાકીય જોગવાઈઓનો ચુસ્ત અમલ જરૂરી ગણાય છે.

પૂર્વાનુમાન (prognosis) : બેભાનાવસ્થાની તીવ્રતા અને મગજના વિસ્તારોના અસરગ્રસ્ત થવાની વ્યાપકતા તેમજ કારણરૂપ મૂળ રોગની સ્થિતિને આધારે પૂર્વાનુમાન નક્કી કરાય તોપણ તેમાં ઘણી અસ્પષ્ટતા રહેલી હોય છે. જો માથાને ઈજા પહોંચી હોય અને 6 કલાક પછી પણ કનીનિકાલક્ષી (pupillary) તથા સંતુલનનેત્રી પ્રતિભાવ(vestibulo-occular response)લક્ષી પરાવર્તી ક્રિયાઓ પાછી ન આવી હોય તો 95 % કિસ્સામાં મૃત્યુ નીપજે છે એવું નોંધાયેલું છે. જોકે આવા કિસ્સાઓમાં 4 % દર્દીઓ ફરીથી સભાન પણ થયેલા હોય છે. યુવાનો અને બાળકોમાં મસ્તિષ્કપ્રકાંડની ચેતાપરાવર્તી ક્રિયાઓ (brain stem reflexes) વિકારયુક્ત થઈ હોય તોપણ ક્યારેક સભાનાવસ્થા પાછી આવી હોય તેવા દાખલા નોંધાયેલા છે. ઈજા સિવાયનાં કારણોને લીધે થયેલી બેભાનાવસ્થાનું પૂર્વાનુમાન મુશ્કેલ ગણાય છે. બેભાનાવસ્થાના પ્રથમ કલાકમાં બંને કનીનિકાઓની તથા સ્વચ્છાલક્ષી (corneal) પરાવર્તી ક્રિયાઓની અને સંતુલનનેત્રી પ્રતિભાવની ગેરહાજરી હોય તો તે ખરાબ પૂર્વાનુમાન સૂચવે છે. ઈજા થયા પછી પહેલા દિવસને અંતે આંખો ખોલવાની અક્ષમતા હોય કે સ્નાયુઓની સજ્જતા (tone) ઘટતી જોવા મળે તો પૂર્વાનુમાન વધુ બગડે છે અને જો તેવું 3 દિવસ સુધી રહે તો પૂર્વાનુમાન અતિશય ખરાબ ગણાય છે.

બશીર  એહમદી

શિલીન નં. શુકલ