બેન-ગુરિયન, ડૅવિડ (જ. 1886, પ્લૉન્સ્ક, પોલૅન્ડ; અ. 1974) : ઇઝરાયલના રાજકીય ઇતિહાસમાં મોખરાનું સ્થાન ધરાવતા મુત્સદ્દી. 1948થી 1955નાં વર્ષો દરમિયાન તેમજ ફરી 1955થી 1963નાં વર્ષો દરમિયાન તેમણે ઇઝરાયલના વડાપ્રધાન તરીકે કામગીરી બજાવી હતી.
મૂળ નામ ડૅવિડ ગ્રુએન હતું. યુવાનીમાં તેઓ ઝાયોનિસ્ટ સમાજવાદી આંદોલનથી આકર્ષાયા હતા. 1906માં તેઓ સ્વદેશ છોડી પરદેશમાં પૅલેસ્ટાઇનમાં વસવા ગયા હતા. ત્યાં એમણે ખેતમજૂર તરીકે કામ કર્યું અને 1915માં તેમણે સૌપ્રથમ યહૂદીઓનું મજૂરમંડળ સ્થાપ્યું. ઑટોમન સામ્રાજ્યના સત્તાધીશોએ તે વખતે સાથી રાષ્ટ્રો તરફની તેમની સહાનુભૂતિને કારણે પૅલેસ્ટાઇનમાંથી બેન-ગુરિયનની હકાલપટ્ટી કરી.
બેન-ગુરિયને અમેરિકામાં યહૂદીઓનું મોટું લશ્કર ઊભું કરવામાં મદદ કરેલી. એમાં એમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી સામેની પૅલેસ્ટાઇનતરફી ચળવળમાં ભાગ લીધેલો. 1921થી 1923ના ગાળામાં તેઓ જનરલ ફેડરેશન ઑવ્ જ્યૂઇશ લેબરના સામાન્ય મંત્રી હતા. 1930માં તેઓ મજૂર પક્ષ(Mapai)ના નેતા બન્યા.
યહૂદી રાષ્ટ્રીય પરિષદ દ્વારા મે 1948માં ઇઝરાયલ રાજ્યની ઘોષણા કરવામાં આવી ત્યારે એના પ્રમુખપદે બેન-ગુરિયન હતા. ઇઝરાયલનું રાજ્ય પ્રસ્થાપિત થયું ત્યારે સત્તા પર આવેલો પક્ષ એ તેમનો જ મજૂર પક્ષ હતો. તેઓ ઇઝારાયલના પ્રથમ વડાપ્રધાન બન્યા.
યહૂદી લોકો માટે ‘રાષ્ટ્રીય ઘર’ (National Home) સ્થાપવાથી યહૂદીઓ પોતાનું અલાયદું રાજકીય ભવિષ્ય રચી શકશે એવી તેમની માન્યતા હતી. તે માટે યહૂદીઓને સમજાવવામાં અને વિશ્વભરમાં આ દિશાના પ્રયોગને સફળ બનાવવામાં બેન-ગુરિયનનો ફાળો નોંધપાત્ર છે. આમ ઇઝરાયલ રાજ્યને મૂર્તિમંત કરવામાં તેમણે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.
આનંદ પુ. માવળંકર