બેનીપુરી, રામવૃક્ષ (જ. જાન્યુઆરી 1902, બેનીપુર, તા. કટરાં, જિ. મુજફ્ફરપુર; અ. 7 સપ્ટેમ્બર 1968) : બિહારના આધુનિક હિંદી ગદ્યના યશસ્વી લેખક અને આંદોલનકાર. એક સાધારણ ખેડૂતકુટુંબમાં જન્મ. પિતા ફુલવંતસિંહ. બાળપણમાં માતા-પિતાનું નિધન. પાલનપોષણ નનિહાલમાં. પ્રાથમિક શિક્ષણ નાના ગામ બંશીપચરામાં. પછી બનેવી પાસે મુજફ્ફરપુરમાં રહીને ભૂમિહાર બ્રાહ્મણ કૉલેજિયટ સ્કૂલમાં પ્રવેશ. આઠમા ધોરણ વખતે હિંદી ‘વિશારદ’ પરીક્ષામાં ઉત્તીર્ણ. મૅટ્રિકમાં હતા ત્યારે 1920માં ગાંધીજીના પ્રભાવ હેઠળ અભ્યાસનો ત્યાગ કર્યો અને અસહકારના આંદોલનમાં ઝુકાવ્યું.
તેમણે ગદ્યનાં વિભિન્ન સ્વરૂપોમાં વાર્તા, નાટક, નિબંધ, નવલકથા, યાત્રાવૃત્તાંત, શબ્દચિત્રો, સંસ્મરણો અને જીવનવૃત્તાંતના ક્ષેત્રે મહત્વપૂર્ણ રચનાઓ કરી છે. તેમણે પત્રકારત્વક્ષેત્રે પણ નોંધપાત્ર ખેડાણ કર્યું છે.
1928–29માં મિત્ર ગંગાશરણ સિંહ તથા રામનંદન મિશ્રના સહયોગમાં પટનામાં પટના કૉલેજ સામે ‘યુવક આશ્રમ’ની તેમણે સ્થાપના કરી. છાત્રો તથા યુવકોનું સંગઠન સાધ્યું. રાષ્ટ્રીય આંદોલનમાં જોડાવા માટેનો મંચ એ રીતે ઊભો કર્યો. ગંગાબાબુને ત્યાં નિયમિતપણે લેખકો અને યુવકોની નવી પેઢીની બેઠકો યોજાતી. આ સંગઠન દ્વારા ‘યુવક’ માસિકનું સંપાદનકાર્ય કર્યું (1929) અને તેના દ્વારા બિહારના પ્રખ્યાત કિસાન-આંદોલનને પ્રોત્સાહન અને વેગ પૂરાં પાડ્યાં. અન્ય નેતાઓ સાથે રહી આ આંદોલનને ગામેગામ ફેલાવવાનો પ્રયત્ન કર્યો (1929–30) તેથી જેલવાસ મળ્યો. જેલમુક્તિ બાદ સ્વાતંત્ર્યસંગ્રામ તથા આંદોલનમાં સક્રિય. 1933માં પત્રિકા ‘લોકસંગ્રહ’ના સંપાદક, સમાજવાદી પત્રિકા ‘જનતા’માં અગ્રલેખ દ્વારા બ્રિટિશ હકૂમતના અત્યાચારનો સખત વિરોધ. આમ કિસાન-આંદોલનમાં તેમની ઉલ્લેખનીય ભૂમિકા રહી.
તેઓ સમાજવાદી પક્ષમાં જોડાયા. 1934માં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની પ્રથમ કાર્યવાહક સમિતિના સભ્ય. 1950માં બિહાર સમાજવાદી પક્ષના સંસદીય બૉર્ડના અધ્યક્ષ. 1957ની સામાન્ય ચૂંટણીમાં વિધાનસભાના સભ્ય તરીકે વિજેતા. રાષ્ટ્રીય આંદોલનકાર તરીકે તેમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો. 1930માં 6 મહિના, 1932માં 1½ વર્ષ, 1937માં 3 મહિના, 1939માં 7 દિવસ, 1940માં 1 વર્ષ, 1941માં 6 મહિના, ઑગસ્ટ 1942ની ક્રાંતિમાં હજારીબાગ જેલમાં 3 વર્ષ નજરબંધ, ત્યાંથી દિવાળીની રાત્રે અન્ય 5 ક્રાંતિકારીઓ સહિત જયપ્રકાશ નારાયણને જેલમાંથી ભગાડવાની યોજનાને તેમણે સફળ બનાવી હતી.
‘રામચરિતમાનસ’ અને પ્રાચીન કાવ્યોના અભ્યાસથી સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ વધી. 15 વર્ષની ઉંમરથી તેમની કાવ્યરચનાઓ પત્રિકાઓમાં છપાવા લાગેલી. આમ તો સાહિત્યિક જીવનનો વિધિવત્ આરંભ થયો 1921માં પત્રકારત્વથી. તેમણે ‘તરુણ ભારત’, 1922માં ‘કિસાનમિત્ર’ પત્રિકાઓનું, 1924માં ‘ગોલમાલ’ નામના હાસ્ય-વ્યંગ્ય સાપ્તાહિકનું સંપાદનકાર્ય કર્યું. 1926માં ‘બાલક’ના સંપાદનકાર્યથી તેમને સારી એવી લોકપ્રિયતા મળી. 1929માં તેમણે ‘યુવક’નું સંપાદન કર્યું. 1930માં હજારીબાગ જેલમાં ‘કેદી’ હસ્તપત્રિકા પ્રગટ કરી. 1934માં ‘લોકસંગ્રહ’ અને ‘કર્મવીર’માં કાર્યકારી સંપાદન. 1935માં પટણામાં ‘યોગી’નું પ્રકાશન. 1937માં સમાજવાદી પક્ષના ‘જનતા’ સાપ્તાહિકનું સંપાદન કર્યું, જેમાં તેના ‘કિસાન’ અને ‘શહીદ’ અંકને ઐતિહાસિક મહત્વ અપાયું હતું. 1942ના જેલવાસ દરમિયાન ‘તુફાન’ પત્રિકા કાઢી. 1946માં માસિક ‘હિમાલય’, 1948માં ‘જનવાણી’, 1950માં ‘નઈ ધારા’ અને ‘ચુન્નુ મુન્નુ’નું સંપાદનકાર્ય કર્યું. આમ તેમણે હિંદી પત્રકારત્વને નવો રાહ ચીંધ્યો હતો.
તેમણે 1925માં સાહિત્યનું મંડાણ કર્યું બાળકો માટેના ‘બગુલા ભગત’, ‘સિયાર પાડે’ અને ‘બિહારી સતસઇ’ જેવા રોચક બાલસાહિત્યથી. તેમણે જીવનચરિત્રો પણ લખ્યાં છે. 1930–32 દરમિયાન ‘ચિતા કે ફૂલ’ વાર્તાસંગ્રહ, 1937–39માં ‘લાલ તારા’, ‘લાલ ચીન’, ‘સતરંગા ધનુષ’, ‘ઝોંપડી કા સદન’ જેવી તેમની કૃતિઓ પ્રકાશિત થઈ. 1940માં ‘કૈદી કી પત્ની’ (નવલકથા) અને ‘લાલરુસ’ (1941–45) દરમિયાન તેમની બહુચર્ચિત કૃતિઓ ‘માટી કી મૂરતે’ (વાર્તાસંગ્રહ) અને ‘અમ્લપાણી’ (નાટક) પ્રકાશિત થયાં. 1947માં ‘જયપ્રકાશ : જીવની’ અને ‘જયપ્રકાશ કી વિચારધારા’નું પ્રકાશન થયું. 1948–50 દરમિયાન તેમણે રચેલી પ્રસિદ્ધ નાટ્યકૃતિઓમાં ‘તથાગત’, ‘નેત્રદાન’, ‘સીતા કી મૉ’, ‘સંઘમિત્રા’, ‘શકુંતલા’, ‘અમરજ્યોતિ’, ‘સિંઘલવિજય’ અને ‘રામરાજ્ય’ મુખ્ય છે. 1951–52માં તેમણે શિષ્ટમંડળ સાથે વિશ્વના અનેક દેશોની યાત્રા કરી હતી અને તે અંગે તેમણે પ્રવાસવર્ણનોનાં પુસ્તકો લખ્યાં છે. તેમણે 1955થી સંસ્મરણો અને ડાયરીઓ પણ પ્રગટ કર્યાં. આ રીતે તેમણે સતત 3 દસકા સુધી સાહિત્યસેવા કરી હતી.
તેમણે બિહાર હિંદી સાહિત્ય સંમેલનના સહમંત્રી, સંયુક્તમંત્રી (1919), મુખ્યમંત્રી (1949) અને સભાપતિ (1951–59)નું પદ સંભાળ્યું હતું.
પ્રાદેશિક હિંદી સાહિત્ય સંમેલનની સ્થાપના કરાઈ ત્યારથી તેઓ મૈથિલીશરણ ગુપ્ત, હજારીપ્રસાદ દ્વિવેદી જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોના ગાઢ સંપર્કમાં હતા.
1967માં પ્રયાગ હિંદી સાહિત્ય સંમેલન દ્વારા તેમને ‘સાહિત્ય વાચસ્પતિ’ની ઉપાધિથી વિભૂષિત કરાયા હતા. 1968માં બિહાર રાષ્ટ્રભાષા પરિષદ દ્વારા વયોવૃદ્ધ સાહિત્યિક પુરસ્કાર તેમને એનાયત કરાયો હતો.
બળદેવભાઈ કનીજિયા