બેનિલક્સ દેશો : 1948માં આર્થિક વિકાસ સાધવાના આશયથી બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝમ્બર્ગના જોડાણ પામેલા દેશો. ‘બેનિલક્સ’ શબ્દ આ ત્રણ દેશોના શરૂઆતના અક્ષરોમાંથી તૈયાર કરવામાં આવેલો છે. આ પ્રકારનું જોડાણ સમાન વિદેશી વ્યાપારી નીતિ અનુસાર તેમનાં માલસામાન, કારીગરો, સેવાઓ તથા મૂડીની હેરફેર માટે કરવામાં આવેલું છે. હેરફેર માટેનો જકાતવેરો નાબૂદ કર્યો છે. એકતરફી નિકાસી જકાત નક્કી કરેલ છે. 1956 પછીથી આ દેશો વચ્ચે થતા રહેતા વ્યાપારને અંકુશમુક્ત જાહેર કર્યો છે. 1958માં બેનિલક્સ સંધિ દ્વારા આર્થિક જોડાણમાં ફેરફાર કરી 1960થી તેનો અમલ શરૂ કરેલો છે. આ સંધિ દ્વારા 1961ના જાન્યુઆરીથી અન્ય દેશો સાથેના વેપાર માટે એકતરફી વ્યાપારી એકમ બનાવ્યું છે. આ દેશો વચ્ચેના સહકારથી અહીં મુક્ત મજૂરી-બજાર પણ વિકસ્યું છે.
ગિરીશભાઈ પંડ્યા