બેનિન : પશ્ચિમ આફ્રિકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન. : 6° 21´થી 12° 22´ ઉ. અ. અને 1° 00°થી 3° 56´ પૂ. રે. વચ્ચે તે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 1,12,622 ચોકિમી. જેટલો છે, ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર 668 કિમી. અને પૂર્વ–પશ્ચિમ મહત્તમ અંતર 325 કિમી.નું છે. માત્ર દક્ષિણ ભાગને સ્પર્શતા દરિયાકિનારાની લંબાઈ 124 કિમી. જેટલી છે. તેની ઉત્તરે નાઇજર, પૂર્વમાં નાઇજિરિયા, પશ્ચિમે ટોગો, વાયવ્યમાં બુર્કીના ફાસો તથા દક્ષિણે ગિનીના અખાતી ફાંટાવાળી આટલાન્ટિક મહાસાગરની સીમાઓ આવેલી છે. પૉર્ટો નૉવો તેનું પાટનગર છે.

પ્રાકૃતિક રચના : બેનિનનો દરિયાકાંઠાનો પ્રદેશ રેતાળ તથા સમતળ સપાટ છે. કિનારા પર કોઈ કુદરતી બારું નથી, તેથી વહાણોને દરિયાકિનારાથી દૂર લાંગરવું પડે છે. કિનારા પર આવેલા કોટોનૂને કૃત્રિમ સગવડોથી બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે. કિનારા પરનાં ખાડી-સરોવરોથી અંદર તરફનો કેટલોક ભૂમિભાગ સમતળ-સપાટ તથા જંગલોવાળો છે. કિનારાથી અંદર 80 કિમી. અંતરે પંકભૂમિનો વિશાળ પ્રદેશ આવેલો છે. વાયવ્ય તરફ આતાકોશ પર્વત આવેલો છે. તેનું સર્વોચ્ચ શિખર 610 મીટરની ઊંચાઈ ધરાવે છે. 450 કિમી. લંબાઈવાળી ઓમે (Oueme) નદી અહીંની મોટી નદી ગણાય છે, તે દક્ષિણ તરફ વહીને ગિનીના અખાતને મળે છે.

આબોહવા : દક્ષિણ બેનિનની આબોહવા ગરમ ભેજવાળી છે. અહીં વર્ષાઋતુનો સમયગાળો એપ્રિલથી જુલાઈ તથા સપ્ટેમ્બરથી નવેમ્બરનો હોય છે. ઉત્તર બેનિનમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે, પરંતુ દૈનિક તાપમાનમાં ઘણી વધઘટ થયા કરે છે. ઉત્તર તરફ વર્ષાકાળગાળો એપ્રિલથી ઑક્ટોબર સુધી રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ અગ્નિકોણમાં 500 મિમી., મધ્યભાગમાં 1300 મિમી. અને ઉત્તરમાં 900 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : બેનિનની ખેતીપ્રધાન દેશ તરીકે ગણના થાય છે. દક્ષિણ ભાગમાં આવેલાં તાડનાં વૃક્ષો દેશની મુખ્ય સંપત્તિ છે. તાડનું તેલ અને તાડી-ફળો અહીંની મુખ્ય નિકાસી ચીજો છે. અન્ય નિકાસી ચીજોમાં કેકાઓ, કસાવા, કૉફી, કપાસ, વાલ, મકાઈ, મગફળી, જુવાર, તમાકુ તથા શિયાફળી (જેમાંથી માખણ બનાવાય છે) જેવી કૃષિવિષયક પેદાશો છે. અન્ય ખાદ્ય પેદાશોમાં બાજરી, ચોખા તથા સૂરણ છે. દેશનો મોટાભાગનો વેપાર ફ્રાન્સ સાથે થાય છે. લોકો અહીં ઢોર, ઘેટાં, બકરાં તથા ભુંડનો ઉછેર કરે છે.

બેનિનમાં હવે ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે. દક્ષિણ તરફ પામ-તેલ, રિફાઇનરીઓ, બેકરીઓ, સુતરાઉ કાપડની મિલો જેવા કેટલાક ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. થોડા પ્રમાણમાં ખનિજતેલ તથા ચૂનાખડકો પણ મળે છે.

ઉત્તર તરફ આવેલા નાઇજર દેશને બેનિન રેલ-સડકમાર્ગો મારફતે દરિયાકિનારા સુધી પહોંચવાની સગવડ પૂરી પાડે છે. નાઇજિરિયાથી ઘાના સુધીના કંઠારમાર્ગો બેનિનમાં થઈને પસાર થાય છે. બેનિનમાં લગભગ 580 કિમી.ના રેલમાર્ગો છે. દેશમાં પાંચ હવાઈ મથકોની સુવિધા પણ છે.

લોકો : બેનિનની વસ્તી 48,95,000 (1991) જેટલી છે, જે 1996 સુધીમાં 57,55,000 જેટલી થવાની શક્યતા હતી. વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી.દીઠ 43 વ્યક્તિઓનું છે. શહેરની વસ્તી 42 % અને ગ્રામીણ વસ્તી 58 % છે. બેનિનની વસ્તી 60 જેટલા જુદા જુદા અશ્વેત જાતિસમૂહોની બનેલી છે. તે પૈકી ફોન્સ અને ઍડનીસ નામના બે જાતિસમૂહો 60 % જેટલું વસ્તીપ્રમાણ ધરાવે છે. 10 % વસ્તીપ્રમાણ ધરાવતો યોરૂબા જાતિસમૂહ દક્ષિણ તરફ તથા 10 % વસ્તીપ્રમાણવાળો બારીબા જાતિસમૂહ ઉત્તર તરફ વસે છે.

બેનિન

મોટાભાગના (50 %) લોકો ખેતી કરે છે અને હાથે બનાવેલાં સાદાં ઘરોમાં રહે છે. માત્ર શહેરોમાં જ સિમેન્ટ-કાક્રીટનાં મકાનો છે. કિનારા નજીકના ખાડી-સરોવરોવાળા ભાગોમાં પાણીથી રક્ષણ મેળવવા લોકો વાંસના થાંભલાઓ ઉપર ઝૂંપડાં બનાવીને રહે છે. વાયવ્યના પહાડી પ્રદેશમાં પંકની દીવાલો તથા ઘાસનાં છાપરાંવાળાં ગોળ ઘર જોવા મળે છે.

દેશનો સ્ત્રીવર્ગ ભપકાદાર રંગીન પોશાક પહેરે છે; પુરુષો પાટલૂન, નાનું જાકીટ તથા લાંબા ડગલા જેવો ‘અગબાડી’ નામથી ઓળખાતો પોશાક પહેરે છે. હવે દક્ષિણ બેનિનના લોકો પશ્ચિમી ઢબનો પોશાક પહેરે છે. દેશના આશરે 65 % લોકો એવી માન્યતા ધરાવે છે કે કુદરતની બધી જ ચીજવસ્તુઓમાં આત્માનો વાસ હોય છે. અહીં 15 % લોકો ખ્રિસ્તી અને 13 % મુસ્લિમો છે. ખ્રિસ્તીઓ દક્ષિણમાં અને મુસ્લિમો ઉત્તરમાં રહે છે. 5થી 10 વર્ષની વયનાં દેશનાં 65 % બાળકો શિક્ષણ માટે પ્રાથમિક શાળામાં જાય છે, પરંતુ તેમાંથી માત્ર 20 % માધ્યમિક શાળા સુધી પહોંચે છે. દેશની 25 % પુખ્ત વયની વસ્તી લખી-વાંચી જાણે છે. અહીંની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે. દેશનું બેનિન નામ વહીવટી ર્દષ્ટિએ રિપબ્લિક દ બેનિન કહેવાય છે. અગાઉ આ દેશ ‘દહોમી’ નામથી ઓળખાતો હતો. પૉર્ટો નૉવો દેશનું પાટનગર છે, પરંતુ દેશનું સૌથી મોટું શહેર કોટોનૂ છે, તે મુખ્ય બંદર તથા વેપારી મથક પણ છે.

વહીવટ : 1960માં દેશ સ્વતંત્ર થયો ત્યારથી અહીંની સરકારો વારંવાર બદલાતી રહી છે. 1972માં બેનિનનો કબજો લશ્કરી દળોના એક સમૂહે લઈ લીધેલો, પરંતુ 1990ની શરૂઆતમાં લશ્કરી શાસન હેઠળના વહીવટને વિખેરી નાખવામાં આવેલો અને 1991માં ચૂંટણી થાય ત્યાં સુધી હંગામી સરકાર સ્થાપવામાં આવેલી.

ઇતિહાસ : બારમી અને તેરમી સદી દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ઘણાં સામ્રાજ્યો સ્થપાયેલાં. સત્તરમી સદી સુધીમાં ઍબોમેય પાટનગર સહિત દહોમી સામ્રાજ્યનો આ વિસ્તાર પર અંકુશ હતો. આ જ ગાળા દરમિયાન યુરોપિયનોએ અહીંના દરિયાકાંઠાના ભાગમાં ગુલામોનો વેપાર કરવા માટે થાણાં સ્થાપેલાં ત્યારે દહોમીના રાજવીની સત્તા પણ ગુલામીના વેપાર પર જ નિર્ભર હતી.

ઓગણીસમી સદી દરમિયાન ગુલામીના વેપારને સ્થાને તાડીના તેલનો વેપાર શરૂ થયો. 1851માં ફ્રાન્સે દહોમીના સામ્રાજ્ય સાથે વેપારના કરાર કર્યા. 1892માં અહીંનાં ફ્રેન્ચ વેપારી મથકો પર સ્થાનિક લશ્કરે હુમલો કર્યો, પરંતુ ફ્રાન્સે આ પ્રદેશનો કબજો લઈ લીધો અને 1904માં તેને ફ્રેન્ચ વેસ્ટ આફ્રિકાનો પ્રદેશ બનાવી દીધો. તેમણે અહીં રેલમાર્ગો તથા સડકમાર્ગો બાંધ્યા, અહીં કૉફીના વાવેતર માટે પણ લોકોને પ્રોત્સાહિત કર્યા. 1946ના ફ્રેન્ચ બંધારણ મુજબ આ વિસ્તારને ફ્રાન્સનું દરિયાપારનું સંસ્થાન બનાવ્યો. 1958માં ફ્રેન્ચોએ બેનિનને પોતાની સરકાર રચવાની સત્તા આપી. 1960ના ઑગસ્ટમાં દહોમી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. એ જ વર્ષે તે યુનાઇટેડ નેશન્સનું સભ્ય પણ બન્યું. 1975માં દહોમી સરકારે દેશનું નામ બદલીને ‘બેનિન’ રાખ્યું.

બેનિનમાં આવેલ ફળો અને તેલીબિયાંનાં સમૃદ્ધ કૃષિક્ષેત્રોનું એક ર્દશ્ય

1960માં સ્વતંત્રતા મળ્યા બાદ સામાજિક અને રાજકીય અસ્થિરતાને કારણે સરકારો બદલાતી રહી છે. 1960–70ના ગાળા દરમિયાન લશ્કરી નેતાઓએ સરકારો ઉથલાવ્યા કરી. 1970થી 1972 સુધી થોડોક વખત પ્રજાકીય સરકાર રચાઈ ખરી, પરંતુ 1972ના ઑક્ટોબરમાં ફરીથી લશ્કરી શાસન આવ્યું, લશ્કરી સત્તાએ દેશના મહત્વના ધંધાઓ પર અંકુશ મૂકી દીધો. પોતાનો જુદો રાજકીય પક્ષ રચી, અન્ય બધા જ પક્ષોને અમાન્ય ઠેરવ્યા. 1990થી લશ્કરી સત્તા વિખેરી નાખવામાં આવી અને રાજકીય પક્ષોને કાયદેસર માન્યતા આપી. 1991માં ચૂંટણી થઈ અને સરકાર સ્થિર બની.

પંદરમીથી સત્તરમી સદી દરમિયાન દહોમીનું સામ્રાજ્ય આજના બેનિન કરતાં ઘણું વધારે વિસ્તૃત હતું. ગિનીના અખાત પર આવેલાં ઘણાં રાજ્યો (પશ્ચિમે લાગોસથી પૂર્વમાં બોની સુધી) તેમજ નાઇજિરિયાનો જંગલ-વિસ્તાર દહોમી સામ્રાજ્ય અંતર્ગત હતાં ત્યારે બીની તરીકે ઓળખાતો આજનો ઈડો (Edo) લોકસમૂહ પણ ઘણો વિશાળ હતો. જંગલો અને ઉત્તરનાં મેદાનો વચ્ચેના વેપારમાર્ગો પર દહોમીનું વર્ચસ્ હોવાથી દહોમી ત્યારે ખૂબ જ સમૃદ્ધ હતું. ત્યાં કપાસની પેદાશોનો વેપાર તાંબું, ખજૂર, અંજીર, હાથીદાંત અને મીઠાના બદલામાં થતો. 1486માં અહીં પૉર્ટુગીઝોના આગમન બાદ તરત જ દહોમીએ ગુલામોનો વેપાર પણ શરૂ કર્યો અને યુરોપિયનો પાસેથી હથિયારો તથા અન્ય માલસામાન લેવા માંડ્યો. ત્યારે પશ્ચિમ આફ્રિકામાંથી લઈ અવાતા ગુલામોની નિકાસ કોટોનૂ બંદરેથી થતી. ગુલામોનો વેપાર કરતા અન્ય દેશો સાથે દહોમી સંઘર્ષોમાં ઊતરતું, જીતી પણ જતું; પરંતુ તેને પરિણામે સામ્રાજ્યના પતનનાં પગરણ પણ મંડાયાં. છેવટે 1897માં બ્રિટિશ લોકોએ દહોમી જીતી લીધું.

પંદરમીથી સત્તરમી સદી દરમિયાનના દહોમીના સમૃદ્ધિકાળનાં શિલ્પો જગપ્રસિદ્ધ ગણાય છે. તે પૈકીનાં કેટલાંક પિત્તળ, કાંસું તથા હાથીદાંતમાંથી પણ બનાવેલાં છે. આ શિલ્પસમૃદ્ધિ માટે આ દેશના રાજવીને માન પણ મળેલું.

ગિરીશભાઈ પંડ્યા