બેનિટાઇટેલ્સ : અનાવૃતબીજધારી વનસ્પતિઓનું એક અશ્મીભૂત ગોત્ર. અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી જે. જે. બેનેટના નામ પરથી આ ગોત્રનું નામ ‘બેનિટાઇટેલ્સ’ આપવામાં આવ્યું છે. જોકે આર્નોલ્ડે (1947) તેનું વધારે યોગ્ય નામ સાયકેડિયોઇડેલ્સ [ગ્રીક : Kykas, કોકોપામ : eidos, સામ્ય (resemblance)] આપ્યું. આ ગોત્રની વનસ્પતિઓ મોટાભાગના મધ્યજીવી (mesozoic) મહાકલ્પ (era) દરમિયાન પૃથ્વી પર ઘણાખરા પ્રદેશોમાંથી મળી આવી હતી; છતાં તેનો ઉત્તર અમેરિકામાં વિશેષ વિકાસ થયો. તેમનો ઉદભવ પુરાજીવી (paleozoic) મહાકલ્પમાં સાયકેડોફિલિકેલ્સમાંથી થયો. આ સમૂહની વનસ્પતિઓ જુરેસિક કલ્પમાં પરાકાષ્ઠાએ પહોંચી અને ક્રિટેશ્યસ કલ્પમાં લુપ્ત થઈ. જુરેસિક કલ્પમાં તે જંગલના વનસ્પતિસમૂહમાં પ્રભાવિતા દર્શાવતી હતી અને તૃણાહારી ડિનોસૉર્સનો મુખ્ય ખોરાક હતી. મધ્યજીવી મહાકલ્પ દરમિયાન આ વનસ્પતિઓ પ્રચુરતા (prepondance) ધરાવતી હોવાથી આ મહાકલ્પને ‘અશ્મી સાયકેડ્સનો મહાકલ્પ’ કહે છે. આ ગોત્રને ત્રણ કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે : વિલિયમ્સોનિયેસી, વિલેન્ડિયેલેસી અને સાયકેડિયોઇડેસી.
અશ્મીના નમૂનાઓના અભ્યાસ પરથી એવું જણાય છે કે તેમનું સ્વરૂપ જીવંત સાયકેડ્સ સાથે સામ્ય ધરાવે છે. કેટલીક જાતિઓનાં પ્રકાંડ 2.7 મી.થી 3.6 મી. ઊંચાં, મજબૂત, અશાખિત અને નળાકાર હતાં (Cycadeoidea); તો બીજી જાતિઓ વધારે ઊંચી, શાખિત અને પાતળાં પ્રકાંડ ધરાવતી હતી. (Williamsonia, Williamsoniella). તેમનાં પર્ણો જીવંત સાયકેડ્સની જેમ સંયુક્ત પીંછાકાર અને લગભગ 2.7 મી. લાંબાં હતાં અને પ્રકાંડની ટોચ પર મુકુટ બનાવતાં હતાં. પ્રકાંડની આંતરિક રચનામાં બાહ્ય (cortex) અને મજ્જા (pith)નો ભાગ પહોળો અને મધ્યરંભ (stele)નો ભાગ સાંકડો હતો. તેની જલવાહક પેશી અંતરારંભી (endarch) હતી. જોકે પર્ણમાં મધ્યારંભી (mesarch) જલવાહક પેશીની રચના જોવા મળે છે. તેના અધિસ્તર(epidermis)ની કોષદીવાલ તરંગિત (sinuose) હોય છે અને રંધ્ર્ર (stomata) બનાવતા રક્ષકકોષો (guard cells) અને સહાયક કોષો (subsidiary cells) એક જ આરંભિક કોષોમાંથી ઉત્પન્ન થાય છે (સિન્ડેટોચિલિક).
આ ગોત્રનું સૌથી નોંધપાત્ર લક્ષણ તેનો વિશિષ્ટ શંકુ (strobilus) છે. સાયકેડ્સની જેમ તે પ્રરોહના અગ્રભાગે ઉત્પન્ન થતો નથી; પરંતુ પાર્શ્ર્વીય વામન પ્રરોહ પર કક્ષમાં ઉદભવે છે. પ્રત્યેક શંકુની મધ્યમાં શંકુ આકારનો અક્ષ અને તેની ફરતે આંતરબીજીય (interseminal), વંધ્ય મહાબીજાણુપર્ણો (megasporophylls) ધરાવે છે. પ્રત્યેક મહાબીજાણુપર્ણ પર અંડક જોવા મળે છે. તેની નીચે 10થી 12 સંયુક્ત પીંછાકાર લઘુબીજાણુપર્ણો(microsparophylls)નું ચક્ર આવેલું હોય છે. આ સમગ્ર શંકુને આવરતી શલ્કી પર્ણ જેવી રચનાઓ જોવા મળે છે; જે કદાચ વજ્ર (calyx) અને દલપુંજ(corolla)ની પુરોગામી હોઈ શકે છે.
બીજાણુધાનીઓ અપાક્ષ (abaxial) હોય છે અને મરાશિયેલ્સ ગોત્રની જેમ સંબીજાણુધાનીઓ (syanangia) પાર્શ્વીય હરોળોમાં ગોઠવાયેલી હોય છે. પ્રત્યેક અંડક સદંડી હોય છે અને તે તલસ્થ પ્યાલિકા (cupule), ત્રિસ્તરીય અંડાવરણ, પ્રદેહચંચુ (nucellar beak) અને પરાગવેશ્મ (pollen chamber) ધરાવે છે, જે બેનિટાઇટેલ્સમાં તરતા ચલપુંજન્યુઓ દર્શાવે છે. જોકે જન્યુજનક વિશે કોઈ નોંધ જોવા મળતી નથી. તેમનાં બીજ બે બીજપત્રો ધરાવતાં હોય છે અને પરિપક્વતાએ ભ્રૂણપોષનો કોઈ અવશેષ દર્શાવે છે.
શંકુમાં વિવિધ ભાગોની ગોઠવણી આદ્ય આવૃતબીજધારીનાં પુષ્પો જેવી છે. તેથી કેટલાક વનસ્પતિશાસ્ત્રીઓ બેનિટાઇટેલ્સને આધુનિક આવૃતબીજધારીઓના પૂર્વજો માને છે. મૅગ્નોલિયા અને અન્ય આદ્ય આવૃતબીજધારી વનસ્પતિઓનાં પુષ્પોમાં વજ્રપત્રો અને દલપત્રો, અસંખ્ય પુંકેસરો અને કેટલાંક સ્ત્રીકેસરો લંબાયેલા પુષ્પાસન પર કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. બેનિટાઇટેલ્સના શંકુ સાથે જોવા મળતું આ સામ્ય ઉપર્યુક્ત માન્યતા તરફ દોરી જાય છે; પરંતુ આ બંને સમૂહના વાનસ્પતિક દેહ ઘણા અસમાન હોય છે. આ સંકલ્પનાના ટેકેદારો આવૃતબીજધારી પુષ્પનો ઉદવિકાસ આ શંકુમાંથી થયો છે તેમ જણાવી સમજાવે છે કે પર્ણસર્દશ લઘુબીજાણુપર્ણોનું પુંકેસરોમાં રૂપાંતર થયું છે અને ખુલ્લા અંડકોની ફરતે આવરણ રચાતાં સાચાં સ્ત્રીકેસરો અસ્તિત્વમાં આવ્યાં છે. જોકે આવૃતબીજધારીઓના ઉદભવ માટેનાં આ અધિતર્ક શક્ય હોવા છતાં આધુનિક મત પ્રમાણે, આ સામ્યને નિકટ-સમાંતર (near-parellal) ઉદવિકાસના કિસ્સા તરીકે મૂલવવામાં આવે છે. તેનો શંકુ સાચા અર્થમાં આવૃતબીજધારીના પુષ્પ સાથે સામ્ય દર્શાવતો નથી અને તેની રચનામાં સ્ત્રીકેસર કે આવૃતબીજધારીય પુંકેસરો પણ હોતાં નથી. તેથી તેનો આવૃતબીજધારી સાથે જાતિવિકાસીય (phylogenetic) સંબંધ બાંધી શકાય નહિ.
આ ગોત્રનું જાતિવિકાસીય સ્થાન સાયકેડોફિલિકેલ્સ અને સાયકેડેલ્સની વચ્ચે છે. તે સાયકેડોફિલિકેલ્સ સાથે શાખિત પ્રકાંડ, શલ્કી રોમ (ramentum), પર્ણ પ્રદાય (leaf traces), સંબીજાણુધાનીઓ સહિતનાં પર્ણસશ લઘુબીજાણુપર્ણો અને અંડકની રચનાની બાબતમાં સામ્ય ધરાવે છે. Cycadeoidea જેવી કેટલીક પ્રજાતિઓનું સામાન્ય સ્વરૂપ અને પર્ણો અને પ્રકાંડની વાહક અંત:સ્થ રચના (પર્ણમાં મધ્યારંભી અને પ્રકાંડમાં અંતરારંભી જલવાહક) સાથે સામ્ય દર્શાવે છે. શંકુ અત્યંત સંગઠિત, દ્વિબીજાણુધાનીય (bisporangiate) અને વંધ્ય તેમજ ફળાઉ બીજાણુપર્ણો ધરાવે છે.
આ ગોત્રનો ભારતમાં મળી આવેલો સૌથી જાણીતો નમૂનો Williamsonia sewardiana છે. તે અધ: અને ઉપરી જ્યુરેસિક કલ્પની રાજમહાલ અને જબલપુર શ્રેણીમાંથી મળી આવેલ છે. તેનું વર્ણન સાહનીએ કર્યું છે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર