બેનરજી, પ્રદીપ કુમાર (જ. 23 જૂન 1936 જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ; અ. 20 માર્ચ 2020, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ ફૂટબૉલ ખેલાડી.
પી. કે. બેનરજી તરીકે જાણીતા પ્રદીપ કુમાર બેનરજીની ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીઓમાં ગણના થાય છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. પ્રદીપ કુમારે 45મૅચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પી. કે. બેનરજી ફૂટબૉલમાં ‘ફોરવર્ડ સ્ટ્રાઇકર’ તરીકે રમતનું પ્રદર્શન કરતા. અત્યંત મહત્વપૂર્ણ મુકામે ગોલ કરવાની એમને ફાવટ હતી. ભારત સરકારે 1961માં એમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનાર એ ભારતના પ્રથમ ફૂટબૉલ ખેલાડી હતા. એમણે 1962ના એશિયાઈ ખેલોના ફાઇનલમાં ભારત તરફથી પહેલો ગોલ કરેલો. ભારતે આ મૅચમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.
પિતા પ્રભાત કુમાર બેનરજી. પ્રદીપ કુમારે જલપાઇગુડી જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ જમશેદપુરની કેએમપીએમ શાળામાં આગળનો અભ્યાસ કર્યો. પ્રદીપ કુમારે પોતાની ખેલ કારકિર્દી જમશેદપુર સ્પૉર્ટ્સ ઍસોસિયેશનથી આરંભ કરેલી. 15 વર્ષની ઉંમરે પ્રદીપ કુમારે રાઇટ વિંગ તરફથી ફૂટબૉલ ખેલતા સંતોષ ટ્રૉફીમાં બિહારનું પ્રતિનિધિત્વ કર્યું. 1953માં પહેલી વાર એમણે ઇન્ડિયન ફૂટબૉલ ઍસોસિયેશન-આઈ.એફ.એ. શિલ્ડ માટે જમશેદપુર સ્પૉર્ટ્સ ઍસોસિયેશન તરફથી હિન્દુસ્તાન ઍર ક્રાફ્ટ્સ લિમિટેડ વિરુદ્ધ ફૂટબૉલની રમતનું પ્રદર્શન કરેલું. 1954માં પ્રદીપ કુમાર કૉલકાતા ચાલ્યા ગયા. 1954-’55માં પ્રદીપ કુમાર કૉલકાતા લીગની પ્રથમ શ્રેણીની આર્યન ક્લબ સાથે જોડાયેલા રહ્યા. 1955થી 1965 સુધી ઇસ્ટર્ન રેલવે-કૉલકાતા લીગ સાથે જોડાયેલા રહ્યા.
બાઘા સમે અને સુશીલ ભટ્ટાચાર્ય જેવા નિપુણ પ્રશિક્ષકે કુશળ શિલ્પી જેમ પથ્થરમાંથી મૂર્તિ ઘડે એમ પ્રદીપ કુમારનું ઘડતર કર્યું. પ્રદીપ કુમાર પહેલ પાડેલા હીરાની જેમ દીપી ઊઠ્યા. બંને પ્રશિક્ષકે 1957માં ડીસીએમ-દિલ્હી ક્લૉથ મિલ્સ ટ્રૉફી, 1958માં સીએફએલ-કૅનેડિયન ફૂટબૉલ લીગ અને 1967માં બોર્ડોલોઈ ટ્રૉફી જીતવામાં પ્રદીપ કુમારનું માર્ગદર્શન કરેલું.
આ સમયગાળામાં પ્રદીપ કુમાર બેનરજી ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી હતા. એમણે 1955માં ઢાકામાં ખેલાયેલી ચતુષ્કોણીય ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય ટીમમાં પદાર્પણ કર્યું હતું. 1956માં ભારતીય ટીમે મેલબૉર્ન ઑલિમ્પિકમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1960ના રોમ ઑલિમ્પિકમાં પ્રદીપ કુમાર ભારતીય ફૂટબૉલ ટીમના કૅપ્ટન હતા. 1961-‘62 તથા 1966-‘67માં પ્રદીપ કુમાર સંતોષ ટ્રૉફી જીતનાર રેલવે ટીમના ખેલાડી હતા. એમણે 1958થી 1966 સુધી ત્રણ એશિયાઈ ખેલોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ અરસામાં, 1962માં જાકાર્તા એશિયાઈ ખેલોમાં ભારતે સુવર્ણચંદ્રક જીત્યો. દરમિયાન કુઆલાલમ્પુરમાં મર્ડેકા કપમાં પ્રદીપ કુમારે ત્રણ વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતે 1959માં તથા 1964માં ચાંદીનો ચંદ્રક અને 1965માં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.
આ અરસામાં પ્રદીપ કુમાર આરતી સાથે પ્રભુતામાં પગલાં પાડી ચૂકેલા. લગ્નનાં થોડાંક વર્ષો બાદ પ્રદીપ કુમાર ખેલમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી વધુ પ્રવૃત્ત થયા. પ્રદીપ કુમાર કોચ તરીકે ફૂટબૉલ સાથે જોડાયેલા રહ્યા. 1969માં પ્રદીપ કુમાર જાપાન ગયા. એમણે ફેડરેશન ઇન્ટરનેશનલ દે ફૂટબૉલ ઍસોસિયેશન-ફીફા દ્વારા સંચાલિત જર્મન કોચ ડેટમાર ક્રૈમરના સૌથી પહેલા કોચિંગ અભ્યાસક્રમમાં ભાગ લીધો. પ્રથમ શ્રેણીની ડિગ્રી મેળવી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં સૌથી બહેતરીન પ્રશિક્ષક તરીકે પ્રખ્યાત થયા. પ્રદીપ કુમાર બેનરજી ખેલ પહેલાં ખેલાડીઓ સાથેની પ્રેરણાદાયી વાતચીત માટે જાણીતા થઈ ગયા. આ પ્રકારની વાતચીતને ‘વૉકલ ટૉનિક’ તરીકે ઓળખવામાં આવે છે. 1971માં સિંગાપુરમાં પેસ્ટા સુકન કપમાં વિજય પ્રાપ્ત કરીને ભારતને આંતરરાષ્ટ્રીય ખિતાબ અપાવ્યો.
પ્રદીપ કુમાર 1972માં ઈસ્ટ બંગાળ ક્લબમાં પ્રશિક્ષક તરીકે જોડાયા. કટ્ટર પ્રતિદ્વંદ્વી મોહન બાગાનને 5-૦થી પરાજિત કર્યા. 1976માં પ્રદીપ કુમાર કૉલકાતાના મોહન બાગાનમાં જોડાઈ ગયા. ક્રમશ: આઈએફએ શિલ્ડ, રોવર્સ કપ અને ડુરંડ કપ જીતીને એક સિઝનમાં પોતાની પહેલી ટ્રિપલ-ક્રાઉન જીત મેળવી અને મોહન બાગાન ક્લબને ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરવામાં મદદ કરી.તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમના કોચ રહ્યા. 1982માં પ્રદીપ કુમારે દિલ્હીમાં આયોજિત એશિયાઈ ખેલોમાં ભારતની રાષ્ટ્રીય ટીમનું પ્રબંધન કર્યું. 1983માં તેઓ પૂર્વ બંગાળ પાછા ફર્યા.પ્રદીપ કુમારે ઈસ્ટ બંગાળને ચાર સિઝનમાં સોળ પ્રમુખ ટ્રૉફીઓ અપાવી. તેમાં ચાર કૉલકાતા લીગ ખિતાબ, ચાર આઈએફએ શિલ્ડ ખિતાબ, ત્રણ રોવર્સ કપ ખિતાબ, બે ડીસીએમ ટ્રૉફી, બે બોર્ડોલોઈ ટ્રૉફી અને એક ડુરંડ કપ ખિતાબનો સમાવેશ થતો હતો. ત્યાર બાદ પ્રદીપ કુમાર ટાટા ફૂટબૉલ અકાદમીના ટૅકનિકલ ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત રહ્યા. 2006માં પ્રદીપ કુમાર ભારતીય રાષ્ટ્રીય ટીમના મૅનેજર બન્યા.
ફૂટબૉલમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ પ્રદીપ કુમાર બેનરજીને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવેલા. 1961માં અર્જુન પુરસ્કારથી સન્માનિત થયા પછી, 1990માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી એમને પુરસ્કૃત કરવામાં આવેલા. 1990માં જ-ફીફા ફેર પ્લે ઍવૉર્ડ એનાયત કરાયેલો. આ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર પ્રદીપ કુમાર એશિયાના એકમાત્ર ફૂટબૉલ ખેલાડી હતા. ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ફૂટબૉલ હિસ્ટરી ઍન્ડ સ્ટૅટિસ્ટિક્સ-આઈએફએફએચએસ દ્વારા વીસમી સદીના ભારતીય ફૂટબૉલર તરીકે પ્રદીપ કુમાર બેનરજીનું નામ સૂચિબદ્ધ કરાયું, 2004માં ફીફાએ સર્વોચ્ચ સન્માન ઑર્ડર ઑફ મેરિટથી પુરસ્કૃત કર્યા, 2005માં ફીફા તરફથી ઇન્ડિયન ફૂટબૉલર ઑફ ટ્વેંટીએથ સેન્ચુરી પુરસ્કાર- પ્લેયર ઓફ ધ મિલેનિયમથી એમનું સન્માન કરવામાં આવેલું. 2011માં મોહન બાગાન રત્ન પુરસ્કારથી સન્માનિત, આ જ વર્ષમાં ભારત નિર્માણ પુરસ્કાર: લાઇફટાઇમ એચીવમેન્ટઍવૉર્ડ, 2013માં બંગ વિભૂષણ પુરસ્કાર, 2013-‘14માં ફૂટબૉલ પ્લેયર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા લાઇફટાઇમ એચીવમેન્ટઍવૉર્ડ અને 2019માં ઈસ્ટ બંગાળ કોચ ઑફ કોચ ઍવૉર્ડ એમને એનાયત થયો હતો. તેમણે ‘બિયોન્ડ 90 મિનિટ્સ’ નામે આત્મકથા લખી છે.
ઉજ્જવળ કારકિર્દી ધરાવતા પ્રદીપ કુમાર બેનરજી ઢળતી ઉંમરે છાતીમાં સંક્રમણ થવાને કારણે કૉલકાતાની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા હતા. પત્ની આરતીનું તો લીવર કૅન્સરથી 2003માં જ મૃત્યુ થઈ ગયેલું. બે દીકરી પાઉલા અને પૂર્ણા પિતા પ્રદીપ કુમારની સારસંભાળ રાખતી હતી. પણ 20 માર્ચ, 2020ના પ્રદીપ કુમારે અંતિમ શ્વાસ લીધા. પ્રદીપ કુમારને અંજલિરૂપે પ્રતિષ્ઠિત આઇએફએ શિલ્ડના 123મા સંસ્કરણમાં, ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ કોચ પુરસ્કારનું નામ બદલીને ‘પીકે બેનરજી મેમોરિયલ ઍવૉર્ડ’ નામ કરી દેવામાં આવ્યું. 12 મે, 2023ના ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન-એઆઇએફએફ વિઝન-2047 નામના રણનીતિક રોડમૅપમાં પ્રદીપ કુમાર બેનરજીની જયંતીને ‘એઆઇએફએફ ગ્રાસરૂટ્સ ડે’ના રૂપમાં ઘોષિત કરી છે.
ટીના દોશી