બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ (જ. 1 સપ્ટેમ્બર 1915, લાહોર; અ. 1984) : ઉર્દૂ તથા પંજાબી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, અનુવાદક અને સંપાદક. માતા સીતાદેવી હિંદુ તથા બ્રાહ્મણ વંશનાં અને પિતા ખત્રી-શીખ હતા. જે ખત્રીઓ વેદને પોતાનો ગ્રંથ માને છે તેઓ ‘બેદી’ કહેવાય છે. પિતા પોસ્ટઑફિસમાં નોકરી કરતા હતા. ઘરની રહેણીકરણી હિંદુ તેમજ શીખની હતી; ઘરમાં ગીતા તેમજ જપજીસાહેબનો પાઠ કરવામાં આવતો. પિતા સૂફી વાણીમાં રુચિ ધરાવતા. કોઈ ધર્મ કે સંપ્રદાય પ્રત્યે અરુચિ નહોતી. તેમનો ઊંડો પ્રભાવ બેદી પર પડ્યો. તેમની માતા ઉર્દૂ, હિંદી અને અંગ્રેજી જાણતાં હતાં. તેઓ તેમને બાળપણમાં પરીકથાઓ નહિ, પરંતુ ગીતાના દરેક અધ્યાયનો સાર તેમજ મહાભારત અને રામાયણની વાર્તાઓ સંભળાવતાં. પિતા પણ શિયાળાની મોડી રાત સુધી ચૂલાની આજુબાજુ ગોઠવાઈને કોઈ ને કોઈ પુસ્તક વાંચી સંભળાવતા. કાકા સમ્પૂરનસિંહ લાહોરમાં પ્રેસ-મૅનેજર હતા, જ્યાં વિવિધ પ્રકારની નવલકથાઓ છપાતી હતી. તેથી ઘરમાં પુસ્તકોના ઢગલા થતા હતા. તે કારણે અંગ્રેજી નવલકથાઓ કે અનુવાદો, ‘ચંદ્રકાન્તા’ વગેરે વંચાતાં. તેમના કાકાએ સ્ટીમ-પ્રેસ ખરીદી લીધું; પછી તો બેદી પુસ્તકના કીડા બની ગયા.
તેઓ 1933–34માં ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. પિતાની ઇચ્છાથી પોસ્ટઑફિસના કારકુનની પરીક્ષામાં સફળ થઈને કારકુની કરી. 17 કે 18 વર્ષની ઉંમરે, 1931થી તેમણે તેમના સાહિત્યિક જીવનનો આરંભ કર્યો. તેમણે પંજાબી ભાષા અને ફારસી લિપિમાં લાહોરથી છપાતી પત્રિકા ‘સારંગ’નું વિના વેતને સંપાદક-પદ સંભાળ્યું. આખી પત્રિકા પોતે જ લખવી શરૂ કરી. દરેક પ્રકારના નિબંધ, ફારસી ગઝલો અને ચોપાઈઓ કે પંજાબી અનુવાદ, વાર્તાઓ પોતે જ લખી લખીને જુદા જુદા નામે છાપતા રહેતા. તેઓ વિદ્યાર્થી અવસ્થામાં ‘મુહસિન લાહોરી’ના નામથી લખ્યા કરતા. પહેલાં લાહોરના ‘પારસ’ નામના છાપાના સાપ્તાહિક સંસ્કરણમાં તેમની વાર્તાઓ છપાતી જે તેમણે રૂમાની શૈલીમાં લખેલી. પછી ‘અદબી દુનિયાઁ’માં તે છપાવા લાગેલી. પોસ્ટ- ઑફિસની નોકરી દરમિયાન તેમણે જીવનના અનુભવો પર આધારિત ગંભીર વાર્તાઓ લખી. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દાના-ઓ-દામ’ 1936માં તથા બીજો સંગ્રહ ‘ગ્રહણ’ 1941માં પ્રકાશિત થતાં તેઓ ઉર્દૂના ઉત્કૃષ્ટ વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા.
તેમણે પોસ્ટની નોકરીથી તંગ આવી જઈને રાજીનામું આપી દીધું. તે સમયે રેડિયો-વાર્તા કે નાટક માટે માત્ર રૂ. 25નું વેતન મળતું. 1943માં રૂ. 500ના માસિક પગારથી તેમની નિમણૂક લાહોર રેડિયો મથક પર ‘સ્ક્રિપ્ટ રાઇટર’ના રૂપમાં થઈ. પરિણામે રેડિયો માટે તેમણે ઘણાં નાટકો લખ્યાં. એક વર્ષ બાદ રાજીનામું આપી ‘મહેશ્વરી ફિલ્મ કંપની’માં માસિક રૂ. 600ના પગારથી તેઓ જોડાયા. તે કંપની માટે તેમણે પહેલી અને છેલ્લી ફિલ્મકથા લખી ‘કહાં ગયે’. પછી તેમણે ‘સંગમ પબ્લિશર્સ લિમિટેડ’ નામથી એક પ્રકાશન-સંસ્થા સ્થાપી, જ્યાંથી પોતાનાં નાટકોના બે સંગ્રહો ‘બેજાન ચીજે’ અને ‘સાત ખેલ’ પ્રકાશિત કર્યા. તેમણે કુલ 11 નાટકો લખ્યાં છે. તેમાં ‘ચાણક્ય’ અને ‘ખ્વાજા સરા’ ઐતિહાસિક ભૂમિકા પર આધારિત છે. ‘નકલ-એ-મકાની’ તેમનું સર્વોત્કૃષ્ટ નાટક છે, જેના આધારે ‘દસ્તક’ ફિલ્મ બનાવાયેલી. આ જ સમયગાળામાં દેશના ભાગલા થયા. બધું લૂંટાઈ જવાથી પોતાના ભાઈને ત્યાં રોપડ અને ત્યાંથી શિમલા ગયા; જ્યાંથી માંડ માંડ બચીને પત્ની, બાળકો સાથે દિલ્હી આવ્યા. નોકરી માટે કાશ્મીર ગયા. તે વખતના મુખ્ય મંત્રીશ્રી શેખ અબ્દુલ્લાએ તેમને જમ્મુ રેડિયોના નિયામક તરીકે નીમ્યા.
તે નોકરી છોડી દઈ તેઓ મુંબઈ ગયા, જ્યાં ખૂબ ફિલ્મો બનાવી અને ખૂબ વાર્તાઓ લખી. તેમની પ્રથમ ફિલ્મ ‘બડી બહન’ હતી, જેના નિર્માતા કશ્યપજી હતા. પછીની બહુ જ સફળ ફિલ્મ ‘દાગ’ના મશહૂર નિર્દેશક અમીય ચક્રવર્તી હતા, જેમાં દિલીપકુમારે નાયકની ભૂમિકા નિભાવેલી. તેમાં બેદીના ચમકદાર સંવાદોનો મોટો હિસ્સો હતો. ‘દેવદાસ’ના સંવાદથી તેમની ખ્યાતિ વધી. તેના નિર્દેશક બિમલ રૉય અને અભિનેતા દિલીપકુમાર હતા. આ ફિલ્મના સંવાદોએ ફિલ્મની રૂમાની, કરુણ અને નાટકીય ઘટનાઓને પ્રભાવશાળી બનાવવામાં આવશ્યક ભૂમિકા નિભાવી. બિમલ રૉય માટે બેદીએ રોચક અને રોમૅન્ટિક વાર્તા લખી જે રૂપેરી પડદા પર ‘મધુમતી’ના નામથી દર્શાવાઈ. બેદીનાં નાટકો પરથી એમનું સંસ્કૃત-મિશ્રિત હિંદી અને ફારસી-મિશ્રિત ઉર્દૂ બંને પર એકસરખું પ્રભુત્વ હોવાનું સ્પષ્ટ થાય છે. ‘મિરઝા ગાલિબ’માં તેમના સંવાદોની વિશિષ્ટતા છે – પરિહાસ, મર્મ-સ્પર્શિતા તથા વ્યંગવિનોદમાં. ‘મિરઝા ગાલિબ’ના પરિવેશને તે એવો યથાર્થ રંગ પ્રદાન કરે છે, જે સાધારણ રીતે મુઘલોના ઠાઠમાઠવાળી અન્ય ફિલ્મોમાં જોવા નથી મળતો. ત્યારબાદ વળી તેમણે હૃષીકેશ મુખરજી માટે ‘અનુપમા’ અને ‘સત્યકામ’ જેવી ફિલ્મો બનાવી. આ ઉપરાંત, ‘બહારોં કે સપને’, ‘મેરે હમદમ, મેરે દોસ્ત’ પણ બેદીના નામ સાથે જોડાયેલ છે.
મુંબઈમાં પણ તેમના 4 વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા : ‘કોખ જલી’ 1949માં, ‘અપને દુ:ખ મુઝે દે દો’ 1965માં, ‘હમારે હાથ કલમ હુએ’ 1974માં અને ‘મુક્તિબોધ’ 1983માં.
તેમની એકમાત્ર નવલકથા છે ‘એક ચાદર મૈલી સી’, જેને લાંબી વાર્તા પણ કહી શકાય (1960). તે ‘નકૂશ’ પત્રિકામાં છપાવા લાગી તેની સાથે જ પ્રસિદ્ધ થઈ; એટલું જ નહિ, જુદી જુદી ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો. તેના આધારે હિંદીમાં એક ફિલ્મ પણ ઊતરી છે. આ નવલકથા માટે બેદીને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
બળદેવભાઈ કનીજિયા