બેદી, પ્રતિમાગૌરી (જ. 12 ઑક્ટોબર 1948, દિલ્હી; અ. 17 ઑગસ્ટ 1998, માલપા, ઉત્તરપ્રદેશ) : ઓડિસી નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના. મૂળ નામ પ્રતિમા ગુપ્તા. પિતાનું નામ લક્ષ્મીચંદ. તેઓ વેપારી હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દિલ્હી ખાતે લીધું. 1966માં પિતાનું ઘર છોડી મુંબઈ આવી તેમણે મૉડલિંગનો વ્યવસાય અપનાવ્યો. તે દરમિયાન તે જમાનાના જાણીતા મૉડલ અને હોલીવુડના ચલચિત્ર-અભિનેતા કબીર બેદી સાથે તેમને પરિચય થયો અને તેમની સાથે લાંબા સમયનું સહજીવન ગાળ્યું. એક સમયે અત્યાધુનિક વિચારસરણી ધરાવતાં, સ્વતંત્ર મિજાજવાળાં અને હિપ્પી રહેણીકરણીને વરેલાં પ્રતિમાગૌરી એક વાર તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ રૉક શોમાં જવાનાં હતાં, પરંતુ ત્યાં જવાને બદલે આકસ્મિક રીતે તેઓ બાજુમાં ચાલતા ઓડિસી નૃત્યના કાર્યક્રમમાં જઈ ચઢ્યાં, જીવનમાં પ્રથમ વાર ઓડિસી નૃત્ય જોઈને પ્રતિમાગૌરી એટલાં બધાં પ્રભાવિત થયાં કે એ નૃત્યના પ્રયોજક અને ઓડિસી નૃત્યશૈલીના આધુનિક પિતામહ કેલુચરણ મહાપાત્રનાં તેઓ શિષ્યા બની ગયાં.
તેમની પાસે ભુવનેશ્વર ખાતે 3 માસ સુધી પ્રારંભિક તાલીમ લીધા બાદ તેઓ પાછાં મુંબઈ આવ્યાં. 26 વર્ષની ઉંમરે ઓડિસી નૃત્યને તેમણે જીવનનું અંતિમ લક્ષ્ય બનાવ્યું. સાચી લગન અને નિષ્ઠાથી ઓડિસી નૃત્યમાં તે પછીનાં 10 વર્ષમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી. 1990માં ભારતીય શાસ્ત્રીય નૃત્યની વિવિધ શૈલીઓની નિ:શુલ્ક તાલીમ આપતી ‘નૃત્યગ્રામ’ સંસ્થા બૅંગાલુરુથી આશરે 28 કિમી. દૂર આવેલા હૈસરધારા ગામમાં તેમણે ઊભી કરી. આ સંસ્થા માટેની જમીન કર્ણાટક સરકારે આપી હતી. ગુરુકુળ પરંપરા આ સંસ્થાની આધારશિલા રહી છે અને ત્યાં ઓડિસી, કથક અને મોહિનીઅટ્ટમ્ આ ત્રણેય નૃત્યશૈલીઓની તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાના નેજા હેઠળ દર વર્ષે વસંતોત્સવ યોજવામાં આવે છે, જેમાં આખાયે દેશમાંથી આમંત્રેલા વિવિધ નૃત્યશૈલીના વિખ્યાત કલાકારો પોતપોતાની શૈલી પ્રસ્તુત કરતા હોય છે. 1990થી 1998 દરમિયાન આ સંસ્થાનું સંચાલન પ્રતિમા બેદી પોતે જ કરતાં હતાં, પરંતુ ઑગસ્ટ 1998માં કૈલાસ-માનસરોવરના પ્રવાસે જતાં પહેલાં તેમણે તે સંસ્થાનું સંચાલન તેમનાં શિષ્યા સુરૂપા સેનને સોંપ્યું હતું.
દિલ્હીથી કૈલાસ-માનસરોવર જતાં માર્ગમાં ઉત્તરપ્રદેશના માલપા ગામે ભેખડો ધસવાની દુર્ઘટનામાં તેમનું અવસાન થયું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે