બેકમન, મૅક્સ (જ. 12 ફેબ્રુઆરી 1884, લાઇપ્ઝિગ, જર્મની; અ. 27 ડિસેમ્બર 1950, ન્યૂયૉર્ક) : પોતાનાં ચિત્રોમાં વીસમી સદીની હિંસા અને કરુણતાને વ્યક્ત કરનાર અભિવ્યક્તિવાદી (expressionist) જર્મન ચિત્રકાર.

1900થી 1903 સુધી તેમણે જર્મનીની વાઇમર અકાદમીમાં હાન્સ ફૉન મારિસ પાસે પ્રશિષ્ટ ચિત્રકલાની તાલીમ લીધી. 1904માં તેઓ બર્લિન ગયા. અહીં તેઓ જર્મન પ્રભાવવાદી (impressionist) ચિત્રકાર લૉવિસ કૉરિન્થની અસર હેઠળ આવ્યા અને તેથી તેમની પીંછીના લસરકા કરવાની અથવા તુલિકાસંચાલનની પદ્ધતિ એટલી વૈવિધ્યપૂર્ણ બની કે તેમની ચિત્રણા (brush-work) દર્શકોને ઘણી વિલક્ષણ અને આકર્ષક લાગી. 1906માં નૉર્વેના અભિવ્યક્તિવાદી ચિત્રકાર એડવર્ડ મંખ સાથે દોસ્તી થઈ; જેથી તેમની કલામાં રેખાના વળાંકો આંખોને કઠે તેટલી હદે વિકૃત થયા અને આખરે તેમની ચિત્રકલાએ અભિવ્યક્તિવાદી સ્વરૂપ ધારણ કર્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રણમોરચે સૈનિકોનાં શબ ઉપાડવાનું કાર્ય તેમણે કર્યું અને આ રીતે તેમણે યુદ્ધ અને મૃત્યુનો સીધો અનુભવ લીધો, જે તેમને માટે ઘણો જ આઘાતજનક નીવડ્યો. આ અનુભવને પ્રતાપે તેમનાં ચિત્રોમાં કષ્ટથી પીડાતી તથા રિબાતી ત્રસ્ત માનવાકૃતિઓનું આલેખન થયું. ‘વધસ્તંભ પરથી ઉતરાણ’, ‘રાત્રી’ તથા ‘ઈસુ અને દુરાચારી સ્ત્રી’ને આ સમયનાં નમૂનારૂપ ચિત્રો ગણી શકાય. અરુચિકર રંગો અને વિચિત્ર આકૃતિઓ દ્વારા તેઓ માનવીની ક્રૂરતા અને ઘાતકીપણા સામે દર્શકના મનમાં વિરોધની લાગણી જન્માવી શકે છે.

1932માં નાઝી સત્તાએ તેમને અધ:પતન પામેલા જાહેર કર્યા અને તેમને ફ્રાંકફર્ટની ‘સ્ટાડલ સ્કૂલ ઑવ્ આર્ટ’માંથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા. જર્મનીમાં રહેવું અસહ્ય બનતાં તેઓ 1937માં ઍમ્સ્ટર્ડૅમ ભાગી ગયા અને 1947માં ત્યાંથી અમેરિકા ગયા. અહીં સેંટ લૂઇમાં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં 3 વરસ સુધી કલાશિક્ષણ આપ્યા પછી આખરે ન્યૂયૉર્ક શહેરમાં તેઓ સ્થિર થયા.

બેકમને પોતાની જાતનાં અસંખ્ય ચિત્રો કર્યાં છે, જે હકીકતમાં આ કલાકારની ડાયરીની ગરજ સારે છે. અહીં રોજેરોજ તેમના મનમાં ઉદભવતા ભાવોના ફેરફાર અને મનોમંથનનું પ્રતિબિંબ જોવા મળે છે.

અમિતાભ મડિયા