બેકની કસોટી (Becke’s test) : ખનિજોના વક્રીભવનાંકની તુલના કરવા માટે સૂક્ષ્મદર્શક હેઠળ નિરીક્ષણ કરવામાં આવતી કસોટી. ખનિજછેદો હમેશાં કૅનેડા બાલ્સમના માધ્યમમાં જડીને તૈયાર કરવામાં આવતા હોય છે. જુદાં જુદાં ખનિજોના તેમજ કૅનેડા બાલ્સમના વક્રીભવનાંક જુદા જુદા હોય છે. જે તે ખનિજનો વક્રીભવનાંક કૅનેડા બાલ્સમથી કે અન્ય ખનિજથી ઓછો કે વધુ છે તે જાણવા માટે પ્રણાલીગત રીતે સૂક્ષ્મદર્શકની નળીને ઊંચે લઈ જવામાં આવે છે.
આમ કરવાથી ખનિજકિનારી પરથી એક રેખા ઉદભવે છે. આ રેખાને બેકરેખા કહે છે. આ રેખા વધુ વક્રીભવનાંકવાળા માધ્યમ તરફ ખસે છે. જો નળીને નીચે તરફ લઈ જવામાં આવે તો બેકરેખા વધુ વક્રીભવનાંકવાળા માધ્યમથી ઓછા વક્રીભવનાંકવાળા માધ્યમ તરફ ખસે છે. ખનિજનો વક્રીભવનાંક વધુ છે કે ઓછો તે જાણવા માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. કૅનેડા બાલ્સમનો વક્રીભવનાંક 1.54 હોય છે.
ગિરીશભાઈ પંડ્યા