બેંઘાઝી : આફ્રિકાના લિબિયા દેશનું તેના પાટનગર ટ્રિપોલી પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 07´ ઉ. અ. અને 20° 04´ પૂ. રે. તે ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ કિનારા પરનું બંદર છે તથા પૂર્વ લિબિયાનું અગત્યનું વ્યાપારી મથક છે. આજે તે મહાનગર તરીકે વિકસ્યું છે. છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ માહિતી મુજબ (1984) બેંઘાઝીની મુખ્ય શહેરની વસ્તી 2,67,700 અને મહાનગરની વસ્તી 4,85,386 હતી.
સોળમી સદીના મધ્યકાળથી 1911 સુધી તે ટર્કિશ ઑટોમન સામ્રાજ્યનો એક ભાગ રહેલું. 1911થી ઇટાલીએ તેના પર કબજો રાખેલો તથા બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સુધી તે તેના અંકુશ હેઠળ રહેલું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ દળોએ આ શહેરનો કબજો લઈ લીધેલો. 1951થી લિબિયા સ્વતંત્ર રાષ્ટ્ર બનેલું હોવાથી તે દેશના એક મોટા શહેર તરીકેનો દરજ્જો ભોગવે છે.
ગિરીશભાઈ પંડ્યા