બૅનરજી, નિખિલ (જ. 14 ઑક્ટોબર 1931, કલકત્તા; અ. 27 જાન્યુઆરી 1986, કલકત્તા) : ભારતના અગ્રણી સિતારવાદક. પિતા જે. એન. બૅનરજી પોતે સંગીતકાર હતા અને તેમણે જ નિખિલને શરૂઆતની સંગીતશિક્ષા આપી. માત્ર નવ વર્ષની ઉંમરે બંગાળ સંગીત સંમેલનમાં તેમણે જાહેર કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કરી મૂકેલા. ગૌરીપુરના મહારાજા પાસે થોડોક સમય તેમણે તાલીમ લીધી; પરંતુ સંગીતની ઉચ્ચ તાલીમ તો ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસે (1946થી 1952) અને ત્યારબાદ તેમના પુત્ર અલીઅકબરખાં પાસેથી લીધી હતી (1952થી 1956). 1956માં તેઓ કલકત્તાની અલીઅકબરખાં કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સંગીતના અધ્યાપક તરીકે જોડાયા હતા.
સિતારવાદનના ક્ષેત્રમાં તેમનું એક આગવું સ્થાન રહ્યું છે. અત્યંત પરિશ્રમ અને લગનને કારણે તેમનો દરેક કાર્યક્રમ સફળ બની રહેતો. દેશવિદેશમાં અનેક કાર્યક્રમો આપી તેમણે નામના મેળવી. સિતારવાદનની તકનીકમાં તેમણે નિપુણતા મેળવી હતી. તેમના વાદનમાં પસંદ કરેલો રાગ પૂરેપૂરો પ્રકટ થતો અને તેથી તેમનું વાદન આત્માને સ્પર્શતું હતું.
નીના ઠાકોર