બૅંગ્લોર : કર્ણાટક રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો, તે જ નામ ધરાવતું જિલ્લામથક, રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા અતિરમણીય ઉદ્યાનનગર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો આશરે 12° 20´થી 13° 30´ ઉ. અ. અને 77° 02´થી 77° 58´ પૂ. રે. વચ્ચેનો કુલ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, ઈશાન અને પૂર્વમાં કોલાર જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ તમિળનાડુ રાજ્યસરહદ, દક્ષિણમાં મૈસૂર જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં માંડ્ય જિલ્લો તથા પશ્ચિમ અને વાયવ્યમાં તુમ્કુર જિલ્લો આવેલા છે. બૅંગ્લોર શહેર જિલ્લાની લગભગ મધ્ય-પૂર્વમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ : જિલ્લાનો મોટો ભાગ અક્રાવતી ખીણમાં આવેલો છે. ખીણની આજુબાજુનો ભાગ વિશાળ અસમતળ મેદાનોથી બનેલો છે. નંદીદુર્ગ હારમાળાથી બૅંગ્લોરની પશ્ચિમ તરફ અને ત્યાંથી અનેકલ સુધીના વિસ્તાર માટે ઉત્તર-દક્ષિણ રેખા દોરીએ તો તે ડુંગરધારોના ઊંચાઈવાળા ભાગમાંથી પસાર થાય. આ રેખા અક્રાવતી થાળાને દક્ષિણ પિનાકિનીથી અલગ પાડે છે. આ રીતે બૅંગ્લોર જિલ્લો દખ્ખણના ઉચ્ચપ્રદેશનો એક ભાગ બની રહેલો છે. અહીંનું ભૂસ્તર દ્વીપકલ્પીય નાઇસ ખડકોનું બનેલું છે.

અહીંની ખુશનુમા આબોહવા અને હરિયાળીને કારણે બૅંગ્લોરે વર્ષોથી ઉદ્યાનનગરનું બિરુદ મેળવેલું. તે પરિસ્થિતિ છેલ્લા થોડા દાયકાઓ દરમિયાન બદલાતી ગઈ છે. હવે અહીંની આબોહવા ઉનાળામાં ગરમ અને શિયાળામાં ઠંડી બને છે. અહીં થયેલા વધુ પડતા ઔદ્યોગિકીકરણ, ગગનચુંબી અસંખ્ય ઇમારતો અને વસ્તીવધારાથી આબોહવા ખુશનુમા હતી તે ગરમ બની છે, વળી આ જ કારણે ભારતમાં દિલ્હી પછીના બીજા ક્રમે તેની ગણના થાય છે; તેણે પોતાની નૈસર્ગિક સુંદરતા ગુમાવી છે. આજે અહીં માત્ર 0.5 % જ વૃક્ષો રહ્યાં છે અને 3 %થી ઓછી ખુલ્લી જગ્યા રહી છે. હરિયાળી ઓછી થવાથી અને ઔદ્યોગિકીકરણ વધવાથી સૌરવિકિરણ વધ્યું છે અને તેથી તાપમાન પણ વધ્યું છે.

કર્ણાટક રાજ્ય વિધાનસભા ગૃહ, બૅંગ્લોર

જળપરિવાહ : ઉત્તરથી દક્ષિણ વહેતી અક્રાવતી અને દક્ષિણ પિનાકિની (દક્ષિણ પેન્નાર) અહીંની મુખ્ય નદીઓ છે. અક્રાવતી એ કાવેરીની શાખાનદી છે, તે નંદીદુર્ગ ટેકરીઓના નૈર્ઋત્ય ભાગમાંથી નીકળે છે. શિવધનુષ્ય પિનાક પરથી દક્ષિણ પિનાકિની નામ પડેલું છે.

ખેતી : વધુ ઔદ્યોગિકીકરણ થયું હોવા છતાં જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે તો ખેતી પર નિર્ભર છે. મુખ્ય ખાદ્ય કૃષિપાકોમાં રાગી, જુવાર, ડાંગર, બાજરી અને કળથી–વાલ–તુવેર જેવાં કઠોળ તથા રોકડિયા પાકોમાં તેલીબિયાં અને શેતૂરનો સમાવેશ થાય છે. અક્રાવતી અને પિનાકિની નદીઓમાંથી મળતું સિંચાઈનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી અહીં ફળો અને શાકભાજીની માંગ વધી હોવાથી તેનું વાવેતર પણ વધુ થાય છે, અહીંનો બાગાયતી વિભાગ તે માટેની બધી જ કાળજી લે છે.

પશુપાલન : જિલ્લામાં શહેરીકરણ અને ઉદ્યોગનું પ્રમાણ વધ્યું હોવાથી વસ્તીની માંગ પૂરી કરવા માટે દૂધની ડેરીઓ તથા મરઘાંપાલનનો વ્યાપ પણ વધ્યો છે. દૂધ અને ઈંડાં માટે ઢોર, ઘેટાં, બકરાં તેમજ ડુક્કરનો ઉછેર થાય છે. તેમને માટે પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો તથા કૃત્રિમ ગર્ભાધાનમથકો પણ સ્થપાયેલાં છે.

ઉદ્યોગ-વેપાર : બૅંગ્લોર શહેર તેમજ તેની આજુબાજુના ભાગોમાં યાંત્રિક ઓજારો, હવાઈ જહાજો, વીજપેદાશો, દૂરભાષ-સાધનસામગ્રી તથા ઘડિયાળો જેવા ઉદ્યોગો તેમજ રેશમ, કૃત્રિમ રેશમ અને હાથસાળ–યાંત્રિક સાળ પર સૂતર-ઉત્પાદનના કુટિરઉદ્યોગો વિકસ્યા છે. હિન્દુસ્તાન એરોનૉટિક્સ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ભારત અર્થ મૂવર્સ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રિઝ અને નૅશનલ એરોનૉટિકલ લૅબોરેટરી જેવાં જાણીતાં ઔદ્યોગિક સંસ્થાનો અહીં આવેલાં છે.

બૅંગ્લોર જિલ્લા માટેનું વેપાર-વાણિજ્ય મુખ્ય મથક છે. બૅંગ્લોરનો યશવંથપુર વિભાગ જિલ્લા માટેનું નિયંત્રિત બજાર ધરાવે છે. જિલ્લાભરની બૅંકિંગ સેવાઓ માટેનું પણ મુખ્ય મથક આ જ શહેર છે. હવાઈ જહાજો, રેલડબ્બા, ટેલિફોન, વીજાણુસાધનો, રેશમી દોરા અને વસ્ત્રો, સુતરાઉ પોશાકો, ચામડાં, પગરખાં, ઘડિયાળો, કાર્બન-સળિયા અને વિદ્યુત મોટરોનું ઉત્પાદન અહીં લેવાય છે તથા તેમની નિકાસ પણ થાય છે. ખાદ્યાન્ન, વીજસાધનો તથા ખાસ પ્રકારના પોલાદની આયાત કરવામાં આવે છે.

પરિવહન–પ્રવાસન : આ જિલ્લો અને વિશેષે કરીને બૅંગ્લોર ભારતનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગે, રેલમાર્ગે અને હવાઈ માર્ગે સંકળાયેલું છે, વળી તે દેશવિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. જિલ્લાનાં શહેરો-નગરો પણ બૅંગ્લોર સાથે સડક અને રેલમાર્ગે જોડાયેલાં છે.

પ્રવાસમથકો : (1) ટીપુ મહેલ : આ મહેલ ટીપુના પિતા હૈદરઅલીએ બાંધવાનો શરૂ કરેલો. ટીપુએ તેને 1791માં પૂરો કરેલો. તેનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવતો હતો. તે ટીપુ સુલતાનની તત્કાલીન રાજધાની શ્રીરંગપટ્ટણમ્ ખાતેના દરિયા દૌલત મહેલની બાંધણીને મળતો આવે છે. (2) નંદીમંદિર : દ્રવિડ સ્થાપત્યશૈલી મુજબ તેનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીં 4.5 મીટર ઊંચી અને 6 મીટર લાંબી પાષાણની નંદીપ્રતિમા મૂકવામાં આવેલી છે. ઐતિહાસિક જાણકારી મુજબ બૅંગ્લોર શહેરના સ્થાપક કૅમ્પ ગૌડાએ તેનું નિર્માણ કરાવેલું છે. (3) લાલબાગ : હૈદરઅલી અને ટીપુ સુલતાન દ્વારા 200 વર્ષ અગાઉ 240 એકર વિસ્તારમાં આ સુંદર બાગનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીં જુદાં જુદાં આશરે 100 પ્રકારનાં વૃક્ષો અને છોડ જોવા મળે છે, તે પૈકી કેટલાંક તો વિરલ છે. અહીં એક પ્રખ્યાત કાચઘર છે, તેમાં વર્ષે બે વાર – ફેબ્રુઆરી અને ઑગસ્ટમાં – મેળા ભરાય છે. (4) સંગ્રહાલયો : વિશ્વેસ્વરૈ ટૅકનૉલૉજિકલ સંગ્રહસ્થાન, પુરાતત્વીય સંગ્રહસ્થાન તથા વેંકટપ્પા કલાદીર્ઘા (artgallery) આવેલાં છે. (5) વિધાનસભા : બૅંગ્લોર ખાતેની વિધાનસભાની ઇમારત આધુનિક કલા અને સ્થાપત્યનો અનન્ય નમૂનો ગણાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગ્લોર

બૅંગ્લોરથી 18 કિમી. અંતરે શ્રવણ બેલગોડા ખાતે ઈ. સ. 983માં એક જ પથ્થરમાંથી બનાવેલી 18 મીટર ઊંચી બાહુબલિ(ગોમટેશ્વર)ની ઊભા કદની વિરાટકાય મૂર્તિ આવેલી છે. દર બાર વર્ષે તેના પર અભિષેક થાય છે. બેલુર ખાતે એક વખતના સમૃદ્ધ હોયશલ સામ્રાજ્યની બારમી સદીની રાજધાનીનું સ્થળ આવેલું છે, ત્યાં ઘણાં પાષાણશિલ્પો જોવા મળે છે. પ્રત્યેક પાષાણશિલ્પને પોતાનો આગવો ઇતિહાસ છે. બૅંગ્લોરથી આશરે 16 કિમી. અંતરે પૂર્વમાં આવેલા નાના ગામ હેલબિદુ ખાતે અગિયારમી સદીનું હોયશલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. અહીં હોયશલેશ્વર અને કેદારેશ્વરનાં મંદિરો છે. મુસ્લિમોનાં આક્રમણોથી તે નાશ પામેલાં. આજે તેનાં માત્ર ખંડિયેરો જ જોવા મળે છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી 48,39,162 (1991) જેટલી છે. તે પૈકી 25,42,950 પુરુષો અને 22,96,212 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 6,69,909 અને 41,69,253 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 38,82,329; મુસ્લિમ : 6,34,991; ખ્રિસ્તી : 2,74,900; શીખ 5,024; બૌદ્ધ : 935; જૈન; 38,435; અન્ય- ધર્મી : 1,175 તથા ઇતર 1,373 જેટલા છે. અહીં કન્નડ, અંગ્રેજી, તમિળ અને તેલુગુ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં વસ્તીના 75 % શિક્ષિતો છે. અહીં લગભગ બધાં જ શહેરો-નગરોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. બૅંગ્લોર ખાતે 5 કૉલેજ આવેલી છે. શહેરો-નગરો ઉપરાંત અહીંના 73 ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની તબીબો સેવાની સગવડો છે. લોકો માટે જાહેર પુસ્તકાલયો પણ છે. માહિતી અને મનોરંજન માટે આકાશવાણી અને દૂરદર્શન-કેન્દ્રો આવેલાં છે. અહીંથી પાંચ દૈનિકપત્રો અને છ સામયિકો– મૅગેઝીનો નીકળે છે.

ઇતિહાસ : 1986માં કર્ણાટક સરકારે મૂળ બૅંગ્લોર જિલ્લાને બે વિભાગોમાં વિભાજિત કરેલો છે. આજના બૅંગ્લોર જિલ્લાનું કાર્યક્ષેત્ર બગ્લોર ઉત્તર, બૅંગ્લોર દક્ષિણ તથા અનેકલ અને બૅંગ્લોર ગ્રામીણ જૂથવિસ્તાર પૂરતું સીમિત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ત્રણ તાલુકા, ત્રણ સમાજવિકાસ ઘટકો, 33 નગરો અને 728 ગામડાંમાં (47 વસ્તીવિહીન) વહેંચી નાખવામાં આવેલો છે.

બૅંગ્લોર (શહેર) : કર્ણાટક રાજ્યનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 12° 58´ ઉ. અ. અને 77° 36´ પૂ. રે. તેનો વિસ્તાર આશરે 120 ચોકિમી. જેટલો છે. 1991 મુજબ મહાનગરની વસ્તી 40,86,548 જેટલી છે, પરંતુ આજુબાજુના ભાગોને સામેલ કરતાં તેની કુલ વસ્તી 45 લાખ જેટલી ગણાય. વસ્તીની ર્દષ્ટિએ આ શહેર ભારતમાં પાંચમા ક્રમે આવે છે. તે ઉદ્યાનનગરનું બિરુદ પામેલું હોવાથી વર્ષોથી લોકોને આ શહેરનું આકર્ષણ રહ્યું છે અને તેથી ભારતનાં ઘણાં સ્થાનોમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. વળી અહીં વિવિધ પ્રકારના ઉદ્યોગો સ્થપાયા હોવાથી તે ઝડપથી વિકસતું જતું શહેર ગણાય છે. આ શહેરમાં અંગ્રેજી ઉપરાંત મુખ્યત્વે કન્નડ, તેલુગુ અને તમિળ ભાષાઓ વધુ બોલાય છે.

ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ જોતાં, તે કર્ણાટક ઉચ્ચપ્રદેશ પર પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી ડુંગરધારનું ભૂમિસ્વરૂપ રચે છે. તે સમુદ્રસપાટીથી લગભગ 920 મીટરની ઊંચાઈ પર વસેલું છે. ઊંચાઈને કારણે તેની આબોહવા ખુશનુમા રહે છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 35° સે. અને 14° સે. જેટલાં રહે છે; જોકે ઔદ્યોગિકીકરણને લીધે તાપમાનમાં થોડો વધારો થયો છે. અહીં આશરે 900 મિમી. જેટલો વરસાદ પડે છે, વસ્તીવૃદ્ધિ તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે પાણી-પુરવઠો પર્યાપ્ત ન હોવાથી તેની તંગીની સમસ્યા વિકટ બની રહેલી છે.

આ શહેરને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે : (1) ગીચ વસ્તી ધરાવતો મધ્યસ્થ જૂનો નગરવિભાગ. મૂળ તો તે માટીથી બાંધેલા કોટવાળો હતો, અઢારમી સદીમાં અહીંના તત્કાલીન સ્થાનિક શાસક હૈદરઅલીએ તેને પથ્થરથી બંધાવેલો. આજે આ વિભાગ ‘પેટ્ટા’ નામથી ઓળખાય છે. ત્યાં શાકભાજી, ફળો તથા બીજી ઘણી રોજિંદી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું બજાર આવેલું છે. (2) પરાં-વિસ્તાર : તે જૂના નગરની ઉત્તર અને દક્ષિણ બાજુઓ તરફ પથરાયેલો છે. (3) પૂર્વ વિભાગ : લશ્કરી છાવણી-બરાકો માટેનો આ અલાયદો રખાયેલો વિસ્તાર છે.

જૂના શહેરના મધ્ય ભાગમાં મહારાજાનો મહેલ આવેલો છે, વાસ્તવમાં તો ગેરેટ નામના અંગ્રેજ વેપારી માટે આ ઇમારત 1865માં બાંધવામાં આવેલી; પરંતુ 1881માં મૈસૂરના મહારાજાએ તે લઈ લીધેલી. બ્રિટિશ શાસનકાળ દરમિયાનની અન્ય જાણીતી ઇમારતોમાં 1866માં સ્થપાયેલા મૈસૂર ગવર્નમેન્ટ મ્યુઝિયમનો તથા 1864–65માં બ્રિટિશ સ્થપતિ સર રિચાર્ડ સૅન્કીએ બાંધેલી વિશિષ્ટ સ્થાપત્યશૈલીવાળી હાઇકૉર્ટનો સમાવેશ થાય છે. 1954માં નિર્માણ પામેલી સચિવાલયની ભવ્ય ઇમારત પ્રાચીન દ્રવિડ સ્થાપત્ય મુજબની છે.

બૅંગ્લોરની ખુશનુમા આબોહવા, પહોળી શેરીઓ તથા આકર્ષક ઉદ્યાનોએ ભારતના ઘણા નિવૃત્ત લોકોને અહીં વસવા પ્રેર્યા છે. આખું શહેર હરિયાળી વનસ્પતિ, વ્યવસ્થિત વસવાટો, વિજ્ઞાન-સંશોધન-સંસ્થાઓ વગેરેથી ભર્યુંભર્યું વૈભવી જણાય છે. અહીં શહેરના ધનિકો, મુલાકાતીઓ તથા અન્ય કેટલાક ગૉલ્ફની રમતની, ઘોડદોડની અને હોટેલોની મોજ માણે છે. અઢારમી સદીમાં હૈદરઅલીએ 96 હેક્ટર ભૂમિ પર તૈયાર કરાવેલો લાલબાગ વનસ્પતિ-ઉદ્યાન તથા 120 હેક્ટર ભૂમિ પરનો 1864માં બનાવાયેલો કબન (Cubbon) પાર્ક અહીંનાં જાણીતાં સ્થળો છે.

શૈક્ષણિક-સંશોધનસંસ્થાઓ : બૅંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્ટિફિક રિસર્ચ (1909), રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (1943), નૅશનલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (1960), નૅશનલ એરોનૉટિક રિસર્ચ લૅબોરેટરી (1960), કૃષિ યુનિવર્સિટી (1964) અને બૅંગ્લોર યુનિવર્સિટી (1964) જેવી ખ્યાતનામ સંસ્થાઓ આવેલી છે. અહીં પ્રસાર-માધ્યમ મથક તથા પ્રકાશન માટેનું પ્રાદેશિક મથક પણ છે. બૅંગ્લોરમાં ફિલ્મ-ઉદ્યોગનો પોતાના સ્ટુડિયો અને 150થી પણ વધુ સિનેમાગૃહો છે.

અર્થતંત્ર : બૅંગ્લોર દક્ષિણ ભારતનું મહત્ત્વનું ઔદ્યોગિક મથક છે. ભારતીય મિશ્ર અર્થતંત્ર માટે એક નમૂનારૂપ શહેર ગણાય છે. એરક્રાફ્ટ ફૅક્ટરી, મશીન ટૂલ્સ પ્લાન્ટ, રેલવે કૅરેજ વર્ક્સ જેવા ઉદ્યોગો પર કેન્દ્ર-સરકારનો કાબૂ છે, જ્યારે વીજળીના સામાનની, પોર્સેલેનની, સાબુની તથા ટેલિફોનની ફૅક્ટરીઓ રાજ્યહસ્તક છે. કૃષિસાધનો-ઓજારો, પગરખાં, કાચનો સામાન, ચામડાંનો સામાન, દવાઓ, ઔષધો, કાગળ, રેડિયો-સામગ્રી, કાપડ અને ઘડિયાળો અહીં ખાનગી ક્ષેત્રહસ્તક તૈયાર થતી પેદાશો છે.

કર્ણાટક રાજ્ય ભારતનું 80 % જેટલું રેશમ ઉત્પન્ન કરતું હોવાથી બૅંગ્લોર આખા દેશનું રેશમ અને રેશમી વસ્ત્રો માટેનું મોટું બજાર તેમજ નિકાસમથક ધરાવે છે. અહીં વણાટકામ તથા રંગકામના એકમો પણ ચાલે છે. આજુબાજુના પ્રદેશમાં કૉફી, બાજરી, તેલીબિયાંની ખેતી તથા ઢોર અને ઘેટાં ઉછેર થાય છે.

પરિવહન : બૅંગ્લોર દક્ષિણ ભારત માટેનું પરિવહન-જંક્શન છે. આજુબાજુનાં શહેરો અને નગરો માર્ગ-ગૂંથણીથી બગ્લોર સાથે જોડાયેલાં છે. અહીંથી ચેન્નઈ જવા માટેનો રેલમાર્ગ પણ છે; તેમજ મુંબઈ, ચેન્નઈ અને શ્રીલંકા જવા માટેની રોજિંદી હવાઈ સેવા ઉપલબ્ધ છે.

ઇતિહાસ : 1357માં સ્થળના મુખી (નાયક) કૅમ્પે ગૌડાએ બૅંગ્લોરની સ્થાપના કરેલી. તેણે આ સ્થળને બેંગાલુરુ (બાફેલા વાલનું ગામ) નામ આપેલું. તેની સરહદ પૂરી થતી સમજવા માટે ત્રણ છત્રીઓ બાંધેલી; આ પૈકીની એક છત્રીનું પુનર્નિર્માણ 1761માં હૈદરઅલીએ કરાવેલું, તે આજે પણ લાલબાગના વનસ્પતિ-ઉદ્યાન ખાતે જોવા મળે છે. 1799માં, હૈદરઅલીનો પુત્ર ટીપુ સુલતાન અહીં શ્રીરંગપટ્ટણમની લડાઈમાં હારેલો અને મરાયેલો. બ્રિટિશ લશ્કર આ લડાઈ જીતી ગયેલું. તેમણે બૅંગ્લોર સહિત મૈસૂરની ગાદી તે અગાઉના વાડિયાર વારસને સોંપેલી. અંગ્રેજોએ તેમના રક્ષણાર્થે બૅંગ્લોર ખાતે 1809માં લશ્કરી છાવણીનું મથક સ્થાપેલું. 1831થી 1881 સુધી બૅંગ્લોર આ આખાય વિસ્તાર માટે બ્રિટિશ વહીવટનું મુખ્ય મથક રહેલું. 1947 સુધી લશ્કરી છાવણી પણ આ શહેર ખાતે નિભાવવામાં આવેલી.

ગિરીશભાઈ પંડ્યા