બૃહત્સર્વાનુક્રમણી : વેદનાં સૂક્તોના ઋષિઓ, છંદો, દેવતા, અનુવાક્, સૂક્ત વગેરેની સૂચિઓનો ગ્રંથ.
‘સર્વાનુક્રમણી’માં વેદના ઋષિ, મંત્ર, દેવતા અને વિષયને સૂક્ત તથા અનુવાકના ક્રમ પ્રમાણે એકત્રિત કરવામાં આવ્યા છે. ‘બૃહત્સર્વાનુક્રમણી’માં આ ચારેય વિષયોને એકસાથે રાખવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં મૌખિક પઠન–પાઠન–પદ્ધતિ હતી; અભ્યાસુને તેમજ અધ્યાપકને તે તત્કાલીન સંદર્ભમાં સહાયરૂપ બનતી હતી. વેદના પ્રધાન સંપાદક તરીકે મહર્ષિ વેદવ્યાસ સર્વસ્વીકૃત છે. ચારેય વેદની વિવિધ શાખાઓની અધિકૃત વાચના માટે તેમણે શૌનક, પૈલ, સુમન્તુ ઇત્યાદિ શિષ્યોને આ કામગીરી સુપરત કરી હતી. શૌનકમુનિને આ ‘બૃહત્સર્વાનુક્રમણી’ના સંપાદક અથવા રચયિતા માનવામાં આવે છે. એક મંત્રમાં એક કરતાં વધારે દેવો હોય તો તે બધાનો ઉલ્લેખ આ સર્વાનુક્રમણીમાં થાય છે. તેના છંદવિષયમાં બૃહતી છંદના પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ રીતે આવાં વિવિધ પાસાંને લગતી મંત્ર વિષયની નાની રૂપરેખા મર્યાદિત શબ્દોમાં રજૂ થાય છે. ઋગ્વેદમાં ‘મંડલ’ને બદલે ‘અનુવાક્’ને કર્તાએ પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે ‘અનુવાક્’ પદ્ધતિ વધારે પ્રાચીન છે. યજુર્વેદની અનુક્રમણીમાં મંત્રની સાથે યજ્ઞવિષયક માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે છે. વૈદિક પદાનુકોશ અને શબ્દાનુકોશમાં અકારાદિ ક્રમ સચવાય છે. સર્વાનુક્રમણીમાં અનુવાક્, સૂક્ત અને મંત્રને આધારે ઋષિ, દેવતા અને છંદનું વર્ગીકરણ કરવામાં આવે છે. ‘બૃહત્સર્વાનુક્રમણી’ સાહિત્યને કારણે ચારેય વેદની મૂળ સંહિતા, તેના અનુવાક્ અથવા કાંડ અને ઋચા, યજુસ્ અથવા મંત્રોનો ક્રમ અદભુત રીતે સચવાયો છે. આ કારણે વેદની સંહિતા અને પદપાઠમાં કોઈ વિકૃતિ આવી નથી તથા સંહિતા અખંડિત રહી છે. સંહિતામાં કોઈ પુરાકલ્પન અથવા કથાનો ઉલ્લેખ હોય ત્યારે ‘સર્વાનુક્રમણી’ તેનો નિર્દેશ માત્ર કરે છે. તેના વિષયવસ્તુનું વર્ણન બૃહદ્-દેવતામાં થાય છે. ‘બૃહત્સર્વાનુક્રમણી’ને આધારે ઋષિ, છંદ, દેવતા અને વિશેષ શબ્દોની સૂચિઓ તૈયાર કરવામાં આવે છે. શૌનક, કાત્યાયન, માધવ ભટ્ટ વગેરે સર્વાનુક્રમણી તૈયાર કરનારા આચાર્યો છે. યજુર્વેદની સર્વાનુક્રમણી પર મહાયાજ્ઞિક શ્રીદેવે ભાષ્યની રચના કરી છે. સામવેદ અને અથર્વવેદની પણ સર્વાનુક્રમણીઓ છે. ચારેય વેદની બૃહત્સર્વાનુક્રમણીઓ હાલમાં ઉપલબ્ધ છે.
વિનોદ મહેતા