બૂનિયન, ઇવાન ઍલેક્સેજેવિક

January, 2000

બૂનિયન, ઇવાન ઍલેક્સેજેવિક (જ. 23 ઑક્ટોબર 1870, વરૉનિશ, રશિયા; અ. 8 નવેમ્બર 1953, પૅરિસ, ફ્રાન્સ) : જાણીતા રશિયન કવિ, નવલકથાકાર અને વીસમી સદીના એક શ્રેષ્ઠ લેખક. ગરીબ અને નાના દરજ્જાના ઉમરાવ કુટુંબમાં જન્મ. એલેટ્સમાં પ્રાથમિક શિક્ષણ. મૉસ્કો યુનિવર્સિટીમાં એક વર્ષ અભ્યાસ કર્યા પછી આર્થિક કારણોસર કારકુનની નોકરી સ્વીકારી, પત્રકારત્વનું કામ પણ કર્યું. 1891માં તેમનાં ઊર્મિગીતોનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. તેમના બીજા કાવ્યસંગ્રહ ‘લિસ્ટોપેડ’(ધ ફોલ ઑવ્ ધ લીફ, 1898)ને સારો આવકાર મળ્યો. તેમનાં કાવ્યો પર પેરાનૅશિયન અસર જોવા મળે છે, અને તે પુશ્કિન પછીની પરંપરાનાં છે.

‘રોદિના’ (મધરલૅન્ડ) નામની નવલકથાથી તેમણે ગદ્ય સાહિત્ય-સ્વરૂપના ખેડાણનો પ્રારંભ કર્યો. વિખ્યાત અમેરિકન કવિ લાગફેલોની ‘સાગ ઑવ્ હાયાવાથા’ કવિતાનો રશિયન ભાષામાં અનુવાદ કરવા બદલ રશિયન અકાદમી દ્વારા તેમને 1903માં પુશ્કિન પારિતોષિક મળ્યું હતું. કવિ બાયરનની કવિતા ‘મેનફ્રેડ ઍન્ડ કૅન’નો અનુવાદ પણ તેમણે કર્યો હતો. 1909માં તેઓ ફેલો તરીકે નિમાયા હતા.

ટૂંકી વાર્તાઓ દ્વારા તેમને સારી ખ્યાતિ મળી. એક વિશિષ્ટ પ્રકારના સફરજનની વાસ દ્વારા મનમાં જાગતા વિચારો, કલ્પનાઓના સંકલનને આધારે ઉમરાવવર્ગનું અસરકારક ચિત્રાંકન જેમાં કરાયું છે તે અંતોનવ્સ્કિયે યાબ્લકી (‘અંતોનૉવ ઍપલ્સ’, 1910) અને ‘ગસ્પદીન ઇઝ સાન ફ્રાન્સિસ્કો (ધ જેન્ટલમૅન ફ્રૉમ સાન ફ્રાન્સિસ્કો, 1916) વિશેષ જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘ડાર્ક ઍવન્યૂસ’ ( 1943) એ તેમનો છેલ્લો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.

મધ્ય રશિયામાં વસતા ઉમરાવવર્ગના પતન અને ખેડૂતજીવનને અનુલક્ષીને કેટલીક નવલકથાઓ તેમણે લખી છે, તે પૈકી ‘ધ વિલેજ’ (1910); ‘મિટીનોઝ લવ’ (1925); ‘કર્સ્ડ ડેઝ’, (1926); ‘લાઇફ ઑવ્ આર્સેનેવ’ (ચરિત્ર) (1930); ‘ટૉલ્સ્ટૉયઝ લિબરેશન’ (1937); ‘મેમરીઝ ઍન્ડ પૉટ્રેટ્સ’ (1950) અને ‘ઓ ચૅખૉવ’ (1955) મુખ્ય છે. ‘વૉટરલેસ વૅલી’ આધુનિક રશિયન સાહિત્યની શ્રેષ્ઠ ગદ્યકૃતિ ગણાય છે. તેઓ રશિયન ક્રાંતિની વિરુદ્ધ હતા. ક્રાંતિ બાદ તેઓ પૅરિસ ચાલ્યા ગયા હતા. 1933ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો. સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ રશિયન લેખક હતા.

બળદેવભાઈ કનીજિયા