બૂટપૉલિશ : હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1954. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર. કે. ફિલ્મ્સ; નિર્માતા : રાજ કપૂર; દિગ્દર્શક : પ્રકાશ અરોડા; કથા-પટકથા-સંવાદ : ભાનુ પ્રતાપ; ગીત : શૈલેન્દ્ર, હસરત જયપુરી, સરસ્વતીકુમાર ‘દીપક’; છબિકલા : તારા દત્ત; સંગીત : શંકર-જયકિશન; મુખ્ય કલાકારો : બેબી નાઝ, રતનકુમાર, ડૅવિડ, ચાંદ બુર્ક, વીરા, ભૂપેન્દ્ર કપૂર, ભુદો અડવાણી, શૈલેન્દ્ર, પ્રભુ અરોડા.
અનાથ બાળકોની સમસ્યાનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતા આ સામાજિક ચિત્રમાં ઊછરતી પેઢીને નિષ્ઠા, પ્રામાણિકતા અને કઠોર પરિશ્રમ કરવાની શીખ અપાઈ છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યા બાદનાં શરૂઆતનાં વર્ષોમાં નિર્માણ પામેલા આ ચિત્રમાં એક તરફ શોષણનો ભોગ બની રહેલાં અનાથ બાળકોનું ચિત્રણ કરાયું છે, સાથોસાથ ‘નન્હેમુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ, મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી’ ગીત બાળકો પાસે ગવડાવીને આવનારા સુખદ ભાવિની કલ્પના પણ કરાઈ છે.
બે અનાથ બાળકો ભોલા અને બેલુની આ વાર્તા છે. નાની ઉંમરમાં બંને અનાથ બની જાય છે. પિતાને કાળાં પાણીની સજા થાય છે અને મા કૉલેરામાં મરી જાય છે. સેવાસમિતિવાળા આ બંને બાળકોને કમલાચાચી પાસે મૂકી જાય છે. કમલા બંને પાસે ભીખ મંગાવે છે. એ જ વસાહતમાં રહેતો એક પગે લંગડો જૉન આમ તો દારૂનો ધંધો કરે છે, પણ બાળકોને ભીખ માગવા કરતાં પ્રામાણિકપણે કમાણી કરવાની પ્રેરણા આપે છે. તેમને બૂટપૉલિશ કરવાનું કહે છે. બાળકો બૂટપૉલિશ શરૂ કરે છે, પણ કમલાને તે ગમતું નથી. સંજોગો એવા પેદા થાય છે કે જૉનને જેલમાં જવું પડે છે, બીજી બાજુ બેલુ અને ભોલા જુદાં પડી જાય છે; પણ અંતે ભોલા-બેલુ અને જૉનનું મિલન થાય છે.
‘બૂટપૉલિશ’ બાલચિત્ર પણ છે અને કલાચિત્ર પણ છે. તેમાં મુખ્ય ભૂમિકા બાલ-કલાકારોએ ભજવી છે અને વાર્તાના કેન્દ્રસ્થાને તેઓ જ છે. આ ચિત્રમાં પરંપરાગત વ્યાવસાયિક ચિત્રોની જેમ નાયક-નાયિકા નથી કે તેમની વચ્ચે પાંગરતા પ્રણયની પણ વાત નથી. આ ફિલ્મનાં ‘તુમ્હારે હૈં તુમ સે દયા માંગતે હૈં’, ‘લપકઝપક તૂ આ રે બદરવા’, ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ ?’ જેવાં ગીતો લોકપ્રિય રહ્યાં છે.
હરસુખ થાનકી