બૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Millingtonia hortensis Linn. f. (હિં. બં., आकाशनीम, नीम चमेली, मीनी-चम्बेली; મ. આકાશ નીમ્બ, નીમી-ચમ્બેલી; ગુ. બૂચ, લટક ચમેલી, આકાશ લીમડો; અં. ઇડિયન કૉર્ક ટ્રી, ટ્રી જૅસ્મિન) છે.
તે એક એકલ પ્રરૂપ (monotypic) પ્રજાતિ છે અને બર્મા અને મલાયાની મૂલનિવાસી છે અને ભારતમાં પ્રાકૃતિક બની છે. તે સીધું થડ અને લાંબો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવતું લગભગ 24 મી. ઊંચું વૃક્ષ છે. તેનો પર્ણસમૂહ ઘેરા લીલા રંગનો હોય છે અને શોભન વનસ્પતિ તરીકે સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવે છે. દ્વિ કે ત્રિપીંછાકાર સંયુક્ત પર્ણો ધરાવે છે. પર્ણિકાઓ અંડાકાર કે અંડ-ભાલાકાર (ovate-lanceolate) હોય છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો હોય છે. પુષ્પો સફેદ કે ગુલાબી રંગનાં, સુગંધીદાર અને 8 સેમી.થી 10 સેમી. લાંબાં હોય છે. પુષ્પનિર્માણ વસંત ઋતુમાં અને ઘણી વાર દિવાળીની આસપાસ ફરી વાર થાય છે. વસંત ઋતુમાં થોડાંક પર્ણો ખરી પડતાં હોવાથી પુષ્પો દૂરથી દેખાય છે. તેનું ફળ નાજુક, ચપટું અને પ્રાવર પ્રકારનું હોય છે. બીજ ચપટાં અને સપક્ષ હોય છે.
તેનું વૃક્ષ સહિષ્ણુ (hardy) હોય છે. ભેજવાળા વાતાવરણમાં ખૂબ સારી રીતે ઊગતું હોય છે. શુષ્ક પરિસ્થિતિમાં પણ તે ઊગે છે. પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. બીજના એક વર્ષના રોપા તૈયાર કરી ચોમાસામાં તેને નિયત સ્થાને વાવવામાં આવે છે. વસંત ઋતુમાં કટકારોપણ દ્વારા અથવા ચોમાસામાં પીલાં (root suckers) દ્વારા પણ તેનો ઉછેર કરી શકાય છે. તેની વૃદ્ધિ સીધી અને ઝડપી હોય છે. તેથી તે ફેલાતું નથી.
તેના સુંદર પર્ણસમૂહ અને સુગંધિત પુષ્પોને કારણે શોભન વનસ્પતિ તરીકે રસ્તા પર બંને બાજુએ અને ઉદ્યાનોમાં રોપવામાં આવે છે. તેનો છાંયડો ઓછો હોય છે અને તે બરડ હોવાથી તેમજ તેનાં છીછરાં મૂળ હોવાથી વાવાઝોડા વખતે તૂટી પડે છે. તે પીલાંઓ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે; જે ઉદ્યાનના વિકાસ માટે લાભદાયી નથી.
તેનું કાષ્ઠ પીળાશ પડતું સફેદ, મૃદુ, સાધારણ વજનદાર (809 કિગ્રા./ઘમી.) ગાઢ અને સમગઠિત (even-grained) હોય છે. તેનું કાળજીપૂર્વક સંશોષણ (seasoning) કરવામાં આવે તો પ્રમાણમાં ટકાઉ પ્રકાષ્ઠ (timber) ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ રાચરચીલું, ચાનાં ખોખાં, ડ્રૉઇંગ બોર્ડ અને સપાટ મેજ બનાવવામાં થાય છે. તેની છાલ નીચલી ગુણવત્તાવાળું બૂચ ઉત્પન્ન કરે છે. તે એક કડવો પદાર્થ અને ટેનિન ધરાવે છે અને ઇંડોનેશિયામાં તેનો જ્વરહર (antipyretic) તરીકે ઉપયોગ થાય છે.
મ. ઝ. શાહ