બુડ્લેજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તેને લોગેનિયસી કુળમાંથી અલગ પાડવામાં આવ્યું છે. આ કુળની Buddleia પ્રજાતિ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ-કટિબંધીય એશિયા, અમેરિકા અને આફ્રિકામાં થયેલું છે. તેની સાથે બીજી 18 પ્રજાતિ અને 40 જાતિઓનો આ કુળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં B. asiatica નામની એકમાત્ર જાતિ ડાંગ અને વડોદરા જિલ્લાના નારેશ્વર વિસ્તારમાં નર્મદાકિનારે જોવા મળે છે.
આ કુળની મોટાભાગની જાતિઓ સદાહરિત વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. પર્ણો સાદાં, સમ્મુખ(Buddlejaની બહુ ઓછી જાતિઓમાં એકાંતરિક), અખંડિત, કુંઠદંતી (crenate) અથવા દંતુર (toothed) હોય છે અને ઉપપર્ણીય (stipular) રેખા દ્વારા જોડાયેલાં હોય છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ (terminal) અથવા કક્ષીય (axillary), સઘન ગોલાકાર (globose) કે સમશિખરૂપ (corymbiform) અને પરિમિત(cymose)થી માંડી દ્રાક્ષશાખી (thyrsoid) હોય છે. પુષ્પ ત્રિજ્યાસમમિત (actinomorphic). દ્વિલિંગી, અધોજાય (hypogynous), ચતુ:અવયવી અને નિપત્રી (bracteate) હોય છે. તે નિપત્રિકાઓ (bracteole) પણ ધરાવે છે. વજ્રપત્રો ચાર, જોડાયેલાં અને ઘંટાકાર (campanulate) હોય છે. દલપત્રો ચાર અને યુક્ત દલપત્રી (gamopetalous) હોય છે. દલપુંજ નલિકાનું મુખ રોમમય જોવા મળે છે. પુંકેસરો ચાર, દલલગ્ન (epipetalous) અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્ત સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. તે દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં બેથી વધારે અનુપ્રસ્થ (amphitropous) કે અધોમુખી (anatropous) અંડકો આવેલાં હોય છે ફળ પટવિદારક (septicidal) પ્રાવર પ્રકારનું હોય છે.
B. davidiiમાં સંયુક્ત કલગી પુષ્પવિન્યાસને કારણે યુરોપમાં શોભન જાતિ તરીકે ઉગાડવામાં આવે છે. પુષ્પો જુલાઈ-ઑગસ્ટમાં ઉદભવે છે. પુષ્પોનું પરાગનયન પતંગિયા અને ફૂદાં દ્વારા થાય છે. B. alternifoliaમાં પર્ણો સાંકડાં અને એકાંતરિક હોય છે અને પુષ્પો લાંબી શાખા પર ઉત્પન્ન થાય છે. તેમનું પરાગનયન પણ પતંગિયા દ્વારા થાય છે. બંને જાતિઓ ચીનમાં થાય છે.
આ કુળની વનસ્પતિઓનાં કેટલાંક અંત:સ્થરચનાકીય લક્ષણો અને પંચાવયવી પુષ્પોને બદલે ચતુ:અવયવી પુષ્પોને કારણે તેને લોગેનિયેસી કુળમાંથી અલગ કરી બુડ્લેજેસી કુળનો દરજ્જો આપવામાં આવ્યો છે. હેલિયરે આ કુળને ટ્યૂબીફ્લોરીમાં સ્થાન આપ્યું છે, તો મોટાભાગના વર્ગીકરણવિજ્ઞાનીઓ તેને કૉન્ટોર્ટી ગોત્રમાં મૂકે છે. હચિન્સને તેને લોગેનિયેલ્સમાં સ્થાન આપ્યું છે.
યોગેશ ડબગર