બુડાપેસ્ટ : હંગેરીનું પાટનગર, મોટામાં મોટું શહેર, હંગેરિયન સંસ્કૃતિનું કેન્દ્ર તથા ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 47° 29´ ઉ. અ. અને 19° 04´ પૂ. રે. તે ઉત્તર હંગેરીમાં આવેલી ડૅન્યૂબ નદીના બંને કાંઠા પર વસેલું છે. તેનો વિસ્તાર 525 ચોકિમી. જેટલો છે.
શહેર : બુડાપેસ્ટની વસ્તી 20,75,990 (1992) છે. હંગેરીની કુલ વસ્તીના લગભગ 20 % લોકો બુડાપેસ્ટમાં રહે છે. 1873માં બુડા, પેસ્ટ અને ઓબુડા નામનાં તદ્દન નજીક નજીક આવેલાં 3 શહેરો ડૅન્યૂબ નદીમાંના માર્ગારેટ ટાપુ સાથે જોડાઈને આ પાટનગર બનેલું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોટાભાગનું શહેર નાશ પામેલું, પરંતુ અહીંના લોકોએ ઐતિહાસિક ઇમારતો તથા પુલોનું મૂળ સ્થાપત્ય મુજબ નવનિર્માણ કર્યું છે.
શહેરની મધ્યમાંથી પસાર થતી ડૅન્યૂબ નદી પર પૂર્વ-પશ્ચિમ કાંઠાઓને જોડતા 8 પુલ આવેલા છે. નદી વચ્ચે આવેલો માર્ગારેટ ટાપુ અહીંનું ખૂબ જ લોકપ્રિય મનોરંજન-સ્થળ ગણાય છે. નદીની પશ્ચિમે આવેલો બુડા શહેર-વિભાગ વૃક્ષ-આચ્છાદિત ઉગ્ર ઢોળાવવાળી ટેકરીઓથી બનેલો છે. ત્યાં ઘણાં ઐતિહાસિક દેવળો તથા જૂનાં સુંદર મકાનો આવેલાં છે. આ વિસ્તારના મધ્ય ભાગમાં કેસલ ટેકરીને મથાળે જૂના ખંડેર સમો શાહી મહેલ સૌનું ધ્યાન ખેંચે છે. નદીની પૂર્વ તરફ આવેલો શ્રેણીબદ્ધ ઉચ્ચ પ્રદેશોથી બનેલો પેસ્ટ નામથી જાણીતો શહેર-વિભાગ બુડાપેસ્ટની 75 % જેટલી વસ્તી ધરાવે છે. જુદાં જુદાં સરકારી કાર્યાલયો અહીં આવેલાં છે. અંદર તરફના જૂના શહેર-ભાગમાં સંસદ-ભવન, હંગેરિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ તથા બેલ્વેરોસ આવેલાં છે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ કિનારીભાગો પર ઔદ્યોગિક વિસ્તારો જોવા મળે છે.
બુડાપેસ્ટમાં અનેક સંગ્રહાલયો તથા જોવાલાયક સ્થળો આવેલાં છે. અહીંનું નૅશનલ મ્યુઝિયમ પ્રાગૈતિહાસિક, રોમન, પ્રારંભિક હંગેરિયન તથા ટર્કિશ કાળની સંસ્કૃતિનો ખજાનો ધરાવે છે. નૅશનલ ગૅલરીમાં અર્વાચીન સમયની હંગેરિયન કલાનો ભંડાર રાખવામાં આવેલો છે. સિટી પાર્ક નામના સ્થળે મનોરંજન-મથકો, રેસ્ટોરંટ અને પ્રાણીસંગ્રહાલય છે. આ ઉપરાંત શહેરમાં હંગેરિયન ઑપેરા હાઉસ, મિલેનિયલ મૉન્યુમેન્ટ, લલિતકલા સંગ્રહસ્થાન, સેન્ટ સ્ટિફેન સભાખંડ, યુનિવર્સિટી, કૉલેજો, પુસ્તકાલયો અને સંશોધનકેન્દ્રો પણ આવેલાં છે. શહેરમાં અવારનવાર બૅલે તથા ઑપેરા યોજાતાં રહે છે. ઉનાળા દરમિયાન લોકો ઉદ્યાનોમાં સંગીત-જલસાઓની તથા ખનિજીય ઝરાઓમાં તરવાની મોજ માણે છે. અહીંની લગભગ બધી જ વસ્તી હંગેરિયન છે. તેઓ મૅગિયર (હંગેરિયન) ભાષા બોલે છે. મોટાભાગની વસ્તી રોમન કૅથલિક છે, કેટલાક લ્યુથેરિયન કે કૅલ્વિનિસ્ટ પણ છે.
અર્થતંત્ર : બુડાપેસ્ટમાં એક વખતે સામાન્ય ગણાતા લોકો નાના નાના ઔદ્યોગિક એકમોમાં હુન્નરકામનું કૌશલ્ય ધરાવતા હતા. 1940 પછી અહીં ઉદ્યોગોનો વિકાસ થતો ગયો. હંગેરીનું 50 % જેટલા માલનું ઉત્પાદન બુડાપેસ્ટમાં લેવાતું થયું, તેમાં રાસાયણિક પેદાશો, સુતરાઉ કાપડ, વાહનવ્યવહારનાં સાધનોની સામગ્રી, બાંધકામક્ષેત્રની સામગ્રી તથા ખાદ્યપેદાશોનો સમાવેશ થાય છે. આ શહેર હંગેરીનું મુખ્ય નાણાકીય તથા બૅંકિંગ કેન્દ્ર પણ બની રહેલું છે. બુડાપેસ્ટ દેશના હવાઈમાર્ગો, સડકમાર્ગો અને રેલમાર્ગો માટેનું કેન્દ્રીય સ્થળ ગણાય છે. ડૅન્યૂબ નદી પરનાં નાનાંમોટાં નદીબંદરો પૈકી સેપેલ(Csepel)ના મુક્ત બંદરનો પણ સમાવેશ થઈ જાય છે.
ઇતિહાસ : જ્યાં આજે બુડાપેસ્ટ વસેલું છે ત્યાં ઈ. સ. 100ના અરસામાં રોમનોએ ઍક્વિકંમ નામે ઓળખાતું એક નગર વસાવેલું. આ નગર ડૅન્યૂબ નદી પસાર કરવાના સ્થળ પર જ આવેલું હતું. પાંચમી સદીમાં હૂણ લોકોએ આ નગરનો કબજો લીધેલો. તે પછીની 4 સદી દરમિયાન જર્મનિક, સ્લૅવિક તથા અન્ય જાતિઓના લોકો અહીં આવીને વસતા ગયા. તે પછી નવમી સદીના અંતિમ ચરણમાં હંગેરિયન જાતિસમૂહો મધ્ય ડેન્યૂબની ખીણમાં આવીને વસ્યા. તેમણે ઈ. સ. 1000ના ગાળામાં અહીં ખ્રિસ્તી સામ્રાજ્યનો પાયો નાખ્યો. તેમાંથી બુડા, પેસ્ટ અને ઓબુડાનાં શહેરો વિકસ્યાં. પંદરમી સદીના ઉત્તરાર્ધ કાળમાં બુડા રૉયલ કૉર્ટનું મુખ્ય સ્થળ બન્યું; એટલું જ નહિ, પરંતુ તે ઇટાલિયન કલાના નવપ્રસ્થાન અને દર્શનશાસ્ત્રમાં માનવતાવાદ માટેનું મુખ્ય મથક પણ બની રહ્યું.
1541થી 1686 સુધી બુડાપેસ્ટનો કબજો ટર્કિશ આક્રમણકારોને હસ્તક રહેલો. તે પછી આ શહેર સમર્થ ગણાતા યુરોપીય રાજવીઓ – ઑસ્ટ્રિયન હેપ્સબર્ગોના અંકુશમાં આવ્યું. ઓગણીસમી સદી દરમિયાન હંગેરિયન દેશભક્તોએ પેસ્ટ શહેરને સાંસ્કૃતિક તથા રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. 1848માં પેસ્ટ શહેર હંગેરીનું પાટનગર પણ બનેલું.
1873માં બુડા, પેસ્ટ અને ઓબુડા તથા માર્ગારેટ ટાપુ જોડાયાં. તેમાંથી નવું બુડાપેસ્ટ બન્યું; ઓગણીસમી સદીના અંત સુધીમાં આ શહેરની વસ્તી વધતી રહી, 1910 સુધીમાં તે 11,10,000 જેટલી થઈ ચૂકી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મનો તથા હંગેરિયન નાઝીઓએ બુડાપેસ્ટના યહૂદીઓની હત્યા કરી. સોવિયેટ સંઘના સમર્થનથી હંગેરિયન સામ્યવાદીઓએ વિશ્વયુદ્ધ બાદ હંગેરિયન સરકારનો કબજો લઈ લીધો; 1956માં સોવિયેટ દળોએ બુડાપેસ્ટમાં ધસી જઈને બળવાને શમાવી દીધો. વીસમી સદીના મધ્યકાળથી આ શહેરે આવાસોની ભયંકર તંગી સહન કરી છે. 1960–70 દરમિયાન હંગેરિયન સરકારે ખાનગી આવાસો માટે વ્યાજથી ધિરાણ આપવા માંડેલું, તે પછી હજારો નવા આવાસો બંધાયા છે. હજી આજે પણ આ પ્રવૃત્તિ ચાલુ છે.
ગિરીશભાઈ પંડ્યા