બુખારી, શરફુદ્દીન મુહમ્મદ (જ. ?; અ. 1515) : ‘તારીખે ગુજરાત’ નામના ફારસી ગ્રંથના લેખક. શરફુદ્દીન મુહમ્મદ બિન અહમદ બિન ઈસા બિન અલી બુખારી વિશે માહિતી ઉપલબ્ધ નથી. તેમના ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે કે તેમણે ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્રણ ખંડોમાં ફારસી ભાષામાં લખ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તેના પહેલા બે ખંડ મળતા નથી; માત્ર ત્રીજો ખંડ મળે છે, જે પ્રગટ થઈ ચૂક્યો છે. તેઓ ગુજરાતના મુઝફ્ફરી વંશના પ્રખ્યાત સુલતાન મહમૂદ બેગડા(1458–1511)ના સમકાલીન હતા. તેમણે મુઝફ્ફરી વંશના સ્થાપક ઝફરખાનના જન્મ(1342)થી લઈને તેના મૃત્યુ (1411) સુધીના ગુજરાતના ઇતિહાસને પ્રથમ ખંડમાં સમાવિષ્ટ કર્યો હતો. બીજા ખંડમાં સુલતાન એહમ્મદશાહ પહેલાના રાજ્યકાળ (1413–1442) તથા મુહમ્મદશાહ બીજો (1442–1451), કુત્બુદ્દીન અહમદશાહ બીજો (1451–1458) અને સુલતાન દાઊદના ગાદીત્યાગ (1458) સુધીની રાજકીય ઘટનાઓને આવરી લીધી હતી. પહેલા અને બીજા ખંડો અંગેની આ માહિતી લેખકે ત્રીજા ખંડની પ્રસ્તાવનામાં આપી છે. આ સિવાય ખંડ એક અને બે વિશે અન્ય કોઈ માહિતી મળતી નથી. ત્રીજા ખંડમાં સુલતાન મહમૂદ બેગડાના ત્રેપન વર્ષોના લાંબા શાસનકાળ(1458–1511)નો રાજકીય ઇતિહાસ આલેખવામાં આવ્યો છે.
તેમની વિશિષ્ટતા એ છે કે તેમણે ‘તારીખે ગુજરાત’માં રાજકીય બનાવોને વર્ષવાર નોંધ્યા છે. આમ આપણને તેમની પાસેથી ગુજરાતના સલ્તનતકાળનો ઐતિહાસિક ઘટનાઓનો આધારભૂત ઇતિહાસ જાણવા મળે છે.
તેમના પછીના ઇતિહાસકારોમાંના મોહમ્મદ કાસિમ ફિરિશ્તાએ પોતાના ઇતિહાસમાં ‘તારીખે ગુજરાત’માંથી અવતરણો લીધાં છે.
મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી