બુંદી : રાજસ્થાનના અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 59´ 11´´થી 25° 53´ 11´´ ઉ. અ. અને 75° 19´ 30´´થી 76° 19´ 30´´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,550 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર અનિયમિત સમલંબચોરસ જેવો છે. તેની ઉત્તરે ટૉક જિલ્લો; ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ કોટા જિલ્લો; દક્ષિણ તરફ ચિતોડગઢ જિલ્લો તથા પશ્ચિમ તરફ ભીલવાડા જિલ્લો આવેલા છે. ચંબલ નદી આ જિલ્લાની અગ્નિ સરહદ રચે છે અને આ જિલ્લાને કોટા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનું મુખ્ય વહીવટી મથક બુંદી ખાતે આવેલું છે અને બુંદી આ જિલ્લાનું મુખ્ય નગર પણ છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું મુખ્ય ભૂમિલક્ષણ તેની મધ્યમાંથી પસાર થતી બે સમાંતર શ્રેણીમાં વિભાજિત ઈશાન–નૈર્ઋત્ય લંબાયેલી બુંદી હારમાળા છે. તે મોટાભાગે વિંધ્ય ખડકોથી બનેલી છે અને જિલ્લાને વાયવ્ય તથા અગ્નિ વિભાગોમાં વહેંચી નાખે છે. આ હારમાળા 100 મીટરથી 538 મીટરની ઊંચાઈવાળી ટેકરીઓ તથા ડુંગરધારોથી બનેલી છે. હિંડોલી તાલુકામાં આવેલું સથુર (538 મીટર) અહીંનું સર્વોચ્ચ શિખર છે. વાયવ્યતરફી અર્ધો ભાગ મોટાભાગે પહાડી છે અને ત્યાં સખત પથરાળ જમીનો આવેલી છે; જ્યારે અગ્નિ-તરફી અર્ધો ભાગ સમૃદ્ધ કાળી-ગોરાડુ જમીનોવાળો છે. જિલ્લાની કેટલીક જમીનો છીછરી અને જંગલોના આચ્છાદનવાળી છે, પરંતુ મેદાની વિભાગોની જમીનો ખેતીયોગ્ય સમૃદ્ધ અને ફળદ્રૂપ ગણાય છે.

જળપરિવાહ : બુંદી-કોટા સરહદ બનાવતી ચંબલ આ જિલ્લાની મહત્ત્વની નદી છે. નાની નદીઓમાં મેઝ, માંગલી, બજન, ઐસ (Eais) અને તલેરાનો સમાવેશ થાય છે. આ બધી નદીઓ વર્ષાઋતુ દરમિયાન વહેતી રહે છે. લગભગ બધી જ નદીઓ બુંદી નગરથી અગ્નિકોણ તરફ વહે છે. અહીંના સ્થાનિક લોકો તેમને ‘બાવન બયાલીસા’ નામથી ઓળખે છે.

જંગલો-વનસ્પતિ : જિલ્લાનો કુલ જંગલવિસ્તાર આશરે 1,17,359 હેક્ટર ભૂમિને આવરી લે છે. અહીં જંગલોને બુંદી, હિંડોલી, નૈનવા, બરુંધન અને કાપ્રેન જેવા પાંચ વિભાગોમાં વહેંચી નાખેલાં છે. આ જંગલોને અયનવૃત્તીય સૂકાં પર્ણપાતી જંગલો તરીકે ઓળખાવાય છે. અહીંની ટેકરીઓ જંગલોથી છવાયેલી છે. જિલ્લામાં જોવા મળતાં વૃક્ષોમાં ખીજડો, ખેર, બોરડી, બાવળ, સલર, ખીરની, ધોકરા અને તેન્ડુ ઉલ્લેખનીય છે. જંગલોમાંથી લાકડાં. લકડી-કોલસો, ઘાસ, મધ અને ગુંદર જેવી પેદાશો મળી રહે છે, ધોકરાનાં પાંદડાં, ચામડાં કમાવવા માટે, તેનાં લાકડાં ખેતીનાં ઓજારો બનાવવા માટે તથા ટીમરુનાં પાન બીડી બનાવવાના ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત આ જિલ્લામાં જંગલ-નર્સરીનો પણ વિકાસ કરવામાં આવેલો છે. અહીં નીલગિરિ, સર્પગંધા જેવી વનસ્પતિ ઉગાડવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીંના વનવિભાગને સુધારવાના તથા વિકસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : અહીંની કાળી-ગોરાડુ જમીનો ભેજ-સંગ્રહક્ષમતા ધરાવતી હોવાથી રવીપાકો લેવાય છે. વળી સિંચાઈની સુવિધા પણ મળી રહેતી હોવાથી ખરીફ પાક પર ઓછો આધાર રાખવો પડે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં 66.06 % ધાન્યપાકો, 17.37 % કઠોળ, 13.06% તેલીબિયાં અને 2.97 % શેરડી સહિતના અન્ય પાકોનો સમાવેશ થાય છે. ઉત્પાદનના ક્રમ મુજબ અહીં શેરડી, ઘઉં, ચણા, ડાંગર, મકાઈ, જવ અને જુવારને મૂકી શકાય. ફળોની ખેતીને પણ અહીં મહત્વ અપાય છે. બુંદી નજીક ફળોની વાડીઓ વિકસાવવામાં આવેલી છે. તેમાં નારંગી, મોસંબી, મીઠાં લીંબુ, દાડમ, જામફળ અને આંબાનું વાવેતર થાય છે.

1,13,378 હેક્ટર જમીનોને સિંચાઈ હેઠળ આવરી લેવાઈ છે. જ્યાં સિંચાઈનું પ્રમાણ ઓછું છે ત્યાં કૂવા, તળાવો અને નહેરોનો ઉપયોગ કરવામાં આવે છે. નહેર-સિંચાઈનું પ્રમાણ વિશેષ છે.

જિલ્લામાં ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર, ઊંટ તથા ડુક્કર જેવાં પશુઓનો ઉછેર થાય છે. અહીં 6 પશુદવાખાનાં, 3 નાનાં દવાખાનાં, એક હરતા-ફરતા પશુચિકિત્સાવાહનની વ્યવસ્થા છે. નૈનવા ખાતે ઘેટાં સહિતનું લાંબા ઊનના તારનું કેન્દ્ર પણ છે.

બુંદી જિલ્લો

ઉદ્યોગો : બુંદી ખનિજોમાં સમૃદ્ધ નથી, પરંતુ અહીં રેતીખડક (પાટડા અને પટ્ટીઓ), ચૂનાખડક, આરસપહાણ અને માટી પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ ખડકોનું મોટા પાયા પર ખનન પણ થાય છે. રંગીન રેતીખડકો ધાનેસર વિસ્તારમાં તલેરા અને બુંદી નજીક મોટા જથ્થામાં તથા તલવાસ અને અર્નેથા(નૈનવા તાલુકા)માંથી થોડા પ્રમાણમાં  મળે છે. લાખેરી પાસેથી ચૂનાખડકો તથા હિંડોલી તાલુકાના ઉમર નજીકથી અશુદ્ધ ડોલોમાઇટ-યુક્ત ચૂનાખડક મોટા પાયા પર ખોદી કાઢવામાં આવે છે. સિલિકા (કાચરેતી) હિંડોલી તાલુકાના બરોડિયા ખાતે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેની જિલ્લા બહાર નિકાસ પણ થાય છે. નૈનવા તાલુકાનાં લુહારપુરા તથા હિંડોલી તાલુકાનાં ભેરુપુરા-આંતરી ગામો નજીકથી થોડા પ્રમાણમાં લોહ-અયસ્ક પણ મળે છે. શારકામ-પંક (drilling-mud), રંગકામ, ચર્મઉદ્યોગ, સુતરાઉ કાપડ અને કાગળ-ઉદ્યોગમાં વપરાતું બેરાઇટ ખનિજ હિંડોલી તાલુકાના ઉમર નજીકથી ઘણા મોટા પ્રમાણમાં મળે છે.

ઊર્જાસ્રોત અને વાહનવ્યવહારની તેમજ અન્ય જરૂરી સગવડોની અછતને કારણે આ જિલ્લો ઔદ્યોગિક રીતે અવિકસિત રહ્યો છે. અહીં લાખેરી ખાતે આવેલી એસોસિયેટેડ સિમેન્ટ કું. એકમાત્ર મોટો ઔદ્યોગિક એકમ છે, જે સંભવત: ભારતભરમાં સિમેન્ટ-ઉત્પાદન માટેનો મોટામાં મોટો એકમ ગણાય છે.

કુટિર ઉદ્યોગક્ષેત્રે વણાટકામ, રંગાટીકામ, છપાઈકામ, માટીનાં વાસણો, સુથારીકામ, લુહારીકામ, ચર્મપ્રક્રમણ, તેલ પીલવાના, લાખની બંગડીઓના, રમકડાંના, પગરખાંના તથા બીડીના એકમો વિકસ્યા છે. આ ઉપરાંત ખાંડ બનાવવાનાં કારખાનાં, આટાની અને તેલની મિલો, જિનિંગ-પ્રેસિંગ મિલો તથા બીડી બનાવવાનાં કારખાનાં પણ છે. રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા જિલ્લામાં ત્રણ ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ કરવામાં આવેલું છે.

વેપાર : આ જિલ્લામાંથી બહાર નિકાસ થતી ચીજવસ્તુઓમાં સિમેન્ટ, અળસી, જીરું, સિલિકા, તેલો, ચામડાં અને ખાલ, ખાંડ, ટીમરુનાં પાન અને બીડીનો સમાવેશ થાય છે. બુંદી, કેશોરીપાટણ, કાપ્રેન, નૈનવા, હિંડોલી, તલેરા નગરો વર્ષભર ધમધમતાં રહેતાં બજારનાં મુખ્ય મથકો છે. ચૂનો અને ખાંડ અહીં મોટા પાયા પર તૈયાર થતાં રહે છે.

પરિવહન : જિલ્લાનો વિસ્તાર મુખ્યત્વે પહાડી હોવાથી અહીં વાહનવ્યવહારની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં વિકાસ પામી શકી નથી. જિલ્લાભરમાં 885 કિમી. લંબાઈના માર્ગો આવેલા છે. વધુ માર્ગો બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ગામડાંઓમાં લોકોની અવરજવર અને માલસામાનની હેરફેર માટે મોટેભાગે બળદગાડાંનો ઉપયોગ થાય છે.

પ્રવાસન : સમગ્ર રાજસ્થાનમાં બુંદી નગર અતિ સુંદર શહેર ગણાય છે. જિલ્લામાં કેટલાંક સ્થળો તેમના ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ માટે જાણીતાં બનેલાં છે : (1) બુંદી-કા-મહેલ : રાજસ્થાન તેના સુંદર અને ભવ્ય મહેલો માટે દેશભરમાં જાણીતું છે, તેમ છતાં બુંદીનો મહેલ તે બધામાં અનોખો છે. તે નાના-મોટા મહેલોનું એક સંકુલ છે; જે હાડા રજપૂતોએ તેમના શાસનકાળ દરમિયાન બંધાવેલા છે અને પુરાતત્વની ર્દષ્ટિએ તે મહત્વના ગણાય છે. છત્રમહેલ ચોક નજીક વેધશાળાનાં ખગોલીય સાધનો ગોઠવેલાં છે. અહીંની ચિત્રશાળા પ્રવાસીઓ માટેનું મોટું આકર્ષણ છે. તેની દીવાલો પર ધાર્મિક, ઐતિહાસિક શિકાર વગેરેનાં રંગબેરંગી કલાત્મક ચિત્રો જોવા મળે છે. (2) તારાગઢ કિલ્લો : 1354માં રાવ રાજા બારસિંહે બંધાવેલો, બુંદી નગરથી ઉત્તર તરફ ભૂમિસપાટીથી આશરે 180 મીટરની ઊંચાઈએ આવેલો આ કિલ્લો ઐતિહાસિક ર્દષ્ટિએ સ્મારકરૂપ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. (3) રામેશ્વરમ્ : બુંદીથી વાયવ્યમાં આશરે 14 કિમી.ને અંતરે બે પર્વતશ્રેણીઓ વચ્ચેની ખીણના ગીચ જંગલમાં ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું ‘રામેશ્વરમ્’ નામનું શિવમંદિર આવેલું છે. અહીં શિવપૂજા નિમિત્તે દર વર્ષે મેળો ભરાય છે. અહીંના શિવલિંગ પર 60 મીટર ઊંચાઈએથી એક ઝરણાનું જળ પડે છે. ઊંચાઈએથી ખાબકતા આ જળધોધનું પ્રવાસીઓને અનેરું આકર્ષણ રહે છે. અહીંના જંગલમાં ગુફાઓ પણ તૈયાર થયેલી છે. આ શિવમંદિર પાસે પણ એક મોટી ગુફા છે.

મહેલો અને મંદિરો ઉપરાંત, અન્ય સ્થળોમાં ફૂલસાગર, શિકાર બુરજ, રાણીની વાવડી, સુંદરઘાટ, સુખમહેલ, જૈતસાગર અને ચૌરસી-ખંભાની છત્રીનો સમાવેશ થાય છે. બુંદીના ઝોજુજુનો મેળો, તેજાજીનો મેળો અને દોલપાત્રાનો મેળો; હિંડોલીનો શિવરાત્રિ મેળો, તારાગઢનો ચામુંડા-માતાનો મેળો તથા કેશોરી–પાટણનો કાર્તિકી મેળો વિશેષ મહત્વ ધરાવે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 7,70,248 જેટલી છે; તે પૈકી 4,07,826 પુરુષો અને 3,62,422 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 6,36,504 અને 1,33,744 જેટલું છે. અહીં હિન્દી, રાજસ્થાની અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 7,07,689; મુસ્લિમ : 43,920; ખ્રિસ્તી : 279; શીખ : 8,211; બૌદ્ધ : 5; જૈન : 10,020; ઇતરધર્મી : 17 તેમજ અન્ય 107 જેટલા છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 2,00,611 જેટલી છે; તે પૈકી 1,54,301 પુરુષો અને 46,310 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 1,31,063 અને 69,548 જેટલું છે. અહીં બુંદી ખાતે એક સરકારી કૉલેજ આવેલી છે. જિલ્લામાં 2 જનરલ હૉસ્પિટલો, 23 નાનાં દવાખાનાં, 4 પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો અને 3 બાળકલ્યાણ-કેન્દ્રો સહિતનાં પ્રસૂતિગૃહો મળી કુલ 32 તબીબી સંસ્થાઓની વ્યવસ્થા છે. બુંદી ખાતે એક આયુર્વેદિક હૉસ્પિટલ પણ છે.

વહીવટ : બુંદી જિલ્લાને ચાર (બુંદી, હિંડોલી, નૈનવા અને કેશોરીપાટણ) તાલુકાઓમાં તથા ચાર સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. બુંદી, નૈનવા, કાપ્રેન, કેશોરીપાટણ, લાખેરી અને ઇન્દ્રગઢ એક લાખથી ઓછી વસ્તીવાળાં નગરો છે. તે દરેક નગરમાં નગરપાલિકાની વ્યવસ્થા છે. આ ઉપરાંત 4 પંચાયત-સમિતિઓ અને 137 ગ્રામ-પંચાયતો છે. પંચવર્ષીય યોજના અન્વયે સામાજિક-આર્થિક વિકાસ યોજનાઓ અમલમાં છે.

બુંદી (શહેર) : રાજસ્થાનની પ્રવાસનગરી. બુંદી જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 25° 27´ ઉ. અ. અને 75° 39´ પૂ. રે. રાજસ્થાનનાં જોવાલાયક નગરો ગુલાબી નગર જયપુર, સુવર્ણનગર જેસલમેર, સૂર્યનગર જોધપુર, સરોવરનગર ઉદયપુર તથા ઉદ્યોગનગર કોટા સાથે બુંદીની પણ આકર્ષક પ્રવાસનગરી તરીકે ગણના થાય છે. કોટાની નજીક વાયવ્યમાં આવેલું તથા કલા, સ્થાપત્ય અને કુદરતી સૌંદર્યથી પૂર્ણપણે મઢેલું આ નગર પાષાણયુગીન ઓજારો, અવશેષો, મૂર્તિઓ સહિત તેના ગૌરવભર્યા ઇતિહાસ માટે ભારતભરમાં જાણીતું બનેલું છે.

અરવલ્લી હારમાળાના પહાડી ક્ષેત્રની બુંદાની નાળ નામની ખીણ(સંકરી ઘાટી)માં તે વસેલું છે. મીણા સરદાર ‘બુંદા’ના નામ પરથી તે બુંદી તરીકે ઓળખાય છે. 1342માં રાવ દેવા હાડાએ મીણાઓ પાસેથી તેનો કબજો લઈ તેને હાડૌતી નામ પણ આપેલું. નગર તરીકે તેણે આ પહાડી ખીણમાં વસાવી, વિકસાવીને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. આ રીતે આજના બુંદીનો સ્થાપક રાવ દેવા ગણાય. રાવ દેવા પછી તેના 24 વંશજોએ ત્યાં રાજ કરેલું.

બુંદીને તેનો પોતાનો આગવો ઇતિહાસ, ગૌરવશાળી પરંપરા તથા ભૌગોલિક વિશિષ્ટતા અનાયાસે જ મળ્યાં છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં ગરમી-ઠંડી બંનેનું પ્રમાણ વિશેષ રહે છે. વરસાદનું પ્રમાણ મધ્યમસરનું રહે છે.

ચૌદમી સદીના બીજા ચરણમાં રાવ દેવા દ્વારા સ્થપાયેલું બુંદી રાજકીય ર્દષ્ટિએ તો હાડા રજપૂતોનું રાજ્ય રહેલું, પરંતુ જેને માટે તે ખ્યાતિ પામેલું છે તે ચિત્રકલાના ઇતિહાસની તવારીખ રાવ સુરજન(1554–1585)થી શરૂ થાય છે. તેણે મેવાડ સાથે સંબંધ કાપી નાખીને મુઘલ શહેનશાહ અકબરને રણથંભોરનો કિલ્લો સોંપી અકબરનું આધિપત્ય સ્વીકારેલું. તેના પૌત્ર રાવ રતનસિંહ(1607–1631)ને જહાંગીરે ‘સર બુલંદરાય’ની પદવીથી સમ્માનિત કરેલો, તથા હાડા-મુઘલ સંબધો ર્દઢ બનાવેલા. રતનસિંહના પૌત્ર છત્રસાલે (શત્રુસાલ, 1631–1658) અનેક કલાકારોને રાજ્યમાં આશ્રય આપેલો. તેનો પુત્ર ભાવસિંહ (1658–1681) પણ કલારસિક હતો, તેણે સંગીત, કાવ્ય અને ચિત્રકલાથી બુંદીને તરબોળ બનાવી મૂકેલું. તેના સમયમાં થઈ ગયેલા કવિ મતિરામે લલિત-લલામ અને રસરાજની રચનાઓ કરીને કલાકારોને તથા કલાપ્રેમીઓને ખૂબ પ્રભાવિત કરેલા.

બુંદી તેનાં પ્રાકૃતિક ર્દશ્યોની રમણીયતાથી ઘણું શાનદાર બની રહેલું છે. સ્થાપત્ય, ભવનનિર્માણકલા, વિવિધ લલિતકલાઓ, તેમજ ચિત્રકલાને કારણે માત્ર રાજસ્થાનમાં જ નહિ; પરંતુ ભારતભરમાં પણ તે ખ્યાતિ પામ્યું છે. શહેરમાં તથા બહાર ઐતિહાસિક અને પુરાતત્વીય ર્દષ્ટિએ મહત્વનાં ઘણાં સ્થળો આવેલાં છે. તેનો ઇતિહાસ શૌર્યગાથાઓથી ભરેલો છે. આખુંય નગર ખીણભાગમાં વસેલું છે. અહીંનાં મકાનો, દુકાનો, છજાં તેની પ્રાચીન કલાપરંપરાની યાદ અપાવે છે. કિલ્લા તરફ જવાના માર્ગ પર ઘોડા અને હાથીની વિશાળ મૂર્તિઓ નજરે પડે છે.

બુંદીમાં આવેલો બુંદી મહેલ સ્થાપત્યકલાનો નમૂનો ગણાય છે. સત્તરમી સદીની શરૂઆતમાં નિર્માણ પામેલા આ મહેલનાં કર્નલ ટૉડે તથા કિપલિંગે વખાણ કરેલાં છે.

બુંદી નગર માટે અધિકતર મહત્વ તો છત્રમહેલનું છે. તેનું નિર્માણ રાવ રાજા છત્રસાલે 1631માં, તે જ્યારે ગાદીનશીન થયો ત્યારે, કરાવેલું. આ રાજમહેલમાં પહોંચવા માટે હાથીપોળ(દરવાજો)માં થઈને જવાય છે, ત્યાં હાથીઓની બે વિશાળ કદની મૂર્તિઓ છે. આ મૂર્તિઓનું નિર્માણ રાવ રાજા રતનસિંહે કરાવેલું. આ દરવાજાની સામે ઉપર તરફ ‘દીવાને આમ’, તેની નજીકમાં રંગવિલાસ બગીચો તથા ચિત્રશાળા આવેલાં છે. ચિત્રશાળામાં અઢારમી સદીનાં કલાની ર્દષ્ટિએ અનુપમ ગણાતાં ઘણાં ધાર્મિક, ઐતિહાસિક તથા શિકાર સંબંધી ર્દશ્યો આકારેલાં છે.

ગઢની અંદર તરફ 1689માં અનિરુદ્ધ મહેલનું નિર્માણ કરવામાં આવેલું છે. ગઢનો એક ભાગ બાદલ મહેલ તરીકે ઓળખાય છે. બાદલ મહેલની બરાબર ઉપર ફૂલમહેલ આવેલો છે. નગરની ઉત્તર તરફ 180 મીટર ઊંચી ટેકરી ઉપર બુંદીનો શિરમોર ગણાતો તારાગઢનો કિલ્લો આવેલો છે. કહેવાય છે કે તેનું નિર્માણ રાવ રાજા વરસિંહે 1354માં કરાવેલું.

બુંદી શહેરની જુદી જુદી દિશાઓમાં ટેકરીઓ પર છત્રીઓ જોવા મળે છે. કોટા જતા માર્ગ પર શિલ્પ-સ્થાપત્યની ર્દષ્ટિએ અનેરી, 84 સ્તંભોવાળી છત્રી પ્રવાસીઓ માટે અનન્ય આકર્ષણરૂપ છે. તેનું બાંધકામ 1683માં રાવ રાજા અનિરુદ્ધના ભાઈ દેવા દ્વારા કરવામાં આવેલું છે. બુંદીનાં જુદાં જુદાં બાંધકામોમાં રાજાઓનો જ માત્ર નહિ, રાણીઓનો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે. રાવ રાજા અનિરુદ્ધની રાણી નાથાવતે 1699માં સ્થાપત્યકલાના નમૂનારૂપ એક મોટી વાવ બંધાવેલી. શહેરથી આશરે 2.5 કિમી. દૂર ક્ષાર બાગ, 8 કિમી. વાયવ્ય તરફ ફૂલસાગર તળાવ તથા બાગ જોવાલાયક છે. શહેરથી થોડેક દૂર ટેકરીઓની વચ્ચે જૈતસાગર તળાવ, તેને કિનારે સુખમહેલ તથા શહેરની પશ્ચિમે મહારાવ રાજા ઉમેદસિંહે બંધાવેલું નવલસાગર તળાવ આવેલાં છે. નવલસાગરની પેલી પાર મોતીમહલ તથા સુંદરઘાટ છે.

આ શહેર માટે વિશિષ્ટ પ્રદાન કરતી બાબત તેની ‘બુંદી શૈલી’ છે. સત્તરમી સદીના પ્રારંભમાં મુઘલ શૈલીથી પ્રભાવિત થતી રહીને બુંદીએ પોતાની આગવી શૈલી વિકસાવી અને પ્રસ્થાપિત કરી. રાવ છત્રસાલે સુંદર ભીત્તિચિત્રોથી સુસજ્જ એવો રંગમહેલ બનાવરાવેલો. અઢારમી સદી સુધીમાં તો બુંદી શૈલી તેની ચરમસીમાએ પહોંચેલી. રંગવૈવિધ્ય અને ચટકીલાપન, શારીરિક ગઠન વગેરેથી યુક્ત ઋતુઓ અનુસારનાં શૃંગારકાવ્યો પર આધારિત આ શૈલીમાં મુઘલ શૈલીની અસર અને ઝલક હોવા છતાં બુંદીએ પોતાની મૌલિક કલાશૈલી તૈયાર કરી. અઢારમી સદીના મધ્યકાળમાં રાજા ઉમેદસિંહના સમય(1748–1771)માં તેમાં નવો વળાંક આવ્યો. તેનાથી સ્થાપત્યોમાં, ભવનોના નિર્માણમાં, શિલ્પો અને ચિત્રોનાં નાયક-નાયિકાઓની શારીરિક અંગભંગિમાં, પ્રકૃતિચિત્રો, પશુ-પક્ષીઓ, વાદળો, જળાશયો વગેરે ચિત્રોમાં વિવિધતા-નવીનતા ર્દષ્ટિગોચર થાય છે.

ઓગણીસમી સદીના પ્રારંભમાં અંગ્રેજ શાસન હેઠળ પ્રસરી ચૂકેલી પાશ્ચાત્ય અસરને કારણે શૈલીમાં ફેરફાર થયેલો દેખાઈ આવે છે, પરિણામે રાજસ્થાનની બધી જ શૈલીઓની સાથે સાથે બુંદી શૈલીમાં પણ ઓટ આવી. પ્રસિદ્ધ વિદ્વાન પર્સી બ્રાઉને અને માઇલોવિચે પણ બુંદી શૈલીના મહત્વને સ્વીકાર્યું છે.

ગિરીશભાઈ પંડ્યા