બુંદદાણા (કૉફી) : દ્વિદળી વર્ગમાં આવેલા રુબીએસી કુળની એક વનસ્પતિનાં બીજ. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Coffea arabica (હિ., મ., काफी, બં. કૌફી; અં. કૉફી) છે. ચા પછી વિશ્વનું દ્વિતીય ક્રમમાં આવતું લોકપ્રિય પીણું છે, જે બુંદદાણામાંથી બને છે. અરબસ્તાન, ભારત, હિંદી મહાસાગરમાંના બેટ અને વેસ્ટ ઇંડિઝમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં દક્ષિણ ભારતીય બધાં રાજ્યોમાં, આસામ, નેપાળ અને ખાસિયાની પહાડી ભૂમિમાં તે ખૂબ થાય છે. તેના છોડ ત્રણથી ચાર હાથ ઊંચા હોય છે અને તે સમ્મુખ ગોઠવાયેલાં સદાહરિત પર્ણો ધરાવે છે; તેની પર સફેદ ચમેલી જેવાં પુષ્પો ગુચ્છમાં ઉદભવે છે. પુષ્પો આવ્યાં પછી આઠ મહિને ફળો પાકે છે. તે લાલ રંગનાં હોય છે. પ્રત્યેક ફળમાં બે ગોળ, ચપટાં, પીળાશ પડતા સફેદ રંગનાં અને મીઠી સુગંધ ધરાવતાં બીજ હોય છે. તેને ઘીમાં શેકીને કૉફી પાઉડર બનાવવામાં આવે છે. કૉફી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને રક્તવૃદ્ધિ થાય છે. જાગરણ થાય તોપણ તેના યોગથી અન્નપાચન થાય છે. તે ગરમ હોવાથી ઉષ્ણ આબોહવામાં રહેતા લોકોએ નિત્ય પીવી હિતકારક નથી.
બુંદદાણા હળવા, રુક્ષ; મધુર – તૂરા – કડવા, ઉષ્ણવીર્ય, હૃદય માટે હિતકર અને મૂત્રલ છે. તે કફ-વાતશામક, નાડીને ઉત્તેજન આપનાર, ચેતાતંત્ર માટે ઉત્તેજક, મૂત્રજનન અને જીવનવિનિમય-ક્રિયાશોધક, પિત્તવર્ધક, વિષઘ્ન, ભૂખવર્ધક, વાયુ સવળો કરનાર, સંગ્રાહી અને તાવ, ખાંસી, શ્વાસ, મૂત્રકૃચ્છ્ર, પથરી, મંદાગ્નિ, ઝાડા, મરડો, શિર:શૂલ, માનસિક શિથિલતા, વાઈ, સંધિવા, આમવાત, નિદ્રા, તંદ્રા, સોજા અને શારીરિક જડતાનો નાશ કરનાર છે. તે વધુ માત્રામાં લેવાથી નુકસાન કરે છે.
કૉફીનાં પાન જ્વરઘ્ન છે અને તાવ પર પર્ણોનો 3થી 6 ગ્રા.નો ક્વાથ આપવામાં આવે છે.
બળદેવપ્રસાદ પનારા