બી.સી.જી. : ક્ષય રોગ સામે રક્ષણ આપતી એક પ્રકારની રસી. કાલમેટ અને ગુએરીન નામના ફ્રેંચ વૈજ્ઞાનિકોએ 1921માં આ રસી શોધી હતી. ક્ષય રોગ માટે જવાબદાર બૅક્ટેરિયા Mycobacterium tuberculosis દંડાણુ (Bacillus) પ્રકારનો હોવાથી આ રસીને બેસિલસ ઑવ્ કાલમેટ–ગુએરીન (બી.સી.જી.) કહે છે. ગોજાતીય (bovine) પ્રાણીઓમાં ક્ષય ઉપજાવનાર સૂક્ષ્મજીવમાંથી બનાવવામાં આવતી તે એક પ્રકારની જીવંત રસી છે.
આ રસીને લીધે ક્ષયના બૅક્ટેરિયાની રોગજનકતા (pathogenicity) કુંઠિત થાય છે. ત્યારબાદ જીવંત અવસ્થામાં આ બૅક્ટેરિયા શરીરમાં દાખલ થાય તોપણ તે શરીરમાં રોગ ઉપજાવી શકતા નથી. તેમના પ્રતિજનના બંધારણને કારણે યજમાનના કોષોમાં પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થાય છે, જે ભવિષ્યમાં ક્ષયનો ચેપ લગાડનાર બૅક્ટેરિયા સામે સુરક્ષા બક્ષે છે.
ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં આ જીવંત રસી બાળકોને આપવામાં આવે છે. બાળકના જન્મ બાદ 7 દિવસથી 60 દિવસની મુદત દરમિયાન આ રસી આપવી જરૂરી હોય છે. આ રસીનું બહુછિદ્રીય (multiple puncture) પદ્ધતિથી હાથના ઉપરના ભાગમાં 0.1 મિલી.નું અંત:ક્ષેપણ કરવામાં આવે છે. 10થી 11 વર્ષની ઉંમરે બીજી વાર આ રસી આપવામાં આવે છે, જે અભિવર્ધક માત્રા (booster dose) તરીકે ઓળખાય છે. તાજા જન્મેલા બાળક સિવાય અન્યને રસી આપતા પહેલાં ટ્યૂબરક્યૂલિન કસોટી કરી લેવી જરૂરી છે. જો પરિણામ નકારાત્મક માલૂમ પડે તો જ ફરીથી બી.સી.જી.ની રસી આપવામાં આવે છે.
હાલમાં બી.સી.જી.ની અસરકારકતા વિવાદાસ્પદ ગણાય છે અને તેથી અમેરિકા જેવા દેશમાં આ રસીનો ઉપયોગ બહુ કરવામાં આવતો નથી. વિકસિત દેશોમાં માત્ર તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓને અને જે કુટુંબમાં આ રોગ જણાયો હોય તે કુટુંબનાં બાળકોને આ રસી આપવામાં આવે છે.
હોસંગ ફરામરોજ મોગલ