બીવા સરોવર : જાપાનમાં આવેલું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર. જાપાની ભાષામાં તે બીવા-કો નામથી ઓળખાય છે. તે બીવા નામના જાપાની વાજિંત્રના આકારનું હોવાથી તેને ‘બીવા’ નામ અપાયેલું છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 136° 05´ પૂ. રે. પર તે હોંશુ ટાપુના દક્ષિણ-મધ્ય ભાગમાં કિયોટોથી ઈશાનમાં 9 કિમી. અંતરે, કિન્કી પ્રાંતના શિગા પરગણામાં આવેલું છે. આશરે 676 ચોકિમી.નો વિશાળ વિસ્તાર આવરી લેતા આ સરોવરની ઉ. દ. લંબાઈ 64 કિમી., પૂ. પ. પહોળાઈ સ્થાનભેદે 3થી 19 કિમી., મહત્તમ ઊંડાઈ 103 મીટર તથા સ્થાનભેદે સરેરાશ ઊંડાઈ પશ્ચિમ કિનારા નજીક 59 મીટર તો બાકીના ભાગમાં 70 મીટર જેટલી છે. વસંતઋતુમાં હિમગલનથી અને વર્ષાઋતુના ગાળા દરમિયાન વરસાદથી કે ક્વચિત્ આવી જતાં ટાઇફૂનના વાવાઝોડાથી તે છલોછલ ભરાઈ જાય ત્યારે તેની સપાટી 3 મીટર ઊંચી આવે છે.

ઉત્પત્તિની ર્દષ્ટિએ જોતાં તે એક રચનાત્મક (structural) પ્રકારનો ગર્ત છે. ઈ. પૂ. 286માં અહીં ભૂકંપ થવાથી અવતલનને કારણે તે તૈયાર થયેલું છે. આજુબાજુના પર્વતોમાંથી નીકળીને વહી આવતી નદીઓનાં જળ તેમાં ઠલવાય છે. તેના દક્ષિણ તરફના છેડે આવેલા એકમાત્ર નિર્ગમ-માર્ગમાં થઈને સેટા (Seta) અથવા યોડોગાવા (Yodogava) નદી નીકળે છે અને ઓસાકા ઉપસાગરને જઈ મળે છે.

બીવા સરોવર

આ સરોવરમાં ટ્રાઉટ સહિતની સ્વચ્છજળની અન્ય માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાંથી કૃત્રિમ મોતીનું ઉત્પાદન પણ લેવાય છે. વળી ક્યોટો અને ઓત્સુ શહેરોને તેના જળસંચયમાંથી નહેરો મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. નજીકમાં આવેલા સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે તે જળસ્રોતની ગરજ સારે છે. વળી હાનશીન(ઓસાકો-કોબે)ના ઔદ્યોગિક પ્રદેશ અને જાપાની સમુદ્ર વચ્ચે તે સેતુ સમાન છે.

પ્રાચીન જાપાની ઇતિહાસ મુજબ આ સરોવર જાપાની સમુદ્ર અને અંદરના સમુદ્ર વચ્ચે જોડાણ રચતું હતું. આ સરોવરને કારણે હાનશીનના ઔદ્યોગિક વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળ્યો છે. આ ઉપરાંત 1970ના દાયકાનાં અંતિમ વર્ષો દરમિયાન આ વિસ્તારમાં ભારે ઉદ્યોગ માટે આ સરોવરજળનું એક વૈકલ્પિક સ્રોત તરીકે આયોજન કરવામાં આવેલું છે. અહીંના નજીકના વિસ્તારમાંથી વધુ પડતું ભૂગર્ભજળ ખેંચી લેવાથી તે વિસ્તારનું ભૂમિ-અવતલન થયું છે, પરિણામે સરોવરમાં પીવાના પાણીની, મત્સ્યઉછેરની તેમજ અહીંના ભૂમિર્દશ્યની રમણીયતામાં ઓટ આવી છે. આ સરોવરની આસપાસ નયનરમ્ય, મનોહારી પ્રાકૃતિક સોંદર્ય તથા માઉન્ટ હી-ઈ-જાન પર ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી કવિઓ માટે તે કવિતાનું વિષયવસ્તુ બની રહેલું છે. સરોવર અને તેને વીંટળાયેલા પર્વતો વચ્ચે ‘બીવા-કો મનોરંજન ઉદ્યાન’ પણ છે. પ્રાચીન મંદિરો, રમણીય ર્દશ્યો  તેમજ સરોવરમાંથી મળી રહેતી રેનબો ટ્રાઉટ માછલીઓને કારણે તે નવદંપતીઓ માટેનું વિશિષ્ટ પ્રવાસ-સ્થળ બની રહ્યું છે.

નીતિન કોઠારી